ટોપલીઓ લઈને જતી સ્ત્રીઓ, કુહાડીઓ સાથે પુરુષો, બળદગાડાં હાંકતા ખેડૂતો, ગૌર મારિયાના તાલ પર નાચતાં યુવક-યુવતીઓ – ગોંડ આદિવાસી સમુદાયનું આખું જગત જાણે ગઢબંગાલના વાંસની વાડવાળા આ જૂના માટીના ઘરના આંગણામાં ઉતરી આવ્યું હોય તેવું લાગે છે. નારાયણપુરના ગીચ ઉષ્ણકટિબંધીય જંગલની અંદર આવેલું આ એક ગામ છે. આ જગ્યામાં લાકડાના પાટિયા અને તાજા કપાયેલા લાકડાની ગરમી, માટીની અને હરિયાળીની સુગંધીથી ફેલાયેલી છે. ચારે બાજુ અડધા કોતરેલા લાકડાના ટુકડા વેરાયેલા પડ્યા છે. દરેક ટુકડો જાણે એક વાર્તા કહેવાની રાહ જોઈ રહ્યો છે. બિલકુલ પાંડી રામની જેમ, જેઓ તેમનાં સાધનો, લાકડાં અને તાલીમાર્થીઓથી ઘેરાયેલા બેઠા છે.
ઉભડક બેસીને, કોતરેલા લાકડાના નાના ટુકડા પર ઝૂકીને, રક્ષણાત્મક ચશ્માંની પાછળ મોતિયાવાળી નબળી આંખોને ઝીણી કરીને, આ 70 વર્ષીય વૃદ્ધ કલાકૃતિને આખરી ઓપ આપી રહ્યા છે. તેઓ વચ્ચે વચ્ચે તેમના ખાસ ઓજારોને સ્થાનિક નામોથી બોલાવે છે – છેણી, ત્રિકોણ, રેગી, પતાસી, હથોડી. તેમના કામ કરતા હાથની દરેક હિલચાલ સાથે તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે અને વચ્ચે વચ્ચે તેમની માતૃભાષા, ગોંડીમાં સલાહ કે ચેતવણીના શબ્દો કહેતા રહે છે. પાંડી રામ લાકડા પર જે પણ રેખા કંડારે છે તેમાં જંગલ અને તેની સાથે સુમેળમાં જીવાયેલા જીવનનો શ્વાસ વર્તાય છે, જેને તેમના મુરિયા ગોંડ સમુદાયની એક પેઢી સ્પષ્ટપણે યાદ કરે છે.
પરંતુ આજકાલ તેમના માટે કામ કરવું મુશ્કેલ છે, અને તેનાથી દૂર રહેવું તો તેનાથી પણ વધારે મુશ્કેલ. “તેઓ બસ લાકડાના ટુકડાને અડકે છે અને તેમને ખબર પડી જાય છે કે શું બરાબર છે અને ક્યાં કામ કરવાની જરૂર છે,” તેમના પુત્ર બળદેવ કહે છે, જેઓ પોતે પણ એક કલાકાર છે. પાંડી રામ કહે છે, “આ કલા મારા શ્વાસ જેટલી જ મહત્ત્વની છે. જો હું તેને છોડી દઈશ, તો કદાચ હું વધારે જીવીશ નહીં.” તેઓ ઓસરીમાં બેઠા છે અને તેમની આસપાસ ચાર-પાંચ લોકો લાકડાં ઘસવામાં, મૂર્તિઓ કોતરવામાં કે લાકડાં હેરફેર કરવામાં વ્યસ્ત છે.
પાંડી રામ કહે છે, “હું માનતો હતો કે આ તો માત્ર ગામડાની વસ્તુ છે. પછી શહેરના લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા અને મને સમજાયું કે આ મારી આજીવિકા બની શકે છે. મેં મારા પિતા પાસેથી મળેલા કૌશલ્યોને ધીમે ધીમે નિખારીને આને જ મારું જીવન બનાવવાનું નક્કી કર્યું.” તેમનો 35 વર્ષનો અનુભવ તેમના સમુદાયના સમૃદ્ધ વારસા અને લાકડાની કોતરણીની સદીઓ જૂની કળાને જીવંત રાખવા માટે સમર્પિત છે. લાકડું અને તેમાંથી બનાવેલી ઘરગથ્થુ અને સુશોભન બંને પ્રકારની વસ્તુઓ સમુદાયનાં ઘરો, ધાર્મિક વિધિઓ, તહેવારો અને રોજિંદા જીવનનું અભિન્ન અંગ રહી છે, ન કે આજીવિકા કમાવવાનું સાધન.


























