20 વર્ષીય કિરીટનો મોબાઇલ ફોન રણકવા લાગે છે કે તરત જ તેઓ ડેસ્કટોપ સામે ગોઠવાઈ જાય છે, કાન પર હેડફોન ચડાવે છે, હાથમાં પેન લે છે અને પોતાની ડાયરી ખોલે છે.
“નમસ્કાર! શિવાર હેલ્પલાઇન,” તેઓ શાંત અને સ્થિર અવાજે કહે છે.
સામે છેડે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના એક ગામમાંથી પાર્વતી નામનાં આધેડ વયનાં એક મહિલા ખેડૂત છે.
કિરીટ મરાઠીમાં પૂછે છે, “હું તમારી શું મદદ કરી શકું છું?” તેઓ પૂણેની કૉલેજમાં બી.એ. સાયકોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને મૂળ પરભણીના એક ગામના વતની છે.
પાર્વતી અચકાય છે. તેમનો અવાજ ધ્રૂજી રહ્યો છે.
તેઓ માંડ માંડ આટલું કહી શકે છે, “વરસાદે અમારો બધો પાક બરબાદ કરી નાખ્યો. સોયાબીન, તુવેર... બકરીઓ પણ તણાઈ ગઈ. હવે કોઈ કામ મળતું નથી.” પરિવારનો જે મજબૂત આધાર હતો તે — ખેતી, પશુધન, મોસમી મજૂરી – બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. લોન ચૂકવવાની બાકી છે; આશાઓ ડૂબી ગઈ છે. તેઓ પૂછે છે કે શું આવનારી રવિ સીઝન માટે મગના બિયારણની વ્યવસ્થા થઈ શકશે કે કેમ?
તેઓ પોતાની વાત રજૂ કરે છે, “જો બિયારણ મળી જાય તો અમે આ ઉનાળો જેમતેમ કરીને કાઢી શકીશું.”

























