જ્યારે હું ગાંધીનગર અને અળગાપુરી પહોંચ્યો ત્યારે ગામડાઓમાં વ્યાકુળ ભીડ જમા થયેલી હતી. આ બે દલિત (અનુસૂચિત જાતિ) ગામો વચ્ચે માત્ર એક જ રસ્તો છે. ત્યાં પોલીસ કર્મચારીઓ અને વાહનોની ભારે સંખ્યામાં હાજરી હતી. શિવકાશી શહેરમાં કનિષ્ક ફટાકડા કંપનીમાં 14 કામદારોના જીવ ભરખી જનારી આગના અકસ્માતના વિનાશક સમાચારોએ આ સમુદાયને ખૂબ જ બેચન કરી દીધો હતો. છ મૃત્યુ એકલા ગાંધીનગર ગામમાં જ થયાં હતાં અને તે તમામ દલિતોનાં હતાં.
લોકો તેમના પ્રિયજનોના નિધનના લીધે શેરીઓમાં રડી રહ્યા હતા. કેટલાક લોકો ફોન પર વિરુધુનગર જિલ્લાના અન્ય નગરો અને ગામડાઓમાં સંબંધીઓને આ વિષે જાણ કરી રહ્યા હતા.
થોડા સમય પછી ભીડ સ્મશાન તરફ આગળ વધવા લાગી અને હું તેમની સાથે જોડાઈ ગયો. આખું ગામ રસ્તા પર હતું અને ગામના છ કામદારોને વિદાય આપવા માટે સ્મશાન તરફ જઈ રહ્યું હતું. બળી ગયેલા મૃતદેહોને બહાર કાઢવાનો હવાલો સંભાળતા ફાયર ફાઇટર પોસ્ટમોર્ટમ માટે તેમને બહાર કાઢવામાં નડતી મુશ્કેલીઓ વિષે સમજાવી રહ્યા હતા.
રાત્રે લગભગ 8:30 વાગ્યે, છ એમ્બ્યુલન્સ આખરે સ્મશાનગૃહમાં પહોંચી, અને ભીડ પોક મૂકીને રડવા લાગી અને તેમની તરફ દોડી આવી. એક ક્ષણ માટે, તો હું મારું કામ પણ ભૂલી ગયો; હું મારો કેમેરા બહાર કાઢી શક્યો નહીં. રાત્રિના અંધકારમાં, સ્મશાન ચિક્કાર ભરાયેલું હતું, અને અજવાળાની આસપાસ ત્યાં ભેગા થયેલા ગ્રામજનોની જેમ મોટી સંખ્યામાં જીવડાં ઉડતાં હતાં.
મૃતદેહોને બહાર કાઢતાં જ ભીડ પાછી હટી ગઈ - બળી ગયેલા માંસની દુર્ગંધ અસહ્ય હતી. કેટલાકને ઉલટી પણ થઈ હતી. મૃતદેહોની ઓળખ માત્ર એટલા માટે જ શક્ય બની કારણ કે તેમના પર તેમના નામનું લેબલ લગાવેલું હતું. જેમ જેમ ભીડ દૂર જતી ગઈ તેમ તેમ સ્મશાનગૃહ એકલું જ ઊભું રહ્યું.
14 વર્ષની વિદ્યાર્થીની એમ. સંધ્યાએ વૈજ્ઞાનિક બનવાનું સપનું જોયું હતું. અકસ્માતમાં તેમનાં માતા મુનીશ્વરીને ગુમાવ્યા પછી, તે હવે તેના સપનાં પર પુનર્વિચાર કરી રહી છે. સંધ્યાનાં માતા છેલ્લા આઠ વર્ષથી ફેક્ટરીમાં કામ કરતાં હતાં; તેમણે તેમની દીકરીની જરૂરિયાતો પૂરી કરવા માટે ઓવરટાઇમ કામ પણ કર્યું હતું. સંધ્યાનાં પાતિ (દાદી) કહે છે કે, એક સિંગલ પેરેન્ટ તરીકે, તેમણે ખૂબ શ્રેષ્ઠ કામ કર્યું હતું. સંધ્યાએ કહ્યું, “મને ખબર નથી કે મારાં પાતિ કેટલો સમય સુધી મારી સંભાળ રાખી શકશે. તેઓ ગંભીર ડાયાબિટીસની સમસ્યાથી પીડાય છે.”
પંચવર્ણમે આ દુઃખદ ઘટનામાં તેમના પતિને ગુમાવ્યા હતા. તેઓ કહે છે, “બહાર નમૂના તરીકે રાખવામાં આવેલા ફટાકડામાં આગ લાગી હતી. હું બહાર નીકળવાના રસ્તાની નજીક બેઠી હોવાથી, હું ભાગી શકી હતી. પરંતુ ધુમાડાને કારણે તેઓ બહાર આવી શક્યા ન હતા.”
તેઓ મને ભાગતી વખતે તેમને થયેલા ફોલ્લા અને ઉઝરડા બતાવે છે. તેઓ યાદ કરીને કહે છે, “સામાન્ય રીતે, જ્યારે ગ્રાહકો મોટી માત્રામાં ખરીદી કરે છે, ત્યારે તેઓ નમૂના જોવાનું પસંદ કરે છે. જો તેઓ નમૂનાનું પરીક્ષણ કરવા માંગતા હોય, તો તેમણે ફેક્ટરીથી ઓછામાં ઓછું એક કિલોમીટર દૂર જવાનું હોય છે. પરંતુ આ ઘટના ઘટી તે દિવસે તેમણે ફેક્ટરી પરિસરની નજીક જ નમૂનાનું પરીક્ષણ કર્યું હતું. પરીક્ષણથી ઊડેલા તણખા દરેક જગ્યાએ ઉડ્યા હતા − તે ફેક્ટરીની છત પર અને ત્યાંથી તેઓ જે ફટાકડા ભેગા કરી રહ્યાં હતાં તેના પર પડ્યા હતા. જોતજોતામાં આખા ઓરડામાં આગ ફેલાઈ ગઈ અને 15 કામદારોમાંથી 13 કામદારો આગમાં ફસાઈ ગયા. જે ત્રણ લોકો બચ્યા હતા તેઓ તે સમયે શૌચાલયમાં હોવાથી ત્રીજા સ્તરના દાહ સાથે બચી ગયા હતા. જો તેઓ તે સમયે શૌચાલયમાં ન હોત, તો તેઓ પણ બચી શક્યા ન હોત. જ્યારે તેઓ નાસી છૂટ્યાં, ત્યારે તેમની સાડીઓમાં આગ લાગી હતી.”
પંચવર્ણમ અને તેમના પતિ બાલમુરુગનની આવક તેમના શારીરિક શ્રમના કલાકો પર આધારિત છે. તેમની મહેનતની કમાણીથી, તેઓએ એક દીકરીનો ઉછેર કર્યો હતો, જે બી.એસ.સી. નર્સિંગના પ્રથમ વર્ષમાં છે, અને એક દીકરો પણ છે જેણે આઈ.ટી.આઈ.માં ડિપ્લોમા કરેલું છે. પોતાના પતિ બાલમુરુગનને યાદ કરતાં પંચવર્ણમે કહ્યું હતું કે, “તેઓ પોતાના બાળકોને ભણાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હતા.” તેમની પુત્રી ભવાનીએ કહ્યું, “તેઓ હંમેશાં એક જ વસ્તુ પર ભાર મૂકતા હતાઃ શિક્ષણ. તેઓ ઇચ્છતા ન હતા કે અમે પણ તેમની જેમ પીડાઈએ.”
હવે, આગ લાગવાની ઘટના અને તેના પછીના હોસ્પિટલ ખર્ચ પછી, પંચવર્ણમ અને તેમનો પરિવાર દેવામાં ડૂબી ગયો છે. તેમની કિડનીની જટિલતાઓને કારણે તેમણે અત્યાર સુધીમાં પાંચ શસ્ત્રક્રિયાઓ કરવી પડી છે. તેમને એવી દવા લેવાની સલાહ આપવામાં આવી છે જેનો ખર્ચ દર મહિને 5,000 રૂપિયા થાય છે. તેઓ કહે છે, “અમે હજુ સુધી અમારી દીકરીની કોલેજની ફી [20,000 રૂપિયા] ચૂકવી નથી. અમે વિચાર્યું કે અમે તેને અમારા દિવાળી બોનસમાંથી ચૂકવી દઈશું.” પંચવર્ણમને સ્વાસ્થ્ય તપાસ પણ પરવડી શકે તેમ નથી; તેઓ કહે છે કે તેઓ તેમના મીઠાના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે ગોળીઓ ખાઈને દિવસો પસાર કરી રહ્યાં છે.
ભવાની એ બાલમુરુગન અને પંચવર્ણમની સૌથી નાની દીકરી છે. 18 વર્ષીય ભવાની હજુ પણ તેના પિતાના મૃત્યુ થવાની વાતને પચાવી રહી છે. “તેમણે અમારી સારી રીતે સંભાળ રાખી હતી, અને તેઓ ધ્યાન રાખતા હતા કે અમારે ઘરમાં કશું કામ ન કરવું પડે. તેઓ બધું કામ જાતે જ કરી દેતા. મારી મા બીમાર હોવાથી, તે ન તો સાફસફાઈ કરી શકતાં કે ન તો રસોઈ. તેથી તેઓ મારી પાસેથી તે કામ કરવાની અપેક્ષા રાખ્યા વગર બધું જાતે જ કરી દેતા.” આ ભાઈ-બહેનો તેમના પિતા પર ઘણો આધાર રાખતા હતા અને તેમની ખોટ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
સરકારે વળતર પેટે 3 લાખ રૂપિયા આપ્યા છે, જે માટે તેમને કલેક્ટર ઓફિસમાંથી ચેક મળ્યો હતો. અને ફેક્ટરીએ પણ તેમને વળતર પેટે ઓક્ટોબર મહિનામાં 6 લાખ રૂપિયા આપ્યા હતા. પંચવર્ણમને વિશ્વાસ હતો કે તે ફેક્ટરીના માલિક તેમની મદદ કરશે કારણ કે તેઓ અને બાલમુરુગન બંને છેલ્લાં 12 વર્ષથી ફટાકડાની તે કંપનીમાં કામ કરતા વફાદાર કર્મચારીઓ હતા.
ગાંધીનગર ગામમાં મહિલાઓ અને પુરુષો મોટાભાગે ખેતરોમાં અથવા ફટાકડાના કારખાનામાં દૈનિક વેતન મજૂરો તરીકે કામ કરે છે. પંચવર્ણમના પરિવારે બીજો વિકલ્પ પસંદ કર્યો હતો, કારણ કે ફેક્ટરીના માલિકો ખેતરના જમીનદારો કરતાં થોડી વધુ ચૂકવણી કરે છે.
તેમનો 19 વર્ષીય પુત્ર પાંડિયારાજન અકસ્માતના સ્થળે ગયો ત્યારથી જ ભય અને દુઃખમાં ગરકાવ થઈ ગયો છે. તેની બહેન કહે છે કે તે તેનાથી હચમચી ગયો છે. પાંડિયારાજન કહે છે, “તે દિવસે તેમણે [તેમના પિતાએ] જે છેલ્લો ફોન કર્યો હતો તે મને જ કર્યો હતો. તેમણે એ જોવા માટે ફોન કર્યો હતો કે મેં મારું બપોરનું ભોજન લીધું છે કે કેમ. અડધા કલાક પછી, તેમના એક સહ-કર્મચારીએ મને આ ઘટના વિશે જાણ કરવા માટે ફોન કર્યો. હું તે સ્થળ પર દોડી ગયો, પણ તેઓએ મને અંદર જવા દીધો નહીં. હોસ્પિટલ પહોંચ્યા પછી જ મને ખબર પડી કે તેઓ હવે હયાત નથી.”
ભવાની પૂછે છે, “અમે તો હવે જીવવાનું જ ભૂલી ગયાં છીએ. અમારી માતા અમને જે કહેશે તે કરવા અમે તૈયાર છીએ. જો તે અમને આત્મહત્યા કરવાનું કહેશે તો પણ અમે તેવું કરીશું. અમારા સંબંધીઓ ક્યાં સુધી અમને આશ્રય અને સંભાળ આપશે?”
તમિલસેલ્વી 57 વર્ષનાં હતી જ્યારે આગે તેમનો જીવ ભરખી લીધો. તેઓ 23 વર્ષ પહેલાં ફટાકડાની ફેક્ટરીમાં જોડાયાં હતાં અને 200 રૂપિયા પ્રતિ દિવસની કમાણી કરતાં હતાં, જે ધીમે ધીમે વધીને 400 રૂપિયા પ્રતિ દિવસ સુધી પહોંચ્યું હતું.
તેમના સૌથી નાના પુત્ર ટી. ઈશ્વરને કહ્યું, “જ્યારે હું માત્ર બે વર્ષનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. ત્યારથી, મારી માતાએ મારા મોટા ભાઈ અને મારી સંભાળ રાખી છે. તે અને તેમનો ભાઈ બન્ને સ્નાતક છે. તેઓ કહે છે, “મેં કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો, જ્યારે મારા ભાઈએ બી.એસ.સી. કર્યું હતું”
તમિલસેલ્વીનો મોટો પુત્ર હવે તિરુપુરમાં પોલીસ અધિકારી છે. તેમના સંબંધીઓએ કહ્યું, “તેમનું આખું જીવન તેમના દીકરાઓની સુધારણા માટે કામ કર્યું, પરંતુ તેઓ જે ઊંચાઈઓ પર પહોંચવા જઈ રહ્યા છે તેને જોવા માટે તેઓ હવે હાજર નથી.”
આગમાંથી બચી ગયેલાં કુરુવમ્મા કહે છે કે રાસાયણિક પદાર્થોને સૂકવવા, કાગળને વાળવા અને તેમાં વિસ્ફોટક રસાયણોથી ભરવા અને અંતે એક સાથે બાંધવાના કામ માટે આશરે 250 રૂપિયા દૈનિક વેતન પેટે મળે છે. તેમાં ચૂકવણી અઠવાડિયાના અંતે જ થાય છે. તેમને નિયમિત વધારો નથી મળતો, તેના બદલે, તેમને બોનસ મળે છે. તેઓ દર છ મહિને 5,000 રૂપિયાના બોનસ માટે ત્યારે જ પાત્ર થાય છે, જ્યારે તેઓ એક પણ રજા પાડ્યા વિના ફેક્ટરીમાં કામ કરે.
આ ગામની ઘણી સ્ત્રીઓ કઠોર પરિસ્થિતિઓ છતાં આ ફેક્ટરીઓમાં કામ કરે છે, કારણ કે મોટાભાગના પરિવારો તેમની આવક પર આધાર રાખે છે. સ્વર્ગસ્થ કુરુવમ્મલ, જેઓ આગમાં બળીને મૃત્યુ પામ્યાં હતાં, તેઓ એવી મહિલા છે જેમણે પોતાના પરિવારને પોતાના ખભે બેસાડ્યો હતો. તેમના પતિ સુબ્બૂ કાની બોરવેલનું કામ કરતી વખતે આવી જ આગના અકસ્માતમાં આંશિક રીતે તેમની દૃષ્ટિ ગુમાવી ચૂક્યા છે. તેઓ હવે દૈનિક વેતન કરી શકતા નથી, અને હવે કુરુવમ્મલ ચાલ્યાં ગયાં હોવાથી, આ ત્રણ જણનો પરિવાર હવે પતનના આરે છે. સુબ્બુ કાની રડતી આંખો સાથે કહે છે, “તે મારો પ્રકાશનો ચિરાગ હતો, જેણે મારી દૃષ્ટિ ગુમાવ્યા પછી મને મારો રસ્તો ચિંધ્યો હતો.”
આ ભયાનક આગે ઇન્દ્રાણીનો પણ ભોગ લીધો હતી. તેઓ ઘૂંટણની તીવ્ર પીડાથી પીડાતાં હોવાથી તેમના માટે 30 મિનિટથી વધુ સમય સુધી ઊભી રહેવું લગભગ અશક્ય હતું. પરંતુ તેમણે વાઈથી પીડાતા તેમના પતિ અને તેમનાં બાળકોની સંભાળ રાખવા માટે જેમ તેમ કરીને પણ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમનો ચાર સભ્યોનો પરિવાર એક ઓરડાના મકાનમાં રહેતો હતો અને તેમણે પૈસા ઉછીના લઈને બીજો ઓરડો બનાવ્યો હતો.
ઈન્દ્રાણીની પુત્રી કાર્તીશ્વરી કહે છે, “હું અને મારી મા આગામી છ મહિનામાં અમારા દેવાની ચૂકવણી કરવાની યોજના બનાવી રહ્યાં હતાં. તે મારા લગ્નને લઈને પણ ચિંતિત હતી. જેના પિતાને વાઈ આવતી હોય અને મા બીમાર રહેતી હોય તેવી ગરીબ છોકરી સાથે કોણ લગ્ન કરવા માંગશે?” તેઓ આ વર્ષે સરકારી નોકરી માટે જૂથ 4ની પરીક્ષા આપવાની યોજના બનાવી રહ્યાં છે. તેઓ ઉમેરે છે, “હું કોચિંગ કેન્દ્રો દ્વારા માંગવામાં આવતી ફી ચૂકવી શકું તેમ નથી.”
ડિસેમ્બર 2023માં પિતાનું અવસાન થયું ત્યારે પરિવારને વધુ એક કરૂણાંતિકા સહન કરવી પડી હતી. ક્રિસમસ સ્ટાર બાંધતી વખતે તેઓ લપસી ગયા હતા અને પડી ગયા હતા. તે એક જીવલેણ પતન હતું અને હવે યુવાન કાર્તીશ્વરી પારિવારિક દેવા અને તેમની જૂથ 4ની સરકારી પરીક્ષા આપવાની મહત્ત્વાકાંક્ષા સાથે એકલી છે.
ગુરુવમ્મા જેવી ગામની કેટલીક મહિલાઓ એક માચિસની ફેક્ટરીમાં કામ કરતી હતી, જેમને માચિસ કાપવા અને માચિસની 110 પેટીઓ પેક કરવા માટે માત્ર ત્રણ રૂપિયા મળતા હતા. આ મહિલાઓને સમજાયું કે ખૂબ જ ઓછા વેતન માટે તેમનું શોષણ કરવામાં આવે છે અને તેઓએ ફટાકડાની ફેક્ટરીમાં જવાનો સામૂહિક નિર્ણય લીધો.
આ ગામમાં રોજગારી માટે અન્ય વિકલ્પ માત્ર ખેતી જ છે, પરંતુ દુષ્કાળે તેમની ખેતીની જમીનને બિનઉપજાઉ બનાવી દીધી હોવાથી હવે તે પણ ઉપલબ્ધ નથી. કેટલાક વિસ્તારોમાં, પૂરતા પ્રમાણમાં ભૂગર્ભજળ હોવા છતાં, મકાનમાલિકો વાજબી વેતન આપતા નથી. તેથી, કુરુવમ્મા જેવી મહિલાઓ કારખાનામાં કામ કરે છે, અને સાથે સાથે ઘેટાં અને ઢોર પણ ઉછેરે છે. જો કે, ત્યાં પણ દુષ્કાળને કારણે પશુઓ માટે ઘાસના મેદાનો ન હોવાથી તેમણે અનેક પડકારોનો સામનો કરવો પડે છે.
આ સિવાય ગામલોકો માટે ઉપલબ્ધ એકમાત્ર વૈકલ્પિક રોજગાર મનરેગાનો છે, જેને રાજ્યમાં નૂર નાલ વેલ્લઈ (100 દિવસનું કામ) તરીકે ઓળખવામાં આવે છે. વિધુર બનેલા ટી. મહેન્દ્રને કહ્યું કે જો સરકાર 100 દિવસની કાર્યકારી યોજનાને વર્ષના તમામ 365 દિવસ સુધી લંબાવશે તો તે ગામની મહિલાઓ માટે ફાયદાકારક રહેશે.
મહેન્દ્રન કહે છે કે આ વિસ્તારની ફટાકડા કંપનીઓ પાસે યોગ્ય પરવાનો નથી અને આક્ષેપ કરે છે કે જે સરકારી અધિકારીઓએ તેમની દેખરેખ રાખવાની છે તેઓ આ ફેક્ટરીઓને છ મહિનાથી વધુ સમય માટે સ્થગિત કરવાની હિંમત કરતા નથી. પરિણામે, સાતમા મહિને ફેક્ટરી ફરીથી ખુલે છે. આ પહેલો અકસ્માત નથી: ઓક્ટોબર 2023માં કૃષ્ણગિરીમાં આઠ દલિત બાળકોનાં મોત નિપજ્યાં હતાં. આ પણ વાંચો: ‘ અહીં તો ઘેર ઘેર કબ્રસ્તાન છે ’
દુઃખ, ખોટ અને બચી ગયેલા લોકો દ્વારા સામનો કરવામાં આવતી કઠોર વાસ્તવિકતાઓ દ્વારા ચિહ્નિત આ હૃદયસ્પર્શી ઘટના, સામાજિક અને સરકારી સમર્થન બંનેની તાત્કાલિક જરૂરિયાતને પ્રતિબિંબિત કરે છે. અસરગ્રસ્ત લોકોની વાર્તાઓ કામ કરવાની પરિસ્થિતિઓમાં સુધારો, સલામતીનાં પગલાં અને સામાજિક સલામતીની વ્યાપકતા વધારવા માટેની તાત્કાલિક માંગને રેખાંકિત કરે છે. તે એક સ્પષ્ટ યાદ અપાવે છે કે દરેક દુઃખદ ઘટના પાછળ, સપનાં, સંઘર્ષ અને પાછળ રહી ગયેલા લોકોની વિનાશક ખોટ સાથે ઝઝૂમતું માનવ જીવન હોય છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ