કઠિયારો કુહાડીને પોતાના માથાની ઉપર લઈ જાય છે અને – થડાક – થડિયા (જાડા લાકડા) પર ઝીંકે છે. દસ ફૂટ દૂર ઊભેલી હું પાછી હઠી જાઉં છું. તેમની પીઠ પરથી પરસેવો નીતરે છે, તેમના સુતરાઉ શોર્ટ્સ પર તેમની કમરની આસપાસ વીંટાળેલો ટુવાલ પરસેવાથી ભીંજાતો રહે છે. થડાક! તેઓ ફરીથી લાકડા પર ઘા કરે છે. લાકડું ફાટી જાય છે... લાકડાની પાતળી ફાચરો આસપાસ દૂર સુધી ઊડે છે. આ કઠિયારાનું નામ છે એમ. કામાચી. ઘણા વખત પહેલા તેઓ ખેતમજૂર તરીકે કામ કરતા હતા. તેઓ માથું ઊંચું કર્યા વિના મારી સાથે વાત કરે છે. તેમની આંખો કુહાડીની ધાર પર ટકેલી છે.
કામાચી છેલ્લા 30 વર્ષથી તંજૌરના એક જૂના ભવ્ય બગીચા શિવગંગઈ પૂંગા પાસેની એક છાપરીમાં કામ કરે છે. તેઓ 67 વર્ષના છે. 150 વર્ષ જૂના આ બગીચાની ઉંમર કામાચીની ઉંમર કરતાં બમણી છે. નજીકનું વિશાળ મંદિર - બૃહદેશ્વર કોવિલ - 1100 વર્ષ જૂનું છે. અને તેઓ હાથેથી જે વાદ્ય બનાવી રહ્યા છે તેનો ઉલ્લેખ એથીય જૂના (આ મંદિર કરતાંય જૂના) ગ્રંથોમાં કરાયેલો છે. કામાચી ફણસના ચાર ફૂટના થડિયામાંથી વીણઈને આકાર આપી રહ્યા છે - વીણઈ સામાન્ય રીતે વીણા તરીકે ઓળખાય છે.
લાકડું ખસી ન જાય એ માટે તેઓ પોતાનો જમણો પગ એક ખાડા જેવા પોલા ગોળાકારની અંદર મૂકે છે, આ ખાડા જેવો પોલો ગોળાકાર જ એક દિવસ વીણઈનું કુદમ (રેઝોનેટર - અનુનાદક) બનશે. છાપરી ધૂળવાળી છે અને છાંયામાં છે છતાં ગરમ છે, કામાચીનું કામ અઘરું અને મહેનત માગી લે તેવું છે. તેમને તેમની મજૂરી અને કૌશલ્ય પેટે રોજના 600 રુપિયા ચૂકવાય છે. જ્યારે જ્યારે તેઓ કુહાડી ઝીંકે છે ત્યારે ત્યારે ઊંહકારા કરે છે; વારે વારે તેઓ પોતાનો (પરસેવે રેબઝેબ થયેલો) ચહેરો ખરબચડા ટુવાલ વડે લૂછતા રહે છે.
થોડા કલાકોમાં તેઓ 30-કિલોગ્રામના થડિયાંને છોલીને 20-કિલોગ્રામનું બનાવી દે છે, અને હવે એ પટ્ટરઈ (વર્કશોપ) પર જવા માટે તૈયાર હશે જ્યાં કારીગરો તેને ફરસી વડે કાપશે અને પોલિશ કરશે. એક મહિનાની અંદર તો તૈયાર થઈ ગયેલ વાદ્ય વાદકના ખોળાની શોભા વધારતું હશે અને સુંદર સંગીત રેલાવતું હશે.
વીણઈનો જન્મ થયો તંજૌરમાં. સરસ્વતી વીણા – તંજૌર વીણઈનું જૂનું સંસ્કરણ – એ ભારતનું રાષ્ટ્રીય વાદ્ય છે. અને 'વૈદિક સમય'ના સંદર્ભ અનુસાર વીણા એ મૃદંગમ અને વાંસળીની સાથે જે ત્રણ ' દૈવી વાદ્યો ' નો ઉલ્લેખ જોવા મળે છે તે પૈકીનું એક છે.
મૃદંગમ, તવિલ, કંજીરા, ઉડુક્કઈ જેવા - બીજા ઘણા તાલવાદ્યો જેમ - વીણઈની સફર પણ શરૂ થાય છે પનરુટી નજીકની વાડીઓમાંથી, કડ્ડલોર જિલ્લાનું આ નાનકડું નગર, પનરુટી, પોતાના મીઠા અને ગરવાળા ફણસ માટે તો ખૂબ જાણીતું છે. પરંતુ જે વાત બહુ ઓછા લોકો જાણે છે એ છે ફણસ અને ભારતીય સંગીતનાં કેટલાક સૌથી જાણીતા અને લોકપ્રિય વાદ્યોના સંબંધની.
*****
“જેવી રીતે એક હાથી, જેને અંકુશ વડે નિયંત્રિત કરી શકાતો નથી
તેને યાળ દ્વારા નિયંત્રિત કરી શકાય છે
એવી જ રીતે મારી વાત સાંભળીને તેઓ રહેવા માટે સંમત થઈ ગયા."
તંજૌર વીણાને ભૌગોલિક સંકેત (ભૌગોલિક ઉપદર્શન - જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન) મળે એ હેતુસર કરાયેલી અરજી માટેના દસ્તાવેજો આ તંતુવાદ્યના ઈતિહાસના ઘણા સંદર્ભો ધરાવે છે, જે (લગભગ 2000 વર્ષ પહેલાં) છેક સંગમ સમયગાળા સુધી જાય છે, તે સમય દરમિયાન વીણઈનું જે સંસ્કરણ અસ્તિત્વમાં હતું તે 'યાળ' તરીકે ઓળખાતું હતું. તંજૌર વીણાને 2013 માં ભૌગોલિક સંકેત પ્રાપ્ત થયો હતો.
“શું તેઓ આવશે?
તમારા એ ચારણ,
જેમણે અનેક વાર પોતાની યાળના સોગંદ ખાઈને મને કહ્યું હતું કે
જો તમે બીજી સ્ત્રી પાસે જશો (પરસ્ત્રીગમન કરશો) તો
તેઓ મારાથી એ છુપાવશે નહીં
શું તેઓ આવશે,
જે સ્ત્રીઓએ તમારા જુઠ્ઠાણાંઓ પર વિશ્વાસ કરી
તમારી સાથે સંબંધ બાંધ્યો,
તેમની બંગડીઓથી તમારી ગરદન પર પડેલા ઉઝરડા જોવા?"
કળિત્તોકઈ 71, સંગમ કવિતા , એક ઉપપત્નીએ નાયકને આ મુજબ કહ્યું
ભૌગોલિક સંકેત દસ્તાવેજ વીણઈ માટેના કાચા માલ તરીકે ફણસના લાકડાનો ઉલ્લેખ કરે છે અને તેની નિર્માણ પદ્ધતિની વિસ્તૃત વિગતો ધરાવે છે. દસ્તાવેજ નોંધે છે આ ચાર ફૂટ લાંબી વીણઈમાં "વિશાળ ગોળાકાર માળખા સાથે જોડેલ એક જાડી, પહોળી ગરદન હોય છે, જેનો છેડો ડ્રેગનના માથાના આકારમાં કોતરવામાં આવે છે."
હકીકતમાં વીણઈ તેના વર્ણનની સરખામણીમાં ઘણી વધુ આકર્ષક હોય છે. ક્યાંક તેને કમનીય વળાંક અપાય છે, તો બીજે ક્યાંક તેના પર કોતરણી કરવામાં આવે છે. ડ્રેગનનું માથું - જે યાળી તરીકે ઓળખાય છે તે - આકર્ષક અને રંગીન હોય છે. લાકડાની ગરદન પર 24 નિશ્ચિત ફ્રેટ્સ અને વગાડવા માટેના ચાર તાર હોય છે, - એવો કોઈ રાગ નથી જે આ વાદ્ય પર વગાડી ન શકાય. ‘ખાસ’ વીણામાં કુદમ (કુમ્ભ) પર અત્યંત બારીક ડિઝાઈન હોય છે, અને એવી વીણાની કિંમત સામાન્ય વીણા કરતાં ઓછામાં ઓછી બમણી હોય છે.
માનવ હાથ વડે પલામરમ (ફણસના ઝાડ) ને એક વાજિંત્રમાં રૂપાંતરિત કરવામાં આવે છે એ પહેલા લગભગ 30 થી 50 વર્ષ સુધી એ તમિળનાડુના કડલોર જિલ્લામાં પનરુટીની આસપાસના ગામડાઓની વાડીઓમાં ઊગે છે. પશુધનની જેમ વૃક્ષો પણ એક પ્રકારનું રોકાણ છે. ગ્રામીણ લોકો વૃક્ષોને શેરબજારના સ્ટોક જેવા ગણે છે - જેનું મૂલ્ય સમયની સાથે વધે છે, અને જેને સારા એવા નફા સાથે વેચી શકાય છે. પનરુટી નગરના ફણસના વેપારી 40 વર્ષના આર. વિજયકુમાર સમજાવે છે કે એકવાર થડ આઠ હાથ પહોળું અને 7 કે 9 ફૂટ ઊંચું થઈ જાય પછી, " માત્ર એના લાકડાના જ 50000 રુપિયા ઉપજે છે."
શક્ય હોય ત્યાં સુધી ખેડૂતો વૃક્ષો કાપતા નથી. ફણસની ખેતી કરતા એક ખેડૂત, 47 વર્ષના કે. પટ્ટુસામી સમજાવે છે, "પરંતુ ક્યારેક મૂડીની જરૂ પડે - પરિવારમાં તબીબી કટોકટી હોય (કોઈ બીમાર હોય) અથવા લગ્ન હોય - ત્યારે અમે થોડા મોટા વૃક્ષો પસંદ કરીએ છીએ અને તેને લાકડા માટે વેચીએ છીએ. તેમાંથી બે-ચાર લાખ રુપિયા મળી રહે છે. જે (તબીબી) કટોકટીનો સામનો કરવા અથવા કલ્યાણમ (લગ્ન) ના ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા થઈ રહે છે...”
થડિયા તંજૌર પહોંચે તે પહેલાં તેના સારામાં સારા ભાગો - એક તાલવાદ્ય – મૃદંગમ બનાવવા માટે અલગ રાખવામાં આવે છે. સેબેસ્ટિયન એન્ડ સન્સ: એ બ્રીફ હિસ્ટ્રી ઓફ મૃદંગમ મેકર્સ (મૃદંગમ નિર્માતાઓનો સંક્ષિપ્ત ઈતિહાસ) માં ટી.એમ. ક્રિષ્ના (સંગીતકાર, લેખક, વક્તા અને મેગ્સેસે પુરસ્કાર મેળવનાર) આ વાદ્ય હાથેથી બનાવતા અપ્રસિદ્ધ નાયકોનો પરિચય કરાવે છે.
પરંતુ સૌથી પહેલા વાત કરીએ એ વાદ્યની, જેને ક્રિષ્ના “મૃદંગમ 101” કહે છે. આ મૃદંગમ એ એક "નળાકાર દ્વિ-મુખી પડઘમ છે, જે કર્ણાટક સંગીત પ્રદર્શન અને ભરતનાટ્યમ પ્રસ્તુતિમાં વપરાતું મુખ્ય તાલવાદ્ય છે. તેમાં ફણસના ઝાડના લાકડામાંથી બનાવેલ પોલી અનુનાદક ચેમ્બર હોય છે.” બંને છેડા પરના બાકોરા પર પશુના ચામડાના ત્રણ સ્તરો ફીટ કરવામાં આવે છે.
ક્રિષ્ના લખે છે ફણસના ઝાડનું લાકડું એ મૃદંગમ બનાવા માટેના "પવિત્ર ગ્રેઇલ" (સૌથી વધુ પવિત્ર વસ્તુ) જેવું છે. “જો એ ફણસનું ઝાડ મંદિરની નજીક ઊગ્યું હોય તો એની પવિત્રતા વધુ વધે છે. પછીથી મંદિરની ઘંટડીઓ રણકાર અને વૈદિક મંત્રોચ્ચારના ધ્વનિથી એમાં દૈવીય ગુણો ભળે છે, અને આવા લાકડામાંથી બનેલા વાદ્યના અનુનાદની દિવ્યતા અતુલનીય હોય છે. મણિ ઐયર જેવા કલાકારો (પોતાના મૃદંગમ માટે) આ પ્રકારના પવિત્ર વૃક્ષમાંથી લાકડું મેળવવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે (ગમે તેટલા પૈસા ખર્ચી શકે છે).”
કુપ્પુસામી આસારી તેમના પરિવારમાં ત્રીજી પેઢીના વાદ્ય-નિર્માતા છે, તેઓ ક્રિષ્નાને કહે છે કે "એવી માન્યતા છે કે ચર્ચ અથવા મંદિરની નજીક અથવા તો જ્યાં લોકો ચાલે છે અને વાતો કરે છે અથવા તો જ્યાં ઘંટ વાગે છે એવા રસ્તાઓ નજીકના વૃક્ષો એ સ્પંદનોને પોતાની અંદર સમાવી લે છે અને સારો અવાજ ઉત્પન્ન કરે છે."
જો કે, ક્રિષ્ના નોંધે છે કે "મૃદંગમ કલાકારો માને છે કે અહીં હિંદુ મંદિરની ઘંટડીઓ અને મંત્રોચ્ચાર એ જાદુઈ ઘટક છે જયારે હકારાત્મક સ્પંદનોની શોધ બાબતે લાકડા પર કોતરણી કરનાર આ કારીગર (કુપ્પુસામી) ના વિચારો વધુ વ્યાપક અને સમાવેશક છે."
એપ્રિલ 2022 માં ફણસના ખેડૂતો અને વેપારીઓને મળવા મેં પનરુટી નગરની મુલાકાત લીધી હતી. બપોરે હું કુપ્પુસામી આસારીની વ્યસ્ત વર્કશોપમાં જાઉં છું. તેમની વર્કશોપ, મૃદંગમ બનાવવા પ્રત્યેના તેમના અભિગમ જેવી જ, એક સાથે આધુનિક (ખરાદ અને મશીનો સાથે) અને પરંપરાગત (જૂના જમાનાના ઓજારો અને દેવી-દેવતાઓની છબીઓ સાથે) બંને છે.
કુપ્પુસામી કહે છે, "ચાલો, તમારે જે પૂછવું હોય તે પૂછવા માંડો." તેઓ ઉતાવળમાં છે; તેઓ વ્યસ્ત માણસ છે. "તમારે શું જાણવું છે?" હું પૂછું છું કે ફણસના ઝાડનું લાકડું જ શા માટે. તેઓ કહે છે, "કારણ કે પલામરમનું લાકડું જ આ કામ માટે યોગ્ય છે. તે વજનમાં હલકું છે અને તેનો નાદમ [ધ્વનિ] ખૂબ સરસ છે. અહીં અમે વીણઈ સિવાયના તમામ તાલવાદ્યો બનાવીએ છીએ.” કુપ્પુસામી ખૂબ જ પ્રતિષ્ઠિત નિષ્ણાત કારીગર છે. તેઓ ગર્વથી કહે છે, "તમે ટી.એમ. ક્રિષ્નાના પુસ્તકમાં અમારા વિશે વાંચી શકશો. તેમાં ખરાદ સાથેનો મારો એક ફોટો પણ છે."
કુપ્પુસામીએ ચેન્નઈના ઉપનગર માધવરમમાં તાલીમ લીધી હતી અને તેઓ "લગભગ 50 વર્ષનો અનુભવ" ધરાવે છે. 10 વર્ષની ઉંમરે તેમણે શીખવાનું શરૂ કર્યું હતું ત્યારે તેમની પાસે ખાસ ઔપચારિક શિક્ષણ નહોતું પણ લાકડા સાથે કામ કરવામાં ઊંડો રસ હતો. “તે સમયે બધા કામ હાથેથી કરવામાં આવતા હતા. મારા પિતા પલામરમ પર કામ કરતા હતા - તેઓ તેને વંડી સક્કરમ (ગાડાના પૈડાં) પર ચડાવીને અંદરથી ખોખલું કરી દેતા હતા. બે માણસો મળીને પૈડું ઘુમાવતા અને અપ્પા અંદરનો ભાગ કોરતા રહેતા." પરંતુ સમય જતા પરિવારે ઝડપથી ટેક્નોલોજીને અપનાવી લીધી. "અમે સમય સાથે બદલાયા છીએ."
બીજા ઘણા કારીગરોથી વિપરીત, તેઓ આધુનિક મશીનરી બાબતે ખૂબ જ ઉત્સાહિત છે. “જુઓ, તે વખતે મૃદંગમના વચ્ચેના ભાગને ખોખલો (પોલો) કરવામાં આખો દિવસ લાગતો. હવે ખરાદ સાથે એ કામ ઝડપી બન્યું છે એટલું જ નહીં એ વધુ ચોક્સાઈથી અને વધુ સારી રીતે થઈ શકે છે. અને કામ વધુ સફાઈદાર પણ થાય છે." પનરુટીમાં ખરાદનો ઉપયોગ કરવામાં તેઓ અગ્રેસર હતા અને આજથી 25 વર્ષ પહેલાં તેમણે મશીન લગાવ્યું હતું. પાછળથી તેમનું જોઈને બીજા ઘણા લોકોએ બીજા નગરોમાં પણ આ વિચાર અજમાવ્યો હતો.
તેઓ કહે છે. “એ ઉપરાંત મેં ચાર, પાંચ માણસોને તાલવાદ્યો બનાવતાં શીખવ્યું છે. જ્યારે તેઓ સંપૂર્ણપણે પ્રશિક્ષિત થઈ જાય છે ત્યારે તેઓ પોતાની દુકાન શરૂ કરે છે અને તેઓ પણ ચેન્નઈના મયલાપુરમાં જે છૂટક વિક્રેતાને હું વાદ્યો પહોંચાડું છું તેને જ (પોતે બનાવેલા વાદ્યો) વેચે છે. તેઓ પોતાની ઓળખાણ મારા પ્રશિક્ષાર્થીઓ તરીકે આપે છે. અને એ દુકાનદાર પછી મને ફોન કરીને પૂછે છે: ‘કેટલા લોકોને તમે તાલીમ આપી છે?’” મને આ વાત કહેતા કુપ્પુસામી હસી પડે છે.
તેમના દીકરા સબરીનાથન પાસે એન્જિનિયરિંગની પદવી છે. “મેં તેને વાદ્યોનું માપન અને વાદ્યો કેવી રીતે બનાવવા તે શીખી લેવાનું કહ્યું. એની પાસે ભલે નોકરી હોય પણ એ કારીગરોને કામ પર રાખીને આ કામ પણ ચાલુ તો રાખી શકે ને?
*****
ટી.એમ.ક્રિષ્ના તેમના પુસ્તક સેબેસ્ટિયન એન્ડ સન્સમાં કહે છે, “આસારી મૂળભૂત રીતે વિશ્વકર્મા સમુદાયના સભ્યો છે. તેઓ ધાતુ, પથ્થર અને લાકડા સાથે કામ કરતા ભૌતિક કલાના લોકો છે. જો કે હવે આ સમુદાયના ઘણા લોકો તેમના તેમના સર્જનાત્મક વ્યવસાયોથી દૂર થઈ ગયા છે અને પરંપરાગત જાતિ-આધારિત વ્યવસાયો સંબંધિત શારીરિક શ્રમ માગી લેતી પ્રવૃત્તિઓમાં લાગી ગયા છે. યુવા પેઢીના લોકો 'વ્હાઈટ કોલર જોબ' તરફ પણ વળ્યા છે."
ક્રિષ્ના નોંધે છે, "જ્યારે આપણે વંશપરંપરાગત, જાતિ-બંધિત વ્યવસાયોની વાત કરીએ ત્યારે આપણે આંતર-પેઢીના સાતત્ય દ્વારા જ્ઞાન ઉત્પત્તિનું રૂપાળું નામ આપીને એવા વ્યવસાયોને હકીકતમાં એ છે એનાથી વધુ રસપ્રદ અને આકર્ષક ન બતાવીએ એની સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આપણા સામાજિક માળખામાં બધા લોકો અને બધા વ્યવસાયો સમાન નથી. વિશેષાધિકૃત જાતિના પરિવારોમાં પેઢી-દર-પેઢી પસાર થતા કામને જ્ઞાન અને આવી જાતિ-મર્યાદિત ભાગીદારી ચાલુ રાખવાને જાળવણી ગણવામાં આવે છે. અને તેને અપનાવનારને અત્યાચારનો સામનો કરવાનો વારો નથી આવતો. પરંતુ એથી ઉલટું, દલિત અથવા છેવાડાના સમુદાયોમાં પેઢી દર પેઢી ચાલુ રહેલ વ્યવસાયો અને કામના સ્વરૂપોને જ્ઞાન ગણવામાં આવતા નથી. કે ન તો એ લોકોને જ્ઞાન સર્જક. તેઓને નીચા ગણવામાં આવે છે, તેમની કદર થતી નથી અને તેમના કામને શારીરિક શ્રમ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. અને સૌથી અગત્યનું તો એ કે જેઓ એ વ્યવસાયો કરે છે તેમને જાતિ આધારિત જુલમ અને હિંસાનો સામનો કરવો પડે છે. ઘણા કિસ્સાઓમાં સામાજિક સંજોગોને કારણે તેમની પાસે કુટુંબ-જ્ઞાતિ દ્વારા સોંપાયેલ કામ સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ હોતો નથી.”
ક્રિષ્ના કહે છે , "આ દેશના તમામ વાજિંત્ર ઉત્પાદકોની વાત કરવામાં આવે - જો કરવામાં આવે તો - ટેક્નિકલ દ્રષ્ટિએ કરવામાં આવે છે, તેઓને બાંધકામના સ્થળે કામ કરતા એક મેસ્ત્રી [સુથાર] થી વિશેષ ગણવામાં આવતા નથી. મુખ્ય કર્તા-હર્તા, આર્કિટેક્ટ ગણાય છે [વાદ્ય] વગાડનાર. આ કારીગરોને શ્રેય આપવાનો ઈનકાર કરવામાં આવે છે - અથવા જો અપાય તો એ કરકસરપૂર્વક અને અનિચ્છાએ આપવામાં આવે છે - અને તેનું કારણ છે જાતિનું પૂર્વગ્રહયુક્ત રાજકારણ."
કુપ્પુસામી કહે છે કે મૃદંગમ બનાવવામાં મુખ્યત્વે પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે. “થોડી ઘણી મહિલાઓ છે જે મુખ્યત્વે ચામડાનું કામ કરે છે. પરંતુ લાકડાનું બધું જ કામ ફક્ત પુરુષો જ કરે છે. એ માટે જે લાકડું મેળવવામાં આવે છે તે સામાન્ય રીતે ફણસના એવા ઝાડનું હોય છે જેણે ફળ આપવાનું બંધ કરી દીધું છે. તેઓ જૂના અને બિનઉત્પાદક વૃક્ષોને "બંધ" કરી દેશે. અને કાપવામાં આવેલ દરેક દસ ઝાડ દીઠ તેઓ 30 નવા ઝાડ વાવે છે."
"કુપ્પુસામી ચોક્કસ વિશિષ્ટતા ધરાવતા લાકડા જ પસંદ કરે છે. તેઓ લગભગ 9 કે 10 ફૂટ ઊંચા, પહોળા (મોટા ઘેરાવાવાળા) અને મજબૂત અને વાડની નજીક અથવા રસ્તાની બાજુમાં વાવેલા વૃક્ષો પસંદ કરે છે. આદર્શ સ્થિતિમાં તેઓ લાકડાનો નીચેનો, રંગમાં વધુ ઘાટો ભાગ પસંદ કરે છે, જે વધુ સારો અનુનાદ સુનિશ્ચિત કરે છે.
એક જ દિવસમાં તેઓ લગભગ છ મૃદંગમ માટે લાકડું કાપીને તેને આકાર આપી શકે છે. પરંતુ આખરી ઓપ આપવામાં હજી બે દિવસ વધારે લાગશે. તેમનો નફો સાવ નજીવો છે - તેઓ કહે છે કે મૃદંગમ દીઠ 1000 રુપિયાની કમાણી થઈ શકે તો પણ તેઓ ખુશ છે. અને તે આ કામ માટે શ્રમિકોને 1000 રુપિયા ચૂકવ્યા પછી. આ મહેનત માગી લેતું કામ છે, અને તમને ખબર નથી પણ પૂરતી મજૂરી ન આપીએ તો કોઈ આવે નહીં આ કામ કરવા."
આ લાકડું આખું વર્ષ નથી મળતું. તેઓ ભારપૂર્વક જણાવે છે કે જ્યારે વૃક્ષો હજી ફળ આપતા હોય ત્યારે કોઈ તેમને કાપી નહીં નાખે. તેઓ કહે છે કે તેથી "મારે લાકડું સ્ટોકમાં રાખવું પડે છે." તેઓ 20 થડિયા ખરીદવા માટે, એક થડિયા દીઠ 25000 રુપિયા લેખે, કુલ પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરે છે. અને અહીં તેમને સરકારની દરમ્યાનગીરીની જરૂર જણાય છે. "જો સરકાર અમને લાકડું ખરીદવા સબસિડી અથવા લોન આપે તો...અમારે માટે એ ઘણું સારું રહેશે!"
કુપ્પુસામી કહે છે કે સ્થાનિક બજારો અને આંતરરાષ્ટ્રીય બજારો બંનેમાં મૃદંગમની સારી માંગ છે. "એક મહિનામાં હું 50 મૃદંગમ અને 25 તવિલ વેચું છું." ખરી મુશ્કેલી યોગ્ય લાકડું મેળવવાની અને લગભગ ચાર મહિના સુધી તેને પકવવાની છે. અને કુપ્પુસામી કહે છે કે પનરુટીના ફણસના ઝાડનું લાકડું "શ્રેષ્ઠ" હોવાથી" તેની ભારે માંગ છે." અને આ લાકડામાંથી બનેલા મૃદંગમમાંથી નીકળતા સારા અવાજનું શ્રેય તેઓ આ પ્રદેશની લાલ માટીને આપે છે.
"દસ ફૂટ લાંબા એક થડિયામાંથી તમે માત્ર ત્રણ સારા મૃદંગમને આકાર આપી શકો - અને આવા એક થડિયાના લગભગ 25000 રુપિયા ચૂકવવા પડે." અને દરેક સમૂહ (લોટ) માં બધી જાતના લાકડા હોય. કાપવામાં આવેલા દરેક લાકડામાંથી સંગીત નીપજાવી ન શકાય. બહુ થાય તો કુપ્પુસામી તેમાંથી એક નાનુંસરખું ઉડુક્કઈ (હાથમાં પકડવાનું તાલવાદ્ય) બનાવી શકે.
કુપ્પુસામી સમજાવે છે કે સારી “કટ્ટઈ”ની કિંમત “યેટ્ટુ રૂબા” હોય છે. તેઓ મૃદંગમના લાકડાના નળાકાર ભાગ માટે ‘કટ્ટઈ’ (લાકડું અથવા થડિયું) શબ્દનો ઉપયોગ કરે છે. જ્યારે “યેટ્ટુ રૂબા” નો – જેનો શબ્દશઃ અર્થ આઠ રુપિયા છે તેનો – અર્થ અહીં 8000 રુપિયા થાય છે. તેઓ કહે છે કે આ "ઓન્નમ નંબર" (શ્રેષ્ઠ ગુણવત્તાનું) છે અને ગ્રાહકો તેને ક્યારેય પાછું આપવા નહીં આવે. નહીં તો, "જો લાકડામાં તિરાડો પડે, જો નાદમ [ધ્વનિ] સારો ન હોય, તો ગ્રાહકો ચોક્કસ તેને પાછું આપવા આવે!"
સામાન્ય રીતે મૃદંગમ 22 અથવા 24 ઇંચ લાંબુ હોય છે. તેઓ કહે છે કે આ વાદ્યો સામાન્ય રીતે માઇક્રોફોન સાથે વગાડવામાં આવે છે. "કૂત [નાટક] માટેનું, જ્યાં તે માઇક વિના વગાડવામાં આવે છે એ, મૃદંગમ 28 ઇંચ લાંબુ હોય છે. અને એનું મોં એક તરફ સાંકડું અને બીજી બાજુ પહોળું હોય છે. તેનો અવાજ એટલી સારી રીતે ફેલાય છે કે તેની થાપ દૂર દૂર સુધી સાંભળી શકાય છે.
કુપ્પુસામી ચેન્નઈની મ્યુઝિકલ કંપનીઓને (મૃદંગમ માટેના) લાકડાના નળાકાર ભાગ પહોંચાડે છે. આ કંપનીઓ મહિનામાં 20 થી 30 નંગનો ઓર્ડર આપે છે. અને એકવાર તેઓને એ મળી જાય એ પછી તેઓ એ ચામડાનું કામ કરતા કારીગરોને પહોંચાડે છે જેઓ મૃદંગમ બનાવવાની પ્રક્રિયા પૂરી કરે છે. આ પ્રક્રિયાથી મૃદંગમની કિંમતમાં બીજા 4500 રુપિયા ઉમેરાય છે. કુપ્પુસામી સમજાવે છે, "પછી એક ઝિપવાળી બેગ હોય," આ કહેતી વખતે તેમના હાથ મૃદંગમ પર કાલ્પનિક ઝિપર બંધ કરે છે.
સારી ગુણવત્તાવાળા મૃદંગમના લગભગ 15000 રુપિયા થાય છે. કુપ્પુસામી એ સમયને યાદ કરે છે જ્યારે મૃદંગમ 50 અને 75 રુપિયામાં વેચાતા હતા. તેઓ હસીને કહે છે, “ગુરુઓને મૃદંગમ પહોંચાડવા માટે મારા પિતા મને મદ્રાસ (હવે ચેન્નઈ) માં મયલાપુર લઈ જતા હતા. તેઓ અમને નવીનક્કોર કડકડતી ચલણી નોટોમાં ચૂકવણી કરતા હતા! ત્યારે હું સાવ નાનો છોકરો હતો."
કર્ણાટક સંગીત જગતના કેટલાક મહાન મૃદંગમ કલાકારો - કરઈકુડી મણિ, ઉમયલાપુરમ શિવરામન - બધાએ કુપ્પુસામી પાસેથી જ તેમના વાદ્યો ખરીદ્યા છે. તેઓ કહે છે, "કંઈકેટલાય વિદ્વાનો (વિદ્વાન શિક્ષકો અને કલાકારો) અહીં આવે છે અને અમારી પાસેથી વાદ્યો ખરીદે છે. આ એક પ્રખ્યાત દુકાન છે, પરંપરાગત દુકાન છે..." તેમના અવાજમાં ગૌરવની ઝલક સ્પષ્ટપણે અનુભવી શકાય છે.
કુપ્પુસામી તાલવાદ્ય સંબંધિત અનેક નાના નાના મનોરંજક પ્રસંગો કહી સંભળાવે છે. તેમની વાર્તાઓમાં પ્રાચીન સમય અને અર્વાચીન સમય વચ્ચેનો રસપ્રદ વિરોધાભાસ છતો થાય છે. “તમે સ્વર્ગસ્થ પાલઘાટ મણિ ઐયરનું નામ સાંભળ્યું છે? તેમના વાજિંત્રો એટલા ભારે હતા કે એ વાજિંત્રો લાવવા-લઈ જવા માટે તેમને એક ખાસ માણસ રાખવો પડતો હતો!” અને મોટું અને ભારે મૃદંગમ પસંદ કરવામાં આવતું કારણ કે તેનો અવાજ “ગનીર, ગનીર” (મોટો અને સ્પષ્ટ) રહેતો. કુપ્પુસામી કહે છે જો કે, આજની પેઢીને હંમેશ આવા વાદ્યો જોઈતા નથી હોતા.
"જ્યારે તેઓ વિદેશ પ્રવાસ કરે છે, ત્યારે તેઓને વજનમાં હળવા વાદ્યો જોઈએ છે. તેઓ તેને અહીં લઈ આવે છે અને હું તેનું વજન 12 કિલોથી ઘટાડીને છ કિલો કરી દઉં છું. એ કેવી રીતે શક્ય છે એવા મારા સવાલના જવાબમાં તેઓ કહે છે, "અમે વચ્ચે વચ્ચે મૃદંગમનું વજન કરતા રહીએ છીએ અને જ્યાં સુધી એ છ કિલોનું ન થઈ જાય ત્યાં સુધી એના પેટમાંથી (પોલા નળાકારમાંથી) લાકડું કોરી કોરીને બહાર કાઢતા રહીએ છીએ."
કહેવું હોય તો તમે કહી શકો, મૃદંગમને ક્રેશ ડાયટ પર મૂક્યું...
પરંતુ તેઓ માત્ર મૃદંગમ જ નહીં તે ઉપરાંત બીજા તાલવાદ્યો પણ દુનિયાભરમાં મોકલે છે. “મેં છેલ્લા 20 વર્ષથી મલેશિયામાં ઉરુમી મેલમ [ડબલ હેડેડ ડ્રમ્સ] મોકલ્યા છે. માત્ર કોવિડ દરમિયાન જ અમે એ મોકલી શક્યા નહોતા..."
કુપ્પુસામી વાદ્યોના નામોની યાદી આપતા કહે છે કે મૃદંગમ, તવિલ, તબેલા, વીણઈ, કંજીરા, ઉડુક્કઈ, ઉડુમિ, પંબઈ … બનાવવા માટે ફણસના ઝાડનું લાકડું સૌથી વધુ યોગ્ય છે. "હું લગભગ 15 પ્રકારના તાલવાદ્યો બનાવી શકું છું."
તેઓ બીજા વાદ્યો બનાવતા કારીગરોને જાણે છે. કેટલાકના તો નામ અને સરનામા પણ. “ઓહ, તમે વીણઈ બનાવનાર નારાયણનને મળ્યા છો? તેઓ તંજૌરમાં સાઉથ મેઈન સ્ટ્રીટ પર રહે છે, ખરું ને? અમે તેમને ઓળખીએ છે.” કુપ્પુસામી કહે છે કે વીણઈ બનાવવી એ એક મુશ્કેલ કામ છે. “એક વાર મેં વીણઈ બનતી જોઈ હતી. આસારી વળાંકવાળી ગરદન બનાવી રહ્યા હતા. હું બે કલાક સુધી ચુપચાપ બેસીને એમને જોતો રહ્યો. તેમણે લાકડું કાપ્યું, એને આકાર આપ્યો, નીચે મૂક્યું, ધ્યાનથી જોયું અને ફરીથી કાપ્યું, જરાક વધુ આકાર આપ્યો… એ આખી પ્રક્રિયા આશ્ચર્યજનક હતી. અને રોમાંચક પણ…”
*****
2015 માં હું એમ. નારાયણનની વર્કશોપમાં તંજૌરમાં વીણઈ બનાવનાર કારીગરોને પહેલીવાર મળી હતી. ઓગસ્ટ 2023 માં તેમણે મને ફરીથી વર્કશોપની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું, “તમને ઘર તો યાદ છે ને? એ જ ઘર જેની બહાર ઝાડ છે એ.” આ એક વિચિત્ર સીમાચિહ્ન કહેવાય એવું કદાચ લાગે પરંતુ સાઉથ મેઈન સ્ટ્રીટ પર કદાચ એ એકમાત્ર પુંગઈ વૃક્ષ (કરંજ-ઈન્ડિયન બીચ) છે. સિમેન્ટની બનેલી વીણઈ પહેલા માળની આગળની દીવાલને આકર્ષક બનાવે છે. તેમના ઘરની પાછળની વર્કશોપ મને યાદ છે એવી ને એવી જ છેઃ સિમેન્ટની છાજલી પર ઓજારો, દીવાલ પર ફોટા અને કેલેન્ડર અને ફર્શ પર અધૂરી વીણઈ.
શિવગંગઈ પૂંગાથી આવે છે ત્યારે વીણઈ લાકડાનો એક મજબૂત, જાડો અને કંઈક અંશે બેડોળ કકડો માત્ર હોય છે. જો કે એકવાર એ વર્કશોપ સુધી પહોંચે છે પછી ઓજારો બદલાતા રહે છે, કામ કરવાની પ્રક્રિયા બદલાય છે અને સ્વાભાવિક રીતે જ પરિણામ પણ બદલાય છે. ખોખલા કરેલા પેટવાળા 16-ઇંચ પહોળા થડિયામાંથી નારાયણન અને તેમની ટીમ અડધા ઇંચની જાડી દીવાલવાળો 14.5 ઇંચના વ્યાસવાળો પાતળો બાઉલ કોતરી કાઢે છે. તેઓ સમજાવે છે કે ગોળ આકાર મેળવવા માટે તેઓ હોકાયંત્રનો ઉપયોગ કરે છે અને પછી ઉળી (ફરસી) વડે કાળજીપૂર્વક વધારાનું લાકડું દૂર કરે છે.
સંગીત નીપજાવવા માટે લાકડાને સમયાંતરે કોરવું પડે છે. અહીં આ પ્રક્રિયામાં વિરામ અગત્યનો છે, તે લાકડાને સૂકવવામાં અને પરિપક્વ થવામાં મદદ કરે છે. અંદરનું અને બહારનું - વજન ઉતરતા આશરે 30 કિલોગ્રામ વજન સાથે તંજૌર પહોંચેલું લાકડું શિવગંગઈ પૂંગામાં પહોંચે છે ત્યારે તેનું કદ ઘટીને 20 કિલોગ્રામ જેટલું થઈ ગયું હોય છે. એ જ લાકડાને વીણઈ પટ્ટરઈમાં વધુ છોલીને સરળતાથી ઊંચકી શકાય એટલું, 8 કિલો વજનનું કરી દેવાય છે.
વર્કશોપની સામે પોતાના ઘરમાં બેઠેલા નારાયણન મને વીણઈ આપે છે. તેઓ કહે છે, "લો, આને પકડો." એ ભારે છે, અને એને એક સરળ લીસ્સો ઓપ આપેલ છે, દરેક ભાગને કાચપેપરથી બરોબર ઘસીને વાર્નિશ કરેલ છે. નારાયણન કહે છે, “આ બધું હાથેથી કરેલું છે." તેમના અવાજમાં ગર્વ સ્પષ્ટ દેખાય છે.
નારાયણન કહે છે, “વીણઈ માત્ર તંજૌરમાં જ બને છે. અને અહીંથી જ એ આખી દુનિયામાં જાય છે. અમારી પાસે ભૌગોલિક સંકેત [ભૌગોલિક ઉપદર્શન - જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન જીઆઈ] છે, એડવોકેટ સંજય ગાંધી દ્વારા એ માટેની અરજી કરીને તેને સુરક્ષિત કરવામાં આવી હતી."
આ વાદ્ય હંમેશા ફણસના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવે છે. "આ લાકડું પસંદ કરવામાં આવે છે કારણ કે પલમરમ તમામ આબોહવાની પરિસ્થિતિઓને અનુકૂળ થઈ શકે છે. તંજૌરમાં આજનું તાપમાન 39 ડિગ્રી [સેલ્સિયસ] છે. અને તમે એને અહીં બનાવીને જ્યારે અમેરિકા લઈ જાઓ છો ત્યારે કદાચ ત્યાંનું તાપમાન શૂન્ય ડિગ્રી પણ હોઈ શકે છે, તેમ છતાં એ બરોબર કામ આપશે. અને તમે તેને વધુ ગરમ પ્રદેશમાં - દાખલા તરીકે, પશ્ચિમ એશિયામાં - લઈ જાઓ તો પણ એને કંઈ વાંધો નહીં આવે. બધી જગ્યાએ એ બરોબર વાગશે. આ એક દુર્લભ ગુણવત્તા છે, તેથી જ અમે ફણસના ઝાડના લાકડાનો ઉપયોગ કરીએ છીએ."
નારાયણન સમજાવે છે, "આંબાના ઝાડના લાકડાનું આવું નથી, ઉદાહરણ તરીકે. ઉનાળામાં આંબાના લાકડાનો દરવાજો સરળતાથી બંધ કરી શકાય છે. ચોમાસામાં? તમારે એને જોરથી પટકવો પડશે… ઉપરાંત તમે એને ગમે તેટલું ઘસ-ઘસ કરશો, ગમે તેટલો આખરી ઓપ આપશો પણ ફણસના લાકડામાં જેવો 'સરસ' દેખાવ મળી શકે છે એવો દેખાવ તમને એમાં નહીં મળે. આ ઉપરાંત પલમરમમાં નાના છિદ્રો હોય છે, આપણા માથા પરના વાળ કરતાં પણ નાના. એ લાકડાને શ્વસવામાં મદદ કરે છે."
ફણસના ઝાડ વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. નારાયણન જણાવે છે, “પરંતુ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કેટલાક વિસ્તારોમાં – [તંજૌર જિલ્લામાં] પટ્ટુકોટ્ટઈ અને [પુદુકોટ્ટઈ જિલ્લામાં] ગંધર્વકોટ્ટઈ [ની આસપાસ – તેઓએ ઘણા વૃક્ષો કાપી નાખ્યા છે. અને તેની જગ્યાએ નવા વૃક્ષો વાવ્યા નથી. વાડીના માલિકોએ તેમની જમીન રહેણાકના પ્લોટ તરીકે વેચી દીધી છે, અને એમાંથી મળેલા પૈસા બેંકમાં મૂક્યા છે. વૃક્ષો વિના ત્યાં સંગીતની તો વાત જ જવા દો, થોડો છાંયડોય રહ્યો નથી. મારી જ શેરી જુઓ, ત્યાં ફક્ત મારું ઝાડ બચ્યું છે… બાકીના બધા કાપી નાખવામાં આવ્યા હતા!”
ફણસનું લાકડું નવું હોય ત્યારે એ પીળું હોય છે. જેમ જેમ એ જૂનું થાય છે અને સુકાય છે તેમ એ સહેજ લાલાશ પડતું થાય છે. અને એ લાકડામાંથી ઉઠતા ધ્વનિતરંગો અદ્ભુત હોય છે. નારાયણન કહે છે કે તેથી જ જૂની વીણઈની માગ વધારે રહેતી હોય છે. તેઓ હસીને કહે છે, "અને તેથી જ, તમને એ બજારમાં ક્યારેય નહીં મળે, કારણ કે તેના માલિકો પોતાના વાદ્યોનું સમારકામ કરાવી જાળવી રાખવાનું પસંદ કરે છે. એ વાદ્યો તેઓ પરિવારની બહારની કોઈ વ્યક્તિને આપવા માંગતા નથી."
નારાયણન પોતે જે વીણઈ બનાવે છે તેમાં તેઓ કેટલાક આધુનિક સ્પર્શ ઉમેરે છે. તેઓ કહે છે, "આ ગિટાર કી જુઓ, અમે એને અહીં મૂકીએ છીએ જેથી તારને ટ્યુન કરવામાં અને ખેંચવામાં સરળતા રહે." જો કે તેઓ તાલીમમાં થતા ફેરફારો વિશે ઉત્સાહિત નથી, તેઓ તેમને શોર્ટ-કટ કહે છે (જ્યારે શિક્ષકો વિદ્યાર્થીઓને અવાજની તીવ્રતા કેવી રીતે ઠીક કરવી તે શીખવતા નથી), અને આ સમજાવતી વખતે તેઓ વીણઈને ટ્યુન કરે છે. ફણસના ઝાડનું લાકડું અને ધાતુના તાર મળીને એક મધુર સ્વર ઉત્પન્ન કરે છે, અને અમારી વાતચીત માટેનું પાર્શ્વસંગીત પૂરું પાડી રહે છે.
સંગીતના વાદ્યો બનાવતા બીજા કારીગરોની જેમ નારાયણન પણ પોતે બનાવેલ વાદ્ય વગાડી જાણે છે. તેઓ નમ્રતાથી કહે છે, "પણ થોડુંઘણું." પોતાના જમણા હાથથી તાર ખેંચતા અને ડાબા હાથની આંગળીઓના ટેરવાં પરા (ફ્રેટ્સ) પર ઉપર અને નીચે ફેરવતા તેઓ કહે છે, "ગ્રાહકને શું જોઈએ છે એ સમજી શકું એટલા પૂરતી જાણકારી મારી પાસે છે."
તેમના ખોળામાં લાકડાના એક જ ટુકડામાંથી બનેલ એકાન્ત વીણઈ છે. એક મા પોતાના ઊંઘી ગયેલા બાળકને જેટલી કાળજીપૂર્વક અને જેટલી નાજુકાઈથી પકડે છે એ જ રીતે તેઓ એ વીણઈને પકડે છે. “એક સમયે અમે સુશોભન માટે હરણના શિંગડાનો ઉપયોગ કરતા હતા. આજે હવે તેનું સ્થાન મુંબઈના આઇવરી પ્લાસ્ટિકે લીધું છે...”
જો માત્ર એક જ વ્યક્તિ એકલે હાથે આખી વીણઈ બનાવવા જાય તો એમાં ઓછામાં ઓછા 25 દિવસ લાગે. “તેથી જ અમે જુદા જુદા લોકોને જુદા જુદા કામ સોંપીએ છીએ અને પછીથી તેને ઝડપથી એકસાથે જોડીએ છીએ. અને આ રીતે અમે એક મહિનામાં બે કે ત્રણ વીણા બનાવી શકીએ છીએ. એ દરેકની કિંમત 25000 થી 75000 રુપિયાની વચ્ચે કંઈ પણ હોઈ શકે છે."
વીણઈ બનાવનાર બીજા કારીગરોની જેમ નારાયણન પણ પનરુટીથી લાકડું ખરીદે છે. “કાં તો અમે ત્યાં જઈએ અને એક ‘લોટ’ ખરીદીએ, અથવા તેઓ એ અહીં લઈ આવે. લગભગ ચાલીસ થી 50 વર્ષ જૂના વૃક્ષો, જે પરિપક્વ છે તે, આદર્શ ગણાય છે. વેપારીઓ અમને 10 ફૂટનું થડિયું 20000 રુપિયામાં વેચી શકે છે, તેમાંથી અમે એકાંત વીણાઈ બનાવી શકીએ છીએ. વાટાઘાટો માટે થોડો અવકાશ હોય છે. એકવાર અમે એ ખરીદી લઈએ પછી અમે તેને યોગ્ય કદમાં કાપીએ છીએ અને પછી શિવગંગાઈ પૂંગા ખાતે સંગઠનના પરિસરમાં તેને આકાર આપીએ છીએ. જો કે નારાયણન કહે છે કે લાકડાના ધંધામાં જોખમ છે. “કેટલીકવાર એમાં નાની તિરાડો હોઈ શકે છે જેમાંથી પાણી ઝાડમાં પ્રવેશે છે અને ઝાડને બરબાદ કરી નાખે છે. જ્યાં સુધી અમે ખરેખર થડિયું કાપીએ નહીં ત્યાં સુધી અમને કશી ખબર ન પડે!”
નારાયણનનો અંદાજ છે કે તંજૌરમાં 10 પૂર્ણ સમયના વીણઈ બનાવનાર કારીગરો છે અને એ સિવાય બીજા ઘણા કારીગરો છે જેઓ અંશ સમય માટે આ કામ કરે છે. તેઓ બધા મળીને એક મહિનામાં લગભગ 30 વીણા બનાવે છે. લાકડાનું થડિયું તંજૌર પહોંચે ત્યારથી લઈને તેને એક વાદ્ય બનવામાં લગભગ 30 દિવસ લાગે છે. નારાયણન કહે છે, “એની ચોક્કસપણે સારી માંગ છે.
“ચિટ્ટીબાબુ અને શિવાનંદમ જેવા ઘણા મોટા કલાકારોએ મારા પિતા પાસેથી વીણઈ ખરીદી હતી. નવી પેઢીના ઉભરતા કલાકારોને પણ ખૂબ જ રસ છે. પરંતુ તેમાંથી મોટા ભાગના યુવા કલાકારો ચેન્નઈના ‘મ્યુઝિકલ’માંથી વીણઈ ખરીદે છે. કેટલાક સીધા અહીં આવે છે અને ચોક્કસ ડિઝાઇન અથવા તેમની પસંદગી મુજબના ફેરફાર માગે છે." અને નારાયણને એ વસ્તુ ખૂબ ગમે છે.
ધંધો વિકસે તો એ તેમને વધુ ગમશે. તેઓ કહે છે, “મેં આ કામ 45 વર્ષથી કર્યું છે. મારા બે દીકરાઓ આમાં પડવા માંગતા નથી. તેઓ ભણેલા-ગણેલા છે અને નોકરીઓ કરે છે. તમને ખબર છે કેમ?” તેઓ અટકે છે, એ વિરામ અપાર ઉદાસીથી ભરેલો હતો. તેઓ તેમના ઘરમાં કામ કરતી વ્યક્તિ તરફ ઈશારો કરીને કહે છે, "આ કડિયો છે ને? એ દિવસના 1200 રુપિયા કમાય છે. અને હું એને દિવસમાં બે વાર બે વડઈ (વડા) અને એ ઉપરાંત ચા ખરીદીને આપું છું. પરંતુ અમે જે કાળજીપૂર્વક આ ઝીણવટભર્યું કામ કરીએ છીએ તેમાંથી થતી કમાણી એ કડિયાના કરતાં અડધી છે. અમને આરામ મળતો નથી, અમારા કામના કલાકો પણ નિશ્ચિત નથી. હા, એ સારો વ્યવસાય છે એ વાત નક્કી, પરંતુ માત્ર વચેટિયા જ પૈસા કમાતા હોય તેવું લાગે છે. મારી વર્કશોપ 10 બાય 10 ફૂટની છે. એ તો તમે તમારી આંખે જોયું, બરોબર? અહીં બધું હાથ વડે કરવામાં આવે છે. અને છતાં અમને વીજળી કોમર્શિયલ દરે મળે છે. અમે સત્તાવાળાઓને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો કે આ કુટિર ઉદ્યોગ છે - પરંતુ પ્રતિનિધિત્વને અભાવે અમે રજૂઆત કરી શક્યા નથી અને કોઈ ઉકેલ શોધી શક્યા નથી...”
નારાયણે નિસાસો નાખ્યો. તેમના ઘરની પાછળ, વર્કશોપમાં, એક વૃદ્ધ કારીગર કુદમને કાચપેપરથી ઘસે છે. ફરસી, ડ્રિલ અને બ્લેડની મદદથી ધીમે ધીમે તેઓ ફણસના ઝાડના લાકડાને ગાતું કરે છે…
આ સંશોધન અભ્યાસને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તેમના સંશોધન ભંડોળ કાર્યક્રમ 2020 (રિસર્ચ ફંડિંગ પ્રોગ્રામ 2020) ના ભાગરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક