ગીતા દેવી તેમની બાજુમાં ઊભેલી તેની સહેલી સકુની તરફ પ્રેમથી જોતાં કહે છે, “અમે જ્યાં પણ જઈએ ત્યાં અમે સાથે જ જઈએ છીએ.”
આ જોડી નજીકના જંગલમાં સાલ (શોરિયા રોબસ્ટા) નાં પાંદડાં ભેગાં કરે છે, જેમાંથી તેઓ દોના (બાઉલ) અને પત્તલ (પ્લેટ) બનાવીને તેને પલામુ જિલ્લાના મુખ્યાલય એવા ડાલ્ટનગંજ શહેરમાં વેચે છે.
ગીતા અને સકુની દેવી છેલ્લાં 30 વર્ષથી કોપે ગામની નાની નેસ નદીટોલામાં પાડોશીઓ છે. ઝારખંડ રાજ્યના ઘણા ગ્રામજનોની જેમ ગીતા અને સકુની પણ તેમની આજીવિકા માટે જંગલ પર નિર્ભર છે.
તેઓ જંગલમાં સાતથી આઠ કલાક વિતાવે છે, અને જ્યારે ઢોર ચરીને ઘર તરફ પ્રયાણ કરે ત્યારે તેઓ પણ ઘર તરફ જવા નીકળે છે. તેમને પૂરતાં પાંદડાં એકઠા કરવામાં બે દિવસ જેટલો સમય લાગે છે. દિવસ દરમિયાન કલાકો ઝડપથી પસાર થાય છે, તેઓ ટૂંકા વિરામ લે છે, અને તેમના પરિવારો વિશે વાત કરે છે અને સ્થાનિક સમાચારો વિશે ચર્ચા કરે છે.
દરરોજ સવારે, ગીતા તેમનાં પાડોશીનો “નીકલીહે” અવાજ સાંભળવાની આતુરતાથી રાહ જુએ છે. થોડી ક્ષણો પછી તેઓ બન્ને પ્લાસ્ટિકની બોટલ, એક નાની કુહાડી અને જૂના કાપડના ટુકડા સાથે જૂના સિમેન્ટની બોરીથી બનેલી થેલી લઈને નીકળી જાય છે. તેઓ ઝારખંડમાં પલામુ વાઘ અભ્યારણ્યના બફર ઝોનમાં આવેલા હેહેગારા જંગલ તરફ આગળ વધે છે.
આ બે સહેલીઓ જુદા જુદા સમુદાયોમાંથી આવે છે − ગીતા ભુઈયા દલિત છે અને સકુની ઓરાઓન આદિવાસી સમુદાયનાં છે. જેમ જેમ ચાલીને આગળ વધીએ છીએ તેમ, ગીતા અમને ચેતવતાં કહે છે, “અહીં એકલાં ન આવતાં. અહીં ક્યારેક જંગલી પ્રાણીઓનો ભેટો થઈ જાય છે. અમે અહીં તેંદુઆ (ચિત્તા) જોયા છે! અહીં સાપ અને વીંછીઓનો ખતરો પણ વધી રહ્યો છે,” અને, સકુની ઉમેરે છે, “ઘણી વખત અમે હાથીઓનો પણ સામનો કર્યો છે.” પલામુ વાઘ અભયારણ્યમાં 73 ચિત્તા અને લગભગ 267 હાથીઓ છે ( 2021 વન્યજીવ વસ્તી ગણતરી મુજબ ).
આ ધુમ્મસભરી શિયાળાની સવારે, પચાસેક વર્ષનાં ગીતા અને સકુનીએ, માત્ર એક પાતળી શાલ ઓઢી છે. તેઓ સૌપ્રથમ લાતેહાર જિલ્લાના મણિકા બ્લોકમાં તેમના ઘરની નજીક આવેલી ઔરંગા નદીને પાર કરે છે. શિયાળા દરમિયાન જ્યારે પાણી ઓછું હોય છે ત્યારે નદીને પગપાળા પાર કરવી સરળ હોય છે, પરંતુ ચોમાસામાં આ મહિલાઓએ કિનારા સુધી પહોંચવા માટે ઘણીવાર ગળાડૂબ પાણીમાંથી પસાર થવું પડે છે.
એક વાર બીજી બાજુએ પહોંચી જાઓ એટલે વધુ 40 મિનિટ જેટલું ચાલવું પડે છે. જંગલની ગાઢ શાંતિ જંગલની જમીન પર તેમના ફ્લિપ-ફ્લોપ્સ દ્વારા થતા લયબદ્ધ ટક-ટક-૨ક અવાજથી ખોરવાય છે. તેઓ મહુઆના એક મોટા મહુવા વૃક્ષ (મધુકા લોન્ગીફોલિયા) તરફ આગળ વધી રહ્યાં છે, જે સાલ વૃક્ષોની ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર માટે એક સીમાચિહ્નરૂપ છે.
સકુની કહે છે, “જંગલ પહેલાં જેવું હતું તેવું નથી રહ્યું. પહેલાં તે ગીચોગીચ હતું… અમારે છેક અહીં સુધી નહોતું આવવું પડતું.” ગ્લોબલ ફોરેસ્ટ વૉચના આંકડા દર્શાવે છે કે ઝારખંડે 2001 અને 2022 વચ્ચે 5.62 કિલો હેક્ટર વૃક્ષનું આવરણ ગુમાવ્યું છે.
થોડા દાયકાઓ પહેલાંની જંગલની પોતાની યાત્રાઓને યાદ કરતાં સકુની કહે છે, “એ સમયે કોઈ પણ સમયે, 30-40 લોકો જંગલમાં જોવા મળતા જ. હવે તો મોટે ભાગે ઢોર અને બકરી ઉછેરતા ભરવાડો જ હોય છે, અને બળતણ એકત્ર કરતા લોકો હોય છે.”
ગીતા કહે છે કે ચાર વર્ષ પહેલાં પણ આ કળામાં ઘણી સ્ત્રીઓ સામેલ હતી, પરંતુ તેનાથી થતી નબળી આવકને લીધે તે બધાં આ કળા છોડવા મજબૂૂર થયાં હતાં. આ સહેલીઓ આ કળા સાથે જોડાઈ રહી હોય તેવી તેમના ગામની છેલ્લી મહિલાઓ છે.
વેચાણ માટે બળતણ એકત્ર કરવા પર હવે પ્રતિબંધ હોવાથી પણ મહિલાઓએ જંગલમાં જવાનું બંધ કરી દીધું છે. સકુની કહે છે, “તે 2020માં લૉકડાઉન દરમિયાન બંધ થઈ ગયું હતું.” ઝારખંડ સરકાર દ્વારા શરૂઆતમાં બળતણના લાકડાના સંગ્રહ પર ફી લાદવામાં આવ્યા બાદ તેને પાછી ખેંચી લીધી હોવા છતાં, ગ્રામજનો કહે છે કે તેમણે સૂકા લાકડા વેચવા માટે હજુ પણ ફી ચૂકવવી પડે છે.
આ સહેલીઓ જંગલમાં ચાલીને જાય છે તે પાછળનું કારણ તેમના પરિવારને ટેકો આપવાનું છે. સકુની 20 વર્ષનાં હતાં ત્યારથી તેમણે આ કામ શરૂ કર્યું હતું. તેઓ કહે છે, “જ્યારે હું ખૂબ જ નાની હતી ત્યારે મારાં લગ્ન થયાં હતાં.” અને જ્યારે તેમના દારૂડિયા પતિએ તેમને છોડી દીધાં, ત્યારે સકુની પોતાના અને પોતાના ત્રણ પુત્રોને ટેકો આપવા માટે રસ્તો શોધવા મજબૂત હતાં. તેઓ કહે છે, “બહુ ઓછું કામ [ઉપલબ્ધ] હતું. મેં મારાં બાળકોને પાંદડાં અને દતવન વેચીને મોટાં કર્યાં છે.”
સકુની હવે તેમના સૌથી નાના પુત્ર, 17 વર્ષીય અકેંદર ઓરાઉં સાથે બે ઓરડાના કાચા મકાનમાં રહે છે. તેમના બે મોટા પુત્રો પરિણીત છે અને તે જ ગામ, કોપેમાં અલગ-અલગ ઘરોમાં રહે છે.
થોડાં ઘરના છેટે રહેતાં ગીતા તેમના સાત લોકોના મોટા પરિવાર સાથે કાદવના કાચા મકાનમાં રહે છે. તેમના પરિવારમાં એક પુત્રી, ત્રણ પુત્રો, એક પુત્રવધૂ અને બે પૌત્રો છે. તેમના પતિનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ગીતાની સૌથી નાની પુત્રી, 28 વર્ષીય ઉર્મિલા દેવી પણ દોના વેચે છે, પરંતુ ગીતા તેમની દીકરી માટે એક અલગ ભવિષ્યની ઈચ્છા રાખે છે. ગીતા કહે છે, “મેં મારી મોટી દીકરીનાં લગ્ન એક ગરીબ પરિવારમાં કરાવી દીધા હતા. હું મારી નાની દીકરી સાથે આવું નહીં કરું. જરૂર પડશે તો હું દહેજ પણ આપીશ.”
નાની ઉંમરથી જ કામ કરતાં અને સાત ભાઈ-બહેનોમાં સૌથી નાનાં ગીતાએ ક્યારેય શાળાનું પગથીયું જોયું નથી. તેઓ પૂછે છે, “જો હું શાળાએ જઈશ તો ઘરનું કામ કોણ કરશે?” તેમનો દિવસ વહેલી સવારે 4 વાગ્યે શરૂ થાય છે, જ્યારે તેઓ રસોઈ અને સફાઈ જેવાં ઘરગથ્થુ કામમાં વ્યસ્ત થઈ જાય છે અને જંગલમાં જતા પહેલાં ઢોર (એક ગાય અને બે બળદ) ને ચરવા માટે છોડે છે. તેમની સહેલીની દિનચર્યા પણ આવી જ કંઈ છે, પરંતુ ગીતાનાં પુત્રવધૂ ઘરનાં કામમાં મદદ કરે છે તેનાથી વિપરીત સકુની પાસે તેમની મદદ કરવા માટે કોઈ નથી.
*****
બફર ઝોનમાં પહોંચ્યા પછી, બન્ને મહિલાઓ તેમની થેલીઓ નીચે મૂકે છે. આ ઠંડી સવારે પણ, ચાલવાથી તેમને પરસેવો વળ્યો છે અને તેઓ તેમની સાડીઓના છેડાનો ઉપયોગ કરીને તેમના કપાળ અને ગરદનને લૂછે છે.
તેઓ કામ શરૂ કરે તે પહેલાં, તેઓ કપડાના જૂના ટુકડાના ખૂણાઓને વાળીને તેમાંથી કામચલાઉ થેલી બનાવે છે, જેમાં તેઓ પાંદડાં રાખશે. તેમની સાડીઓના છેડા તેમની કમરમાં અને તેમના ખભા પર લટકાવીને તેમની થેલી હવે તૈયાર છે અને તેઓ કામ કરવા પણ તૈયાર છે.
તેઓ ડાબા હાથથી ડાળીને પકડે છે અને તેમના જમણા હાથથી મોટાં, લંબગોળ પાંદડાંને ફાડી નાખે છે. સકુની તેમનાં સહેલીને ચેતવતાં કહે છે, “જો જો હોં, આ વૃક્ષમાં માટા (લાલ કીડીઓ) છે.”
ગીતા પોતાની થેલીમાં કેટલાંક પાંદડાં મૂકીને કહે છે, “અમે સારાં પાંદડાં શોધીએ છીએ, જેમાં છિદ્રો ઓછા હોય. ” તેઓ આમ તો નીચી નમેલી ડાળીઓમાંથી પાંદડાં તોડે છે, પણ તેમણે વૃક્ષ પર પણ ચઢવું પડે છે અને જ્યારે પાંદડાં પહોંચની બહાર હોય ત્યારે કુહાડીનો ઉપયોગ પણ કરવો પડે છે.
સાલના વૃક્ષો સામાન્ય રીતે ધીમે ધીમે વધે છે, અને છેવટે 164 ફૂટની ઊંચાઈ સુધી પહોંચે છે. જો કે, આ જંગલમાં, સાલના વૃક્ષો નાના હોય છે, અને લગભગ 30-40 ફૂટ ઊંચાઈએ પહોંચે છે.
સકુની લગભગ 15 ફૂટની ઊંચાઈ ધરાવતા એક વૃક્ષ પર ચઢવા માટે તૈયાર થઈ રહ્યાં છે. તેઓ પોતાની સાડીને ઉપર ખેંચે છે અને તેને તેના ઘૂંટણની વચ્ચે ટકાવી રાખે છે. ગીતા તેમને કુહાડી આપે છે અને એક ડાળી તરફ ઈશારો કરીને કહે છે, “તેને કાપી નાંખો.” આ ડાળીઓને એકસમાન લંબાઈમાં કાપવામાં આવે છે અને તેનો ઉપયોગ દતવન (દાંત સાફ કરવા માટેની લાકડી) તરીકે કરવામાં આવે છે, જેને તેઓ વેચે પણ છે.
કુહાડીથી તેમના માર્ગમાં આવતી ઝાડીઓ સાફ કરીને એક વૃક્ષથી બીજા વૃક્ષ પર જતાં ગીતા કહે છે, “તે યોગ્ય જાડાઈનું હોવું જરૂરી છે. સાલની ડાળીઓ ખૂબ સારી હોય છે કારણ કે તે ઝડપથી સૂકાતી નથી. તમે તેને 15 દિવસ સુધી પણ રાખી શકો છો.”
પાંદડાં અને ડાળીઓ ભેગી કરવી એ કોઈ સરળ કામ નથી. ગીતા કહે છે, “શિયાળો સૌથી કઠીન મહિનો છે; એમાં અમારા હાથ સુન્ન થઈ જાય છે. કુહાડીને ચુસ્તપણે પકડ્યા પછી મારા હાથમાં દુખાવો થવા લાગે છે.”
જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની વચ્ચે સાલનાં ઝાડ પાંદડાં ખંખેરે છે, ત્યારે તેમનું કામ થંભી જાય છે; એપ્રિલ-મે મહિનામાં આ ઝાડ પર નવાં પાંદડા બેસે છે. આ સમય દરમિયાન, સકુની મહુઆનાં ફળ એકત્રિત કરે છે. આ વર્ષની શરૂઆતમાં (2023માં) તેમણે જંગલમાંથી 100 કિલો મહુઓ એકત્ર કર્યો હતો અને તેને સૂકવીને સ્થાનિક વેપારીને 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચ્યો હતો. મહુઆના લીલા ફૂલ અને ફળોનો ઉપયોગ દારૂ બનાવવામાં થાય છે, અને એના બીજમાંથી ખાદ્ય તેલ કાઢવામાં આવે છે જેને રસોઈમાં વપરાય છે.
જો કે, ગીતાને આ સમય દરમિયાન કોઈ કમાણી નથી થતી અને તેમના ત્રણ પુત્રોની સ્થળાંતરિત મજૂરો તરીકે કામ કરીને જે આવક થાય છે તેનાથી આ પરિવારનું ગુજરાન ચાલે છે. તેમના ઘરમાં રહેલું મહુઆનું ઝાડ તેમની ઘરની જરૂરિયાતો પૂરી કરે છે.
*****
જંગલમાં ત્રણ દિવસ સુધી મહેનત કર્યા પછી, ગીતા અને સકુની પાસે પૂરતો સામાન છે અને તેઓ તેને ડાલ્ટનગંજ લઈ જવા માટે બોરીઓ ભેગી કરે છે. આશરે 30 કિલો વજનની બોરીઓ ઉપાડીને, તેઓ 30 મિનિટ ચાલીને હેહેગારા રેલ્વે સ્ટેશન તરફ જાય છે. ગીતા હસીને કહે છે, “હું આ વખતે વધુ દતવન લઈ રહી છું.” તેમની પીઠ પર થેલીઓ ઉપરાંત ગરમ ધાબળો પણ મૂકવામાં આવે છે.
હેહેગારા સ્ટેશન પર, મહિલાઓ એક વૃક્ષ નીચે જગ્યા શોધે છે અને બપોરે 12 વાગ્યે ટ્રેન આવે તેની રાહ જુએ છે, જે તેમને ડાલ્ટનગંજ લઈ જશે.
ટ્રેનના દરવાજાની બાજુમાં એક સીટ પર પોતાનો સામાન મૂકતી વખતે સકુની આ પત્રકારને કહે છે, “પત્તા-દતવન વેચતા લોકોને ટિકિટની જરૂર નથી.” આ ધીમી પેસેન્જર ટ્રેન 44 કિલોમીટરનું અંતર કાપવામાં ત્રણ કલાકનો સમય લેશે. સકુની આહ ભરીને કહે છે, “આજે તો ફક્ત મુસાફરી કરવામામાં જ આખો દિવસ બરબાદ થઈ ગયો.”
ટ્રેન આગળ વધવા લાગે છે અને ગીતા તેમની અઢી એકર જમીન વિશે વાત કરવાનું શરૂ કરે છે, જેમાં તેઓ ચોમાસા દરમિયાન ડાંગર અને મકાઈ તથા શિયાળા દરમિયાન ઘઉં, જવ અને ચણાની ખેતી કરે છે. તેઓ કહે છે, “આ વર્ષે ડાંગર બરાબર ઉગ્યું નથી, પરંતુ અમે 250 કિલો મકાઈ 5,000 રૂપિયામાં વેચી છે.”
સકુની દેવી પાસે લગભગ એક એકર જમીન છે, જ્યાં તેઓ ખરિફ અને રવી એમ બન્ને ઋતુઓમાં ખેતી કરે છે. તેઓ કહે છે, “આ વખતે, મેં લણણી નહોતી કરી; મેં ડાંગરનું વાવેતર કર્યું હતું, પણ તે વધ્યું જ ન હતું.”
તેઓ વાત કરે છે, ત્યારે તેમના હાથ ચપળતાથી દોના બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે − તેઓ એક પછી એક ચારથી છ પાંદડાં ગોઠવે છે અને તેમને વાંસની પટ્ટીઓ સાથે સીવે છે. આ સુંવાળાં પાંદડાંને જ્યારે ઘણી વખત વાળવામાં આવે ત્યારે તેઓ તૂટતાં નથી, જે તેમને પ્લેટ માટે ઉપયોગી બનાવે છે. સકુની સમજાવતાં કહે છે, “જો પાંદડું મોટું હોય, તો બે પાંદડાંમાંથી એક દોના બનશે. નહીંતર, એક દોના માટે ચારથી છ પાંદડાં લાગે છે.”
તેઓ ધારને વાળીને ગોળાકાર આકાર બનાવે છે જેથી જ્યારે ભોજન પીરસવામાં આવે ત્યારે તે બહાર ન પડે. ગીતા દેવી કહે છે, “જો આપણે તેમાં કઢી મૂકીએ તો પણ તે લીક નહીં થાય.”
12 દોનાનું એક બંડલ ચાર રૂપિયામાં વેચાય છે અને દરેક બંડલમાં લગભગ 60 પાંદડાં હોય છે. લગભગ 1500 પાંદડા તોડીને, તેમાંથી દોના બનાવીને, તેમનું પરિવહન કરીને અંતે તેઓ 100 રૂપિયા કમાય છે.
આ મહિલાઓ 10ના બંડલમાં દતવન અને પોલા (સાલનાં પાંદડાં) પણ વેચે છે, જેની કિંમત અનુક્રમે પાંચ અને દસ રૂપિયા છે. સકુની કહે છે, “લોકો દતવન માટે પાંચ રૂપિયા પણ ચૂકવવા માંગતા નથી. તેઓ આમાં ભાવતાલ કરે છે.”
સાંજે 5 વાગ્યે ટ્રેન ડાલ્ટનગંજમાં પહોંચે છે. સ્ટેશનની બહાર, રસ્તાની બાજુમાં ગીતા જમીન પર વાદળી પોલિથીનની ચાદર ફેલાવે છે અને બન્ને દોના બનાવવાની કામગીરી ફરી શરૂ કરે છે. આ સ્ત્રીઓ પત્તલ અથવા પ્લેટ્સનો ઓર્ડર પણ લે છે. એક પ્લેટ બનાવવા માટે 12-14 પાંદડાંની જરૂર પડે છે અને તેઓ તેને પ્લેટ દીઠ એકથી દોઢ રૂપિયામાં વેચે છે. તેનો ઉપયોગ ગૃહપ્રવેશ (ગૃહપ્રવેશ સમારોહ) અથવા નવરાત્રિ જેવા પ્રસંગો માટે અથવા મંદિરોમાં ભોજન વિતરણ માટે કરવામાં આવે છે. 100 પત્તલ કે તેથી વધુના મોટા ઓર્ડર માટે, આ કામમાં ઘણા કામદારો જોડાય છે.
જ્યાં સુધી તેમનો બધો માલ વેચાઈ ન જાય ત્યાં સુધી ગીતા અને સકુની દેવી અહીં જ રહેશે. કેટલીકવાર તેમાં એક દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે, અને અમુક વાર તો આઠ દિવસ જેટલો. સકુની કહે છે, “જો દોના વેચવા અન્ય વિક્રેતાઓ પણ આવી ચઢે તે સંજોગોમાં.” આવા પ્રસંગોએ, વાદળી ચાદર રાત માટે તેમની અસ્થાયી પથારી બની જાય છે, અને તેઓ જે ધાબળા લઈ જતા હોય છે તેને ઉપયોગમાં લેવાય છે. જો તેમને અહીં થોડા દિવસ રોકાવાનું થાય, તો તેઓ દિવસમાં બે વાર સત્તુ (ચણાની દાળ) ખાય છે, જેને ખરીદવા પાછળ તેમને દૈનિક 50 રૂપિયા ખર્ચ થાય છે.
તેમની ‘દુકાન’ બારેમાસ ચોવીસે કલાક ખુલ્લી હોય છે અને રાત્રિની ટ્રેનના મુસાફરો તેમની પાસેથી દતવન ખરીદે છે. સાંજે, ગીતા અને સકુની સ્ટેશન પર જાય છે. ડાલ્ટનગંજ એક નાનું શહેર છે અને આ સ્ટેશન તેમના માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન છે.
*****
ત્રણ દિવસ પછી ગીતાએ દોનાનાં 30 બંડલ અને દતવનનાં 80 બંડલ વેચીને 420 રૂપિયા કમાવ્યા છે. જ્યારે સકુનીએ દોનાનાં 25 બંડલ અને દતવનનાં 50 બંડલ વેચીને 300 રૂપિયા કમાવ્યા છે. તેમની કમાણી લઈને તેઓ બન્ને પલામુ એક્સપ્રેસમાં ચઢે છે, જે મોડી રાત્રે રવાના થાય છે અને તેમને આગલી સવારે બારવાડી લઈ જશે. ત્યાંથી તેમને હેહેગારા જવા માટે લોકલ ટ્રેનમાં જવું પડે છે.
સકુની તેમની કમાણીથી ખુશ નથી. તેઓ પોતાની કોથળી પેક કરતાં કહે છે, “આમાં મહેનત તનતોડ છે પણ વળતર કંઈ નથી.”
પરંતુ તેમણે
એક-બે દિવસમાં પાછા આવ્યા સિવાય છૂટકો નથી. ગીતા કહે છે, “આ મારી રોજીરોટી છે. જ્યાં
સુધી મારા હાથ-પગ કામ કરશે, ત્યાં સુધી હું આ કામ કરવાનું છોડીશ નહીં.”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમ.એમ.એફ.) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ