“એ કૈસે હોર નુ જીતા રહે ને, સાડે આગે કોઈ હોર કુડી નહીં સી [તેઓ બીજા કોઈને જીતાડે છે, અમારાથી આગળ કોઈ છોકરી હતી જ નહીં]." ખેલાડીઓ જસપાલ, રમનદીપ અને સખીઓ એક અવાજમાં તેમના પ્રશિક્ષકને ફરિયાદ કરી રહ્યા છે. ચંદીગઢમાં યોજાયેલ મેરેથોનમાં ભાગ લેવા અમૃતસર જિલ્લાના એક ડઝન જેટલા યુવા ખેલાડીઓએ 200 કિલોમીટરની મુસાફરી કરી હતી, અને તેઓ દેખીતી રીતે ઉશ્કેરાયેલા હતા.
એક તરફ પાંચ કિલોમીટરની સ્પર્ધામાં બીજા ઈનામના વિજેતા તરીકે મંચ પરથી જસપાલ કૌરના નામની જાહેરાત થઈ રહી છે ત્યારે જ બીજી તરફ આ બધું ચાલી રહ્યું છે. તેઓ જાણે છે કે છેક અંતિમ રેખા સુધી જસપાલ સતત આગળ રહ્યા હતા આથી તેઓ વિજેતા છે, નહીં કે રનર-અપ. પરંતુ વિજેતા માટેનો 5000 રુપિયાનો રોકડ પુરસ્કાર કોઈ બીજાને નામે જાહેર કરાઈ રહ્યો છે.
જસપાલ મંચ પર જવાની અને બીજું ઇનામ સ્વીકારવાની ના પાડી દે છે, મંચ પર જઈને બીજું ઈનામ સ્વીકારવાને બદલે તેઓ અને તેમના પ્રશિક્ષક મંચની ઉપરથી નીચે, એક વ્યક્તિની પાસેથી બીજી વ્યક્તિ પાસે ને બીજી વ્યક્તિ પાસેથી ત્રીજી પાસે, આમથી તેમ જાય છે, આયોજકોના નિર્ણય પર સવાલ ઉઠાવે છે, તેમની પોતાની વાત વિગતે કહે છે, અને જસપાલને થયેલો અન્યાય દૂર કરવામાં મદદ માગે છે. અંતે પોતાના પ્રશિક્ષકની વિનંતીથી જસપાલ બીજું ઇનામ, રુપિયા 3100નો આંકડો લખેલો એક વિશાળ ફોમ બોર્ડ ચેક સ્વીકારી લે છે.
એક મહિના પછી એપ્રિલ 2023 માં જસપાલના આશ્ચર્ય વચ્ચે તેમને પોતાના ખાતામાં 5000 જમા થયાની જાણ થાય છે. નથી જસપાલને કોઈ ખુલાસો આપવામાં આવ્યો કે નથી કોઈ સ્થાનિક અખબારોમાં કોઈ નોંધ લેવામાં આવતી. રુનિઝન ટાઈમિંગ સિસ્ટમની પરિણામની વેબસાઇટ પર લીડરબોર્ડ પર 5-કિલોમીટરની સ્પર્ધાના વિજેતા તરીકે 23.07 મિનિટના ગનટાઇમ (રેસ ટાઈમ) સાથે જસપાલનું નામ જોઈ શકાય છે. તે વર્ષના પુરસ્કાર વિતરણ ફોટોગ્રાફ્સમાં જસપાલ નથી. પરંતુ જસપાલને મળેલા અનેક ચંદ્રકોની સાથે તેમની પાસે હજી આજે પણ એ વિશાળ ચેક છે.
2024 માં આગલી મેરેથોનમાં આ છોકરીઓ સાથે ગયેલા આ પત્રકારને આયોજકો પાસેથી જાણવા મળ્યું કે તેઓએ વીડિયો ફૂટેજની તપાસ કર્યા પછી એ વર્ષે પાછળથી જસપાલની પ્રતિસ્પર્ધીને સ્પર્ધામાં ગેરલાયક ઠેરવી હતી. તેઓને સમજાયું હતું કે આ છોકરીઓની વાત સાચી હતી. રેસ બિબમાં કશીક છેતરપિંડી થઈ હતી. આ ખુલાસાથી જસપાલને મળેલ ઈનામની રોકડ રકમનું રહસ્ય સમજાઈ ગયું.
જસપાલને માટે રોકડ ઈનામો મહત્વપૂર્ણ છે. જો તેઓ પૂરતા પૈસા બચાવી શકે તો તેઓ ફરીથી કોલેજ જઈ શકે છે. બે વર્ષ પહેલા જસપાલ ખાનગી યુનિવર્સિટીમાં ઓનલાઈન બીએ (આર્ટ્સ) ના અભ્યાસક્રમમાં જોડાયા હતા. તેઓ કહે છે, "પરંતુ હું પહેલા સેમેસ્ટરથી આગળ ભણી શકી નથી. પરીક્ષામાં બેસવા માટે મારે દર સેમેસ્ટરમાં લગભગ 15000 રુપિયા ચૂકવવા પડે છે. પહેલા સેમેસ્ટરમાં મેં [રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જીતવા બદલ ગામના પ્રતિનિધિઓ અને શાળા તરફથી આપવામાં આવેલા] રોકડ પુરસ્કારોના પૈસા ફી ભરવા માટે વાપર્યા. પરંતુ એ પછી હું બીજું સેમેસ્ટર પૂરું ન કરી શકી કારણકે મારી પાસે પૈસા જ નહોતા.
22 વર્ષના જસપાલ એ તેમના પરિવારની કોલેજમાં જનાર પહેલી પેઢી છે અને તેમના ગામના મઝહબી શીખ સમુદાયની કોલેજમાં જનાર બહુ ઓછી મહિલાઓમાંથી એક છે, મઝહબી સમુદાય પંજાબમાં સૌથી વંચિત અનુસૂચિત જાતિ સમુદાય તરીકે સૂચિબદ્ધ છે. જસપાલના માતા 47 વર્ષના બલજિન્દર કૌરે 5 મા ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે અને તેમના પિતા 50 વર્ષના બલકાર સિંહ ક્યારેય શાળાએ ગયા નથી. જસપાલના મોટા ભાઈ, 24 વર્ષના અમૃતપાલ સિંહે તેમના ગામ કોહાલીની આસપાસ બાંધકામના સ્થળોએ શ્રમિક તરીકેનું કામ કરી તેમના પિતાને મદદ કરવા માટે 12 મા ધોરણ પછી અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો; જસપાલના નાના ભાઈ, 17 વર્ષના આકાશદીપ સિંહ 12 મા ધોરણ સુધી ભણ્યા છે.


















