મેરઠમાં કેરમ બોર્ડના કારખાના (ફેક્ટરી) માં પાંચ કારીગરો 40 બોર્ડ્સની બેચ તૈયાર કરવા માટે સતત પાંચ દિવસ સુધી આઠ-આઠ કલાક કામ કરે છે. આ વર્કશોપના દરેક કારીગરો જાણે છે કે સ્ટ્રાઈકર અને કૂકરીઓને કેરમ બોર્ડની ફ્રેમની વચ્ચે ઝડપથી એક તરફથી બીજી તરફ લઈ જવા માટે શેની જરૂર છે. આ રમત વધુમાં વધુ ચાર ખેલાડીઓ રમી શકે છે - પરંતુ અહીં દરેક બોર્ડ પર પાંચ કારીગરો કામ કરે છે. તેઓ કેરમની રમતને શક્ય બનાવવામાં મદદ કરે છે, પરંતુ તેઓ પોતે ક્યારેય એ રમત રમ્યા નથી.

62 વર્ષના મદન પાલ કહે છે, “હું 1981 થી કેરમ બોર્ડ્સ બનાવું છું, પરંતુ મેં નથી ક્યારેય કેરમ બોર્ડ ખરીદ્યું કે નથી હું ક્યારેય કેરમ રમ્યો." તેઓ પૂછે છે, "ફાજલ સમય જ ક્યાં છે?” અમે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે પણ તેઓ અને તેમના સાથી કારીગરો 2400 ડંડા અથવા બબુલના (બાવળના) લાકડાના ટુકડાઓ ચોકસાઈપૂર્વક ગોઠવે છે. આ દરેક ટુકડા 32 અથવા 36 ઇંચની લંબાઇના છે અને કારીગરો તેને કારખાનાની બહારની દીવાલને અડીને આવેલી સાંકડી ગલીમાં મૂકે છે.

મદન પાલ કહે છે, “હું સવારે 8.45 વાગ્યે અહીં આવી જાઉં છું અને નવ વાગ્યે અમે કામ શરૂ કરીએ છીએ. હું ઘેર પાછો ફરું ત્યાં સુધીમાં સાંજના 7-7.30 વાગી જાય છે." 'અહીં,' એટલે ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં સૂરજ કુંડ સ્પોર્ટ્સ કોલોનીમાં આવેલ કેરમ બોર્ડ બનાવવાના નાનકડા કારખાના અથવા ફેક્ટરીમાં.

મેરઠ જિલ્લાના પૂઠ ગામમાં આવેલા પોતાને ઘેરથી મદન અઠવાડિયાના છ દિવસ સવારે સાત વાગ્યે સાયકલ પર નીકળી 16 કિલોમીટરની મુસાફરી કરીને તેમના કામના સ્થળે જાય છે.

મેરઠ શહેરના તારાપુરી અને ઈસ્લામાબાદ વિસ્તારમાં આવેલી લાકડા કાપવાની ફેક્ટરીઓ (સોમિલ્સ) માંથી લાકડાના કાપેલા ટુકડાઓ બે ટ્રાન્સપોર્ટરોએ છોટા હાથી (શાબ્દિક અર્થમાં નાનો હાથી - હકીકતમાં એક મીની ટેમ્પો ટ્રક) પર લાદીને હમણાં જ અહીં પહોંચાડ્યા છે.

મદન સમજાવે છે, “આ ટુકડાઓ કેરમ બોર્ડ્સની બહારની ફ્રેમ બનાવશે પરંતુ પહેલા તેમને સૂકવવા માટે ચારથી છ મહિના સુધી બહાર ખુલ્લામાં રાખવા પડશે. હવામાં અને તડકામાં સૂકવવાથી ટુકડાઓમાં ભેજ રહેતો નથી, એ સીધા રહે છે અને એમાં ફૂગ થતી નથી."

PHOTO • Shruti Sharma
PHOTO • Shruti Sharma

ડાબે: કરણ દરેક ડંડાને ધ્યાનથી તપાસે છે અને નુકસાન થયેલું હોય તેવા ડંડા પરત કરવા માટે અલગ કરે છે. જમણે: મદન (સફેદ શર્ટમાં) અને કરણ (વાદળી શર્ટમાં) 2400 ડંડા કારખાનાની બહાર ગલીમાં ગોઠવે છે

અહીં 10 વર્ષથી કામ કરી રહેલા 32 વર્ષના કરણ, (તેઓ પોતાને ફક્ત તેમના નામથી ઓળખાવે છે) દરેક ડંડાને ધ્યાનથી તપાસે છે અને નુકસાન થયેલું હોય તેવા ડંડા અલગ કરે છે, એ ડંડા પરત કરી દેવામાં આવશે. તેઓ કહે છે, "આ ડંડા સુકાઈ જાય એ પછી અમે એ દરેક ડંડાની અંદરના ભાગમાં એક પગથિયું અથવા સ્તર કાપવા અને તેના છેડાને ત્રાંસા કરવા માટે તેને પાછા આરા મશીન વાલે [સોમિલ માલિકો] પાસે મોકલીએ છીએ."

કરણ સમજાવે છે, “રમવા માટેની પ્લાયબોર્ડની સપાટી કાપીને તૈયાર કરેલા બીજા સ્તર પર બેસાડવામાં આવે છે, જે ફ્રેમની લગભગ બે સેન્ટિમીટર નીચે હોય છે, ખેલાડીઓ તેમના કાંડા અને હથેળીઓ ફ્રેમ પર રાખે છે. આ રીતે સીમાઓ નિશ્ચિત થાય છે જે કૂકરીઓને બોર્ડ પરથી બહાર પડ્યા વિના એક તરફથી બીજી તરફ જવા દે છે." તેઓ ઉમેરે છે, “બોર્ડ બનાવવું મુશ્કેલ નથી, પરંતુ રમવા માટેની સપાટી પર કૂકરીઓને સરકાવવાનું સરળ નથી."

આ કારખાનાના માલિક, 67 વર્ષના સુનીલ શર્મા કહે છે, "રમવા માટેની સપાટી (પ્લેઇંગ સરફેસ) નું પ્રમાણભૂત કદ 29 x 29 ઇંચ છે, અને ફ્રેમ સાથે બોર્ડ લગભગ 32 x 32 ઇંચનું હોય છે." તેઓ સમજાવે છે, "ઔપચારિક સ્પર્ધાઓ માટે આવા બોર્ડ વપરાય છે. પરંતુ અમે ઓર્ડર અને કદના આધારે બોર્ડ્સ બનાવીએ છીએ જે મોટાભાગે બાળકો દ્વારા ઉપયોગમાં લેવાતા 20 x 20 ઇંચના બોર્ડથી માંડીને 48 x 48 ઇંચ સુધીના હોય છે. કેરમ બોર્ડ બનાવવા માટે ચાર મુખ્ય વસ્તુઓની જરૂર પડે છે." તેઓ ઉમેરે છે, "બબુલ (બાવળ) ના લાકડાની ફ્રેમ; રમવાની સપાટી માટેનું પ્લાયબોર્ડ; સાગ અથવા નીલગિરીના લાકડાનો પાછળનો આધાર [ચાકડી] જે પ્લાયબોર્ડને તેના સ્થાને પકડી રાખે છે; અને કૂકરીઓ માટે અંકોડીથી ગૂંથેલી જાળીઓ. આ બધું જ સ્થાનિક રીતે મેળવવામાં આવે છે." જોકે, તેમના કેટલાક સપ્લાયર તેમની સામગ્રી બીજા રાજ્યોમાંથી મેળવે છે.

તેઓ યાદ કરે છે, “1987 માં બે નિષ્ણાત કેરમ બનાવનારાઓએ - ગંગા વીર અને સરદાર જિતેન્દર સિંઘે - મને આ હસ્તકલાની ઝીણી ઝીણી વિગતો શીખવી.એ પહેલા અમે બેડમિન્ટન રેકેટ અને ક્રિકેટ બેટ બનાવતા હતા."

શર્મા વર્કશોપના દરવાજા પરની તેમની એક રૂમની ઓફિસમાંથી નીકળીને કારીગરો ડંડાના એક પછી એક ઢગલા ગોઠવી રહ્યા છે ત્યાં જાય છે. તેઓ કહે છે, “અમે એકસાથે 30-40 ના લોટમાં કેરમ બોર્ડ્સ બનાવીએ છીએ, તેને તૈયાર થવામાં લગભગ 4-5 દિવસ લાગે છે. અત્યારે અમારી પાસે દિલ્હીના એક વેપારી પાસેથી નિકાસ કરવા માટેના 240 નંગનો ઓર્ડર છે. આજ સુધીમાં અમે તેમાંથી 160 નંગ તૈયાર કરીને પેક કર્યા છે."

PHOTO • Shruti Sharma
PHOTO • Shruti Sharma

ડાબે: કારખાનાના માલિક, સુનીલ શર્મા, તૈયાર કેરમ બોર્ડ સાથે. જમણે: ઉત્પાદનના વિવિધ તબક્કામાં કેરમ બોર્ડ્સ

2022 થી ભારતીય કેરમ બોર્ડ્સ વિશ્વના જુદા જુદા 75 દેશો અને પ્રદેશોમાં નિકાસ કરવામાં આવે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની નિકાસ આયાત (એક્સપોર્ટ ઈમ્પોર્ટ) ડેટા બેંક અનુસાર, એપ્રિલ 2022 અને જાન્યુઆરી 2024 વચ્ચે (કેરમ બોર્ડ્સની કુલ) નિકાસનું મૂલ્ય 39 કરોડ રૂ. ની નજીક હતું. સૌથી વધુ વળતર યુએસએ, સાઉદી અરેબિયા, યુએઈ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યમન, નેપાળ, બેલ્જિયમ, નેધરલેન્ડ અને કતાર પાસેથી (એ ક્રમમાં) પ્રાપ્ત થયું હતું.

નિકાસ દ્વારા થયેલી એ કમાણી વિદેશોમાં ખરીદવામાં આવેલા લગભગ દસ લાખ જેટલા કેરમ બોર્ડ્સમાંથી આવી હતી, કેરમ બોર્ડ્સ ખરીદનારા આ દેશોમાં હિંદ મહાસાગરના કોમોરોસ અને મેયોટ જેવા દ્વીપસમૂહો, પેસિફિક મહાસાગરના ફિજી ટાપુઓ અને કેરેબિયનમાં આવેલ જમૈકા અને સેન્ટ વિન્સેન્ટનો પણ સમાવેશ થાય છે.

સૌથી વધુ કેરમ બોર્ડ્સની આયાત યુએઈ દ્વારા કરવામાં આવી હતી, ત્યારપછીના ક્રમે નેપાળ, મલેશિયા, સાઉદી અરેબિયા અને યમન આવે છે.

સ્થાનિક વેચાણ માટે કોઈ લેખિત નોંધ ઉપલબ્ધ નથી. જો એ ઉપલબ્ધ હોત તો એ આંકડાઓ ચોક્કસપણે નવાઈ પમાડે એવા હોત.

સુનીલ શર્મા કહે છે, “કોવિડ -19 દરમિયાન અમારી પાસે ખૂબ મોટા પ્રમાણમાં સ્થાનિક ઓર્ડર હતા કારણ કે બધા જ ઘરમાં બંધ હતા. તેમને તેમનો કંટાળો દૂર કરવાની જરૂર હતી." તેઓ ઉમેરે છે, "બીજી એક પેટર્ન પણ મારા ધ્યાનમાં આવી છે, રમઝાન મહિના પહેલા ગલ્ફ દેશો તરફથી માંગમાં વધારો થાય છે."

શર્મા કહે છે, “હું પોતે ઘણું કેરમ રમ્યો છું. આ રમત મોટાભાગે નવરાશના સમયે મનોરંજન માટે રમાતી રમત તરીકે લોકપ્રિય છે." તેઓ ઉમેરે છે, "જો કે, એની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઔપચારિક ટુર્નામેન્ટ્સ પણ યોજાય છે, પરંતુ બીજી રમતોની મેચોની જેમ તેનું જીવંત પ્રસારણ થતું નથી."

PHOTO • Shruti Sharma

કારખાનાની અંદર જ્યાં કેરમ બોર્ડ્સ બનાવવામાં આવે છે

સુનીલ શર્મા કહે છે, 'અમે એકસાથે 30-40 ના લોટમાં કેરમ બોર્ડ્સ બનાવીએ છીએ, તેને તૈયાર થવામાં લગભગ 4-5 દિવસ લાગે છે. અત્યારે અમારી પાસે દિલ્હીના એક વેપારી પાસેથી નિકાસ કરવા માટેના 240 નંગનો ઓર્ડર છે. આજ સુધીમાં અમે તેમાંથી 160 નંગ તૈયાર કરીને પેક કર્યા છે'

ભારતમાં ઔપચારિક કેરમ સંબંધિત પ્રવૃત્તિઓ પર ઓલ ઈન્ડિયા કેરમ ફેડરેશન (એઆઈસીએફ) દ્વારા તેની સાથે સંલગ્ન રાજ્ય અને જિલ્લા સંગઠનો મારફત નિયંત્રણ અને દેખરેખ રાખવામાં આવે છે. 1956 માં સ્થપાયેલ અને ચેન્નાઈ સ્થિત એઆઈસીએફ આંતરરાષ્ટ્રીય કેરમ ફેડરેશન અને એશિયન કેરમ કન્ફેડરેશન સાથે સંકળાયેલ છે. એઆઈસીએફ તમામ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતીય ટુકડીને તૈયાર કરે છે અને નિયુક્ત કરે છે.

બીજી રમતોની જેમ આ રમતમાં વૈશ્વિક રેન્કિંગ વ્યવસ્થિત અને સ્પષ્ટ ન હોવા છતાં કેરમ રમતા દેશોમાં ભારત ચોક્કસપણે ટોચનું સ્થાન ધરાવે છે. ભારતના રશ્મિ કુમારીની ઓળખ મહિલાઓના કેરમમાં વર્ચસ્વ ધરાવનાર વિશ્વ ચેમ્પિયન તરીકે દૂર-દૂર સુધી ફેલાયેલી છે. અને ચેન્નાઈના 68 વર્ષીય એ. મારિયા ઈરુદયમ બે વખત પુરુષોના વિશ્વ કેરમ ચેમ્પિયન અને નવ વખત નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યા છે. કેરમ માટે અર્જુન એવોર્ડ મેળવનાર ઇરુદયમ એકમાત્ર ભારતીય ખેલાડી છે. આ એવોર્ડ તેમને લગભગ 25 વર્ષ પહેલા - 1996 માં એનાયત થયો હતો. રમત-ગમત ક્ષેત્રે ભારતનું બીજું-સૌથી ઉચ્ચ સન્માન, અર્જુન એવોર્ડ, વાર્ષિક ધોરણે એનાયત કરવામાં આવે છે.

*****

કારખાનાની ફર્શ પર અધૂકડા બેઠેલા કરણની બાજુમાં ચાર ડંડા પડેલા છે, જેમાંના દરેકને તેઓ એક પગ નીચે દબાવીને પકડે છે અને તેમના ત્રાંસા છેડાઓને જોડીને ચોરસ ફ્રેમ બનાવે છે. ચાર ખૂણાઓને જોડવા માટે તેઓ લોખંડના સળ પાડેલા આઠ ફાસ્ટનરને હથોડીથી ઠોકે છે, આ ફાસ્ટનરને સ્થાનિક ભાષામાં કંગી (કાંસકો) કહેવાય છે. કરણ કહે છે, “કીલ સે બેહતર જોઈન કરતી હૈ કંગી (કંગી ખૂણાઓને ખીલી કરતાં વધુ સારી રીતે જોડે છે).

એકવાર ફ્રેમ ફિક્સ થઈ જાય પછી 50 વર્ષના અમરજીત સિંહ રેતી (મેટલ ફાઇલ) નો ઉપયોગ કરીને તેની કિનારીઓને ગોળ કરે છે. તેઓ કહે છે, "મારો ડેરીનો ધંધો હતો પણ તેમાં કોઈ નફો રહ્યો નહોતો, તેથી ત્રણ વર્ષ પહેલાં મેં અહીં કેરમ બોર્ડ્સ બનાવવાનું શરૂ કર્યું."

સોમિલમાં સ્ટેપ-કટમાં કાપવામાં આવ્યા પછી ફ્રેમની સપાટી પર લાકડાના ઝીણા ઝીણા ટુકડાઓ રહી ગયા છે. પછીથી અમરજીત લોહે કી પટ્ટી (લોખંડની નાની, સપાટ ફાઇલ) નો ઉપયોગ કરીને ફ્રેમની સપાટી પર મરમ્મત (લાપી) - ચાક મિટ્ટી (ચોક પાવડર) અને મોવિકોલ નામના લાકડા ચોંટાડવાના ગુંદરનું બેજ કલરનું પેસ્ટ જેવું મિશ્રણ લગાવે છે.

તેઓ સમજાવે છે, "આ મિશ્રણ લાકડાની અસમાન સપાટીમાંની તિરાડો ભરી દે છે, અને લાકડાના ઝીણા કટકાઓને પણ સપાટકરી દે છે." અને ઉમેરે છે, "પેસ્ટને બરૂદે કી મરમ્મત કહેવામાં આવે છે." એકવાર આ પેસ્ટ સુકાઈ જાય પછી જેના પર રમવા માટેની પ્લાયબોર્ડની સપાટીને બેસાડવામાં આવવાની હોય ફક્ત એ જ પગથિયાં પર કાળા રંગની મરમ્મતનું સ્તર ભરવામાં આવે છે.

PHOTO • Shruti Sharma
PHOTO • Shruti Sharma

કરણ ચારેય ડંડાને એક પગ નીચે દબાવીને પકડે છે અને એક ચોરસ ફ્રેમ બનાવવા તેમના ત્રાંસા છેડાઓને જોડે છે. પછીથી ચાર ખૂણાઓને જોડવા માટે તેઓ આઠ કંધી (લોખંડના સળ પાડેલા ફાસ્ટનર) ને હથોડીથી ઠોકે છે (જમણે)

PHOTO • Shruti Sharma
PHOTO • Shruti Sharma

એકવાર ફ્રેમ ફિક્સ થઈ જાય પછી અમરજીત સિંહ રેતી (ફાઇલર) નો ઉપયોગ કરીને તેની કિનારીઓને ગોળ કરે છે. પછીથી તેઓ લોખંડની સપાટ ફાઇલનો ઉપયોગ કરીને ફ્રેમની સપાટી પર બેજ કલરની મરમ્મત (લાપી) - ચાક મિટ્ટી અને મોવિકોલ નામનો લાકડા ચોંટાડવાનો ગુંદર - લગાવે છે (જમણે)

પછી બોર્ડની ધારની અંદરના પગથિયાં પર ઝડપથી સુકાઈ જાય તેવા પાણી-પ્રતિરોધક, કાળા ડ્યુકો પેઇન્ટનું સ્તર લગાડવામાં આવે છે અને તે સુકાઈ જાય પછી રેગમાલ (કાચપેપર) વડે તેને લીસી કરવામાં આવે છે. અમરજીત કહે છે, "એકવાર ફ્રેમના આ ભાગ પર પ્લાયબોર્ડ ફીટ થઈ જાય પછી એ ભાગ પહોંચની બહાર થઈ જાય છે, તેથી એને પહેલા તૈયાર કરી લેવો જોઈએ."

55 વર્ષના ધરમ પાલ કહે છે, “અમે અહીં પાંચ કારીગરો છીએ અને અમે બધા કેરમ બનાવવા સાથે સંકળાયેલા તમામ કામમાં નિષ્ણાત છીએ.” તેઓ છેલ્લા 35 વર્ષથી આ કારખાનામાં કામ કરે છે.

ધરમ કહે છે, "અમને ગમે તેટલા નંગ બનાવવાનો ઓર્ડર મળે ત્યારે સૌથી પહેલા અમે રમવા માટેની પ્લાયબોર્ડની સપાટી તૈયાર કરીએ છીએ." ધરમ અમારી સાથે આ વાત કરે છે ત્યારે તેઓ, મદન અને કરણ તૈયાર થયેલી રમવા માટેની પ્લાયબોર્ડની સપાટીઓ બહાર લાવી રહ્યા છે, આ સપાટીઓને ફ્રેમ પર ફિક્સ કરવામાં આવશે. તેઓ સમજાવે છે, “અમે પ્લાયબોર્ડના છિદ્રોને ભરવા માટે આખી સપાટી પર સીલર લગાવીએ છીએ જે તેને વોટરપ્રૂફ પણ બનાવે છે. તે પછી અમે તેને કાચપેપર વડે લીસી કરીએ છીએ."

શર્મા કહે છે, “પ્લાયબોર્ડ્સ ખૂબ જ રફ હોય છે અને કેરમ બોર્ડનું મુખ્ય આકર્ષણ રમવાની સપાટી કેટલી લીસી છે એ છે. કેરમની કૂકરીઓ અહીંથી ત્યાં ઝડપથી આગળ વધવી જોઈએ." આમ કહેતી વખતે તેઓ પોતાની અંગૂઠાની બાજુની આંગળી અને માથું હલાવી કૂકરી સામે અથડાઈને નિશાન સાધનાર તરફ પાછી આવતી હોય તેવી ગતિની નકલ કરે છે. તેઓ ઉમેરે છે, "અમે મેંગો ફેસ અથવા મકઈ ટ્રી ફેસ પ્લાયબોર્ડનો ઉપયોગ કરીએ છીએ, સ્થાનિક વેપારીઓ આ પ્લાયબોર્ડ કોલકતાથી ખરીદે છે."

સુનીલ યાદ કરે છે, “1987 માં જ્યારે અમે કેરમ બનાવવાની શરૂઆત કરી હતી, ત્યારે રમવા માટેની સપાટી પરના નિશાન હાથથી પેઈન્ટ કરવામાં આવતા હતા. આ કામ ઝીણવટભર્યું અને સમય માંગી લે તેવું હતું. એ સમયે એક કલાકાર કારીગર ટીમનો મહત્વપૂર્ણ સભ્ય હતો." કારખાનાની ઊંચી દીવાલો પર લટકતી ચોરસ સ્ક્રીન તરફ ઈશારો કરીને તેઓ કહે છે "પરંતુ આજે અમે રમવા માટેની સપાટીઓને એક પછી એક ઝડપભેર સ્ક્રીન પ્રિન્ટ કરી શકીએ છીએ."એનો અર્થ એ પણ છે કે છેલ્લા ત્રણથી ચાર દાયકામાં મોટાભાગના રમત-ગમતના સાધનોના ઉદ્યોગની જેમ અહીંથી પણ કલાકાર ગાયબ થઈ ગયા છે."

સ્ક્રીન પ્રિન્ટીંગ એ સ્ટેન્સિલીંગ ટેકનિક છે, આ ટેકનિક પેઇન્ટને ચોક્કસ વિસ્તારોમાંથી પસાર થવાથી અવરોધે છે જ્યારે જરૂરી વિસ્તારોમાંથી તેને પસાર થવા દે છે. ધરમ પાલ કહે છે, “અમે દરેક સપાટી પર બે અલગ અલગ સ્ક્રીનનો ઉપયોગ કરીએ છીએ. પહેલો સ્ક્રીન લાલ નિશાનો માટે અને બીજો કાળા માટે." 240 કેરમ બોર્ડ્સના હાલના ઓર્ડર માટે તમામ પ્લાયબોર્ડ્સ પર નિશાનો થઈ ગયા છે.

PHOTO • Shruti Sharma
PHOTO • Shruti Sharma

ડાબે: ધરમ, મદન અને કરણ પહેલેથી જ સ્ક્રીન-પ્રિન્ટેડ પ્લાયબોર્ડની સપાટીઓ બહાર કાઢે છે જે ફ્રેમ પર ફિક્સ કરવામાં આવશે. જમણે: વિવિધ કદના કેરમ બોર્ડના માટેના સ્ક્રીન

PHOTO • Shruti Sharma
PHOTO • Shruti Sharma

ડાબે: સ્ટીલનું વાસણ અને પ્યાલા જેમાં કારીગરો ચા પીએ છે. જમણે: રાજેન્દર અને અમરજીત ફેક્ટરીની ફર્શ પર થોડી જગ્યા ખાલી કરે છે અને એક પાતળો ધાબળો પાથરે છે જેના પર તેઓ બપોરના જમવાના વિરામ દરમિયાન 12-15 મિનિટ માટે આડા પડે છે

બપોરના 1 વાગ્યો છે, અને હવે કારીગરો બપોરના ભોજન માટે વિરામ લે છે. માલિક સુનીલ શર્મા કહે છે, "આ વિરામ એક કલાકનો છે, પરંતુ તેઓ બપોરે 1.30 વાગ્યે કામ પર પાછા ફરે છે. જેથી સાંજે તેઓ અડધો કલાક વહેલા. 5.30 વાગ્યા સુધીમાં, નીકળી શકે.”

કારીગરો પેક કરેલું જમવાનું લઈ આવે છે અને કારખાનાના પરિસરના પાછળના વરંડામાં લાકડાના સુકાઈ રહેલા ટુકડાઓ વચ્ચે, એક દુર્ગંધ ફેલાવતા, ખુલ્લા અને વહેતા નાળા (ગટર) ને કિનારે બેસીને ઝડપથી થોડું ખાઈ લે છે. 50 વર્ષના રાજેન્દર કુમાર અને અમરજીત કારખાનાની ફર્શ પર થોડી જગ્યા ખાલી કરે છે અને એક પાતળો ધાબળો પાથરે છે જેના પર તેઓ 12-15 મિનિટ માટે આડા પડે છે. તેઓ હજી ઊંઘી શકે તે પહેલાં તો ઉઠવાનો સમય થઈ જાય છે.

અમરજીત કહે છે, “બસ પીઠ સીધી કરની થી [મારા પીઠને થોડા સમય માટે આરામ આપવાની જરૂર હતી]. તેઓ પોતપોતાના સ્ટેઈનલેસ સ્ટીલના પ્યાલામાં નજીકના ખુમચા પરથી સ્ટીલની કીટલીમાં  લાવવામાં આવેલી દૂધની ચાની ચુસ્કીઓ ઝડપથી લઈ લે છે. પછી તેઓ પાછા કામે લાગે છે.

પ્લાયબોર્ડ તૈયાર થયા પછીનું કામ દરેક પર ચકડી ચોંટાડવાનું છે. 20 વર્ષથી અહીં કામ કરી રહેલ રાજેન્દર સમજાવે છે કે, “ચાકડી પ્લાયબોર્ડનો પાછળનો આધાર છે. સાગ અથવા નીલગિરીના લાકડાની પાતળી પટ્ટીઓને ખીલી મારીને અને ચોંટાડીને એકબીજાને છેદતી ઊભી અને આડી રેખાઓના ઢાંચો તૈયાર કરીને એ બનાવવામાં આવે છે.

તેઓ ઉમેરે છે, "ઇસ કામ કે પહેલે મૈં દીવાર કી પુતાઈ કરતા થા [આ પહેલા દીવાલોને ધોળતો  હતો]."

સુનીલ શર્મા કહે છે, “અમે અમારી ચાકડીઓ કેસરગંજના મહેતાબ સિનેમા વિસ્તારના મુસ્લિમ કારીગરો પાસેથી ખરીદીએ છીએ. મેરઠમાં લાકડાના કારીગરો છે જેઓ માત્ર ચાકડીના નિષ્ણાત છે."

PHOTO • Shruti Sharma
PHOTO • Shruti Sharma

ડાબે: રાજેન્દર અને મદન બે ભેગા મળીને જાડા પેઇન્ટ બ્રશનો ઉપયોગ કરીને 40 ચાકડીઓ પર ફેવિકોલ લગાવે છે. જમણે: કરણ એક પછી એક ચાકડી ઉપાડીને તેના પર પ્રિન્ટેડ પ્લાય બોર્ડ્સ ચોંટાડવાનું કામ સંભાળે છે

રાજેન્દર મદનની સામે એ જ જગ્યાએ બેસે છે જ્યાં થોડી વાર પહેલાં તેઓ સૂતા હતા. તેઓની વચ્ચે 40 ચાકડીઓનો ઢગલો છે, તેઓ એક પછી એક ચાકડી પર જાડા પેઇન્ટ બ્રશ વડે ફેવિકોલ લગાવે છે. કરણ, જે સૌથી યુવાન કારીગર હોવાને કારણે વધુ ચપળ છે, તેઓ એક પછી એક ચાકડી ઉપાડીને તેના પર પ્લાયબોર્ડ્સ ચોંટાડવાનું કામ સંભાળે છે.

કરણ સમજાવે છે, “અમે સામાન્ય રીતે કામ પરવારીને દિવસના અંતે ચાકડી ચિપકાના (ચાકડી ચોંટાડવાનું કામ) કરીએ છીએ. હું પ્લાયબોર્ડ્સ એકબીજા પર મુકું અને પછી અમે સૌથી ઉપરના પ્લેયબોર્ડ પર ભારે વસ્તુ રાખીએ અને તેને આખી રાત એમ જ છોડી દઈએ, જેથી એ બરોબર ચોંટી જાય."

સાંજના 5.15 વાગ્યા છે. હવે કારીગરો તેમના કામ પૂરા કરવાની ઉતાવળમાં છે. કરણ કહે છે, "કાલે સવારે અમે ફ્રેમ પર પ્લાયબોર્ડ્સ ફિક્સ કરીશું (ચોંટાડીશું)." તેઓ ઉમેરે છે, “મારા પિતા પણ બીજા કારખાનામાં રમતગમતના સામાન બનાવનાર કારીગર હતા. તેઓ ક્રિકેટ બેટ અને સ્ટમ્પ બનાવતા હતા."

*****

બીજે દિવસે સવારે 9 વાગ્યાથી કામ શરૂ થાય છે. ચા પીધા પછી રાજેન્દર, મદન, કરણ અને ધરમ કારખાનાની અંદર એક પછી એક કરવાના ત્રણ કામો માટે પોતપોતાના ટેબલની બાજુમાં ગોઠવાય છે. અમરજીત બહાર ગલીમાં ફ્રેમની કિનારીઓ ભરવાનું કામ કરી રહ્યા છે.

કરણ અને ધરમ સાથે મળીને પ્લાયબોર્ડ-ચાકડીના કમ્બાઈન્સને જોડી, ફાઇલ કરીને પેઇન્ટ કરેલી ફ્રેમ્સ પર એક પછી એક ફિક્સ કરવાથી શરૂઆત કરે છે. તેઓ બંને બોર્ડની પોતપોતાની તરફની બાજુઓ પર ચાકડી પર પૂર્વ-નિર્ધારિત સ્થાનો પર હથોડીથી ખીલી ઠોકવાની જવાબદારી સંભાળે છે.

ધરમ કહે છે, "ફ્રેમ પર એક બોર્ડ લગાવવા માટે ચાર ડઝન જેટલી નાની ખીલીઓની જરૂર પડે છે." નવાઈની વાત એ છે કે ફિક્સ કરેલું બોર્ડ મદનના વર્કસ્ટેશનની નજીકના થાંભલાને અઢેલીને મૂકતા પહેલા માત્ર બે જ કારીગરો લગભગ 140 સેકન્ડમાં એ 48 ખીલીઓ ઠોકે છે.

PHOTO • Shruti Sharma
PHOTO • Shruti Sharma

કરણ અને ધરમ પ્લાયબોર્ડ અને ચાકડીઓના કમ્બાઈન્સને જોડી, ફાઇલ કરીને પેઇન્ટ કરેલી ફ્રેમ્સ પર ફિક્સ કરે છે

કેરમ બોર્ડના ચારેય ખૂણે કૂકરી કાઢવા માટેના ખાના (પોકેટ્સ) કાપવાની જવાબદારી આજે મદન સંભાળે છે. પોકેટ કટરનો વ્યાસ ચાર સેન્ટિમીટર પર સેટ કરાય છે, આ પોકેટ કટર શાળાના ભૂમિતિ બોક્સના પરિકરના જ સિદ્ધાંત પર કામ કરતું હોય છે.

કટરની બ્લેડને દબાવવા અને સાથેસાથે તેના હાથાને ફેરવવા માટે બોર્ડ પર ઝૂકતાં મદન કહે છે, “મારા પરિવારમાં રમતગમતનો સામાન બનાવનાર કારીગર એક માત્ર હું જ છું. મારે ત્રણ દીકરાઓ છે. એક દુકાન ચલાવે છે, એક દરજી છે, અને એક ડ્રાઈવર છે." ચાર પોકેટ્સ કાપવામાં મદનને માત્ર 55 સેકન્ડ્સ જેવો સમય લાગે છે. આ સમયમાં છથી આઠ કિલોગ્રામના બોર્ડને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપાડવા, ફેરવવા અને ગોઠવવામાં લાગતી થોડી મિનિટોનો સમાવેશ થતો નથી.

પોકેટ્સ કાપ્યા પછી તેઓ દરેક બોર્ડ રાજેન્દરના ટેબલની બાજુમાં મૂકે છે, જેઓ બીજી વખત લોહે કી પટ્ટી વડે ફ્રેમ પર મરમ્મત પેસ્ટનું એક સ્તર લગાવવા માટે એક પછી એક બોર્ડ હાથમાં લે છે. જ્યારે મરમ્મત ફેલાવવા માટે તેઓ બોર્ડ તરફ નીચે જુએ છે, ત્યારે તેઓ રમવા માટેની સપાટી તરફ મારું ધ્યાન દોરતા કહે છે, "જુઓ, બોર્ડ મારી આંગળીઓને અરીસાની જેમ પ્રતિબિંબિત કરી રહ્યું છે."

માલિક શર્મા કહે છે, "આ તબક્કે દેખીતી રીતે બોર્ડ તૈયાર છે, પરંતુ તે રમવા માટે બરોબર તૈયાર થાય અને સેટ થાય એ પહેલાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે." તેઓ ઉમેરે છે, "આજ પૂરતું અમારું લક્ષ્ય તમામ 40 ફ્રેમ્સ પર મરમ્મતનું એક સ્તર લગાવવાનું કામ પૂરું   કરવાનું છે. ફ્રેમ્સને આખરી ઓપ આપવાનું કામ અમે આવતીકાલે સવારે હાથ પર લઈશું."

PHOTO • Shruti Sharma
PHOTO • Shruti Sharma

મદન કેરમ બોર્ડની ચાર ધાર પરના કુકરી કાઢવા માટેના પોકેટ્સ કાપવાનું કામ સંભાળે છે. પોકેટ કટરનો વ્યાસ ચાર સેન્ટિમીટરનો રાખવામાં આવે છે

PHOTO • Shruti Sharma
PHOTO • Shruti Sharma

ડાબે: પછીથી રાજેન્દર લોખંડની સપાટ ફાઈલ વડે ફ્રેમ પર બરૂદે કી મરમ્મતનું બીજું સ્તર લગાવે છે. તેઓ કહે છે, 'જુઓ, બોર્ડ મારી આંગળીઓને અરીસાની જેમ પ્રતિબિંબિત કરી રહ્યું છે.' જમણે: બીજે દિવસે સવારે પાંચેય કારીગરો તેમનું કામ કારખાનાના પરિસરની બહાર શિફ્ટ કરે છે

બીજે દિવસે સવારે પાંચમાંથી ચાર કારીગરો તેમના ટેબલ અને કામ સાથે બહાર ગલીમાં શિફ્ટ થાય છે. મદન અંદર રહે છે. શર્મા કહે છે, “દરેક જણ બધા જ કામ કરે છે, એટલે અહીં નંગ દીઠ વેતનનો કોઈ અર્થ નથી. કારીગરોને વ્યક્તિગત કુશળતાના સ્તરને આધારે અલગ અલગ દૈનિક વેતન ચૂકવવામાં આવે છે,”

આ અસમાન વેતન શું છે તે નક્કી કરવામાં પારી અસમર્થ હતું – રમતગમતના સાધનોના ઉદ્યોગના આ આંકડાઓ સુલભ નથી. પરંતુ એવું લાગે છે કે - જ્યાં એક ભૂલ પણ બનાવાયેલ સાધનને નકામું બનાવી શકે છે એવા - ઝીણવટભર્યા કામો કરતા આ ઉચ્ચ કુશળતા ધરાવતા કારીગરો મહિને 13000 રુપિયાથી વધુ કમાતા નથી. આ ઉદ્યોગમાંના મોટાભાગના કારીગરો કુશળ કામદારો માટેના મહિને લગભગ 12661 રુપિયાના યુપીના લઘુત્તમ વેતન કરતાં ઓછી કમાણી કરે છે. અને એ પણ શક્ય છે કે આ ક્ષેત્રમાંના કેટલાક કારીગરો અકુશળ શ્રમ માટેના લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું કમાય છે.

ધરમ અને કરણ ગલીના અંતિમ છેડે છે. ધરમ કહે છે, “અમે ફ્રેમ પર બરૂદે કી મરમ્મતના ત્રણ સ્તર લગાવી રહ્યા છીએ અને એ પછી અમે તેને કાચપેપરથી લીસું બનાવીશું." અને તેઓ ઉમેરે છે, “મારા હાથમાંથી કેટલા બોર્ડ્સ પસાર થઈ ચૂક્યા છે તેની મને કોઈ ગણતરી રહી નથી. લેકિન ખેલને કા કભી શૌક હી નહીં હુઆ (પરંતુ મને ક્યારેય રમવાની ઈચ્છા જ નથી થઈ). ઘણા વર્ષો પહેલા, જ્યારે બાઉજી [સુનીલ શર્મા] લંચના સમયે બોર્ડ લગાવતા ત્યારે એક કે બે વાર મેં થોડી કૂકરીઓ કાઢી હતી."

રાજેન્દર જેઓ પહેલા ટેબલ પર છે, તેઓ ધરમ અને કરણે લીસી કરેલી ફ્રેમ પર અસ્તર (બેઝ કોટિંગ) લગાવી રહ્યા છે. તેઓ કહે છે, “આ મરમ્મત, કાળા રંગ અને સરેસનું મિશ્રણ છે. સરેસને કારણે આ સ્તર ફ્રેમ પર ચોંટી જશે." સરેસ એ કુદરતી ગુંદર છે જે કતલખાનાઓ અને ટેનરીમાં આવેલા પશુધનના અખાદ્ય ભાગો પર પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે.

અસ્તર લગાના પછી અમરજીત રેગમાલનો ઉપયોગ કરીને ફ્રેમને વધુ એક વખત લીસી બનાવે છે. અમરજીત કહે છે, "અમે ફરીથી ફ્રેમ પર કાળો ડ્યુકો પેઇન્ટ લગાવીશું અને એ સુકાઈ જાય એ પછી તેને સુન્દ્રસથી વાર્નિશ કરવામાં આવશે."સુન્દ્રસ એ ઝાડની છાલમાંથી મેળવેલ રેઝિન છે જે વાર્નિશનું કામ કરે છે.

PHOTO • Shruti Sharma
PHOTO • Shruti Sharma

ડાબે: રાજેન્દર જેઓ પહેલા ટેબલ પર છે, તેઓ ધરમ અને કરણે લીસી કરેલી ફ્રેમ પર અસ્તર (બેઝ કોટિંગ) લગાવી રહ્યા છે. જમણે: આ પછી, અમરજીત કાચપેપર વડે ફ્રેમને લીસી બનાવે છે અને ફ્રેમ પર ડ્યુકો પેઇન્ટનું બીજું સ્તર લગાવે છે

PHOTO • Shruti Sharma
PHOTO • Shruti Sharma

ડાબે: પેઇન્ટ કરેલી ફ્રેમ્સ તડકામાં સુકાઈ જાય પછી મદન પ્લાય બોર્ડ્સની ચાકડીની બાજુ પર કુકરી ભેગી કરવા માટેની અંકોડીથી ગૂંથેલી જાળીઓ જોડે છે. તેઓ કાપેલા ચાર ગોળાકારમાંના દરેકની ચારેય બાજુઓ પર હથોડી ઠોકીને ચાર ગોલ્ડન બુલેટિન બોર્ડ પિનનો માત્ર અડધો ભાગ બોર્ડની અંદર ખોસે છે અને અંકોડીથી ગૂંથેલી જાળીઓને ખેંચીને ટાંકા વચ્ચેના છિદ્રોને પિનો પર ફિક્સ કરે છે અને પછી હથોડીથી ઠોકીને પિનોને બોર્ડમાં બરોબર અંદર બેસાડે છે.જમણે: ધરમ સુતરાઉ કાપડના નાના ટુકડાથી બોર્ડ્સ લૂછીને એક છેલ્લી વાર તપાસી લે છે

એકેએક કેરમ બોર્ડ તડકામાં સુકાય છે ત્યારે મદન કારખાનાની અંદર પ્લાયબોર્ડ્સની ચાકડીની બાજુ પર કૂકરી ભેગી કરવા માટેની અંકોડીથી ગૂંથેલી જાળીઓ જોડવા માટે રાહ જોતા બેસે છે. તેઓ કાપેલા ચાર ગોળાકારમાંના દરેકની આસપાસ હથોડી ઠોકીને ચાર ગોલ્ડન બુલેટિન બોર્ડ પિનનો માત્ર અડધો ભાગ બોર્ડની અંદર ખોસે છે. પછીથી અંકોડીથી ગૂંથેલી જાળીઓને ખેંચીને ટાંકા વચ્ચેના છિદ્રોને પિનો પર ફિક્સ કરે છે અને પછી હથોડીથી ઠોકીને પિનોને બોર્ડમાં બરોબર અંદર બેસાડે છે.

શર્મા કહે છે, "મલિયાના ફાટક અને તેજગઢી વિસ્તારોમાં મહિલાઓ પોતાના ઘરોમાં અંકોડીથી ગૂંથેલી જાળીઓ બનાવે છે." તેઓ ઉમેરે છે, "12 ડઝન - એટલે કે 144 જાળીઓ - ની કિંમત સો રુપિયા છે." એટલે કે મહિલાઓને દરેક પોકેટ માટે 69 પૈસા ચૂકવવામાં આવે છે.

કેરમ બોર્ડ્સ હવે સંપૂર્ણપણે તૈયાર છે. ધરમ સુતરાઉ કાપડના નાના ટુકડાથી બોર્ડ્સ લૂછીને એક છેલ્લી વાર તપાસી લે છે. અમરજીત દરેક બોર્ડને પ્લાસ્ટિકની મોટી થેલીમાં પેક કરે છે. સુનીલ શર્મા કહે છે, “અમે પ્લાસ્ટિક બેગની અંદર કેરમની કૂકરીઓ અને કેરમ પાવડરનું એક બોક્સ પણ મૂકીએ છીએ. કૂકરીઓ અમે બરોડાથી ખરીદીએ છીએ, અને પાવડર સ્થાનિક રીતે મળી રહે છે."

રમવા માટે તૈયાર બોર્ડ્સ પછીથી પૂંઠાના બોક્સમાં પેક કરવામાં આવે છે અને એક બીજાની ઉપર મૂકવામાં આવે છે. આવતીકાલે સવારે જ્યારે કારીગરો કામ પર પાછા આવશે ત્યારે તેઓ હાલના ઓર્ડર માટે 40 બોર્ડ્સનો છેલ્લો લોટ બનાવવાનું શરૂ કરશે અને પાંચ દિવસ સુધી ફરીથી એ જ નિત્યક્રમ હાથ ધરશે. એ પછી બધા જ બોર્ડ્સને દિલ્હી પાર્સલ કરવામાં આવશે અને પછી ત્યાંથી વિદેશ મોકલવામાં આવશે - આમ એક ઝડપથી વિકસતી રમત અને નવરાશના સમયે મનોરંજન પૂરું પાડતી રમતને પ્રોત્સાહન અપાશે, પણ એ રમવા માટેના બોર્ડ્સ તૈયાર કરનાર કારીગરો ન તો એ રમત ક્યારેય રમ્યા છે કે ન તો એમણે ક્યારેય નવરાશની પળો માણી છે.

આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Shruti Sharma

شروتی شرما ایم ایم ایف – پاری فیلو (۲۳-۲۰۲۲) ہیں۔ وہ کولکاتا کے سنٹر فار اسٹڈیز اِن سوشل سائنسز سے ہندوستان میں کھیلوں کے سامان تیار کرنے کی سماجی تاریخ پر پی ایچ ڈی کر رہی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Shruti Sharma

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

کے ذریعہ دیگر اسٹوریز Maitreyi Yajnik