મ્હસવડમાં, જ્યાં હું મોટો થયો છું ત્યાં, પાણી માટેનો રોજબરોજનો સંઘર્ષ મેં મારી નજરે જોયો છે.
આ વિસ્તાર, માણ દેશ મહારાષ્ટ્રની મધ્યમાં આવેલ છે, ત્યાં ધનગર ભરવાડો, એક વિચરતી જાતિ, સદીઓથી વિચરણ કરતા રહ્યા છે. ડેક્કનના ઉચ્ચ સપાટ પ્રદેશની આ શુષ્ક દૃશ્ય-ભૂમિમાં તેમનું અસ્તિત્વ પાણીના સ્ત્રોતો શોધવાના તેમના જ્ઞાન પર આધારિત છે.
વર્ષોથી મેં મહિલાઓને પોતપોતાના વાસણ ભરવા માટે કતારમાં ઊભી રહેતી જોઈ છે. રાજ્ય સરકાર અહીં દર 12 દિવસે માત્ર એક કલાક માટે પાણી પુરવઠો પૂરો પાડે છે. સાપ્તાહિક બજારમાં ખેડૂતોએ તેમની પાણીની સમસ્યાઓ વિશે અને ઊંડા કૂવા ખોદવા છતાં તેમને પાણી મળતું નથી એ વિષે વાત કરી. જ્યારે તેમને પાણી મળે પણ છે ત્યારે ઘણીવાર એ પ્રદૂષિત હોય છે, એ પાણી પીવાથી કિડનીની પથરી જેવા રોગો થવાની શક્યતા રહે છે.
આ વિકટ પરિસ્થિતિમાં હવે આજીવિકા માટે ખેતીનો વિકલ્પ રહ્યો નથી. (પરિણામે) આ ગામડાઓમાંથી યુવાનો મુંબઈ જેવા મોટા શહેરોમાં સ્થળાંતર કરે છે.
કારખેલના ખેડૂત ગાયકવાડે તેમના બધા ઢોર વેચી દીધા છે અને હવે તેઓ માત્ર બકરીઓ જ રાખે છે. તેમના ખેતરો સુકાઈ ગયા છે અને તેમના દીકરાઓ મજૂરી માટે મુંબઈ ગયા છે. ઉંમરના સાઠના દાયકામાં પહોંચેલા ગાયકવાડ તેમના પત્ની અને પૌત્રો સાથે રહે છે, અને પોતે મૃત્યુ પામે એ પહેલાં પાણી મેળવવાની આશા રાખે છે. આખો પરિવાર જે પાણીથી નહાય છે એ જ પાણીનો ઉપયોગ તેઓ વાસણો સાફ કરવા અને કપડાં ધોવા માટે કરે છે. એ જ પાણી તેમના ઘરની સામેના આંબાને પીવડાવવામાં આવે છે.
'પાણીની શોધ' એ ફિલ્મમાં સાતારા જીલ્લાના સમગ્ર માન પ્રદેશમાં મુસાફરી કરીને પાણીના તીવ્ર સંકટનો સામનો કરી રહેલા લોકોની અને તેમને પાણી પૂરું પાડનારા લોકોની વાર્તાઓ દસ્તાવેજીકૃત કરવામાં આવી છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક