જ્યારે લક્ષ્મણ બૈઠાના સાળાએ તેમને ફોન કરીને જણાવ્યું કે તેમનાં પત્ની બીમાર છે, ત્યારે તેમણે વિના વિલંબે ઘરે જતી ટ્રેન પકડી લીધી.
50 વર્ષીય લક્ષ્મણ પ્રવાસી મજૂર છે અને પથ્થર કાપવાની ફેક્ટરીમાં કામ કરવા માટે તેઓ બિહારથી આંધ્રપ્રદેશ અવારનવાર મુસાફરી કરતા હતા. જ્યારે તેમનાં પત્નીની બીમારીના સમાચાર મળ્યા, ત્યારે તેમણે બિન-આરક્ષિત ટ્રેનની ટિકિટ ખરીદી અને તરત જ ત્યાં જવા નીકળી પડ્યા. પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેમના ગામ જીમરી પહોંચવામાં તેમને બે દિવસ લાગ્યા. આ મુસાફરી 2,000 કિલોમીટરથી પણ વધુ હતી.
જ્યારે તેઓ અંતે ઘરે પહોંચ્યા, ત્યારે તેમનાં પત્નીના સ્વાસ્થ્યમાં સુધારો જોઈને તેમને રાહત થઈ. પરંતુ જ્યારે તેઓ તેમને ભેટી રહ્યા હતા ત્યારે ચંદાવતી ચોધાર આંસુ રોવા લાગ્યાં. લક્ષ્મણ તે ઘટનાને યાદ કરતાં કહે છે, “હું કંઈ સમજી શક્યો નહીં. મેં મારી પત્નીને પૂછ્યું કે તે શા માટે રડી રહી છે.”
ચંદાવતી દેવીએ ધ્રૂજતા અવાજે તેમને કહ્યું, “એક વાઘે આપણા દીકરા રાજકુમારને મારી નાખ્યો.” આ સમાચાર સાંભળીને 47 વર્ષીય ચંદાવતી દેવી ભાંગી પડ્યાં હતાં, અને તેથી તેમના પતિએ અહીં આવવાનું થયું હતું.






