લગ્ન પછી જ્યારે રીના પરતેતીએ લોનાદેઈ ગામમાં તેમના સાસરે પહેલી વાર પગ મૂક્યો ત્યારે તેમને નવાઈ લાગી હતી.
તેઓ યાદ કરે છે, "આ પરિવારમાં નાના બાળકો પણ મારી માતૃભાષા [ગોંડી] કડકડાટ બોલી શકતા હતા." બીજી બાજુ, રીના, તેમના ગોંડ સમુદાયની ભાષા ભાગ્યે જ સમજી શકતા હતા, 34 વર્ષના આ આદિવાસી ખેડૂત કહે છે, “મારા ગામ [મોયા] માં કોઈ ગોંડી બોલતું નહોતું."
લોનાદેઈની લગભગ 80 ટકા વસ્તી ગોંડ આદિવાસીઓની છે. તેઓ જણાવે છે, "ગોંડ સમુદાયના ન હોય તેવા લોકો પણ આ ભાષા બોલી લે છે."
રીનાના ભાણા-ભાણીઓ અને ભત્રીજા-ભત્રીજીઓ તેમને ગમ્મતમાં ચીડવતા, "મામી કો ગોંડી બોલતે નહીં આતી, ચાચી કો ગોંડી બોલતે નહીં આતી [અમારા મામીને/કાકીને ગોંડી બોલતા નથી આવડતી]! એ ઘટનાને યાદ કરીને તેઓ હસી પડે છે અને ઉમેરે છે, "શરૂઆતમાં હું ખૂબ અચકાતી હોવા છતાં આખરે હું તેમની સાથે મારી માતૃભાષામાં વાત કરવા લાગી હતી."
ગોંડી એ એક દ્રવિડિયન ભાષા છે જે એક સમયે માત્ર મધ્ય પ્રદેશમાં જ નહીં પરંતુ મધ્ય ભારતના બીજા ભાગોમાં પણ વ્યાપકપણે બોલાતી હતી. આજે તે યુનેસ્કો દ્વારા સંભવિત રૂપે સંવેદનશીલ ભાષાઓમાંની એક તરીકે સૂચિબદ્ધ છે. ગોંડ સમુદાય આ રાજ્યના સૌથી મોટા આદિવાસી સમુદાયોમાંનો એક હોવા છતાં તેમની ભાષા જોખમમાં છે.
















