રોશન સદાશિવ કુળે પારીને કહે છે, "ખરું કહું તો હું નસીબદાર છું." નસીબદાર કે તેઓ જીવતા છે. નસીબદાર કે તેઓ પોતાને ઘેર છે.
પાંચ વર્ષ પહેલાં મિન્થુર ગામના આ 34 વર્ષના નાના ખેડૂતને તેમની 12 જર્સી ગાયો લમ્પી સ્કિન ડિસીઝની ઝપેટમાં આવી ગઈ હોવાની જાણ થઈ ત્યારે આ બધું શરૂ થયું હતું. માર્ચ 2021 માં કોવિડ-19 ની બીજી લહેર દેશભરમાં ફેલાઈ રહી હતી ત્યારે મહારાષ્ટ્રભરમાં પશુઓ મૃત્યુ પામી રહ્યા હતા.
રોશન યાદ કરે છે, "તેમની સારવાર પાછળ મેં ઘણા પૈસા ખર્ચ્યા. પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં."
છ ગાયો મૃત્યુ પામી. દૂધનું ઉત્પાદન પડી ભાંગ્યું. ડેરીની આવક બંધ થઈ ગઈ. પરંતુ ખર્ચ બંધ ન થયો. ચંદ્રપુરના જંગલોથી ભરપૂર નાગભીડ તહેસીલના આ નાના ખેડૂત પાસે તેમની બાકીની છ ગાયો માટે દવાઓ અને રસી ખરીદવા માટે રોકડ નહોતી.
મહામારીને કારણે ઊભી થયેલી લિક્વિડિટીની તંગી દરમિયાન બેંક લોન મેળવવી મુશ્કેલ હતી. બેંકિંગ કોરસ્પોન્ડન્ટ તરીકે કામ કરતા એક મિત્રના આગ્રહથી 1 લાખ રુપિયાની અનૌપચારિક લોન માટે રોશને નજીકના બ્રહ્મપુરી શહેરમાં એક ખાનગી શાહુકારનો સંપર્ક સાધ્યો.
તેમણે વિચાર્યું કે તેમનું તરતનું સંકટ ટળી ગયું હતું.
તેઓ યાદ કરે છે, "એ પછીથી જ શરૂઆત થઈ."
માર્ચ 2021 માં રોશને તેમની ગાયો માટે જીવનરક્ષક દવાઓ ખરીદવા માટે બિન-નોંધાયેલ ધિરાણકર્તાઓ પાસેથી લીધેલી 1 લાખ રૂપિયાની લોન વધીને 50 લાખ રૂપિયા થઈ ગઈ, અને આ પશુપાલક ખેડૂત ગેરકાયદેસર અંગ પ્રત્યારોપણ કૌભાંડમાં ફસાઈ ગયા જેમાં તેમને પોતાની એક કિડની કિડની ગુમાવવા વારો આવ્યો. તેઓ એક આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ જાળમાં ફસાઈ ગયા જેણે તેમને લાઓસમાં બંધક બનાવી દીધા.















