રસ્તાની બંને બાજુએ ગોઠવાયેલ માછલીઓ ભરેલી પેટીઓ અને માછલીઓ વેચનારાઓની હરોળ તરફ ઈશારો કરી ઉશ્કેરાયેલા એન. ગીતા કહે છે, “તેઓ કહે છે કે અહીં દુર્ગંધ આવે છે, આ જગ્યા અસ્વચ્છ લાગે છે, કચરાથી ભરેલી છે. આ કચરો તો અમારી સંપત્તિ છે; ને આ દુર્ગંધ એ અમારી આજીવિકા." 42 વર્ષના આ મહિલા પૂછે છે, "એને છોડીને અમે ક્યાં જઈએ?"
અમે મરિના બીચ પર 2.5 કિલોમીટર સુધી વિસ્તરેલા લૂપ રોડ પર કામચલાઉ નોચિક્કુપ્પમ ફિશ માર્કેટમાં ઊભા છીએ. આ ‘તેઓ’ એટલે શહેરના સૌંદર્યીકરણના નામે ફેરિયાઓને અહીંથી હઠાવવા માગતા કાયદો ઘડનારા ભદ્રલોકો અને નાગરિક સત્તાવાળાઓ. ગીતા જેવા માછીમારો માટે નોચિક્કુપ્પમ તેમનું ઊરુ (ગામ) છે. કેટકેટલા સુનામી અને ચક્રવાતો પછી પણ તેઓ હંમેશા આ જગ્યાએ જ રહ્યા છે.
બજારમાં ધમાલ શરુ થઈ જાય એ પહેલાં વહેલી સવારે ગીતા થોડા ઊલટાવેલા ક્રેટ્સ ઉપર ગોઠવેલા પ્લાસ્ટિકના બોર્ડ વડે બનાવેલા કામચલાઉ ટેબલ પર પાણી છાંટી પોતાની નાનકડી દુકાન (સ્ટોલ) તૈયાર કરી રહ્યા છે. તેઓ બપોરે 2 વાગ્યા સુધી આ દુકાન પર રહેશે. બે દાયકાથી વધુ સમય પહેલા તેમના લગ્ન થયા ત્યારથી તેઓ અહીં માછલીઓ વેચે છે.
પરંતુ લગભગ એક વર્ષ પહેલા 11 મી એપ્રિલ, 2023ના રોજ તેમને અને લૂપ રોડ પર ધંધો કરતા બીજા ત્રણસો જેટલા માછલીઓ વેચનારાઓને ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન (જીસીસી) તરફથી જગ્યા ખાલી કરવાની નોટિસ મળી હતી. મદ્રાસ હાઈકોર્ટના આદેશ અનુસાર જીસીસીને એક અઠવાડિયામાં રસ્તો ખાલી કરાવવાનું કહેવામાં આવ્યું હતું.
અદાલતના આદેશમાં જણાવવામાં આવ્યું હતું, “ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને લૂપ રોડ પરના દરેક દબાણ [માછલીઓ વેચનારાઓ, નાની-નાની દુકાનો, પાર્ક કરેલા વાહનો બધું જ] દૂર કરશે...આખા રસ્તા અને ફૂટપાથ પરથી દબાણ દૂર થાય અને રસ્તો અને ફૂટપાથ અનુક્રમે ટ્રાફિકના વિના અવરોધ આવાગમન માટે અને રાહદારીઓની મુક્ત અવરજવર માટે ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કરવામાં પોલીસ કોર્પોરેશનની મદદ કરશે."






















