મુદુમલાઈ વાઘ પ્રકલ્પના મુખરિત વાતાવરણમાં આંખોને આરામ મળે છે પરંતુ કાનોને નહીં. અહીં, પક્ષીઓ અને પ્રાણીઓ એવા અવાજોમાં વાતચીત કરતાં જ રહે છે જેને આપણે સમજી શકતાં નથી. આ સાથે તમિલનાડુના નીલગિરી પર્વતોમાં રહેતી વિવિધ જનજાતિઓની ભાષાઓ પણ છે.
બેટ્ટાકુરુમ્બા પૂછે છે, “નલૈયાવોધુતુ [કેમ છો?].” તો ઇરુલર લોકો પૂછે છે, “સંધાકીથૈયા?”
સવાલ બંને એક જ છે, પણ શુભેચ્છા જુદી જુદી.
પશ્ચિમ ઘાટના આ દક્ષિણ વિસ્તારમાં પ્રાણીઓ અને લોકોનું સંગીત અન્યત્ર વાહનો અને મશીનોના અવાજથી એકદમ વિપરીત છે. આ અવાજો ઘરોમાંથી આવી રહ્યા છે.
હું પોક્કાપુરમ (સત્તાવાર રીતે બોક્કાપુરમ) ગામમાં મુદુમલાઈ વાઘ પ્રકલ્પમાં કુરુમ્બર પાડી નામની એક નાની શેરીમાં રહું છું. ફેબ્રુઆરીના અંતથી માર્ચની શરૂઆત સુધી, આ શાંત સ્થળ તૂંગા નગરમ [ક્યારેય ન સૂતું શહેર] જેવા ખળભળાટભર્યા શહેરમાં પરિવર્તિત થઈ જાય છે, જે નામ મદુરાઈના મોટા શહેર માટે પણ વપરાય છે. આ ફેરફાર દેવી પોક્કાપુરમ મરિયમ્મનને સમર્પિત મંદિર ઉત્સવને કારણે છે. છ દિવસ સુધી આ નગર ભીડ, તહેવારો અને સંગીતથી ખીલી ઊઠે છે. તેમ છતાં, જ્યારે હું મારા ઓર [ગામ] ના જીવન વિશે વિચારું છું, ત્યારે આ વાર્તાનો માત્ર એક ભાગ જ છે.
આ વાઘ પ્રકલ્પ અથવા મારા ગામની વાર્તા નથી. તે એવી વ્યક્તિ વિશે છે જે મારા જીવનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે — એક મહિલા જેણે તેના પતિએ તેમને ત્યજી દીધા પછી એકલા હાથે પાંચ બાળકોનો ઉછેર કર્યો હતો. આ મારી માતાની વાર્તા છે.
*****
મારું સત્તાવાર નામ કે. રવિકુમાર છે, પરંતુ મારા સમુદાયના લોકો મને મારન કહીને બોલાવે છે. અમારો સમુદાય પોતાને પેટાકુરુમ્બર તરીકે ઓળખાવે છે, જોકે સત્તાવાર રીતે અમે બેટ્ટાકુરુમ્બા તરીકે સૂચિબદ્ધ છીએ.
આ વાર્તાની નાયિકા, મારી અમ્મા [માતા] ને સત્તાવાર રીતે અને અમારા સમુદાયના લોકો દ્વારા ‘મેતી’ કહીને બોલાવવામાં આવે છે. મારા અપ્પા [પિતા]નું નામ કૃષ્ણન છે, જેમને અમારા સમુદાય દ્વારા કેતન કહીને બોલાવવામાં આવે છે. હું પાંચ ભાઈ-બહેનોમાંથી એક છુંઃ મારી સૌથી મોટી બહેન ચિત્રા (જેને કિરકલી કહીને બોલાવે છે); મારો મોટો ભાઈ રવિચંદ્રન (માદન); મારી બીજી સૌથી મોટી બહેન, શશિકલ (કેત્તી); અને મારી નાની બહેન, કુમારી (કિનમારી). મારા મોટા ભાઈ અને બહેનનાં લગ્ન થઈ ગયાં છે અને તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લાના પાલાવાડી ગામમાં તેમના પરિવારો સાથે રહે છે.
મારી અમ્મા અથવા અપ્પાની સૌથી પહેલવહેલી યાદો તેઓ મને સરકાર દ્વારા સંચાલિત બાળ સંભાળ કેન્દ્ર આંગણવાડીમાં લઈ જતાં હોય તેની છે. ત્યાં મેં મારા મિત્રો સાથે તમામ પ્રકારની લાગણીઓનો અનુભવ કર્યો હતો — સુખ, આનંદ, ગુસ્સો અને દુઃખ. બપોરે 3 વાગ્યે, મારા માતા-પિતા મને લેવા આવતા અને અમે ઘરે જતા.
દારૂએ તેમના જીવન પર કબજો કરી લીધો તે પહેલાં, મારા અપ્પા ખૂબ જ પ્રેમાળ માણસ હતા. પણ, જેવું તેમણે દારૂ પીવાનું શરૂ કર્યું, એટલે તેઓ બેજવાબદાર અને હિંસક બની ગયા. મારી માતા કહેતી, “આના પાછળ તેમની ખરાબ સંગત જવાબદાર છે.”
ઘરના તણાવભર્યા માહોલથી પહેલીવાર ભેટો ત્યારે થયો જ્યારે અપ્પા એક દિવસ દારૂના નશામાં ચકચૂર થઈને ઘરે આવ્યા અને અમ્માને બૂમો પાડીને ખખડાવવા લાગ્યા. તેમણે તેના પર હુમલો કર્યો અને તેમના માતા-પિતા અને ભાઈ-બહેનો — જેઓ તે સમયે અમારી સાથે હતાં — તેમનું સૌથી અપમાનજનક ભાષામાં અપમાન કર્યું. તે લોકોએ તેમની વાત સાંભળી હોવા છતાં આંખ આડા કામ કરવાનો પ્રયાસ કર્યો. પછી, તો આ બનાવો રોજબરોજની વાત થઈ ગયા.
જ્યારે હું બીજા ધોરણમાં ભણતો હતો ત્યારની એક ઘટના મને સ્પષ્ટ રીતે યાદ છે. હંમેશની જેમ, અપ્પા દારૂના નશામાં અને ગુસ્સામાં ઘરે આવ્યા, અમ્માને માર માર્યો, પછી મારા ભાઈ-બહેનો અને મને પણ. તેમણે અમારા બધાં કપડાં અને સામાન શેરીમાં ફેંકી દીધો, અને અમને બરાડા પાડીને તેમના ઘરમાંથી નીકળી જવા કહ્યું. તે રાત્રે, અમે શેરીમાં અમારી માતાને વળગી રહ્યાં, જેમ નાના પ્રાણીઓ શિયાળામાં તેમની માતાઓને હૂંફ મેળવવા વળગેલાં રહે છે.
અમે જે આદિવાસી સરકારી સંસ્થા — જી. ટી. આર. મિડલ સ્કૂલમાં ભોજન અને રહેવાની સુવિધા હોવાથી, મારા મોટા ભાઈ અને બહેને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. તે દિવસોમાં, એવું લાગતું હતું કે અમારી પાસે માત્ર રડવા અને આંસુ વહાવવા સિવાય કોઈ ચારો નથી. અમે અમારા ઘરમાં રહેવાનું ચાલુ રાખ્યું, જ્યારે મારા અપ્પાએ ઘર છોડી દીધું.
હવે આગામી લડાઈથી ભેટો ક્યારે થઈ જશે એ ન જાણતાં હોવાથી અમે હંમેશાં તણાવમાં જ રહેતાં. એક રાત્રે, દારૂના નશામાં ધૂત અને ગુસ્સામાં ચકચૂર અપ્પાએ અમ્માના ભાઈ સાથે શારીરિક લડાઈ શરૂ કરી દીધી. અપ્પાએ છરી લઈને મારા મામાના હાથ કાપવાનો પ્રયાસ કર્યો. સદનસીબે, છરી ગંભીર નુકસાન પહોંચાડી શકે તેટલી તેજ ન હતી. પરિવારના અન્ય લોકોએ દરમિયાનગીરી કરીને અપ્પા પર હુમલો કર્યો હતો. અંધાધૂંધીમાં, મારી નાની બહેન, જેને અમ્માએ પકડી રાખી હતી, તે પડી ગઈ અને તેના માથામાં ઈજા થઈ. હું ત્યાં ઊભો હતો, ઠંડીમાં થરથરતો અને લાચાર, અને શું થઈ રહ્યું હતું તે સમજવામાં અસમર્થ.
બીજા દિવસે, અમારા ઘરના આંગણામાં મારા મામા અને અપ્પાના લોહીના ડાઘા પથરાયેલા હતા. મધ્યરાત્રિએ, મારા પિતા ઘેર આવ્યા અને મને અને મારી બહેનને મારા નાનાના ઘરમાંથી બહાર ખેંચીને ખેતરોની વચ્ચેના તેમના નાનકડા ઓરડામાં લઈ ગયા. થોડા મહિના પછી, મારા માતા-પિતા અલગ થઈ ગયા.
ગુડાલુરની કૌટુંબિક અદાલતમાં, મારા ભાઈ-બહેનો અને મેં અમારી અમ્મા સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. થોડા સમય માટે અમે અમારા નાના-નાની સાથે ખુશીથી રહ્યાં હતાં, જેમનું ઘર અમારા માતાપિતાના ઘરની શેરીમાં હતું.
અમારી ખુશી અલ્પજીવી હતી, કારણ કે અમે મુશ્કેલ સમયમાં ભરાઈ ગયાં હતાં. ત્યાં ખોરાકની સમસ્યા થવા લાગી હતી. મારા નાના જે 40 કિલો રાશન મેળવવા હકદાર હતા તે અમારા બધા માટે પૂરતું નહોતું. મોટાભાગના દિવસોમાં, મારા નાના ખાલી પેટ સૂતા હતા જેથી કરીને અમે ખાઈ શકીએ. હતાશ થઈને, તેઓ અમારું પેટ ભરવા માટે ક્યારેક મંદિરોમાંથી પ્રસાદમ (પ્રસાદ) ઘરે લાવતા હતા. આ જોઈને અમ્માએ મજૂરી કામ પર જવાનું નક્કી કર્યું.
*****
અમ્માએ ત્રીજા ધોરણમાં શાળા છોડી દીધી હતી, કારણ કે તેનો પરિવાર હવે તેના શિક્ષણ માટે નાણાં ખર્ચવામાં અસમર્થ હતો. તેમણે તેમનું બાળપણ તેમના નાના ભાઈ-બહેનોની સંભાળ રાખવામાં ગાળ્યું અને 18 વર્ષની વયે મારા અપ્પા સાથે લગ્ન કર્યાં.
અપ્પા નિલગિરીના ગુડાલુર બ્લોકમાં પોક્કાપુરમથી 10 કિલોમીટર દૂર આવેલા સિંગારા ગામ નામના વિશાળ કોફી એસ્ટેટમાં કેન્ટીન માટે બળતણનું લાકડું એકત્ર કરતા હતા.
અમારા વિસ્તારના લગભગ બધા લોકો ત્યાં જ કામ કરતા હતા. જ્યારે તેઓ પરણેલાં હતાં, ત્યારે મારી માતા અમારી સંભાળ રાખવા માટે ઘરે જ રહેતી હતી. તેમના અલગ થયા પછી, તેઓ પણ સિંગારા કોફી એસ્ટેટમાં દૈનિક વેતન કામદાર તરીકે જોડાયાં અને 150 રૂપિયા પ્રતિ દિવસની કમાણી કરી.
દરરોજ, તે સવારે 7 વાગ્યે કામ પર જતી, અને તડકા અને વરસાદમાં તનતોડ મહેનત કર્યે જતી. મેં તેના સહકાર્યકરોને કહેતાં સાંભળ્યા છે, “તે બપોરના ભોજનના વિરામ દરમિયાન પણ ક્યારેય આરામ કરતી નથી.” લગભગ આઠ વર્ષ સુધી તેમણે આ કામમાંથી મેળવેલી કમાણીથી ઘર ચલાવ્યું હતું. મેં તેને સાંજે 7:30 વાગ્યે પણ કામ પરથી પરત ફરતી જોઈ છે, એવી હાલતમાં કે તેની સાડી સંપૂર્ણપણે પલળી ગઈ હોય, તે કાંપી રહી હોય, અને તેને ઢાંકવા માટે ભીના ટુવાલ સિવાય બીજું કંઈ ન હોય. આવા વરસાદી દિવસોમાં, અમારું ઘરની છતમાં વિવિધ સ્થળોએથી પાણી લીક થતું અને તેઓ પાણીને રોકવા માટે વાસણો મૂકીને એક ખૂણામાંથી બીજા ખૂણામાં દોડતાં રહેતાં.
હું ઘણી વાર તેમને આગ લગાડવામાં મદદ કરતો અને પછી અમારો આખો પરિવાર તેની પાસે બેસીને દરરોજ રાત્રે 11 વાગ્યા સુધી એકબીજા સાથે વાત કરતો.
કેટલીક રાતોમાં, જ્યારે અમે પથારીમાં સૂતાં, તે પહેલાં, તે અમારી સાથે વાત કરતી, પોતાની કેટલીક મુશ્કેલીઓ પણ વહેંચી લેતી. કેટલીક વાર, તે તેમને યાદ કરીને રડી પણ જતી. જો અમે તેની વાર્તાઓ સાંભળીને રડવાનું શરૂ કરતાં, તો તે તરત જ અમારું ધ્યાન ભટકાવવા માટે મજાક કરતી. શું આ દુનિયામાં એવી કોઈ માતા છે જે પોતાના બાળકોને રડતા જોવાનું સહન કરી શકે?
આખરે, મેં મારી માતાના નોકરીદાતાઓ દ્વારા સંચાલિત મસીનાગુડીની શ્રી શાંતિ વિજયા હાઇસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. તે કામદારોના બાળકો માટેની શાળા હતી. ત્યાં ભણવું જેલમાં રહેવા જેવું લાગ્યું. મારી વિનંતી છતાં, અમ્માએ આગ્રહ કર્યો કે હું ત્યાં જ હાજરી આપું, અને જ્યારે હું હઠ પકડું એટલે તેમણે મને માર મારવાનો પણ આશરો લીધો. આખરે, અમે અમારા નાના-નાનીના ઘરમાંથી મારી સૌથી મોટી બહેન ચિત્રાના વૈવાહિક ઘર, એક નાનકડી બે રૂમની ઝૂંપડીમાં રહેવા ગયા. મારી નાની બહેન કુમારીએ જી.ટી.આર. મિડલ સ્કૂલમાં અભ્યાસ ચાલુ રાખ્યો.
જ્યારે મારી બહેન શશિકલાને તેની ધોરણ 10ની પરીક્ષાના કારણે ભારે દબાણનો સામનો કરવો પડ્યો, ત્યારે તેણે ઘરકામ સંભાળવા માટે શાળા છોડી દીધી, જેનાથી મારી માતાને થોડી રાહત મળી. એક વર્ષ પછી, શશિકલાને તિરુપુર કાપડ કંપનીમાં નોકરી મળી, પછી તે વર્ષમાં એક કે બે વાર અમારી મુલાકાત લેતી. તેના 6,000 રૂપિયાના માસિક પગારથી અમને પાંચ વર્ષ સુધી ટેકો મળ્યો. અમ્મા અને હું દર ત્રણ મહિને તેની મુલાકાત લેતાં અને તે હંમેશાં પોતાની બચત અમને આપતી. મારી બહેને કામ કરવાનું શરૂ કર્યાના એક વર્ષ પછી, મારી માતાએ કોફી એસ્ટેટમાં કામ કરવાનું બંધ કરી દીધું. તેમણે પોતાનો ઘણો સમય મારી મોટી બહેન, ચિત્રાના બાળક અને ઘરની સંભાળ રાખવામાં સમર્પિત કર્યો.
હું શ્રી શાંતિ વિજયા હાઇસ્કૂલમાં મારો દસમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરવામાં સફળ રહ્યો અને પછી ઉચ્ચતર માધ્યમિક સ્તરના અભ્યાસ માટે કોટાગિરી સરકારી બોર્ડિંગ સ્કૂલમાં ગયો. મારી માતા મારા શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવા માટે સૂકા છાણની કેક વેચતી હતી. મારી માતા મને વધુ સારી તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ હતી.
જ્યારે અપ્પા અમને છોડીને ચાલ્યા ગયા હતા, ત્યારે તેમણે અમારું ઘર તોડી નાખ્યું હતું અને વીજળી પણ કાપી નાખી હતી. વીજળી વિના, અમે દારૂની બોટલોમાંથી બનેલા કેરોસીન લેમ્પ્સનો ઉપયોગ કર્યો હતો, પછીથી તેના બદલે બે સેમ્બુ [તાંબાના] લેમ્પ્સ લાવ્યાં હતાં. આ દીવાઓ દસ વર્ષ સુધી અમારા જીવનને પ્રકાશિત કરતા રહ્યા હતા. હું બારમા ધોરણમાં ભણતો હતો, ત્યારે અમે આખરે વીજળી મેળવી હતી.
મારી માતાને વીજળીથી ડર લાગતો હતો તેમ છતાં તેણે અમારા ઘરમાં વીજળી પુનઃસ્થાપિત કરવા માટે અમલદારશાહી સામે લડત આપીને ઘણું સહન કર્યું હતું. જ્યારે તે એકલી હોય છે, ત્યારે તે માત્ર દીવાનો ઉપયોગ કરે છે અને બધી લાઇટ બંધ કરી દે છે. જ્યારે મેં તેને પૂછ્યું કે તે વીજળીથી કેમ ડરતી હતી, ત્યારે તેઓ કહે છે કે તેમને એક બનાવ યાદ છે જેમાં તેમણે સાંભળ્યું હતું કે સિંગારા ખાતે વીજળીના આંચકાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું.
મારા ઉચ્ચ અભ્યાસ માટે, હું જિલ્લા મુખ્યાલય, ઉધગમંડલમ (ઊટી) ની આર્ટ્સ કોલેજમાં જોડાયો. મારી માતાએ મારી ફી ભરવા માટે લોન લીધી અને મને પુસ્તકો અને કપડાં ખરીદી આપ્યાં. આ લોન ચૂકવવા માટે, તેમણે શાકભાજીના ખેતરોમાં કામ કર્યું હતું અને સૂકા છાણની કેક બનાવીને વેચી હતી. શરૂઆતમાં, તેઓ મને પૈસા મોકલતાં હતાં, પરંતુ મેં ટૂંક સમયમાં મારી જાતને ટેકો આપવા અને ઘરે પાછા પૈસા મોકલવા માટે કેટરિંગ સેવામાં પાર્ટ-ટાઇમ કામ કરવાનું શરૂ કર્યું. મારી માતા, જેઓ હવે 50 વર્ષથી વધુ ઉંમરની છે, તેમણે ક્યારેય કોઈની પાસેથી આર્થિક મદદ માંગી નથી. નોકરી ગમે તે હોય, તેઓ કામ કરવા માટે હંમેશાં તૈયાર રહે છે.
જ્યારે મારી મોટી બહેનના બાળકો થોડા મોટા થયા, ત્યારે મારી માતા તેમને જંગલનાં ખેતરોમાંથી ગાયનું સૂકું છાણ લેવા માટે આંગણવાડીમાં મૂકીને જતી હતી. તેઓ આખું અઠવાડિયું છાણ એકત્ર કરતાં અને એક ડોલના 80 રૂપિયામાં તેને વેચતાં. તેઓ સવારે 9 વાગ્યે આ કામ શરૂ કરી દેતાં અને બપોરના ભોજન માટે કડલીપાઝમ (થોરનું એક ફળ) જેવા જંગલી ફળો ખાઈને સાંજે 4 વાગ્યે પરત આવતાં.
જ્યારે મેં પૂછ્યું કે આટલું ઓછું ખાઈને તેમનામાં આટલી ઊર્જા ક્યાંથી આવે છે, ત્યારે તેઓ કહેતાં, “મારા બાળપણમાં, મેં જંગલોમાંથી ઘણું માંસ, પાંદડાવાળા શાકભાજી અને કંદ ખાધાં હતાં. તે દિવસોમાં મેં જે ભોજન લીધું હતું તે આજ સુધી મને તાકાત પૂરી પાડે છે.” તેમને જંગલી પાંદડાં ખૂબ પસંદ છે! મેં મારી માતાને ચોખાની રાબ, અને માત્ર મીઠું અને ગરમ પાણીથી પેટ ભરતાં જોઈ છે.
આશ્ચર્યજનક રીતે, મેં ભાગ્યે જ અમ્માને એમ કહેતાં સાંભળ્યા છે કે, “મને ભૂખ લાગી છે.” તેઓ હંમેશાં અમને, તેનાં બાળકોને ખાતાં જોઈને જ સંતોશ માની લેતી.
ઘરે, અમારી પાસે ત્રણ કૂતરાઓ, દિયા, દેવ અને રસાથી છે અને બકરા પણ છે. અને દરેકનું નામ તેમના ગળાના રંગ પરથી રાખવામાં આવ્યું છે. આ પ્રાણીઓ અમારી જેમ અમારા પરિવારનો એક ભાગ છે. અમ્મા જેમ અમારી સંભાળ રાખે છે તેમ તેમની પણ સંભાળ રાખે છે, અને તેઓ તેના અનંત પ્રેમનો બદલો આપે છે. દરરોજ સવારે, તે બકરાઓને પાંદડાવાળી શાકભાજી અને બાફેલા ચોખાનું પાણી આપીને તેમને ખવડાવે છે અને પાણી આપે છે.
મારી માતા ધર્મમાં ચુસ્તપણે માને છે, અને અમારા પરંપરાગત દેવતા કરતાં જેડાસામી અને અયપ્પનમાં વધુ શ્રદ્ધા રાખે છે. અઠવાડિયામાં એક વાર, તેઓ અમારા ઘરની ઊંડી સફાઈ કરે છે અને જેડાસામી મંદિરની મુલાકાત લે છે, આ દેવતાઓ સાથે તેમના આંતરિક સંઘર્ષો વહેંચે છે.
મેં મારી માતાને ક્યારેય પોતાના માટે સાડી ખરીદતી જોઈ નથી. તેમની દરેક સાડી, કુલ માત્ર આઠ, મારાં કાકી અને મોટી બહેનોએ આપેલી ભેટ છે. તે કોઈપણ ફરિયાદ અથવા અપેક્ષાઓ વિના, તેમને વારાફરતી પહેરતી રહે છે.
ગામના ઘણા લોકો મારા પરિવારમાં સતત થતા ઝઘડાઓ વિશે ગપસપ કરતા હતા. આજે, તેમને તે આશ્ચર્યજનક લાગે છે કે અમારા રોજિંદા સંઘર્ષો છતાં હું અને મારાં ભાઈ-બહેનોએ આટલું સારું પ્રદર્શન કર્યું છે. સ્થાનિક લોકો હવે મારી માતાને અભિનંદન આપે છે કે તેમણે અમને તેમના ભારે બોજનો અનુભવ કરાવ્યા વિના અમારો ઉછેર કર્યો.
હવે પાછી નજર નાખું છં, તો મને ખુશી છે અમ્મા મને શ્રી શાંતિ વિજયા હાઇસ્કૂલમાં જવા માટે દબાણ કરતી. ત્યાં જ મેં અંગ્રેજી શીખ્યું હતું. જો તે શાળા અને અમ્માની દૃઢતા ન હોત, તો મારું ઉચ્ચ શિક્ષણ પણ એક સંઘર્ષ જ હોત. મને નથી લાગતું કે હું ક્યારેય મારી અમ્માને તેમણે કરેલા બધા અહેસાનોનો બદલો ચૂકવી શકીશ. હું તેમનો આજીવન ઋણી છું.
દરેક દિવસના અંતે, જ્યારે અમ્મા આખરે આરામ કરે છે ત્યારે હું તેના પગ તરફ જોઉં છું. એ પગ કે જેમણે વર્ષો સુધી મહેનત કરી છે, ભલે ગમે તે પરિસ્થિતિ હોય. કોઈ કામોમાં તેમને કલાકો સુધી પાણીમાં ઊભા રહેવાની ફરજ પડે છે, તોય તેમના પગ હજુ પણ સૂકી ઉજ્જડ જમીન જેવા દેખાય છે, જેના પર ઘણી બધી તિરાડો છે. આ તિરાડો જ છેમ જે અમને ઉપર લાવી છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ