મેં મારી આખી જીંદગી પશુઓની સંભાળ રાખવામાં કાઢી છે. આ અમારું રાયકાનું કામ જ છે: પશુઓની સંભાળ રાખવાનું.
મારું નામ સીતા દેવી છે અને હું 40 વર્ષની છું. અમારો સમુદાય સદીઓથી પશુઓની સંભાળ રાખતો આવ્યો છે. અગાઉ અમે મુખ્યત્વે ઊંટ પાળતા હતા, પણ હવે છેલ્લા કેટલાક વર્ષોથી ઘેટાં, બકરાં અને ગાય-ભેંસ પણ પાળીએ છીએ. અમારો કસ્બો તારામગરીને નામે ઓળખાય છે અને તે રાજસ્થાનના પાલી જિલ્લાના જૈતારણ બ્લોકના કુર્કી ગામથી એક કિલોમીટર દૂર આવેલો છે.
મારા લગ્ન હરિ રામ દેવાસી સાથે થયેલા છે [તેઓ હાલ 46 વર્ષના છે] અને અમે અમારા બે દીકરાઓ - સવાઈ રામ દેવાસી અને જામતા રામ દેવાસી અને તેમની વહુઓ આચુ દેવી અને સંજુ દેવી સાથે રહીએ છીએ. આચુ અને સવાઈને 10 મહિનાનો દીકરો છે. ઉપરાંત મારી મા 64 વર્ષના શાયરી દેવી પણ અમારી સાથે રહે છે.
મારો દિવસ લગભગ સવારે 6 વાગ્યે બકરીના દૂધની ચાના કપથી શરૂ થાય છે, ચા હું જાતે બનાવી લઉં કે પછી મારી વહુઓ બનાવી આપે. પછી રસોઈ કરીને અમે બાડા [પશુઓ માટેની છાપરી] માં જઈએ, ત્યાં અમે અમારા ઘેટાં-બકરાં રાખીએ છીએ. હું ત્યાં કચરો વાળીને લીંપણ કરેલી ફર્શ સાફ કરું, અને પશુઓની લીંડીઓ એક બાજુએ ભેગી કરીને પછીથી વાપરવા માટે અલગ રાખું.
બાડા અમારા ઘરની પાછળ જ છે અને ત્યાં અમે અમારા 60 પશુઓ, ઘેટાં-બકરાં બંને રાખીએ છીએ, બાડામાં અમારી પાસે વાડ કરેલી થોડી જમીન છે, ગાડરાં અને લવારાંને અમે ત્યાં રાખીએ. બાડાના એક છેડે અમે અમારા પશુઓ માટે સૂકો ઘાસચારો રાખીએ - તેમાં મોટાભાગે ગુવારના સૂકા ઠૂંઠા હોય. ઘેટાં-બકરાં ઉપરાંત અમારી પાસે બે ગાય પણ છે અને ઘરના મુખ્ય દરવાજા પાસે તેમની અલગ છાપરી - ગમાણ છે.
કરિયાણું લેવું હોય, હોસ્પિટલ જવું હોય, બેંકનું કામ હોય, શાળાએ જવું હોય કે બીજું કોઈ પણ કામ હોય તો અમારે કુર્કી ગામ જવું પડે. પહેલા અમે અમારા પશુઓના ટોળાં સાથે જમનાજી (યમુના નદી) સુધી જતા અને રસ્તામાં પડાવ નાખતા. પરંતુ હવે અમારા પશુઓના ટોળાં નાના થઈ ગયા છે અને ત્યાં સુધીની મુસાફરી કરવાનો કોઈ અર્થ નથી, અને દિવસે દિવસે અમેય ઘરડા થઈએ છીએ. તેથી અમે પશુઓને નજીકમાં જ ચરાવવા લઈ જઈએ છીએ.
હું બાડા સાફ કરું ત્યારે મારા દીકરાની વહુ સંજુ બકરીઓ દોહે. બકરીઓ બહુ ચાલાક હોય છે અને તેમની પકડમાંથી છટકી જાય છે, તેથી યુવાન લોકો પશુઓને દોહતા હોય ત્યારે પશુઓને પકડી રાખવા કોઈની જરૂર પડતી હોય છે. મારા પતિ કે હું સંજુને મદદ કરીએ અથવા અમે જાતે બકરીઓ દોહીએ; પશુઓ અમને દૂધ દોહવા દે છે.
મારા પતિ અમારા પશુઓને ચરાવવા લઈ જાય. અમે નજીકમાં એક ખેતર ભાડે રાખ્યું છે, અને વૃક્ષો પણ ખરીદ્યા છે, ત્યાં લણણી થઈ જાય પછી અમારા પશુઓ ખેતરમાં રહેલા અનાજના ઠૂંઠા ચરે. પશુઓ ખાઈ શકે એ માટે મારા પતિ ઝાડની ડાળીઓ પણ કાપીને જમીન પર ફેલાવી દે. અમારા પશુઓને ખેજરી (પ્રોસોપિસ સિનરેરિયા -ખીજડા/શમી) ના પાન બહુ ભાવે છે.
પશુઓના બચ્ચાં ટોળા સાથે બહાર ન જતા રહે એનું ધ્યાન રાખવું પડે કારણ કે બહાર જવાનું તેમને માટે સલામત નથી. તેથી બાડાની અંદર અને બહાર પશુઓને હાંકવા અમે જાતજાતના અવાજો કરીએ, હુર્રર્રર -હુરર કરીએ, સિસકારા કરીએ, ડચકારા કરીએ. ક્યારેક કોઈ બચ્ચું તેની માની પાછળ-પાછળ બહાર નીકળી જાય, તો અમે તેને ઉપાડીને પાછું અંદર લઈ જઈએ. અમારામાંથી એક જણ બાડાના દરવાજે ઊભો રહીને પશુઓને ફરીથી બાડામાં પેસતા અટકાવવા હાથ હલાવે ને અવાજ કરે. આ બધામાં લગભગ 10 મિનિટ લાગે, ત્યાં સુધીમાં બધા પશુઓ મુખ્ય દરવાજાની બહાર નીકળી જાય અને ચરવા જવા માટે તૈયાર હોય.
ફક્ત નવી માતાઓ (હાલમાં જ બચ્ચાંને જન્મ આપ્યો હોય તેવા પશુઓ), બીમાર પશુઓ અથવા સાવ નાના બચ્ચાં જ બાડામાં પાછળ રહેતા હવે બાડો થોડો શાંત થઈ જાય. હું ફરી એક વાર બાડો સાફ કરી લીંડીઓ ભેગી કરીને તેને અમારા ઘરથી લગભગ 100 મીટર દૂર જમીનના નાના પ્લોટમાં લઈ જઉં. વેચી શકાય એટલી લીંડીઓ ન થાય ત્યાં સુધી અમે અહીં લીંડીઓ ભેગી કરીએ - આ લીંડીઓ એક કિંમતી ખાતર છે. વર્ષે અમે બે ટ્રક ભરીને લીંડીઓ વેચી શકીએ. એક ટ્રક ભરીને લીંડીઓના અમને 8000-10000 રુપિયા મળે.
અમારી આવકનો બીજો મુખ્ય સ્ત્રોત છે ઘેટાંનું વેચાણ - એક પશુના આશરે 12000 થી 15000 [રુપિયા] ઊપજે. ગાડરાં અને લવારાંના આશરે 6000 [રુપિયા] ઊપજે. અમારે તાત્કાલિક પૈસા જોઈતા હોય ત્યારે અમે પશુઓ વેચીએ. વેપારી અમારી પાસેથી એ પશુઓને લઈને છેક દિલ્હીના મોટા જથ્થાબંધ બજારોમાં વેચે.
એક સમયે ઘેટાંનું ઊન અમારા માટે આવકનું મહત્ત્વનું સાધન હતું, પરંતુ હવે ઊનના ભાવ ખૂબ ઘટી ગયા છે, કેટલીક જગ્યાએ તો ઊનની કિંમતો કિલોના બે રુપિયા જેટલી થઈ ગઈ છે, અને હવે અમને ખાસ ખરીદદારો પણ મળતા નથી.
એકવાર મીંગણીને ઠાલવીને પાછી આવ્યા પછી હું ભૂખ્યાં થયેલા અને આશાભરી આંખે મારી રાહ જોતાં નાના-નાના બચ્ચાં પાસે બાડામાં પાછી આવું. હું પશુઓ માટે ડાળીઓ (લીલી શાખા) લેતી આવું. શિયાળા દરમિયાન કોઈક દિવસ નીમડા (લીમડો, આઝાડિરક્તા ઈન્ડિકા) હોય તો બાકીના દિવસોમાં બોરડી (ઝિઝિફસ નમ્યુલેરિયા) હોય. હું ખેતરમાં જઈને બળતણ માટે લાકડા પણ લઈ આવું.
મોટેભાગે મારા દીકરાઓ કે પછી મારા પતિ ડાળીઓ કાપી લાવે, કોઈકવાર હું પણ જઈને ડાળીઓ કાપી લાવું. ઘરની બહારનું કોઈપણ કામ મોટાભાગે પુરુષો જ કરે. દવાઓ લઈ આવવાથી માંડીને ઝાડ ખરીદવાના હોય, ખેતીની જમીન ભાડે આપવાની હોય, ખાતરના ભાવતાલ કરવાના હોય એ બધા માટેની વાટાઘાટો કરવાનું કામ પુરુષો સંભાળે. ખેતરમાં પશુઓના ટોળાને ખવડાવવા માટે તેમણે ડાળીઓ પણ કાપવી પડે અને ઘાયલ પશુઓની સંભાળ પણ રાખવી પડે.
કોઈ પશુ બીમાર હોય તો તેમની સંભાળ હું રાખું. હું ગાયોને સૂકો ઘાસચારો નીરું અને રસોડામાંથી નીકળતો કચરો (શાકભાજીની છાલ વગેરે) પણ અમે તેમના ખોરાકમાં ઉમેરીએ. આ બધા કામમાં મારી મા પણ મારી સાથે જોડાય. તેઓ ગામની દુકાનમાંથી રેશન લાવી આપવામાં પણ મને મદદ કરે.
પશુઓને ખવડાવ્યા પછી અમે પોતે જમવા બેસીએ. અમારા ભોજનમાં મોટાભાગે બાજરા [મોતી બાજરી] ની કોઈ વાનગી અથવા (રેશનની દુકાનમાંથી લીધેલા) ઘઉં, મૂંગ અથવા બીજું કોઈ કઠોળ અથવા મોસમી શાકભાજી અને બકરી કે દૂધ કા દહી [બકરીના દૂધનું દહીં] હોય. અમારી પાસે બે વીઘા જમીન છે, તેના પર અમે અમારા વપરાશ માટે મૂંગ અને બાજરા ઉગાડીએ.
કુર્કીની અને અમારા કેમ્પની બીજી મહિલાઓની જેમ હું નરેગા (એનઆરઈજીએ) ની સાઈટ પર પણ જઉં. નરેગા (એનઆરઈજીએ) માંથી અમને અઠવાડિયે બે હજાર રુપિયા મળે, એ પૈસાથી અમને અમારા ઘર-ખર્ચને પહોંચી વળવામાં થોડી મદદ મળે છે.
હવે મને થોડો આરામ કરવાનો અને બીજા નાના-મોટા કામ - કપડાં ધોવાનું અને વાસણો માંજવાનું કામ - આટોપવાનો સમય મળે. ઘણી વાર પાડોશમાં રહેતી મહિલાઓ મળવા આવે અને અમે સાથે બેસીને કામ કરીએ. શિયાળાના દિવસોમાં કોઈક વાર અમે ખીચિયા અને રાબોડી [મકાઈના લોટને છાશમાં રાંધીને બનાવેલા સપાટ ગોળ પાપડ] બનાવીએ.
ઘણા યુવાનો પાસે આ [પશુપાલનનું] કામ ચાલુ રાખવા માટે જરૂરી કુશળતા હોતી નથી. હું નાનાં બાળકોને સારું ભણવાની સલાહ આપું છું. જતે દિવસે અમારે કદાચ અમારા પશુઓ વેચી દેવા પડે અને પછીથી તેમને બીજું કામ શોધવું પડશે. હવે જમાનો બદલાઈ ગયો છે.
સાંજે હું બધા માટે રસોઈ કરીને અમારા પશુઓના પાછા ફરવાની રાહ જોઉં. સાંજ પછી અમારું ટોળું ઘરે આવે અને બાડો ફરીથી જીવંત થઈ જાય. હું દિવસમાં એક છેલ્લી વખત પશુઓને દોહી લઉં, તેમને સૂકો ચારો આપું એ પછી મારો દિવસ પૂરો થાય.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક