"આ એ જગ્યા છે જ્યાં હું બરફમાં લગભગ દટાઈ ગયો હતો. ઘણાએ માની લીધું હતું કે હું મરી ગયો હતો."
સરાપ તાંગલાંગલા પર્વતીય ઘાટ પર 17480 ફૂટની ઊંચાઈએ થયેલી ભારે હિમવર્ષાને યાદ કરે છે. તેઓ ઉમેરે છે, "બીજા શ્રમિકો મને બચાવવા દોડી આવ્યા હતા." તેઓ નસીબદાર હતા કે આર્મી હોસ્પિટલ નજીકમાં હતી અને તેમની સારવાર ઝડપથી થઈ શકી.
લદ્દાખના દરિયાની સપાટીથી ખૂબ ઊંચે આવેલા પર્વતીય વિસ્તારોમાં કામ કરતા સરાપ જેવા રસ્તાનું સમારકામ કરતા શ્રમિકો નિયમિતપણે અનિશ્ચિત હવામાન અને તેના પગલે ઊભા થતા જોખમોનો સામનો કરે છે. તાપમાન વારંવાર શૂન્ય ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે જાય છે, પરંતુ છેલ્લા બે દાયકામાં તાપમાન વધુ નીચું જાય છે. લેહ જિલ્લાના ગ્યા ગામના રહેવાસી સરાપ કહે છે, "હવે અમે વધુ જોખમોનો સામનો કરી રહ્યા છીએ કારણ કે - આબોહવા પરિવર્તનને કારણે હિમવર્ષા મોડી થાય છે અને પુષ્કળ બરફ પડે છે."
આ પ્રદેશના બીજા સૌથી ઊંચા ઘાટ - તાંગલાંગ લા - ને ફરીથી ખોલવાની જવાબદારી સરાપ જેવા શ્રમિકો અને તેમની ટીમની છે. હાડ થીજાવી દે તેવી ઠંડી અને આત્યંતિક હવામાન ઓક્ટોબરથી મે સુધી આ ઘાટને બંધ કરી દે છે. આ ઘાટ ખોલવાથી લેહથી મનાલીના હાઇવે પર પસાર થતા ટ્રાફિક માટે સુગમતા રહે છે - લેહથી મનાલીની 428 કિલોમીટરની મુસાફરીમાં ચાર ઘાટ પાર કરવા પડે છે, અને તેમાં તાંગલાંગ લા સૌથી વધુ ઊંચાઈએ છે. અહીંથી દેખાતું દૃશ્ય અદભુત છે, પરંતુ પવન અને ઠંડી કોઈને પણ માટે 10 થી 15 મિનિટથી વધુ સમય સુધી ઊભા રહીને આસપાસ જોવાનું મુશ્કેલ બનાવે છે.


















