લખપત તાલુકાના મોરી ગામના કરીમ જાટ કહે છે, “અમે કંઈ બહુ પૈસાદાર તો નથી, એ તો તમે જુઓ જ છો, પણ અમારા મહેમાનોને કેમ સાચવવા એ અમને બરાબર આવડે છે. તો, આવો આવો.” એમની ઉંમર ચાલીસેક વર્ષની હશે, અને તેઓ એવા ઘણા ફકીરાણી જાટમાંથી એક છે જેમની જિંદગી વિષે મેં પારી માટે આટલાં વર્ષોમાં લખ્યું છે. હું સાવલા પીરના મેળા પછી લખપતથી નીકળી રહ્યો હતો ત્યારે તેઓ મને વિદાય આપતી વેળાએ તેમની સાથે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવા માટે આમંત્રણ પણ આપતા ગયા. એ વાત હતી માર્ચ 2024ની, અને હાલ માર્ચ 2025 છે. હું ફરી એક વાર ગુજરાતના કચ્છના મોરી ગામે જવાના રસ્તે છું. કરીમભાઈના આમંત્રણને માન આપીને.
કરીમભાઈ મને ભેટીને આવકારવા માટે રાહ જોઈ રહ્યા છે. “તમે આવ્યા એનો મને બહુ જ આનંદ થયો,” એમના અવાજમાં ખુશી અને સ્નેહ છલકાતાં હતાં. “ચાલો, જરા આંટો મારી આવીએ, હજી આ વર્ષની રમઝાનની છેલ્લી નમાઝને થોડો સમય છે.” મોરીની એક અલગ જ સુંદરતા છે — આ ઉજ્જડ પ્રદેશમાં છેક દૂર સુધી બસ થોડા કાંટાળા થોર સિવાય કંઈ નજરે નથી પડતું. સાંજનો સમય છે, પરંતુ સૂરજ હજી આથમ્યો નથી. જોકે, કચ્છના અખાતમાંથી વાતો ઠંડો પવન રૂંવાડાં ઊભાં કરી દે તેવો છે.
એક નાનકડા તળાવને કાંઠે ઊભા રહીને અમે ડૂબતા સૂરજના સુંદર નજારાને જોઈ રહ્યા છીએ. “મેં ગાડાં વેચી દીધાં છે,” કરીમભાઈ હળવેથી બોલ્યા. “હજી મારી પાસે બસોએક જેટલા ઊંટ છે, જેને મારો નાનો દીકરો ચરાવવા લઈ જાય છે. પણ હવે આવક ઓછી થતી જાય છે ને ચરાણ પણ ઘટતાં જાય છે.” તેઓ જરા અટકીને પોતાનું ગળું સાફ કરીને બોલે છે: “બસ, હવે સાંજની નમાઝનો સમય થવા આવ્યો છે. કાલે ઈદ છે. હવે ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી. ચાલો, સાથે મળીને આ ક્ષણને માણીએ.”










