દિલ્હીમાં શિયાળાની એક સુસ્ત બપોર હતી, જાન્યુઆરીના સૂર્યનો તડકો વરંડામાં ફેલાઈને હૂંફ આપી રહ્યો હતો, ત્યારે અમરે ત્યાંથી લગભગ હજાર કિલોમીટર દૂર રહેતી તેમની માતાને ફોન કર્યો. 75 વર્ષના શમીમા ખાતૂનની સાથે વાત કરતી વખતે અમર જાણે બિહારના સીતામઢી જિલ્લાના બર્રી ફુલવરિયા ગામમાં તેમના બાળપણના ઘરમાં પહોંચી ગયા હતા.
જો તમે એ બપોરે ટેલિફોન લાઇનની બંને બાજુના અવાજો સાંભળ્યા હોત તો તમે ચોક્કસ કંઈક વિચિત્ર નોંધ્યું હોત. સ્પષ્ટ ઉર્દૂમાં બોલતા અમર પૂછે છે, "અમ્મી ઝરા યે બતાઇયેગા, બચપનમેં જો મેરે સર પે ઝખમ હોતા થા ના ઉસકા ઇલાજ કૈસે કરતે થે? [મા, હું નાનો હતો ત્યારે મારા માથા પર જે અળાઈઓ થતી હતી તેનો ઈલાજ તમે શી રીતે કરતા હતા?]”
મા વ્હાલથી હસતા હસતા તેમના ઘરેલુ ઉપચારનું વર્ણન કરે છે, “સીર મેં જો હો જહાઇ – તોરોહૂ હોલ રહા – બતખોરા કહા હઇ ઓકો ઇધર. રેહ, ચિકની મિટ્ટી લગાકે ધોલિયા રહા, મગર લગ હયી બહુત. ત છૂટ ગેલઇ” [એ માથાની ચામડી પર થાય - તને પણ થઈ હતી - તેને અહીં બતખોરા કહે છે. હું રેહ [ક્ષારવાળી માટી] અને ચિકણી માટીથી તારું માથું ધોતી પરંતુ તેનાથી લ્હાય બહુ બળે. પણ આખરે તને મટી ગયું હતું.]" માની ભાષા અમરની ભાષાથી સાવ અલગ છે.
તેમની આ વાતચીતમાં કંઈ અસામાન્ય નહોતું. અમરે અને તેમની માએ એકબીજા સાથે હંમેશા અલગ-અલગ ભાષાઓમાં વાતો કરી છે.
બીજે દિવસે પારીભાષાની મીટિંગમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તેની અમારી વાર્તાના વિષય પર અમે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેઓ કહે છે, “હું તેની બોલી સમજી શકું છું, પણ બોલી શકતો નથી. હું કહું છું કે ઉર્દૂ મારી ‘માતૃભાષા’ છે પણ મારી મા તો જુદી જ ભાષામાં બોલે છે." તેમણે ઉમેર્યું, "મારી માની ભાષાનું નામ શું છે એ કોઈને ખબર નથી, ન તો અમ્મીને કે ન તો મારા પરિવારમાં બીજા કોઈને, એ બોલી બોલનારાઓને પણ નહીં." કામની શોધમાં ગામડામાંથી સ્થળાંતર કરનારા પુરુષો, અમર પોતે, તેમના પિતા અને તેમના ભાઈ ક્યારેય એ ભાષા બોલતા નથી. અમરના બાળકો તો એ ભાષાથી વધુ વિખૂટા પડી ગયા છે; તેઓ તો તેમની દાદીની બોલી સમજી પણ શકતા નથી.
તેઓ ઉમેરે છે, "મેં (એ ભાષા વિષે) વધુ જાણવાનો પ્રયાસ કર્યો છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભાષાશાસ્ત્રી, મોહમ્મદ જહાંગીર વારસી તેને 'મૈથિલી ઉર્દૂ' કહે છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) ના બીજા એક પ્રાધ્યાપક રિઝવાનુર રહેમાન કહે છે કે બિહારના આ પ્રદેશના મુસ્લિમો સત્તાવાર રીતે ઉર્દૂને તેમની માતૃભાષા તરીકે નોંધે છે પરંતુ ઘરમાં તેઓ અલગ બોલીમાં વાત કરે છે. લાગે છે કે માની ભાષા ઉર્દૂ, ફારસી, અરબી, હિન્દી અને મૈથિલીનું મિશ્રણ છે - જે એ પ્રદેશમાં જ ક્રમશઃ વિકસિત થઈ છે.
એક માની ભાષા જે તેના પછીની પેઢી દર પેઢી લુપ્ત થતી જાય છે.
બસ! અમરે અમને સૌને શબ્દ-શોધ પર મોકલી દીધા હતા! અમે સૌએ નક્કી કરી લીધું અમારી પોતપોતાની માતૃભાષામાંથી ભૂંસાઈ ગયેલા કેટલાક શબ્દોનું પગેરું શોધવાનું, એ પગેરું અનુસરવાનું અને એ શબ્દો શા માટે ભૂંસાઈ ગયા એના કારણો સમજવાનું. અને હજી તો અમે કંઈ સમજી શકીએ એ પહેલાં અમે એકીટસે જોઈ રહ્યા હતા બોર્હેસ આલેફ તરફ.
*****
સૌથી પહેલા વાતની શરૂઆત કરી રાજાએ. તેઓ કહે છે, "તમિળમાં એક જાણીતા રૂઢિપ્રયોગ વિશે તિરકુરળ દુહો છે."
“મયિર નીપ્પિન વાળા કવરિમા અન્નાર
ઉયિરનીપ્પર માણમ વરિન [
કુરળ # 969
]
તેનો અનુવાદ કંઈક આવો છે: હરણના શરીર પરથી વાળ ખેંચી કાઢવામાં આવે છે ત્યારે એ મૃત્યુ પામે છે. તેવી જ રીતે પોતાનું માન ગુમાવનાર લોકો શરમના માર્યા મૃત્યુ પામે છે.
રાજા સહેજ અચકાતા-અચકાતા કહે છે, “આ દુહો માણસના સ્વમાનને હરણના વાળ સાથે સરખાવે છે. મુ. વર્દરાસણાર દ્વારા કરાયેલ અનુવાદ તો એમ જ કહે છે." તેઓ ઉમેરે છે, “પણ શરીર પરથી વાળ ખેંચી કાઢવામાં આવે તો હરણ મરી કેમ જાય? પછીથી ઈન્ડોલોજિસ્ટ આર બાલક્રિષ્ણનનો લેખ, સિંધુ ખીણમાં તમિળ ગામોના નામ ( નેમ્સ ઓફ તમિળ વિલેજીસ ઈન ઈન્ડસ વેલી ) વાંચ્યા પછી મને સમજાયું કે આ દુહામાં 'કવરિમા' નો ઉલ્લેખ છે નહીં કે 'કવરિમાન' નો, જેનો અર્થ તમિળમાં યાક થાય છે નહીં કે હરણ.
“યાક? પરંતુ દેશના બીજા છેડે રહેતા લોકો દ્વારા બોલાતી ભાષામાં, તમિળ કવિતામાં, ઉચ્ચ હિમાલયમાં જોવા મળતું પ્રાણી શું કરી રહ્યું છે. આર. બાલક્રિષ્ણન તેને સંસ્કૃતિના સ્થળાંતર દ્વારા સમજાવે છે. તેમના મતે સિંધુ ખીણના લોકો તેમના મૂળ સ્થાનિક શબ્દો, જીવનશૈલીઓ અને વિસ્તારના નામો સાથે લઈને દક્ષિણમાં સ્થળાંતરિત થયા હશે."
રાજા કહે છે, “બીજા એક વિદ્વાન વી. અરઝે દલીલ કરી હતી કે રાષ્ટ્ર-રાજ્ય અથવા દેશના આજના ખ્યાલ ઉપરથી કોઈએ ભારતીય ઉપખંડના ઈતિહાસની કલ્પના કરવી ન જોઈએ. તેમણે કહ્યું કે શક્ય છે કે એક સમયે ભારતીય ઉપખંડના સમગ્ર વિસ્તારમાં દ્રવિડિયન ભાષાઓ બોલતા લોકોની વસ્તી હોય. ઉત્તરમાં સિંધુ ખીણથી લઈને દક્ષિણમાં શ્રીલંકા સુધીના સમગ્ર વિસ્તારમાં તેઓ વસેલા હોવાથી તમિળ લોકો પાસે હિમાલયમાં રહેતા પ્રાણી માટે એક શબ્દ હોય તો એમાં કશું આશ્ચર્યજનક નથી.
રાજા બૂમ પાડી ઊઠે છે, "કવરિમા - અજાયબી ભર્યો શબ્દ! રસપ્રદ વાત તો એ છે કે પ્રખ્યાત તમિળ શબ્દકોશ ક્રિઆ માં કવરિમા જેવો કોઈ શબ્દ જ નથી."
*****
અમારામાંના ઘણા પાસે આજે હવે શબ્દકોશોમાં શોધ્યા ન જડતા હોય એવા શબ્દોની વાર્તાઓ હતી. જોશુઆએ તેને નામ આપ્યું – ધોરણસ્થાપનનું રાજકારણ.
“કંઈ કેટલીય સદીઓ સુધી બંગાળના ખેડૂતો, કુંભારો, ગૃહિણીઓ, કવિઓ અને કારીગરો તેમની પોતાની પ્રાદેશિક ભાષાઓમાં - રાઢી, વારેન્દ્રી, માનભૂમિ, રંગપુરી, વગેરેમાં - વાતચીત કરતા હતા અને લખતા હતા. પરંતુ 19મી અને 20મી સદીની શરૂઆતમાં બંગાળની નવજાગૃતિનો સમય આવ્યો અને બાંગ્લા ભાષાએ તેનું મોટાભાગનું પ્રાદેશિક અને અરબો-પર્શિયન (અરબી-ફારસી) શબ્દભંડોળ ગુમાવ્યું. ધોરણસ્થાપન અને આધુનિકીકરણના ક્રમિક તરંગોની સાથોસાથ એ જ સમયે ભાષાઓનું સંસ્કૃતકરણ થવા લાગ્યું (બીજી ભાષાઓ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ વધવા લાગ્યો) અને એંગ્લોફોનિક, યુરોપિયનાઇઝ્ડ શબ્દો અને રૂઢિપ્રયોગો ભાષાઓમાં ઉમેરાવાનું પણ શરુ થયું. પરિણામે બાંગ્લા ભાષા પાસેથી તેની વૈવિધ્યસભરતા છીનવાઈ ગઈ. બસ ત્યારથી સાંથાલી, કુડમલી, રાજબોંગ્શી, કુરુખ વગેરે જેવી આદિવાસી ભાષાઓમાં ઘણા લાંબા સમયથી વપરાશમાં રહેલા અથવા તો એ ભાષાઓમાંથી ઉછીના લેવાયેલા શબ્દો ભૂંસાઈ રહ્યા છે.
વાત ફક્ત બંગાળની જ નથી. "બાર ગાઉએ બોલી બદલાય" એ કહેવતને અનુરૂપ કોઈ કહેવત કે રૂઢિપ્રયોગ ભારતની દરેક ભાષામાં મળી આવશે અને ભારતનું એકેએક રાજ્ય, સંસ્થાનવાદ (બ્રિટિશ રાજ) દરમિયાન, આઝાદી પછી તરત અને એ પછીથી થયેલ રાજ્યોના ભાષાકીય વિભાજન દરમિયાન શબ્દભંડોળના ધોવાણની સમાન પ્રક્રિયામાંથી પસાર થયું છે. ભારતમાં રાજ્ય-ભાષાની વાર્તા ઐતિહાસિક દ્રષ્ટિએ સાંસ્કૃતિક અને રાજકીય અસરોથી ભરપૂર છે.
જોશુઆ કહે છે, “હું મૂળે બાંકુરાનો છું, બાંકુરા અગાઉના મલ્લભૂમ સામ્રાજ્યનું કેન્દ્ર હતું, આ પ્રદેશમાં બહુવિધ વંશીય ભાષાકીય જૂથો વસે છે, પરિણામે તેમની વચ્ચે ભાષા, રીતરિવાજો વિગેરેનો લગભગ સતત વિનિમય થતો રહે છે. આ પ્રદેશની દરેકેદરેક ભાષામાં કુરમાલી, સાંથાલી, ભૂમિજ અને બિરહોરીમાંથી ઉછીના લીધેલા અસંખ્ય શબ્દો અને અભિવ્યક્તિઓ છે.
જોશુઆ ઉમેરે છે, “પરંતુ, ધોરણસ્થાપન અને આધુનિકીકરણના નામે આડા [જમીન], જુમડાકુચા [બળેલું લાકડું], કાક્તી [કાચબો], જોડ [પ્રવાહ], આગડા [હોલો], બિલાતી બેગુન [ટામેટા] અને બીજા ઘણા શબ્દોની જગ્યાએ હવે ધીમે ધીમે વસાહતી કલકત્તાના ઉચ્ચ-વર્ગ, ઊંચી જાતિના જૂથના લોકો દ્વારા વિકસાવવામાં આવેલા ઉચ્ચ સંસ્કૃતપ્રચૂર અને યુરોપિયનાઇઝ્ડ શબ્દસમૂહો વપરાતા થઈ ગયા છે."
*****
પણ જ્યારે ભાષામાંથી એક આખેઆખો શબ્દ અદૃશ્ય થઈ જાય ત્યારે શું ખોવાઈ જાય છે? પહેલા શબ્દ ભૂંસાઈ જાય છે કે તેનો અર્થ? કે પછી સંદર્ભ, જે ભાષામાં એક ખાલીપો સર્જી રહે છે? પરંતુ વિસરાઈ ગયેલા શબ્દો પાછળ જે ખાલી જગ્યાઓ છોડી જાય છે તેમાં કંઈક નવું ઉમેરાઈ જતું નથી?
જ્યારે એક નવો શબ્દ ‘ઉડાલપૂલ’ [ફ્લાઈંગ બ્રિજ], ફ્લાયઓવર માટેનો નવો બંગાળી સમકક્ષ શબ્દ બની જાય છે - ત્યારે શું આપણે કંઈક ગુમાવીએ છીએ કે પામીએ છીએ? અને હવે આપણે જે નવું ઉમેર્યું છે એ બધુંય ભેગું કરીએ તો એની સરખામણીમાં આ આખી પ્રક્રિયામાં આપણે જે ગુમાવ્યું છે એ શું ઘણું વધારે છે? સ્મિતા પોતાના વિચારો રજૂ કરતી હતી.
સ્મિતા યાદ કરે છે બાંગ્લા ભાષામાં વપરાતો એક જૂનો શબ્દ, ઘુલઘુલી - ઘરમાં થોડા હવા-ઉજાસ રહે એ માટે છતની નીચે મૂકવામાં આવતા પરંપરાગત વેન્ટિલેટર (જાળિયાં). તેઓ કહે છે, "હવે અમારા ઘરોમાં એ (ઘુલઘુલી) રહ્યા નથી. લગભગ 10 સદીઓ પહેલા, એક સમજદાર સ્ત્રી, ખાના, ખાનાર વચન લખે છે, એ તેમના લોકોમાં ખૂબ જાણીતા થયેલા બંગાળી દુહાઓનો સંગ્રહ છે. તેમાં તેમણે નવાઈ પમાડે એવી વ્યવહારિકતા સાથે ખેતી, આરોગ્ય અને દવા, હવામાનશાસ્ત્ર, ઘરના બાંધકામ વિશે લખ્યું છે.
આલો હાવા બેધો ના
રોગે ભોગે મોરો ના.
હવા-ઉજાસ વગરનો ઓરડો ન બનાવશો.
(જો એવો ઓરડો બનાવશો તો) તમે કદાચ માંદગીથી મૃત્યુ પામશો.
પીડે ઊંચું મીઝે ખાલ
તાર દુખ્ખો શોર્બોકાલ.
ઘરનું ભોંયતળિયું બહારની જમીન કરતાં નીચું હોય
તો એ ઘરમાં હંમેશ ઉદાસીનતા રહે છે, એનો વિનાશ થાય છે.
સ્મિતા ઉમેરે છે, "અમારા પૂર્વજોએ ખાનાના શાણપણ પર વિશ્વાસ મૂક્યો હતો અને અમારા ઘરોમાં ઘુલઘુલી માટે જગ્યા બનાવી હતી. પરંતુ રાજ્યની સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત શરૂ કરાયેલી વિવિધ આવાસ યોજનાઓ હેઠળ આમજનતાને પૂરા પાડવામાં આવતા આધુનિક સમયના એકરૂપ રહેણાકોમાં પરંપરાગત શાણપણને કોઈ સ્થાન નથી. દીવાલોમાં બેસાડેલી છાજલીઓ અને કુલુંગી તરીકે ઓળખાતી ઓરડામાં આરામ કરવાની ગોખલા જેવી જગ્યા, ચાતાલ તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યાઓ હવે જૂનવાણી વિચારો ગણાય છે. જેમ ઘરમાંથી ઘુલઘુલી અદ્રશ્ય થઈ ગઈ તેમ બોલચાલની ભાષામાંથી એ શબ્દ પણ અદૃશ્ય થઈ ગયો."
પરંતુ આજે જ્યારે ઘરો જ કબૂતરખાનામાં ફેરવાઈ ગયા છે ત્યારે સ્મિતા જે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે એ માત્ર એ શબ્દ અથવા ઘુલઘુલી અદ્રશ્ય થયાનું નથી. એ દુઃખ છે એક સમયે બીજા જીવો સાથે, કુદરત સાથે, એ વેન્ટિલેટરમાં (જાળિયામાં) પોતાના નાનકડા માળા બાંધતી કંઈ કેટલીય ચકલીઓ સાથે આપણે જે રીતે સંકળાયેલા હતા એ નાજુક સંબંધ તૂટી ગયાનું.
*****
કમલજીત કહે છે, “મોબાઈલ ટાવરોએ નોતરેલો વિનાશ, બહારની દુનિયાથી વિખુટા પડી ગયેલા પાકાં ઘરો, અમારા બંધ રસોડા, અમારા ખેતરોમાં હર્બિસાઇડ્સ (નીંદણ દૂર કરવા માટે વપરાતા રસાયણો) અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ, એ બધુંય અમારા ઘરો, બગીચાઓ અને ગીતોમાંથી ઘટતી જતી ચકલીઓની હાજરી માટે જવાબદાર છે."
બસ! તેમણે ભાષાકીય અને પર્યાવરણીય વિવિધતા વચ્ચેના મહત્વપૂર્ણ જોડાણને સમજાવી દીધું હતું. પંજાબી કવિ વારિશ શાહ ની થોડી પંક્તિઓ ટાંકીને તેઓ કહે છે,
“ચીડી ચૂકદી નાલ જા તુરે પાંધી,
પૈયાં
દુધ દે વિચ્ચ માદાણિયાં ની.
ચકલીઓનો કલરવ શરુ થતાની સાથે જ મહિલા દૂધ વલોવીને માખણ કાઢે છે તેવી જ રીતે ચકલીઓનો કલરવ શરુ થતાની સાથે જ મુસાફરો પણ તેમની મુસાફરીએ નીકળી પડે છે.
એક સમય હતો જ્યારે ચકલીઓનો કલરવ શરુ થતાની સાથે ખેડૂતો તેમનો દિવસ શરૂ કરતા હતા અને મુસાફરો તેમની મુસાફરી શરૂ કરતા હતા. તે આપણી નાનીઅમથી કુદરતી એલાર્મ-સિસ્ટમ હતી. આજકાલ હું મારા ફોન પર તેમના કલરવના રેકોર્ડ કરેલા અવાજથી જાગું છું. ખેડૂતો પક્ષીઓના વર્તનના આધારે મોસમની આગાહી કરતા, તેમના પાક-ચક્રનું આયોજન કરતા. તેમની પાંખોની અમુક હિલચાલ શુભ - કિસાની કા શુગુન - માનવામાં આવતી.
ચિડિયાં
ખાંભ ખિલેરે,
વસ્સણ મીહ બહતેરે.
જ્યારે
જ્યારે ચકલી તેની પાંખો ફેલાવે છે
ત્યારે
ત્યારે સ્વર્ગમાંથી મૂશળધાર વરસાદ વરસે છે."
આપણે આપણી જાતને ખૂબ મોટે પાયે થઈ રહેલા જૈવિક વિનાશની વચમાં ઊભેલી જોઈ રહ્યા છીએ એ કોઈ સંયોગ માત્ર નથી. છોડ, પ્રાણીઓ અને પક્ષીઓની અદ્રશ્ય થતી પ્રજાતિઓની સાથે-સાથે આપણે આપણી ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતામાં નોંધપાત્ર ઘટાડાનો સામનો કરી રહ્યા છીએ. ડો. ગણેશ દેવી 2010 માં પીપલ્સ લિન્ગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયામાં ભારતમાં ચિંતાજનક દરે ભાષાઓ મરતી હોવાનું નોંધે છે, છેલ્લા 60 વર્ષોમાં ભારતમાં લગભગ 250.
પંજાબમાં ચકલીઓની ઘટતી સંખ્યા વિશે પક્ષીવિદો અવાજ ઉઠાવતા રહ્યા છે, ત્યારે કમલજીતને લગ્ન સમયે ગવાતું એક જૂનું લોકગીત યાદ આવે છે.
સાદા ચિડિયાં દા ચંબા વે,
બાબુલ અસા ઉડ્ડ જાણા.
અમે તે, હાં અમે તે ઉડણ ચરકલડી રે
ઊડી જાશું પરદેશ રે વા'લા.
તેઓ કહે છે, “અમારા લોકગીતોમાં અવારનવાર ચકલીઓ જોવા મળતી હતી. પરંતુ અફસોસ, હવે એવું રહ્યું નથી."
*****
પંકજ નોંધે છે કે જે રીતે આબોહવા સંકટ અને સ્થળાંતર એકબીજા સાથે સંકળાયેલા છે એ જ રીતે અદૃશ્ય થઈ રહેલી આજીવિકા અને ભાષા પણ એકમેક સાથે સંકળાયેલા છે. તેઓ કહે છે, “આજકાલ રંગિયા, ગોરેશ્વર અને આસામમાં બીજી બધે જ બજારો મશીનથી બનાવેલા સસ્તા ગામોછા [ગમછા - પરંપરાગત રીતે ટુવાલ, સ્કાર્ફ અથવા પાઘડી તરીકે વપરાતું પાતળું, બરછટ સુતરાઉ કાપડ] અને બીજા રાજ્યોમાંથી પૂરા પાડવામાં આવતા ચાદોર-મેખલા [મહિલાઓ માટેનું છાતી અને પીઠની ચારે તરફ લપેટવાનું અને કમરથી નીચેની તરફ વીંટવાનું પરંપરાગત કાપડ] થી ઊભરાય છે. આસામનો પરંપરાગત હેન્ડલૂમ ઉદ્યોગ મરી રહ્યો છે અને તેની સાથે-સાથે અમારા સ્થાનિક ઉત્પાદનો અને વણાટ સાથે સંબંધિત શબ્દો પણ મરી રહ્યા છે."
“અક્ષય દાસ 72 વર્ષના છે અને તેમનો પરિવાર આજે પણ આસામના ભેહબારી ગામમાં હાથશાળ પર વણાટ કરે છે. તેમણે કહ્યું કે આ કળા હવે લુપ્ત થઈ ગઈ છે. ‘યુવાનો કામ માટે આ ગામથી લગભગ 60 કિલોમીટર દૂર ગુવાહાટીમાં સ્થળાંતર કરે છે. વણાટની પરંપરાથી દૂર થઈ ગયેલા એ યુવાનો સેરેકી જેવા શબ્દો જાણતા પણ નથી.’” અક્ષય જોતોર તરીકે ઓળખાતા સ્પિનિંગ વ્હીલની મદદથી મુહુરા (એક રીલ) ની આસપાસ નાના લૂપ્સમાં દોરાને વીંટવા માટે વપરાતા વાંસના પટાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
પંકજ કહે છે, “મને એક બિહુ ગીત યાદ છે, સેરેકી ઘુરાદી નાસ [ઝડપભેર ગોળ ગોળ ઘૂમતી સેરેકીની જેમ નૃત્ય]. કોઈ યુવાન જેને સેરેકી શું એ ખબર નથી, જેની પાસે આ આખો સંદર્ભ જ નથી તે આમાં શું સમજે? અક્ષયના 67 વર્ષના ભાભી, બિલાતી દાસ, [તેમના મોટા ભાઈ સ્વ.નારાયણ દાસના પત્ની] બીજું ગીત ગાઈ રહ્યા હતા,
ટેટેલિર તોલોટે, કપુર બોય અસીલો, સોરાયે સિગીલે હુટા.
હું આમલીના ઝાડ નીચે બેસીને વણતી હતી, પક્ષીઓએ દોરા તોડી નાખ્યા છે.
તેમણે મને તાણાના વણાટની પ્રક્રિયા સમજાવી અને કહ્યું કે નવા સાધનો અને મશીનોથી બજાર ઊભરાતા ઘણા સ્થાનિક સાધનો અને તકનીકો લુપ્ત થઈ રહ્યા છે.
*****
નિર્મલ રહસ્યમય હાસ્ય સાથે કહે છે, “આપણે સર્વનાશ ટેક્નોલોજીમાં છીએ.”
નિર્મલ તેની વાર્તા કહેવાનું શરૂ કરે છે: "તાજેતરમાં હું છત્તીસગઢમાં મારા ગામ પાટનદાદરમાં એક જાતના અભિયાન પર નીકળ્યો હતો. અમે જે પૂજા કરવાના હતા એને માટે હું દૂબ [બર્મ્યુડા ગ્રાસ] શોધી રહ્યો હતો. સૌથી પહેલા હું પાછળના વરંડામાં આવેલા કિચન ગાર્ડનમાં ગયો પણ મને દૂબ [સાયનોડોન ડેક્ટીલોન] નું એક પણ પાન મળ્યું નહીં. તેથી હું ખેતરોમાં ગયો."
"લણણીના થોડા મહિના પહેલાનો સમય હતો, તે સમયે નવા ઉગેલા ડાંગરના કણસલાં દૂધિયા મીઠા રસથી ભરાઈ જાય છે અને ખેડૂતો તેમના ખેતરોમાં પૂજા કરવા ઉમટી પડે છે. તેઓ પણ એ જ પવિત્ર ઘાસનો ઉપયોગ કરે છે. હું ખેતરોમાં ચાલતો ગયો, પરંતુ જ્યાં ઘાસના ઝૂમખા પર ઝાકળના ટીપાં ચમકતા હોવા જોઈએ, જે માટી મારા પગને મખમલ જેવી સુંવાળી લાગવી જોઈએ, એ માટી સાવ સૂકીભઠ્ઠ હતી. બર્મ્યુડા ગ્રાસ, સામાન્ય ઘાસ, કાંડી [લીલો ચારો], બધું જ ખલાસ થઈ ગયું હતું. ઘાસનું એકેએક પાન સુકાઈ ગયું હતું, બળીને સાવ કાળું થઈ ગયું હતું!”
"ખેતરમાં કામ કરી રહેલ કોઈક માણસને મેં (આવું થવાનું કારણ) પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ''સર્વનાશ' ડાલા ગયા હૈ, ઇસલિયે [કારણ કે 'વિનાશ' છાંટવામાં આવ્યો છે]'." તેઓ કોઈ ચોક્કસ બ્રાન્ડના નીંદણ નાશક (હર્બિસાઇડ) નો ઉલ્લેખ કરી રહ્યા હતા એ સમજતા મને થોડી વાર લાગી. તેઓએ છત્તીસગઢીમાં કહે છે તેમ નિંદા નાશક [નીંદણ નાશક] એવું ન કહ્યું, અથવા ઓડિયામાં અમે વારંવાર બોલીએ છીએ તેમ ઘાસ મરાય ન કહ્યું અથવા કેટલાક હિન્દીભાષી પ્રદેશોમાં કહે છે તેમ ખરપતવાર નાશક અને ચરામાર એવુંય ન કહ્યું. એ બધાયની જગ્યાએ 'સર્વનાશ' શબ્દ વપરાતો થઈ ગયો હતો!”
એક-એક ઇંચ જમીનનું શોષણ કરીને તેને આપણા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ઉત્પાદક ક્ષેત્રમાં ફેરવવાના માનવકેન્દ્રીય તર્કને કારણે ખેતી પર રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને તકનીકોનું પ્રભુત્વ વધ્યું છે. નિર્મલ કહે છે કે એક ખેડૂત કે જેની પાસે માંડ એક એકર જમીન છે, એ પણ પરંપરાગત ઓજારોનો ઉપયોગ કરવાને બદલે ટ્રેક્ટર ભાડે લે તેવી શક્યતા વધારે છે.
તેઓ વ્યથિત સ્વરે કહે છે, “ટ્યુબવેલ દિવસ-રાત પાણી ખેંચી રહ્યા છે અને આપણી ધરતીને ઉજ્જડ બનાવી રહ્યા છે. માટી મહેતારી, તેના ગર્ભાશયને [ઉપરની માટીને] દર 6 મહિને ગર્ભધારણ કરવાની ફરજ પાડવામાં આવે છે. એ 'સર્વનાશ' જેવા ઝેરી રસાયણો ક્યાં સુધી સહન કરી શકે? ઝેરથી ભરપૂર પાક ટૂંક સમયમાં જ માનવ રક્તમાં પ્રવેશશે. મને તો આપણે માથે તોળાઈ રહેલો આપણો પોતાનો સર્વનાશ દેખાઈ રહ્યો છે.
નિર્મલ આગળ કહે છે, “ભાષાની વાત કરીએ તો, એક આધેડ વયના ખેડૂતે એકવાર મને કહ્યું હતું કે નાગર [હળ], બખર [નીંદણ માટેનું ઓજાર], ખોપર [માટીના ગઠ્ઠા તોડવા માટે વપરાતો લાકડાનો ડંડો] – આજે તો એ નામો પણ કોઈ જાણતું નથી. અને દૌરી બેલન [બળદથી ચાલતું રોલર-થ્રેશર] તો જાણે કોઈ જુદી જ દુનિયાનું ઓજાર છે.”
શંકર કહે છે, “મેટીકંબાની જેમ."
તેઓ યાદ કરે છે, "મને યાદ છે અમે કર્ણાટકના ઉડુપીના વેંડસે ગામમાં અમારા આંગણામાં આ થાંભલો, મેટીકંબા રાખતા." શંકર કહે છે, "તેનો શાબ્દિક અર્થ હતો ખેતીનો થાંભલો. અમે તેની સાથે એક પાટલી – હડીમંચા બાંધતા. ડાંગરના ડૂંડામાંથી ચોખા અલગ કરવા માટે અમે ડાંગરના ઘાસને તેની પર છડતા હતા. અમે તેની સાથે બળદ પણ બાંધતા અને બાકી રહેલા ચોખાના દાણા કાઢવા માટે બળદને ડાંગરના ડૂંડા પર ગોળ ગોળ ફેરવતા. હવે એ થાંભલો અદૃશ્ય થઈ ગયો છે; આધુનિક લણણી મશીનો વડે (ડાંગરમાંથી ચોખા કાઢવાની) પ્રક્રિયા સરળ બની ગઈ છે."
“તમારા ઘરની સામે મેટીકંબા હોય એ તો ગર્વની વાત હતી. વર્ષમાં એક વાર અમે મેટીકંબાની પૂજા કરતા અને બહુ જ સરસ સ્વાદિષ્ટ વાનગીઓની મિજબાની કરતા! એ થાંભલો, એ પૂજા, એ મિજબાની, એ શબ્દ, એ એક આખું વિશ્વ - હવે શોધ્યું જડતું નથી.
*****
સ્વર્ણ કાન્તા કહે છે, “ભોજપુરીમાં એક ગીત છે, હરદી હરદપુર જૈહા એ બાબા, સોને કે કુદાલી હરદી કોરીહ એ બાબા [પિતાજી, મહેરબાની કરીને મને હરદપુરથી હળદર લાવી આપો, સોનાની કોદાળીથી (માટી) ખોદીને હળદર બહાર કાઢો]. ભોજપુરી-ભાષી પ્રદેશોમાં લગ્નોમાં ઉબટન [પીઠી ચોળવા] ની વિધિ દરમિયાન આ ગીત ગાવામાં આવતું. અગાઉ લોકો તેમના સંબંધીઓને ઘેર જતા અને જાંતા [ઘંટી] નો ઉપયોગ કરીને હળદરને પીસતા. હવે લોકોના ઘરોમાં નથી રહી ઘંટી, અને નથી રહી આ પારંપરિક વિધિ."
શહેરી ભારતમાં જે રીતે આપણે આપણી સાંસ્કૃતિક ઓળખ ગુમાવી રહ્યા છીએ એ વિશે વાત કરતા સ્વર્ણ કાન્તા કહે છે, 'હમણાં જ એક દિવસ મેં અને મારા દૂરના પિતરાઈ ભાઈની પત્નીએ નોંધ્યું હતું કે ઉબટન-ગીત સાથે સંકળાયેલા કેટલા બધા ભોજપુરી શબ્દો છે - કોદલ [કોદાળી], કોરના [ખોદવું], ઉબટન [હળદરથી સ્નાન કરવું], સિન્હોરા [કંકાવટી], દુબ [બર્મ્યુડા ગ્રાસ] – જે હવે સાંભળવાય મળતા નથી.
*****
આપણે બધા આપણા પોતપોતાના અલગ-અલગ રુચિ અને વિચારો પર આધારિત વ્યક્તિલક્ષી અવકાશમાંથી, અમારી પોતાની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી, આપણા વર્ગ સ્થાનો પરથી વાત કરી રહ્યા છીએ. અને તેમ છતાં આપણે બધા પોતપોતાની ભાષામાંથી શબ્દો ગુમાવવા બાબતે અને શબ્દોના સંકોચાતા જતા સંકેતાર્થો વિશે ચિંતિત છીએ. આપણા પોતાના મૂળ સાથેના, પર્યાવરણ સાથેના, પ્રકૃતિ સાથેના, આપણા ગામડાઓ સાથેના, આપણા જંગલો સાથેના કથળતા જતા સંબંધોની સાથે જે રીતે એ શબ્દો ભૂલાતા ચાલ્યા હતા એ વિષે આપણને એકસરખી જ ચિંતા છે. આ ઘટમાળમાં ક્યાંક આપણે ‘વિકાસ’ તરીકે ઓળખાતી એક સાવ જ અલગ રમત રમવાનું શરૂ કરી દીધું હતું.
રમતોની વાત કરીએ તો એ પણ સમયની સાથે ખોવાઈ ગઈ હતી. સુધામયી અને દેવેશ એ વિશે જ વાત કરી રહ્યા હતા. સુધામયી કહે છે, "જો તમે મને આજના બાળકો હવે રમતા નથી એવી રમતો વિશે પૂછો તો હું તમને એક આખી યાદી આપી શકું - ગચ્ચકાયલુ અથવા વલ્લંચી - જેમાં તમે કાંકરાને હવામાં ઉછાળીને એને તમારી હથેળીની પાછલી બાજુએ ઝીલતા (કૂકા); ઓમનગુંટલુ, કોડી અથવા કચૂકા અને ટેબલ પર બે હારમાં 14 કાણાં અથવા ખાડાઓ સાથે આ રમત રમાય છે, કળ્ળગંટલુ, પકડાપકડીની એક રમત જેમાં દાવ આપનારની આંખે પાટા બાંધવામાં આવે છે (આંધળી ખિસકોલી), વિગેરે."
દેવેશ કહે છે, “મારી પાસે 'સતીલો' જેવી રમતો સાથે જોડાયેલી યાદો છે. એમાં બે ટીમ હોય અને સાત પથ્થરો એકની ઉપર એક એમ મૂકવામાં આવે. એક ટીમ પથ્થરના ટાવરને તોડી પાડવા માટે બોલ ફેંકે અને બીજી ટીમે આઉટ થયા વિના એ ટાવરને ફરીથી બનાવવાનું (સાતોડિયું). થોડા વખત પછી અમે છોકરાઓ આ રમતથી કંટાળી ગયા અને ત્યારે અમે 'ગેના ભડભડ' નામની નવી રમત શોધી કાઢી. એમાં નહોતું કોઈ અંતિમ લક્ષ્ય કે નહોતી કોઈ ટીમ. બધાએ માત્ર બોલ વડે એકબીજાને નિશાન બનાવીને બોલ મારવાનો! (દડામાર) એ રમતા રમતા ક્યારેક કોઈને ઈજા થઈ શકે, તેથી એ 'છોકરાઓની રમત' ગણાતી. છોકરીઓ ગેના ભડભડ રમતી નહોતી."
સુધામયી કહે છે, “મેં જે જે રમતોની વાત કરી છે તેમાંથીકોઈ પણ રમત હું ક્યારેય રમી નથી." મને તો ફક્ત મારા દાદી ગાજલવર્તી સત્ય વેદમ પાસેથી એ રમતો વિશે સાંભળ્યાનું યાદ છે. તેઓ કોલકલુરુમાં આવેલા મારા ગામથી લગભગ 17 કિલોમીટર દૂર આવેલા ચિનાગાદેલવર્રુ રહેતા હતા. હું તેમના વિશે ઝાઝું જાણતી નથી પરંતુ આ રમતો વિશેની જે વાર્તાઓ તેઓ કહેતા એ વાર્તાઓ તેમની પાસેથી સાંભળ્યાની એક સ્પષ્ટ સ્મૃતિ છે, તેઓ મને ખવડાવતી વખતે અથવા મને સુવાડતી વખતે એ વાર્તાઓ કહેતા. હું આ રમતો રમી ન શકી, મારે તો શાળાએ જવાનું હતું!"
દેવેશ કહે છે, “અમારા વિસ્તારની છોકરીઓ પથ્થરના ટુકડા વડે 'ગુટ્ટે' રમતી, “અથવા 'બિશ-અમૃત' [ઝેર-અમૃત] — આ રમતનો હેતુ કાં તો બીજી ટીમને પકડવાનો અથવા બચાવવાનો હતો. મને 'લંગડી ટાંગ' નામની રમત પણ યાદ છે, એમાં ખેલાડીઓ જમીન પર દોરવામાં આવેલા નવ ચોરસની અંદર એક પગે લંગડી કરીને કૂદકા મારતા હતા. આ હોપસ્કોચ (પગથિયાં) નો જ એક પ્રકાર હતો.
દેવેશ કહે છે, " એ સમયે બાળકો તેમની પાસેથી તેમનું બાળપણ અને તેમની ભાષા બંનેને છીનવી લેતું ડિજિટલ ઉપકરણ (મોબાઈલ ફોન) પોતાના હાથમાં લઈને મોટા થતા નહોતા. આજે બખીરામાં 5 વર્ષના મારા ભત્રીજા હર્ષિતે અને ગોરખપુરમાં 6 વર્ષની મારી ભત્રીજી ભૈરવીએ તો આ રમતોના નામેય સાંભળ્યા નથી."
*****
પરંતુ કેટલુંક નુકસાન તો અટળ છે, ખરું કે નહીં? પ્રણતિ મનમાંને મનમાં વિચારતી રહી. શું અમુક ક્ષેત્રોમાં થતા ફેરફારોથી આપણી ભાષા આપમેળે બદલાતી નથી? વૈજ્ઞાનિક જ્ઞાનમાં ઝડપી પ્રગતિ, ઉદાહરણ તરીકે, અસંખ્ય રોગો, તેમના કારણો અને નિવારણ વિશેના જ્ઞાનમાં, લોકોમાં તેને સંબંધિત જાગૃતિનો ફેલાવો લોકોની એ રોગો તરફ જોવાની દ્રષ્ટિને બદલી નાખે છે. અથવા બીજું કઈ નહિ તો લોકોની એ રોગોને ઓળખવાની રીત તો ચોક્કસ બદલી નાખે છે. નહીં તો ઓરિસ્સામાં સ્થાનિક ભાષાઓમાં રોજ-બરોજના વપરાશમાં આવી ગયેલા ચોક્કસ વૈજ્ઞાનિક શબ્દભંડોળને તમે બીજી કઈ રીતે સમજાવી શકો?
તેઓ કહે છે, "આ ગામડાઓમાં એક સમયે અમારી પાસે આ રોગોના જુદા જ નામ હતા; શીતળા બડી મા હતી; અછબડા છોટી મા હતી; ઝાડા કાં તો બાડી, હૈજા અથવા અમાશય હતા; ટાઈફોઈડ આંત્રિક જ્વર હતો. અમારી પાસે ડાયાબિટીસ માટે - બહુમૂત્ર, સંધિવા માટે - ગુંઠીવાત અને રક્તપિત્ત માટે - બડા રોગ જેવા શબ્દો હતા. પરંતુ આજે લોકો ધીમે ધીમે આ ઓડિયા શબ્દોને બાજુ પર મૂકી રહ્યા છે, અને તેમના શબ્દભંડોળમાં અંગ્રેજી શબ્દોને સ્થાન આપી રહ્યા છે. શું આ કારણે દુઃખી થવું જોઈએ? હું એ વિશે ચોક્કસ કંઈ કહી શકતી નથી."
આપણે ભલે ભાષાશાસ્ત્રીઓ હોઈએ કે ન હોઈએ પણ આપણે જાણીએ છીએ કે ભાષા એ સ્થિર નથી, એ ગતિશીલ છે, પરિવર્તનશીલ છે. ભાષા તો એક નદી છે, જે અલગ-અલગ વિસ્તારો, વિભિન્ન સામાજિક જૂથો અને વિવિધ કાળખંડમાંથી પસાર થઈને સતત વહેતી રહે છે, હંમેશા બદલાતી રહે છે, ચોમેર ફેલાતી રહે છે, ચારે તરફથી કંઈક આત્મસાત કરતી રહે છે, સંકોચાતી રહે છે, વિલીન થતી રહે છે, નવીનીકરણ પામતી રહે છે. તો પછી ભાષામાંથી જે ભૂલાઈ ગયું છે એને માટે અને એને યાદ કરવા માટે આટલી હોહા શાને? શું થોડુંઘણું ભૂલી જવું એ પણ સારું નથી?
*****
મેધા કહે છે, “હું આપણી ભાષાઓની પાછળ છુપાયેલ કેટલાક સામાજિક માળખાં વિશે વિચારી રહી છું. મુર્દાદ મટન જેવો શબ્દ લો. અમે વારંવાર આ શબ્દનો ઉપયોગ, જે માણસ ઉપર કોઈની કોઈપણ વાતની અથવા કોઈ પણ પરિસ્થિતિથી કંઈ અસર થતી નથી એવા, 'હઠીલા' માણસ માટે કરીએ છીએ, મુર્દાદ મટન જેવો, મૃત માંસ જે ઘણા ગામડાઓમાં દલિતોને ખાવાની ફરજ પાડવામાં આવતી તે. આ શબ્દ ત્યાંથી આવ્યો છે.
રાજીવ મલયાલમ ભાષા વિશે વિચારવા લાગ્યા. તેઓ કહે છે, "કેરળમાં એક સમયે નીચલી જાતિના લોકોના રહેણાક ચેટ્ટા તરીકે ઓળખાતા, ચેટ્ટા - એક ઘાસ છાયેલું નાનકડું ખોરડું. એ શબ્દ કોઈને અપમાનિત કરવા માટે પ્રયોજાતો અપશબ્દ પણ બની ગયો કારણ કે એ આવા મકાનોમાં રહેતા નીચલી જાતિના લોકોનો ઉલ્લેખ કરે છે. તેઓ તેમના ઘરોને પુરા અથવા વીડ કહી શકતા નહોતા, એ શબ્દો ઉચ્ચ જાતિના લોકોના ઘરો માટે આરક્ષિત હતા. તેમના નવજાત શિશુઓ ઉચ્ચ જાતિના લોકોના નવજાત શિશુઓની જેમ ઉન્ની નહોતા, પરંતુ ચેક્કન એટલે કે મોઢે ચડાવેલ બદતમીઝ છોકરાઓ હતા. ઉચ્ચ જાતિના લોકોની હાજરીમાં તેઓએ પોતાને અડિયન, 'તમારા આજ્ઞાકારી સેવક' કહેવડાવવું પડતું. આ શબ્દો હવે ઉપયોગમાં લેવાતા નથી."
મેધા કહે છે, “કેટલાક શબ્દો અને તેમનો (અમુક અર્થમાં થતો) વપરાશ કાયમ માટે ખોવાઈ જાય એ જ સારું છે. મરાઠવાડાના દલિત નેતા એડ. એકનાથ અવાડ તેમની આત્મકથામાં એક એવી ભાષાની વાત કરે છે જે ભાષા તેમણે અને તેમના મિત્રોએ ભેગા મળીને વિકસાવી હતી [જેરી પિન્ટો દ્વારા અનુવાદિત સ્ટ્રાઈક અ બ્લો ટુ ચેઈન્જ ધ વર્લ્ડ]. તેઓ માતંગ અને બીજી દલિત જાતિઓના હતા, અને ભયંકર ગરીબીમાં રહેતા હતા, ખોરાકની ચોરી કરતા હતા. તેમની ગુપ્ત ભાષા તેમને ટકી રહેવામાં, એકબીજાને ચેતવણી આપવામાં અને પકડાઈ જતા પહેલા ભાગી છૂટવામાં મદદ કરવા માટે હતી. ‘જીઝા’ના હુલામણા નામે ઓળખાતા એકનાથ કહે છે કે 'આ ભાષા ભૂલાઈ જવી જોઈએ. કોઈએ તે જાણવી ન જોઈએ અને કોઈનેય તેનો ફરીથી ઉપયોગ કરવાની જરૂર પાડવી ન જોઈએ'."
“દિપાલી ભુસનાર અને સોલાપુર જિલ્લાના સાંગોલાના એડ. નીતિન વાઘમારે ઘણા શબ્દો અને કહેવતોની યાદી આપે છે, જેમ કે કાયે માંગ ગારુડ્યાસારખા રાહતોય? [કેમ આવો સાવ માંગ કે ગારુડી જેવો લાગે છે?] (કેમ આવો સાવ વાઘરી જેવો ફરે છે?) આ ઉપયોગ અત્યંત ગરીબી અને જાતિના ભેદભાવ વચ્ચે જીવતા દલિતોમાં વ્યક્તિગત સંભાળ અને સ્વચ્છતાનો અભાવ સૂચવે છે. પરંતુ જ્ઞાતિ પદાનુક્રમમાં જકડાયેલી ભાષામાં કોઈ વ્યક્તિને પારધી, માંગ, મહાર સાથે સરખાવી એ અંતિમ અપમાન હતું. આવા શબ્દોને આપણી ભાષામાંથી જડમૂળથી ઉખાડીને બહાર ફગાવી દેવા જોઈએ.”
*****
જોકે કંઈક તો એવું ચોક્કસ હોવું જોઈએ જેને જતનથી જાળવવાની જરૂર હોય. આપણી ભાષાઓને માથે તોળાઈ રહેલું સંકટ કાલ્પનિક નથી. પેગી મોહનના કહેવા પ્રમાણે આ જો કોલસાની ખાણમાં પહેલા કેનેરી જેવું હોય, તો હજી શું આથીય વધુ ખરાબ પરિસ્થિતિ આવવાની બાકી છે? શું આપણે લોકો તરીકે, એક સંસ્કૃતિ તરીકે આપણી વિવિધતાની સામુહિક લુપ્તતા તરફ આગળ વધી રહ્યા છીએ? શું એની જ શરૂઆત અહીં ભાષાઓમાં જોવા મળી રહી છે? અને એમાંથી મુક્તિ ક્યાં મળશે?
69 વર્ષના જયંત પરમાર કહે છે, “બીજે ક્યાં? આપણી પોતાની જ ભાષાઓમાં." તેઓ ઉર્દૂમાં લખતા દલિત ગુજરાતી કવિ છે.
પોતાના અને પોતાની માતા ડાહીબેન પરમારના ભાષા સાથેના સંબંધ વિશે બોલતા તેઓ કહે છે, "મા ગુજરાતીમાં ઘણા ઉર્દૂ શબ્દો વાપરતી. મને કોઈ એક ખાસ વાસણ લાવવાનું કહેવા માટે એ કહેતી, “જા, કદો લાઈ આવ ખાવા કાઢું. મને ખ્યાલ નથી એ પ્રકારના વાસણો, જેમાં અમે ભાત ભેળવીને ખાતા હતા, એ હવે અસ્તિત્વમાં છે કે કેમ." તેઓ ઉમેરે છે, "ગાલિબને વાંચ્યા પછી મને સમજાયું કે સાચો શબ્દ કદા છે."
“તારા ‘દિદાર’ તો જો", "તારું ‘ખમીસ’ ધોવા આપ", “મ્હોંમાંથી એક ‘હરફ’ કઢતો નથી” જેવા તો ઘણા વાક્યો હતા. અથવા એ કહેતી, “મુલ્લાને ત્યાંથી ‘ગોશ’ [માંસ] લઈ આવ." અહીં સાચો શબ્દ ગોશ્ત છે - પણ બોલચાલની ભાષામાં આપણે એને ગોશ કહીએ છીએ. આ શબ્દો જે આપણી બોલીનો ભાગ હતા તે હવે ભૂલાઈ રહ્યા છે. જ્યારે પણ હું ઉર્દૂ કવિતાઓમાં આ શબ્દો જોઉં છું ત્યારે મને ત્યાં મારી માની છબી દેખાય છે."
હવે પરિસ્થિતિ જુદી છે, શહેરનું વાતાવરણ બદલાઈ ગયું છે, શહેરની ભૂગોળ બદલાઈ ગઈ છે. તેઓ કહે છે, “એ વખતે અમદાવાદના કોટવિસ્તારના શહેરની અંદર તમામ સમુદાયના લોકો એકસાથે રહેતા હતા; ત્યારે સાંપ્રદાયિક સંસ્કૃતિ નહોતી. દિવાળી દરમિયાન અમારા મુસ્લિમ મિત્રોને અમારે ઘરેથી મીઠાઈઓ અને સ્વાદિષ્ટ ચટપટી વાનગીઓ મળતી. અમે એકબીજાને ભેટતા. મોહરમ દરમિયાન અમે બધા તાજિયાના જુલૂસ જોવા જતા. તેમાંના કેટલાક ખૂબ સુંદર રહેતા, જાણે પરીઓ માટેના સુશોભિત ગુંબજ. નાના બાળકો તેમની નીચેથી પસાર થઈને પોતાની ખુશી અને તંદુરસ્તી માટેનું વરદાન માગતા."
એ સમયે આદાન-પ્રદાન હતું, એક સાચો, મુક્ત વિનિમય હતો. તેઓ કહે છે, "હવે આપણે એવા એક અલગ વાતાવરણમાં જીવતા નથી અને તે આપણી ભાષાઓમાં દેખાય છે. પણ હજી કવિતામાં કંઈક આશા છે. હું મરાઠી, પંજાબી, બંગાળી જાણું છું અને તેમાંથી ઘણા શબ્દો ઉર્દૂમાં લાવું છું. કારણ કે હું માનું છું કે માત્ર કવિતામાં જ આ શબ્દો સાચવી શકાશે.”
આખરે સૃષ્ટિમાં શબ્દો છે અને શબ્દોમાં જ સૃષ્ટિ.
ભારતના વિધવિધ પ્રદેશોમાંથી આવેલી આ વાર્તા પારીભાષાના કેટલાક સભ્યો - દેવેશ (હિન્દી), જોશુઆ બોધિનેત્રા (બાંગ્લા), કમલજીત કૌર (પંજાબી), મેધા કાળે (મરાઠી), મોહમ્મદ અમર તબરેઝ (ઉર્દૂ), નિર્મલ કુમાર સાહુ (છત્તીસગઢી), પંકજ દાસ (આસામી), પ્રણતિ પરિદા (ઓડિયા), રાજસંગીતન (તમિળ), રાજીવ ચેલનાત (મલયાલમ), સ્મિતા ખટોર (બાંગ્લા), સ્વર્ણ કાંતા (ભોજપુરી), શંકર એન. કેંચનુર (કન્નડા), અને સુધામયી સત્તેનાપલ્લી (તેલુગુ) ના યોગદાનથી શક્ય બની છે.
અમે જયંત પરમાર (ઉર્દૂમાં લખતા ગુજરાતી દલિત કવિ), આકાંક્ષા, અંતરા રમણ, મંજુલા મસ્તિકટ્ટે, પી. સાંઈનાથ, પુરુષોત્તમ ઠાકુર, રિતાયન મુખર્જી અને સંકેત જૈનના તેમના યોગદાન માટે આભારી છીએ.
આ વાર્તાનું સંપાદન પ્રતિષ્ઠા પંડ્યાએ સ્મિતા ખટોર, મેધા કાળે, પ્રીતિ ડેવિડ અને પી. સાંઈનાથના સહયોગથી કર્યું છે. અનુવાદમાં મદદ: જોશુઆ બોધિનેત્રા. ફોટો સંપાદન અને લેઆઉટ: બીનાઈફર ભરૂચા.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક