એક વાર માલોજી ચૌહાણ પોતાના એક એકરના દ્રાક્ષના બગીચામાં પ્રવેશે પછી તેમને કોઈના સહારાની જરૂર નથી પડતી. તેઓ પોતાના મિત્ર સંતોષ હિંગમિરેથી થોડા દૂર ચાલે છે, તેઓ જોઈજોઈને નહીં પણ અનુભવના સહારે આગળ વધે છે. 31 વર્ષના આ ખેડૂત પ્રજ્ઞાચક્ષુ છે, પણ પોતાના ખેતરના ખૂણેખૂણાથી તેઓ સારી પેઠે વાકેફ છે.
“તમને આ ડાળી દેખાય છે?” તેઓ દ્રાક્ષના વેલાને ટેકો આપતા લોખંડના થાંભલા તરફ ઈશારો કરીને પૂછે છે.
“કઈ ડાળી?” અમે ક્ષણભર માટે મૂંઝાઈને પૂછ્યું.
આ વાતની વિચિત્રતા પર સ્મિત કરીને, માલોજી આગળ ઝૂકે છે અને હળવેથી એક કુમળી કૂંપળને ઊંચી કરે છે, જેના પાંચ તાજા પાંદડા છેડેથી વળેલા હતા. તેના પર આંગળીઓ ફેરવતાં, તેઓ ધીમેથી કહે છે, “આનો વિકાસ બરાબર નથી થયો. આમાં દ્રાક્ષનાં લૂમખાં નહીં બેસે. મૂળિયાં ખરાબ થઈ ગયાં છે. મહિનાઓ સુધી તેને પૂરતો તડકો જ નથી મળ્યો.”
એ એક નાનકડો વેલો તેમના એક એકરના દ્રાક્ષના બગીચાની આખી કહાણી કહી દે છે. આ બગીચો તેમનાં માતા-પિતા, ધનાજી અને પુષ્પાબાઈની માલિકીની પાંચ એકરની પિયતવાળી જમીનનો એક ભાગ છે. તેમાં આ વર્ષે દ્રાક્ષનો પાક નહીં થાય. ખેતરમાં શેરડીના સાંઠા અને બીજા ફળનાં ઝાડ પણ સડી રહ્યાં છે. પરિવારનો અંદાજ છે કે તેમને કુલ 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. જે તેમને આર્થિક રીતે ઓછામાં ઓછા દસ વર્ષ પાછળ ધકેલી દેશે.
આ ભયંકર નુકસાન 2025ના ચોમાસા દરમિયાન થયેલા અતિ ભારે વરસાદનું પરિણામ છે, જ્યારે વરસાદે અટકવાનું નામ જ નહોતું લીધું. વરસાદે જામગાંવમાં જ નહીં આખા સોલાપુર જિલ્લામાં, અને મરાઠવાડાના પડોશી જિલ્લાઓ બીડ અને ધારાશિવમાં પણ અટકવાનું નામ લીધું નહોતું. નવેમ્બર 2025ની શરૂઆત સુધીમાં, સોયાબીન અને દ્રાક્ષનાં ખેતરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયાં હતાં. જે નાનાં વહેણાં વર્ષના મોટાભાગના સમયે સૂકાંભઠ્ઠ રહેતાં હતાં, તે પણ આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં બંને કાંઠે વહેતાં હતાં.
મે મહિનાના મધ્યથી ઑક્ટોબર 2025ના અંત સુધી, પશ્ચિમી મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં લાંબા સમય સુધી અવિરત વરસાદ વરસ્યો હતો. 19થી 25 સપ્ટેમ્બરની વચ્ચે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ, જ્યારે આભ ફાટવાની અને અચાનક પૂર આવવાની ઘટનાઓની હારમાળાએ ઊભા પાક, ફળોના બગીચા, જમીન, પશુધન અને કેટલાક કિસ્સાઓમાં માનવજીવનનો પણ ભોગ લીધો. સોલાપુર જિલ્લામાં, અધિકારીઓએ નોંધ્યું હતું 47,000 હેક્ટરથી વધુ પાક સંપૂર્ણપણે નષ્ટ થયો હતો.













