જોકે, ગોંડીએ વધુ સારા દિવસો જોયા છે.
ગોંડી સાહિત્યના વિદ્વાન મોતીરામ કંગાલીએ ભાષા રિસર્ચ એન્ડ પબ્લિકેશન સેન્ટરની વેબસાઇટ પર જણાવ્યું છે, "...ગોંડી ગોંડવાના તરીકે ઓળખાતા એક પ્રાચીન રાજ્યની સત્તાવાર ભાષા હતી અને તેની પોતાની લિપિ, વ્યાકરણ, અલંકાર, વ્યુત્પત્તિશાસ્ત્ર અને સાહિત્ય હતાં, જે આજે પણ ઉપલબ્ધ છે."
એક સમયે વર્તમાન મધ્ય પ્રદેશના મોટા ભાગ પર ગોંડ સમુદાયનું શાસન હતું. છિંદવાડાના ગોંડ સામાજિક કાર્યકર રામનાથ પરતેતી કહે છે, "અમે [હિંદુ પૌરાણિક કથાઓમાં પાર્વતી અને દુર્ગા તરીકે પણ ઓળખાતા] દેવી ગૌરાના વંશજો છીએ, તેથી જ અમે પોતાને ગોંડ કહીએ છીએ." જો કે, તેઓ ઉમેરે છે, હાલના સમયમાં આ સમુદાયના સમૃદ્ધ વારસા અને ઇતિહાસને માત્ર નામ પૂરતું જ મહત્ત્વ અપાય છે, જેમ કે ગોંડ રાણી, રાણી કમલાપતિના નામ પરથી રેલ્વે સ્ટેશનનું નામકરણ.
તેમની ભાષાની પણ પડતી થઈ છે, તે મોટે ભાગે તેમના ઘરોની સીમાઓ સુધી જ મર્યાદિત રહી ગઈ છે. બહાર, જાહેર સ્થળોએ, સમુદાયના લોકો ઘણીવાર હિન્દી બોલવાનું વલણ ધરાવે છે. અને હજી આજે પણ કોઈ ગોંડી બોલતું હોય તો તે મુખ્યત્વે આ સમુદાયના વૃદ્ધો છે; યુવા પેઢીઓ આ ભાષા શીખવા અથવા બોલવામાં વધુ ને વધુ ખચકાટ અનુભવી રહી છે. ઘણા લોકોના મતે આનું કારણ સામેની વ્યક્તિ તમારા વિચારો, લાગણીઓ કે ઈરાદાઓ સ્પષ્ટ રીતે સમજી નહીં શકે એવો અથવા તેથી પણ ખરાબ, બિન-ગોંડીભાષીઓ દ્વારા તેમની મજાક ઉડાવવામાં આવશે એવો ડર છે.
પ્રાર્થનાના પિતા મંતરામ પરતેતી લોનાદેઈના એક ખેડૂત છે, તેઓ તેમના બાળકો ઘેર હોય ત્યારે તેમની સાથે ગોંડીમાં જ વાત કરે છે; જોકે, ઘરની બહાર હોય ત્યારે પરિવારના સભ્યો એકબીજા સાથે હિન્દીમાં વાતચીત કરે છે. તેઓ કહે છે, "તેઓ [બિન-ગોંડીભાષીઓ] અમારી મજાક ઉડાવે છે અથવા ક્યારેક અમારા શબ્દો અંગે ગેરસમજ કરે છે. આજે પણ [અમે ગોંડી બોલીએ છીએ ત્યારે] લોકો અમને ચીડવે છે."
મંતરામ તેમના દીકરા પૃથ્વીરાજને તેની રહેણાંક શાળામાં મળવા ગયા હતા ત્યારની તાજેતરની જ એક ઘટના વર્ણવે છે. તેઓ કહે છે, "મેં તેની સાથે ગોંડીમાં વાત કરવાનું શરૂ કર્યું. શિક્ષકો અને બીજા બાળકો, જેઓ આ ભાષા જાણતા ન હતા, તેઓ અમારી પર હસવા લાગ્યા. મને શરમ આવી." ત્યારથી તેમના દીકરાએ તેઓ તેને શાળામાં મળવા આવે ત્યારે ગોંડીમાં બોલવાની મનાઈ ફરમાવી છે: "'હું ઘેર હોઉં ત્યારે તમારે ગોંડીમાં જેટલી વાતો કરવી હોય એટલી કરજો,' તેણે મને કહ્યું હતું."
મુખ્યત્વે ગોંડ સમુદાયની વસતી ધરાવતું ગામ હોવા છતાં લોનાદેઈ તેની યુવા વસ્તી પોતાની માતૃભાષા બોલે અને તેને માટે ગર્વ અનુભવે એ માટે એક મુશ્કેલ લડાઈ લડી રહ્યું છે. રામનાથ જણાવે છે કે લોનાદેઈમાં જે કંઈ થઈ રહ્યું છે તે જિલ્લાની વ્યાપક પરિસ્થિતિનું પ્રતિબિંબ છે. તેઓ કહે છે, "અહીં, છિંદવાડામાં, ગોંડ સમુદાયને નીચી જાતિના માનવામાં આવે છે. તેથી તેમને ડર છે કે જો તેઓ જાહેર સ્થળોએ ગોંડીમાં બોલશે તો બીજા લોકો તેમને તિરસ્કારની નજરે જોશે. તેથી તેઓ ફક્ત (પોતાના સમુદાયના લોકોની સાથે) અંદરોઅંદર જ ગોંડીમાં બોલવાનું પસંદ કરે છે."
રામનાથ માને છે કે શાળા પ્રણાલી પણ ગોંડીભાષીઓને તેમની ભાષાથી વિમુખ કરવામાં ભૂમિકા ભજવવા ઉપરાંત ગોંડ સમુદાય સામેના ભેદભાવને કાયમી બનાવે છે. તેમને યાદ છે કે અતરવાડા બ્લોકમાં તેમના ગામની જે સરકારી શાળામાં તેઓ ભણતા હતા ત્યાં તેમના સમુદાયના બાળકોને અપમાન સહન કરવું પડતું હતું.
ઉચ્ચ જાતિના શિક્ષક ગોંડ બાળકોને બીજી જાતિ અને આદિવાસી સહપાઠીઓથી થોડે દૂર અલગ બેસાડતા. તેઓ આટલેથી અટક્યા નહોતા. “હું કદાચ 10 મા ધોરણમાં હોઈશ ત્યારે મેં જોયું હતું કે શર્મા સર મારા ગામના બે ગોંડ છોકરાઓને મારતા હતા અને બદદુઆ આપતા હતા, કહેતા હતા કે, ‘તમે ગોંડના દીકરાઓ છો. તમે ક્યારેય કંઈ શીખી શકશો નહીં; હું તમને શીખવવાનો ગમે તેટલો પ્રયાસ કરું તો પણ.’ તે દિવસ પછી એ છોકરાઓએ શાળાએ આવવાનું બંધ કરી દીધું હતું.”