પૂર્વીય ભારતના દરિયાકિનારે સવારના 3 વાગ્યા છે. રામોલુ લક્ષ્મૈય્યા હાથબત્તીના અજવાળે ઓલિવ રિડલી કાચબાના ઇંડા શોધી રહ્યા છે. એક લાંબી લાકડી અને એક ડોલ સાથે તેઓ ધીમે ધીમે જાલારીપેટા અને આર.કે. બીચમાં તેમના ઘર વચ્ચેના ટૂંકા, રેતાળ રસ્તાને ઓળંગે છે.
માદા ઓલિવ રિડલી કાચબા તેમના ઇંડા મૂકવા માટે કિનારે આવે છે અને વિશાખાપટ્ટનમનો ઢોળાવવાળા કિનારાઓ સાથેનો રેતાળ દરિયાકિનારો તેમને માળો બાંધવા માટે એક આદર્શ સ્થળ પૂરું પાડે છે; 1980ના દાયકાની શરૂઆતથી તેમને અહીં જોવામાં આવી રહ્યા છે. જો કે, થોડા કિલોમીટર ઉત્તર દિશામાં, ઓડિશાના દરિયાકાંઠે આ કાચબાઓની માદાઓના ઇંડા મૂકવાના દેશભરના સૌથી મોટા સામૂહિક સ્થળો છે. માદા કાચબા એક સમયે 100-150 ઇંડા મૂકે છે અને તેમને રેતીના ખાડામાં ઊંડે સુધી દાટી દે છે.
લક્ષ્મૈય્યા લાકડીથી ભીની રેતીની કાળજીપૂર્વક તપાસ કરતાં સમજાવે છે, “જ્યારે રેતી ઢીલી લાગવા લાગે, ત્યારે તેનો અર્થ છે કે માદા કાચબાએ તેના ઇંડા અહીં મૂક્યા છે.” લક્ષ્મૈય્યાની સાથે આંધ્રપ્રદેશમાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ જાલારી સમુદાયના માછીમારો કરી જાલ્લીબાબુ, પુટ્ટીયાપાના યેરન્ના અને પુલ્લા પોલારાવ છે. 2023માં તેમણે મરીન ટર્ટલ કન્ઝર્વેશન પ્રોજેક્ટ હેઠળ ઓલિવ રિડલી કાચબાના ઇંડાના સંરક્ષણના પ્રયાસના ભાગરૂપે આંધ્રપ્રદેશ વન વિભાગ (એ.પી.એફ.ડી.) સાથે ગાર્ડ તરીકે પાર્ટ-ટાઇમ કામ હાથ ધર્યું હતું.
ઓલિવ રિડલી કાચબા (લેપિડોચેલીસ ઓલિવેસિયા) ને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઇ.યુ.સી.એન.)ની રેડ લિસ્ટમાં ‘સંવેદનશીલ પ્રજાતિ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તથા ભારતીય વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 (1991માં સંશોધિત) ની અનુસૂચિ-1 હેઠળ સંરક્ષિત કરવામાં આવ્યા છે.
વિશાખાપટ્ટનમના કંબાલકોંડા વન્યજીવ અભયારણ્યના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ યગ્નપતિ અદારી કહે છે કે દરિયાકાંઠાના વિનાશ જેવા અનેક પરિબળોને કારણે કાચબા જોખમમાં મૂકાયા છે, “ખાસ કરીને વિકાસના નામે ઇંડા મૂકવાની જગ્યાઓ તેમજ આબોહવા પરિવર્તનને કારણે દરિયાઈ વસવાટોમાં નુકસાનના લીધે.” દરિયાઈ કાચબાનો તેમના માંસ અને ઇંડા માટે પણ શિકાર કરવામાં આવે છે.
ઇંડા બચાવવા શા માટે જરૂરી છે તે સમજાવતાં 32 વર્ષીય લક્ષ્મૈય્યા કહે છે, “માતા ઇંડાને ગમે તેટલા ઊંડે દબાવી દે, તેમને શોધવા અશક્ય નથી. તેમના પર લોકોના પગ પડી શકે છે, અથવા તેનાથી પણ ખરાબ − કૂતરાઓ તેમને બહાર કાઢી શકે છે. હેચરી [કાચબાના ઇંડા ઉછેરવાની જગ્યા]માં તેઓ સલામત છે.”
તેથી લક્ષ્મૈય્યા જેવા રક્ષકો તેમના અસ્તિત્વ માટે નિર્ણાયક છે. ઓલિવ રિડલી એ દરિયાઈ કાચબાની સૌથી નાની પ્રજાતિ છે અને તેમનું નામ તેમના ઓલિવ-ગ્રીન શેલ પરથી પડ્યું છે.
તેમને કાચબાના ઇંડા શોધવા અને તેમને હેચરીમાં રાખવા માટે ભરતી કરવામાં આવે છે, કે જેથી જ્યારે તેઓ ઇંડામાંથી બહાર નીકળે ત્યારે તેમને સમુદ્રમાં પાછા છોડી દેવામાં આવે. આર.કે. બીચ પરની હેચરી આંધ્રપ્રદેશની ચાર હેચરીમાંની એક છે. આ સિવાય અન્ય હેચરી સાગર નગર, પેદનાગમય્યાપાલેમ અને ચેપલૌપ્પાડા છે.
સાગર નગર હેચરીમાં, બધા રક્ષકો માછીમારો નથી − કેટલાક સ્થળાંતર કામદારો છે, જેમણે વધારાની આવક માટે આ પાર્ટ-ટાઇમ કામ હાથ ધર્યું છે. રઘુ એક ડ્રાઈવર છે જેમણે તેમના જીવનનિર્વાહના ખર્ચની ચૂકવણી કરવામાં સહાયતા થાય તે માટે આ નોકરી હાથ ધરી છે. શ્રીકાકુલમના પ્રવાસી રઘુ જ્યારે 22 વર્ષના હતા ત્યારે તેઓ વિશાખાપટ્ટનમ ગયા હતા. તેમની પાસે વાહન નથી, પરંતુ તેઓ ડ્રાઇવર તરીકે કામ કરે છે અને મહિને 7,000 રૂપિયાની કમાણી કરે છે.
આ પાર્ટ-ટાઇમ કામ હાથ ધરવાથી મદદ મળી છે. તેઓ કહે છે, “હું હવે ઘરે મારા માતાપિતાને 5,000-6,000 રૂપિયા મોકલી શકું છું.”
દર વર્ષે ડિસેમ્બરથી મે સુધી, રક્ષકો આર.કે. બીચ પર સાત-આઠ કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં તેઓ ઇંડા શોધવા માટે વચ્ચે વચ્ચે દર થોડી મિનિટ માટે રોકાય છે. ભારતમાં ઓલિવ રિડલી કાચબા માટે ઇંડા મૂકવાની મોસમ સામાન્ય રીતે નવેમ્બરથી મે સુધી હોય છે, પરંતુ ઇંડાની મહત્તમ સંખ્યા ફેબ્રુઆરી અને માર્ચમાં જોવા મળે છે.
જલ્લીબાબુ કહે છે, “કેટલીકવાર, અમે માતાના પદચિહ્નો જોઈએ છીએ; ક્યારેક ક્યારેક અમને માતા (કાચબા)ની એક ઝલક જોવા મળે છે.”
એક વાર ઇંડા મળી જાય પછી, તેમને ત્યાંથી મુઠ્ઠીભર રેતી સાથે કાળજીપૂર્વક બેગમાં મૂકવામાં આવે છે. આ રેતીનો ઉપયોગ હેચરીમાં ઇંડાને ફરીથી મૂકવા માટે કરવામાં આવશે.
તેઓ ઇંડા મળવા સમયે તેમની સંખ્યા અને અને તેમની ઇંડામાંથી બહાર આવવાની અંદાજિત તારીખની નોંધ કરે છે, જેને તેઓ એક લાકડી સાથે બાંધીને ઇંડા મૂકવાની જગ્યાએ મૂકે છે. આ નોંધ ઇંડામાંથી બહાર આવવાની સમયરેખા પર નજર રાખવામાં મદદ કરે છે. ઇંડાનો સેવન સમયગાળો સામાન્ય રીતે 45-65 દિવસનો હોય છે.
રક્ષકો તેમની આવકના મુખ્ય સ્રોત, માછીમારી માટે દરિયામાં જતા પહેલા સવારે 9 વાગ્યા સુધી હેચરીમાં તૈનાત રહે છે. તેમને તેમના સંરક્ષણ કાર્ય માટે ડિસેમ્બરથી મે સુધી દર મહિને 10,000 રૂપિયા મળે છે. વર્ષ 2021-22માં ઇંડાના સેવનના ચક્ર સુધીમાં આ રકમ 5,000 રૂપિયા હતી. જલ્લીબાબુ ઉમેરે છે, “[આ કામમાંથી] કાચબાનાં બચ્ચાંના ઇંડાનું સેવન કરવાથી થયેલ આવક ખૂબ કામ આવે છે.”
લક્ષ્મૈય્યા ચીસો પાડીને કહે છે, “15 એપ્રિલથી 14 જૂન દરમિયાન સંવર્ધનની મોસમ દરમિયાન વાર્ષિક 61 દિવસના માછીમારી પરની પાબંદી દરમિયાન તે ખૂબ કામમાં આવે છે.” જો કે આ મહિનાઓમાં રક્ષકોને તેમનું વેતન નહોતું મળ્યું. જ્યારે જૂન મહિનામાં તેમની સાથે પારીની મુલાકાત થઈ ત્યારે તેમને માત્ર પ્રથમ ત્રણ મહિના − ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીની બાકી રકમ મળી હતી.
માછીમારી પરની પાબંદી દરમિયાન, તેમની પાસે નજીવી અથવા કોઈ આવક નથી હોતી. લક્ષ્મૈય્યાએ જૂનમાં કહ્યું હતું, “અમે સામાન્ય રીતે બાંધકામ સ્થળો પર અથવા અન્ય જગ્યાએ જે કામ મળે તે કરીએ છીએ. જો કે, આ વર્ષે મળેલા વધારાના પૈસા ખૂબ કામ લાગ્યા છે. હું આશા રાખું છું કે બાકીની રકમ જલ્દીથી મળી જશે.”
તેમાંના કેટલાક લોકોને છેક હમણાં સપ્ટેમ્બરમાં ચૂકવણી કરવામાં આવી હતી, જ્યારે કેટલાક લોકોને ઓગસ્ટમાં ચૂકવણી કરવામાં આવી હતી, જે માછીમારી પરની પાબંદીના મહિનાઓ પછી મળી છે.
રઘુ કહે છે કે તેમની નોકરીનો પ્રિય ભાગ કાચબાઓ બહાર નીકળ્યા પછી શરૂ થાય છે. રક્ષકો ધીમેથી તેમને બુટ્ટા (ટોપલી)માં મૂકે છે અને તેમને બીચ પર છોડી દે છે.
તેઓ કહે છે, “ આ નાના કાચબા ઝડપથી રેતીમાંથી બહાર નીકળી જાય છે અને તેમના પગ ખૂબ નાના હોય છે. તેઓ નાના નાના પગલાં ઝડપથી ઉઠાવે છે અને જ્યાં સુધી તેઓ દરિયા સુધી ન પહોંચે ત્યાં સુધી રોકાતા નથી. પછી મોજાઓ તે કાચબાઓને દરિયામાં દૂર સુધી લઈ જાય છે.”
ઇંડાનો છેલ્લો સમૂહ આ વર્ષે જૂનમાં નીકળ્યો હતો. આંધ્રપ્રદેશ વન વિભાગ અનુસાર, 21 રક્ષકો સાથે તમામ ચાર હેચરીઓએ મળીને 46,754 ઇંડા એકત્રિત કર્યા અને 37,630 નાના કાચબાઓને સમુદ્રમાં છોડી દીધા. જ્યારે 5,655 ઇંડામાંથી બાળકો થયા નહોતા.
લક્ષ્મૈય્યા કહે છે, “માર્ચ 2023માં ભારે વરસાદ દરમિયાન ઘણા ઇંડાને નુકસાન થયું હતું. તે ખરેખર દુઃખદ હતું. જ્યારે મે મહિનામાં કેટલાક બચ્ચાઓ બહાર આવ્યા, ત્યારે તેમની કાચલીઓ તૂટી ગઈ હતી.”
વૈજ્ઞાનિક અદારી સમજાવે છે કે કાચબાને તેમના જન્મના ભૌગોલિક જગ્યાની છાપ યાદ રહે છે. માદા કાચબા 5 વર્ષની ઉંમરે જાતીય પરિપક્વતા સુધી પહોંચ્યા પછી તેમના ઇંડા મૂકવા માટે તે જ બીચ પર પાછા ફરે છે જ્યાં તેઓ જન્મ્યા હતા.
ઇંડાની આગામી ચક્રની રાહ જોતા જોતા લક્ષ્મૈય્યા કહે છે, “હું આનો ભાગ બનીને ખુશ છું. હું સમજું છું કે કાચબાના ઇંડા સંવેદનશીલ હોય છે અને તેમને રક્ષણની જરૂર હોય છે.”
આ વાર્તાને રંગ દે તરફથી અનુદાન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ