શ્રીનાથ સિંહ ખરવાર એ દિવસોને યાદ કરે છે જ્યારે તેઓ અને તેમના મિત્રો તેંદુ (ડાયોસ્પાયરોસ મેલાનોક્સીલોન)નાં પાન વીણવા માટે અધૌરાનાં ગાઢ જંગલોમાં જતા હતા, ત્યારે ત્યાં કેવી ઘોર શાંતિ છવાયેલી રહેતી હતી. પણ થોડી જ વારમાં, એ શાંતિ તેમના સાથી આદિવાસીઓના વાતો કરવાના અને ગીતો ગાવાના અવાજથી ગુંજી ઉઠતી. શ્રીનાથ એ ઉત્સવ જેવા માહોલને યાદ કરતાં કહે છે, “અમે ઘરેથી ખાવાનું અને પાણી સાથે લઈ જતા. અમે અંદરોઅંદર વાતો કરતા અને આખું જંગલ જાણે જીવંત થઈ ઉઠતું.”
47 વર્ષીય શ્રીનાથ લગભગ અઢી દાયકા જૂની યાદોને વાગોળી રહ્યા છે. અમે અધૌરાની ટેકરીઓ તરફ જતી બસમાં પાસે બેઠા છીએ. આ બસ વહેલી સવારે બિહારના દક્ષિણી જિલ્લા કૈમુરમાં આવેલા ઊંઘરેટા શહેર ભભુઆથી ઊપડી હતી. અમારી સાથે મુસાફરી કરી રહેલા મોટાભાગના લોકો આદિવાસીઓ છે, જેઓ કામ અર્થે બહાર સ્થળાંતર કરે છે અને હવે તેમના ગામે પરત ફરી રહ્યા છે.
શ્રીનાથ પોતાના ગામ ચનપુરા પાછા ફરી રહ્યા છે. તેઓ હવે બિહારમાંથી અલગ પડેલા પડોશી રાજ્ય ઝારખંડના પતરાતુમાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરે છે. અગાઉ, તેમણે દિલ્હી અને મહારાષ્ટ્ર જેવાં દૂરનાં રાજ્યોમાં ફેક્ટરીઓમાં કામ કર્યું હતું, પણ હવે તેઓ ત્યાં જતા નથી. શ્રીનાથ વધુમાં કહે છે, “દિલ્હી અથવા મહારાષ્ટ્રની સરખામણીએ પતરાતુથી ઘરે જલદી પહોંચી જવાય છે.”
સૂરજ માથે ચડી ચૂક્યો છે અને બસ વાંકાચૂંકા રસ્તે ધીમે ધીમે અધૌરાની ટેકરીઓ પર ચડી રહી છે. રસ્તામાં ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર અને સાલનાં જંગલોનાં મોટાં વૃક્ષોએ પોતાનાં પીળાં પડી ગયેલાં પાંદડાં ખેરવી દીધાં છે અને તેમની ડાળીઓ હાડપિંજર જેવી દેખાઈ રહી છે. ટેકરીઓ ચડવાની થોડીક જ મિનિટોમાં મોબાઇલ નેટવર્ક ગાયબ થઈ જાય છે; હવે અહીં માત્ર ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)નું નેટવર્ક જ કામ કરે છે.


















