નાગાલેન્ડની સરહદે આવેલા આસામના જોરહાટ જિલ્લામાં એક નાનકડું રમણીય તાઈ તુરુંગ ગામ આવેલું છે, જેનું નામ પોહુકુટિયા શ્યામ છે. સરકારી ચોપડે તેને ટિપોમિયા હબી ગાંવ તરીકે ઓળખવામાં આવે છે.* વાંકાચૂંકા જૂના કાચા રસ્તાઓ અને હરિયાળીની વચ્ચે આવેલા પરંપરાગત ‘સાંગ ઘર’ (થાંભલાઓ પર ઊભાં કરેલાં મકાનો), નાનકડા બગીચાઓ અને વાંસની જૂની વાડોથી આ ગામનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. આ ગામમાં 77 વર્ષીય ખેડૂત, અનંત તુરુંગ રહે છે, જેઓ પોતાની માતૃભાષા, તાઈ તુરુંગમાં શબ્દોનો એક અનોખો ‘ભંડાર’ તૈયાર કરી રહ્યા છે.
તેઓ કહે છે, “ભાષા પાણી જેવી છે, વહેતી નદી જેવી – એ કાયમ એકસરખી નથી રહેવાની. પણ એનો પ્રવાહ અચાનક બદલાઈને સુકાઈ ન જવો જોઈએ.” આ જ દૃઢ વિશ્વાસથી પ્રેરાઈને, ખૂબ ઓછી જમીન ધરાવતા આ ખેડૂતે પાંચ દાયકાથી પણ વધુ સમય પોતાની માતૃભાષાને શબ્દદેહ આપવા માટે સમર્પિત કરી દીધો છે. આ સમય દરમિયાન તેમણે પોતાની તુરુંગ જનજાતિનાં મૂળિયાં શોધ્યાં, શબ્દો એકઠા કર્યા, શબ્દોનું મૂળ અને વ્યાકરણ સમજ્યું, અનેક સ્થળાંતરો અને સાંસ્કૃતિક સમન્વયને કારણે ભાષાના સ્વરૂપ અને વપરાશમાં આવેલા ફેરફારોનો અભ્યાસ કર્યો; અને આ બધા વિષે પુસ્તકો, સામયિકો અને અખબારોમાં લખ્યું.
આ બધો જ ખર્ચ તેઓ પોતાની 5 વીઘા (1.6 એકર) જમીનમાંથી થતી નજીવી આવકમાંથી જાતે જ ઉઠાવતા. તેમણે સરકારી મદદ વિના ચાલતી એક શાળામાં લગભગ 40 વર્ષથી વધુ સમય સુધી ‘બિનસત્તાવાર’ શિક્ષક અને વહીવટકર્તા તરીકે સેવા આપી હતી, અને આ કામ માટે ક્યારેય પગાર લીધો ન હતો. જ્યારે આખરે સરકારી સહાય મંજૂર થઈ અને તેઓ કારકુનના પગાર માટે હકદાર બન્યા, ત્યારે તેમની નિવૃત્તિને માંડ ત્રણ મહિના બાકી હતા. પણ આમાંનું કંઈ જ તેમના ભાષા-યજ્ઞના આડે ન આવ્યું.










