ગ્રામીણ હરિયાણામાં લોકો ભેગા મળ્યા હોય ત્યારે હુક્કો હુક્કો હંમેશા કેન્દ્રમાં રહ્યો છે. નાનપણમાં ગામના ચોરે જોયેલ એક સામાન્ય દૃશ્યને યાદ કરીને રોહતાસ કહે છે, “હુક્કા કે સહારે પંચાયત ચલતી રેયા કરતી [હુક્કાને સહારે પંચાયત ચાલતી રહેતી]."
રોહતાસ (તેઓ ફક્ત આ નામનો જ ઉપયોગ કરે છે) ઉમેરે છે, "ચા-પાણી આખો દિવસ ચાલી ન શકે, પરંતુ એનાથી વિપરીત હુક્કો વ્યવહારુ છે - તમે તેને તમાકુથી ભરો, એક વાર સળગાવો, અને તે ચાલ્યા કરે છે. પાંચથી દસ લોકો એકસાથે બેસીને કલાકો સુધી આરામથી એક જ હુક્કો શેર કરી પી શકે છે. તે સમય પસાર કરવામાં પણ મદદ કરે છે."
40 વર્ષના આ હુક્કા બનાવનાર કારીગર હસતા હસતા કહે છે, "હવે દરેક ઘર તેની પોતાની ચૌપાલ [ગામનો ચોરો] બની ગયું છે, અને દરેક ઘરમાં તેનો પોતાનો હુક્કો હોય છે." કામમાં વિરામ દરમિયાન પારી સાથે વાત કરતી વખતે તેઓ હુક્કાનો કશ લે છે - 12 વર્ષ પહેલાં આ કારીગરી શરૂ કર્યા પછી તેમને આ આદત પડી છે.
હુક્કા પાઇપનો ઉદ્ભવ 16 મી સદીમાં ઉત્તર ભારતમાં મુગલ સામ્રાજ્ય દરમિયાન થયો હોવાનું મનાય છે. કેટલાક અહેવાલો અનુસાર ત્રીજા મુગલ સમ્રાટ અકબર એ સૌથી પહેલા તેનો ઉપયોગ કરનારાઓમાંના એક હતા. જોકે બીજા ઐતિહાસિક અહેવાલો અનુસાર તેની ઉત્પત્તિ એથીય પહેલા મધ્ય અને પશ્ચિમ એશિયામાં થઈ હોઈ શકે છે.
એ ગમે તે હોય પણ હુક્કો પીવો એ હરિયાણાના લોકોના રોજિંદા જીવનની એક મનગમતી પરંપરા છે, ધરમબીર કહે છે, "એ અમારી સંસ્કૃતિનો એક ભાગ છે. મોટા મોટા ફેંસલા ભેગા મળીને હુક્કો ગડગડાવતી વખતે કરવામાં આવે છે."




















