આસામી ખોલ ડ્રમમાં બંગાળી ખોલ કરતાં ઓછો અવાજ (નીચા સૂર) હોય છે. ઢોલની પીચ (સ્વર) નીગેરા કરતાં ઊંચી હોય છે. ગિરિપોદ બાદ્યોકર આને સારી રીતે જાણે છે. પર્કશન વાદ્યોના આ નિર્માતા તેમના રોજિંદા કામમાં આ જ્ઞાનનો દરરોજ ઉપયોગ કરે છે.
આસામના માજુલી સ્થિત આ અનુભવી કારીગર કહે છે, “યુવાન છોકરાઓ મને તેમના સ્માર્ટફોન બતાવે છે અને મને ચોક્કસ સ્કેલ પર ટ્યુનિંગને સમાયોજિત કરવા કહે છે. અમારે એપ્લિકેશનની જરૂર જ નથી.”
ગિરિપોદ સમજાવે છે કે ટ્યુનર એપ્લિકેશનમાં પણ ટ્રાયલ એન્ડ એરર (અજમાયશ અને ભૂલસુધાર) કરવામાં આવે છે. તેમાં પર્કશન વાદ્યના ચામડાના પટલને યોગ્ય રીતે ગોઠવવાની અને કડક કરવાની જરૂર પડે છે. “ત્યારે જ ટ્યુનર એપ્લિકેશન કામ કરશે.”
ગિરિપોદ અને તેમનો દીકરો પોદુમ બાદ્યોકર (અથવા બાદ્યકર)ની લાંબી હરોળમાંથી આવે છે. સંગીતનાં સાધનો બનાવવા અને સમારકામ માટે જાણીતો અને ઢોલી અથવા સબદાકર નામથી પણ ઓળખાતો આ સમુદાય ત્રિપુરા રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે.
પોદુમ અને ગિરિપોદ મુખ્યત્વે ઢોલ, ખોલ અને તબલા બનાવે છે. પોદુમ કહે છે, “અહીં સત્રો હોવાથી, અમે આખું વર્ષ કામ મળી રહે છે. અમારો ગુજારો થઈ જાય એટલું અમને મળી રહે છે.”













