લેનિન્દાસન ચોખાની 30 જાતો ઉગાડે છે. તેઓ સાથી ખેડૂતોએ ઉગાડેલી બીજી 15 જાતો વેચે છે. અને 80 પ્રકારના ડાંગરના બીજનું જતન કરે છે. આ બધું જ તેઓ કરે છે તમિળનાડુના તિરુવન્નામલઈ જિલ્લામાં આવેલા તેમના પરિવારના છ એકરના ખેતરમાં.

માત્ર આ આંકડાઓ જ અસાધારણ છે એવું નથી. લાંબા સમયથી ઉપેક્ષિત આ પરંપરાગત પ્રકારના ચોખા તેમના પ્રદેશની નાની-નાની અને સીમાંત ખેતીની જમીનો માટે વધુ અનુકૂળ છે. લેનિન - ગામ લોકો તેમને એ રીતે ઓળખે છે - અને તેમના મિત્રો ચોખાની આધુનિક જાતોને બદલવાનો અને મોનો-ક્રોપિંગ (વર્ષોવર્ષ એની એ જમીન પર એક જ પાક ઉગાડવા) થી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની નેમ ખોવાયેલી વિવિધતાને પુનઃસ્થાપિત કરવાની અને ચોખાની ક્રાંતિ શરૂ કરવાની છે.

આ એક અલગ પ્રકારની ક્રાંતિ છે, જેનું નેતૃત્વ એક અલગ પ્રકારના લેનિન કરે છે.

પોલુર તાલુકાના સેંગુનમ ગામમાં પોતાના ખેતરોની બાજુમાં આવેલ ગોદામ જ્યાં તેઓ સેંકડો બોરીઓ ભરીને ચોખાનો સંગ્રહ કરે છે તે ગોદામ એક બકરી બાંધવાનો વાડામાં સુધારા-વધારા કરીને બનાવેલ છે.

બહારથી જોતા આ નાની ઇમારતમાં ખાસ કંઈ ધ્યાન ખેંચે એવું લાગતું નથી. અંદર પગ મૂકતાંની સાથે એ છાપ ઝડપભેર બદલાઈ જાય છે. ચોખાની બોરીઓને સોય વડે વીંધીને તેમાંથી અનાજ કાઢતા લેનિન કહે છે, “આ કરપ્પ કવની, પેલા સીરગ સંબા." તેઓ આ બે પરંપરાગત જાતોના ચોખા પોતાની હથેળીમાં લે છે. પહેલી જાતના ચોખાના દાણા કાળા અને ચળકતા છે, બીજી જાતના પાતળા અને સુગંધિત છે. એક ખૂણેથી તેઓ લોખંડના જૂના માપિયાં લાવે છે: પડી, મારક્કા, જેમાં ડાંગરની વિવિધ માત્રા સમાઈ શકે છે.

આ વાડામાંથી જ લેનિન - ખૂબ ઓછા અવાજ સાથે અને કોઈ જ જાતની ધાંધલ-ધમાલ વિના - ચોખાનું વજન કરે છે અને તેને પેક કરીને છેક બેંગલુરુ સુધી, નાગરકોઈલ સુધી મોકલે છે. તેઓ દાયકાઓથી ખેતી કરી રહ્યા હોય અને ડાંગર વેચી રહ્યા હોય એવું લાગે છે. પરંતુ હકીકતમાં એ વાતને માત્ર છ જ વર્ષ થયા છે.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: લેનિનનું ડાંગરનું ખેતર. જમણે: તેઓ હમણાં જ કણસલામાંથી કાઢેલા ચોખાના દાણા અમને બતાવે છે

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: લેનિન તેમના ગોદામમાં કામમાં વ્યસ્ત છે. જમણે: કરપ્પ કવની, ચોખાની એક પરંપરાગત જાત

34 વર્ષના લેનિન હસીને કહે છે, "ડાંગર અમારી દુનિયામાં ક્યારેય નહોતા." આ જિલ્લાની વરસાદ આધારિત જમીન લાંબા સમયથી કઠોળ અને તેલીબિયાં અને બાજરીનું ઘર છે. "અમારા પરંપરાઈમાં ક્યાંય ડાંગરની ખેતી નથી. (અમારા બાપદાદામાંથી કોઈએ ક્યારેય ડાંગરની ખેતી કરી નથી.)" તેમના માતા 68 વર્ષના સાવિત્રી કારામણિ (ચોળા) ઉગાડતા અને વેચતા. પોતે વેચેલા દરેક ચાર માપની સામે તેઓ બે મુઠ્ઠી ચોળા મફતમાં આપતા. "જો અમે અમ્મા જે મફતમાં આપી દેતા તેની કિંમતનો સરવાળો કરવા બેસીએ તો આજે કેટલા બધા પૈસા થાય!" તેમના પરિવારનો મુખ્ય પાક કલાકા હતો (મગફળીને અહીં આ નામે ઓખવામાં આવે છે), જે હાલ 73 વર્ષના તેમના પિતા યેળમલઈ ઉગાડતા અને વેચતા. “કલાકાના પૈસા અપ્પા પાસે જતા. અને ગૌણ પાક કારામણિની આવક અમ્મા માટે હતી."

લેનિનની ‘હું ખેડૂત બન્યો એ પહેલાં’ ની વાર્તા શરૂ થાય છે ચેન્નાઈમાં, જ્યાં તેઓ પણ એક કોર્પોરેટ કર્મચારી હતા, બે વિષયમાં સ્નાતકની પદવીઓ સાથે (અને એક અનુસ્નાતક જેનો અભ્યાસ તેમણે અધવચ્ચે છોડી દીધો હતો), સારા પગાર સાથે કામ કરતા હતા. પણ પછી તેમણે એક ખેડૂત વિશેની એક કરુણ ફિલ્મ જોઈ: ઉંબદ રુબાઈ નોટ્ટ (નવ રૂપિયાની નોટ). એ ફિલ્મ જોઈને તેમને પોતાના માતા-પિતા સાથે રહેવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. 2015 માં લેનિન ઘેર પાછા ફર્યા.

તેઓ કહે છે, “ત્યારે હું 25 વર્ષનો હતો અને મારી પાસે નહોતી કોઈ યોજના કે નહોતી કોઈ કાર્યસૂચિ. મેં ફક્ત શાકભાજી અને કઠોળ ઉગાડ્યા." ત્રણ વર્ષ પછી ઘણા પરિબળો ભેગા થયા અને તેમને ડાંગર અને શેરડી ઉગાડવાની ફરજ પડી. યંત્રો, બજારો અને બીજી બધી વસ્તુઓ ઉપરાંત વાંદરાઓને કારણે તેમને આ નિર્ણય લેવો પડ્યો.

અને વરસાદને કારણે તેઓ ઉમેરે છે. તેઓ કહે છે, "ખેડૂતો કદાચ 'ક્લાઇમેટ ચેન્જ' એ શબ્દો નહીં વાપરે, પરંતુ તેઓ તમને તેના વિશે કહેશે." લેનિન કહે છે કે કમોસમી વરસાદ એ એક ક્યારેય જમવાના સમયે ન આવતા મહેમાનની રાહ જોવા જેવું છે. તમે ક્ષીણ થતા થતા ખલાસ થઈ જાઓ ને ભૂખે મારી જાઓ ત્યારે એ આવે અને મૃતદેહને હાર ચઢાવે..."

લીમડાના ઝાડ નીચે ગ્રેનાઈટની પાટલી પર બેસી દળદાર કેરી ખાતા ખાતા લેનિન ત્રણ કલાક સુધી વાત કરે છે, પ્રાચીન તમિળ કવિ તિરુવળ્ળુવર, તમિળનાડુમાં જૈવિક ખેતીના પિતા નમ્માળવાર અને પ્રખ્યાત ચોખા સંરક્ષણવાદી દેબાલ દેબને ટાંકીને લેનિન કહે છે કે પરંપરાગત જાતો અને જૈવિક ખેતી તરફ વળવું આવશ્યક અને અનિવાર્ય બંને છે.

ચાર વર્ષમાં થયેલી ત્રણ બેઠકોમાં તેઓ મને કૃષિ, આબોહવા પરિવર્તન, જૈવવિવિધતા અને બજારો વિશેનું જ્ઞાન આપે છે.

આ વાર્તા જેટલી લેનિનની છે એટલી જ છે ચોખાની. એવા ચોખા કે જે વરસાદી જમીનો પર અને એક સમયે સાવ સુકાઈ ગયેલા ખેતરોમાં આજે હવે ઊંડા, ઊંડા બોરના પાણીથી સિંચાઈને તૈયાર થાય છે અને જેના બીજ એમના નામને બદલે નામના આદ્યાક્ષરો અને આંકડાઓથી ઓળખાય છે...

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

લેનિનના માતા સાવિત્રી ચોખા માપવા માટે વપરાતા લોખંડના માપિયાં, પડી અને મારક્કા (ડાબે) બતાવે છે. તેઓ એક પરાંપરાગત જાત, તૂયમલ્લી ડાંગર (જમણે) થી પડી ભરે છે

*****

ઓહ એ ખેડૂત જેની પાસે ઘણી બધી ભેંસ છે
અને પર્વતો જેવી ઊંચી
ઘણી બધી અનાજ સંઘરવાની કોઠીઓ છે!
તમે ઝાઝી ઊંઘ વિના,
પરોઢ થતાં જ જાગી જાઓ છો
અને તમારા ઈચ્છા રાખતા હાથથી ખાઓ છો
કાળી આંખોવાળી બરલ માછલીના મોટા રાંધેલા ટુકડા
પાતળા ચોખાના મોટા બોલ સાથે.

નટ્રિનઈ 60, મરુદમ તિનઈ.

તમિળ ભૂપૃષ્ઠ હંમેશા ચોખાનું ઘર રહ્યું છે. એક ખેડૂત, તેના કોઠાર અને તેના ભોજનનું વર્ણન કરતી - આ સુંદર કવિતા લગભગ 2000 વર્ષ પહેલાંના સંગમ યુગની છે. ચોખાની ખેતી ઉપખંડમાં લગભગ 8 સહસ્ત્રાબ્દિ (8000 વર્ષ) થી કરવામાં આવે છે.

દેબાલ દેબ સાયન્ટિફિક અમેરિકનમાં લખે છે, "પુરાતત્વીય અને આનુવંશિક પુરાવા સૂચવે છે કે એશિયન ચોખાની ઇન્ડિકા પેટાજાતિઓ (ભારતીય ઉપખંડમાં ઉગાડવામાં આવતા લગભગ તમામ ચોખા આ જૂથના છે) લગભગ 7000 થી 9000 વર્ષ પહેલાં પૂર્વીય હિમાલયની તળેટીમાં ઉગાડવામાં આવતી હતી. આગામી સહસ્ત્રાબ્દિના કૃષિકરણ અને ખેતીમાં પરંપરાગત ખેડૂતોએ ભૂ-પ્રજાતિનો ખજાનો ઊભો કર્યો જે વિવિધ જમીન, પ્રાકૃતિક વિશેષતાઓ અને માઇક્રોક્લાયમેટ માટે બધી રીતે અનુકૂળ અને વિશિષ્ટ સાંસ્કૃતિક, પોષણ સંબંધી અથવા ઔષધીય જરૂરિયાતોને અનુરૂપ હતો." 1970 ના દાયકા સુધી ભારતના ખેતરોમાં "લગભગ 110000 અલગ-અલગ જાતો" ઉગાડવામાં આવતી હતી.

પરંતુ વર્ષો જતાં - અને ખાસ કરીને હરિયાળી ક્રાંતિ પછી - આ વિવિધતાનો મોટો ભાગ ખોવાઈ ગયો. પોતાના સંસ્મરણોના બીજા ગ્રંથ “ધ ગ્રીન રિવોલ્યુશન” માં 60 ના દાયકાના મધ્યમાં ખાદ્ય અને કૃષિ પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળનાર સી. સુબ્રમણ્યમ, “ગંભીર અને વ્યાપક દુષ્કાળની સ્થિતિ" વિશે લખે છે, જેને કારણે 1965-67 ના વર્ષોમાં અનાજની તીવ્ર અછત સર્જાઈ હતી", અને "યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પીએલ-480 કરાર હેઠળ ખાદ્ય અનાજની આયાતના સતત અવલંબન" પર લોકસભામાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જે "આપણા સન્માન માટે અપમાનજનક અને આપણા અર્થતંત્ર માટે નુકસાનકારક" હતો.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

લેનિન તૂયમલ્લી (ડાબે) અને મુલ્લંકઈમા (જમણે) ડાંગરની જાતોની ખેતી અને સંરક્ષણ કરે છે

સરકાર અને તેના આગેવાનો પાસે બે વિકલ્પ હતા - પહેલો વિકલ્પ હતો, જમીનનું પુનઃવિતરણ કરવાનો, જે રાજકીય (અને સંભવત: જોખમભર્યો) ઉકેલ હતો, અને બીજો હતો (તમામ ખેડૂતોને સમાન રીતે લાભ ન આપી શકે એવો) એક વૈજ્ઞાનિક અને તકનીકી વિકલ્પ. તેઓએ ચોખા અને ઘઉંની વધારે ઉપજ આપતી જાતો રજૂ કરવાનું પસંદ કર્યું.

પાંચ દાયકા પછી ભારતમાં ચોખા અને ઘઉંનો સરપ્લસ છે અને દેશ ઘણા પાકોનો નિકાસકાર છે. તેમ છતાં કૃષિ ક્ષેત્ર સમસ્યાઓથી ઘેરાયેલું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા દર્શાવે છે કે છેલ્લા ત્રણ દાયકામાં ચાર લાખથી વધુ ખેડૂતોએ પોતાનો જીવ લીધો/આત્મહત્યા કરી છે. દેશમાં વાજબી ભાવો અને ન્યાયી નીતિઓની માંગ સાથે ખેડૂતો દ્વારા મોટા વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે. અને તમે આ લેખ વાંચશો ત્યાં સુધીમાં તો એક ડઝન ખેડૂતોએ ખેતી છોડી દીધી હશે.

આ વાત આપણને ફરી પાછા લેનિન અને તેમની ક્રાંતિ તરફ લઈ આવે છે. કૃષિ અને પાકની અંદર વિવધતા લાવવાનું શા માટે મહત્વનું છે? કારણ કે, ઢોર, કપાસ અને કેળાંની જેમ જ દુનિયા ઓછી અને ઓછી જાતો ઉગાડીને વધુ દૂધ, ઊન અને ફળ મેળવતી હતી. પરંતુ દેબ ચેતવણી આપે છે, "મોનોકલ્ચરનો વિશાળ વિસ્તાર (વિશાળ વિસ્તારમાં માત્ર એક જ પાક ઉગાડવામાં આવે ત્યારે) એ અમુક ચોક્કસ જંતુઓને માટે તો મિજબાની મળ્યા જેવું થઈ જાય છે."

કૃષિ વૈજ્ઞાનિક અને ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા ડો. એમ.એસ. સ્વામીનાથને 1968 માં ભવિષ્યવાણી ઉચ્ચારતા/ગંભીર ઘટનાની પૂર્વ જાણકારી આપતા ચેતવણી આપી હતી કે "જો સ્થાનિક રીતે અનુકૂલિત પાકની તમામ જાતોને બદલે એક અથવા બે ઊંચી ઉપજ આપતી જાતો ઉગાડવામાં આવે તો સમગ્ર પાકને નષ્ટ કરી શકે તેવા ગંભીર રોગોનો ફેલાવો થઈ શકે છે."

જો કે રાઇસ ટુડેમાંનો એક લેખ નોંધે છે કે ચોખાની નવી જાતો વિશ્વભરમાં છવાઈ ગઈ છે. 28 મી નવેમ્બર, 1966ના રોજ ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રથમ આધુનિક ચોખા "મામૂલી નામ આઈઆર8" સાથે રજૂ કરવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં આ અર્ધ વામન જાતને "ચમત્કારી ચોખા" એવું નવું અને રોચક નામ આપવામાં આવ્યું અને પરિણામે એશિયામાં અને બીજા અનેક દેશોમાં મોટા ફેરફારો આવ્યા.

હંગ્રી નેશન પુસ્તકમાં બેન્જામિન રોબર્ટ સિગેલ પોતાના મહેમાનોને નાસ્તામાં “આઈઆર-8 ઈડલી” પીરસતા મદ્રાસની (ચેન્નાઈ તે સમયે આ નામે ઓળખાતું હતું) બહારના એક શ્રીમંત ખેડૂત વિશે લખે છે. બીજા ખેડૂતો અને પત્રકારો સહિતના - તેમના મહેમાનોને "માહિતી આપવામાં આવી હતી કે આઈઆર-8 ચોખા ફિલપિન્સથી ભારતમાં આવ્યા હતા, અને આ ફૂલેલા ચોખા વિપુલ પ્રમાણમાં પાકતા હતા એટલું જ નહીં એ ખૂબ સ્વાદિષ્ટ પણ હતા.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાંગરનું લીલુંછમ ખેતર (ડાબે) અને ઝૂડીને કણસલામાંથી કાઢેલા ચોખાના દાણા (જમણે)

સ્ટફ્ડ એન્ડ સ્ટાર્વ્ડમાં (પૃષ્ઠ 130) રાજ પટેલ કહે છે કે નવા બીજને ઉગવા માટે તેમને "પ્રયોગશાળામાં મળી રહે તેવી વૃદ્ધિ માટેની સંપૂર્ણપણે દોષરહિત પરિસ્થિતિની જરૂર હતી, જેને માટે સિંચાઈ, ખાતર અને જંતુનાશકો અનિવાર્ય હતા." તેઓ સ્વીકારે છે કે "કેટલાક સ્થળોએ, કેટલેક અંશે હરિયાળી ક્રાંતિની તકનીકોને કારણે, વ્યાપક ભૂખમરો નિયંત્રણમાં રાખી શકાયો હતો. પરંતુ સામાજિક અને ઇકોલોજીકલ (પર્યાવરણ-વિષયક) ખર્ચ વધુ હતા."

સ્ટેટ ઓફ રુરલએન્ડ એગ્રેરિયન ઈન્ડિયા રિપોર્ટ 2020 (ગ્રામીણ અને કૃષિપ્રધાન ભારતની પરિસ્થિતિનો અહેવાલ, 2020) નોંધે છે કે માત્ર ઘઉં, ચોખા અને શેરડીને પસંદગીયુક્ત રીતે સબસિડી (સરકાર દ્વારા આર્થિક સહાય) અપાતા "ઘણા બધા ખેડૂતો આ પાકો તરફ વળ્યા. આનાથી સૂકી જમીનના વિસ્તારોમાં સિંચાઈવાળા પાકોને પ્રોત્સાહન અપાતા પાકની પદ્ધતિ વિકૃત થઈ અને લોકોની થાળીમાંના ખોરાકની વિવિધતા ઘટવાને કારણે અને અલગ-અલગ અનાજની જગ્યા અત્યંત પોલીશ્ડ ચોખા, ઘઉં અને કોઈ જ પોષકતત્ત્વ વિનાની રિફાઈન્ડ ખાંડની માત્ર કેલરીએ લેતા લોકોના સ્વાસ્થ્યને અસર પહોંચી."

લેનિન કહે છે કે તિરુવન્નામલઈ જિલ્લામાં બનેલી આ ઘટના હજી આજે પણ લોકોને યાદ છે. તેઓ કહે છે, “અપ્પાના સમયમાં માત્ર માણાવરિ (વરસાદ આધારિત) પાકો હતા અને કઠોળ વ્યાપકપણે ઉગાડવામાં આવતા. તળાવ પાસે સંબા (ડાંગર) નો માત્ર એક પાક લેવામાં આવતો. હવે ઘણી વધુ પિયત જમીન છે. અપ્પાએ લગભગ વીસ વર્ષ પહેલા બેંકની લોન અને બોરવેલ કનેક્શન મેળવ્યું હતું. એ પહેલા તમને આજની જેમ દરેક જગ્યાએ પાણી ભરેલા ડાંગરના ખેતરો જોવા મળતા નહીં." અને તેઓ ડાંગરના નાના-નાના લીલા રોપા અને આકાશ અને સૂર્યને પ્રતિબિંબિત કરતા માટી જેવા ભૂખરા રંગનું પાણી ભરેલા પોતાની પાછળના ખેતર તરફ ઇશારો કરે છે.

લેનિન કહે છે, "વૃદ્ધ ખેડૂતોને પૂછો, તેઓ તમને કહેશે કે આઈઆર8 થી તેમના પેટ કેવી રીતે ભરાયા હતા. તેઓ એમ પણ ઉમેરશે કે તેમના ઢોર માટે ચારો ઓછો થઈ ગયો હતો." એ હતી આઈઆર8 ની મહાશક્તિ: તે એક અર્ધવામન જાત હતી. કલસપાક્કમમાં ખેડૂતોની એક બેઠકમાં ઘણા ખેડૂતોએ તેની મજાક કરી હતી. તેઓએ કહ્યું, "તમને ખબર છે ખેતી કરતા કેટલાક પરિવારોમાં ઠીંગણા લોકોને હજી આજે પણ આઈઆરયેટ્ટ (તમિળમાં આઈઆર8) કહેવામાં આવે છે." અને હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

પરંતુ જ્યારે જૈવવિવિધતાનો મુદ્દો આવ્યો ત્યારે ત્યાં નીરવ શાંતિ પ્રસરી ગઈ હતી.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: લેનિન ગોદામથી તેમના ખેતરો તરફ જાય છે. જમણે: તેઓ જ્યાં ડાંગરની પરંપરાગત જાતોનું સંરક્ષણ અને તેની ખેતી કરે છે તે ખેતર

*****

2021 માં હું લેનિનને પહેલી વખત મળું છું ત્યારે તેઓ ખેડૂતોના મોટા જૂથ સાથે આબોહવા પરિવર્તન અને ખેતી વિશે વાત કરી રહ્યા છે. એ તિરુવન્નામલઈ જિલ્લાના કલસપાક્કમ નગરમાં પારંબરીય વિધૈગળ મૈયમ [પરંપરાગત બીજ ફોરમ] ખાતેની માસિક બેઠક છે. આ જૂથ દર મહિનાની 5 મી તારીખે મળે છે અને એ સપ્ટેમ્બરની સવાર ગરમ અને સૂર્યપ્રકાશવાળી છે.  મંદિરની પાછળ લીમડાના ઝાડની છાયામાં થોડી ઠંડક છે. અમે ત્યાં બેસીને સાંભળીએ છીએ, હસીએ છીએ ને શીખીએ છીએ.

લેનિન ટિપ્પણી કરે છે, “અમે ઓર્ગેનિક (જૈવિક) ખેડૂતો છીએ એવું કહીએ એની સાથે જ લોકો કાં તો અમારા ચરણસ્પર્શ કરે છે. અથવા અમને મૂર્ખ કહે છે." ફોરમના સહ-સ્થાપક 68 વર્ષના પી.ટી. રાજેન્દ્રન પૂછે છે, "પરંતુ આજના યુવાનો ઓર્ગેનિક ખેતી વિશે શું જાણે? તેઓએ કદાચ (ગૌમૂત્ર, છાણ અને બીજા ઘટકોમાંથી બનાવવામાં આવતા અને વૃદ્ધિને પ્રોત્સાહન આપતા અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરતા) પંચકવ્યમ વિશે સાંભળ્યું હશે. પરંતુ ઓર્ગેનિક ખેતી તેના કરતા ઘણું વધારે છે.”

ખેડૂતો માટે, કેટલીકવાર, પરિવર્તન જૈવિક રીતે થાય છે. લેનિનના પિતા યેળમલઈએ રાસાયણિક જંતુનાશકો અને ખાતરો માત્ર એટલા માટે છોડી દીધા હતા કારણ કે એ ખૂબ મોંઘા હતા. લેનિન કહે છે, "છંટકાવના દરેક દોર પાછળ અમારા થોડા હજાર રુપિયાનો ધુમાડો થઈ જતો. અપ્પાએ પસુમૈ વિકટન (એક કૃષિ સામયિક) વાંચ્યું અને કુદરતી ખેતર આધારિત ઘટકોનો પ્રયોગ કર્યો અને મને છંટકાવ કરવા માટે એ આપ્યું. અને મેં તેનો છંટકાવ કર્યો.” તે કામ કરી ગયું.

દર મહિને ચર્ચા કરવા માટે ખેડૂતો એક વિષયવસ્તુ પસંદ કરે છે. કેટલાક ખેડૂતો વેચવા માટે કંદ, કઠોળ અને કાચી ઘાણીના તેલ લઈને આવે છે. તો કોઈ હાજર રહેનાર દરેક વ્યક્તિ માટે ભોજનની વ્યવસ્થા કરવા આર્થિક સહયોગ આપે છે; તો વળી બીજું કોઈ દાળ અને શાક લાવે છે. ચોખાની પરંપરાગત જાતો ખુલ્લામાં, લાકડાના ચૂલા પર રાંધવામાં આવે છે, અને કેળના પાન પર શાકભાજી અને સ્વાદિષ્ટ સાંભાર સાથે ગરમ ગરમ પીરસવામાં આવે છે. 100 થી વધુ સહભાગીઓને બપોરનું ભોજન પીરસવા માટે લગભગ 3000 રુપિયાનો ખર્ચ થાય છે.

દરમિયાન ખેડૂતો આબોહવા પરિવર્તનની ચર્ચા કરે છે. તેઓ નોંધે છે કે જૈવિક ખેતી, પરંપરાગત જાતો અને પાકની વિવિધતા એ તેનો સામનો કરવાની કેટલીક શ્રેષ્ઠ રીતો છે.

રાજેન્દ્રન કહે છે, "કાળા વાદળો ઘેરાય છે. ખેડૂતો વરસાદની આશા રાખે છે. પણ પછી...વરસાદનું નામોનિશાન નહીં! અને જાન્યુઆરીમાં જ્યારે ડાંગર તૈયાર થાય છે, ત્યારે ધોધમાર વરસાદ પડે છે અને પાકને બરબાદ કરી નાખે છે. અમે શું કરી શકીએ?" તેઓ સલાહ આપે છે, "હું તો કહીશ કે ક્યારેય માત્ર એક જ પાક પર વધુ પડતો આધાર ન રાખો. ખેતરની સરહદે આગત્તિ [હમિંગબર્ડ વૃક્ષ] અને શુષ્ક જમીનમાં પામ વૃક્ષો ઉગાડો. માત્ર શિંગદાણા અને ડાંગર રોપીને અટકો નહીં.”

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

પી.ટી. રાજેન્દ્રન (ડાબે) અને લેનિન (જમણે) કલસપાક્કમ ઓર્ગેનિક ફોરમમાં ખેડૂતો સાથે વાત કરે છે

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: બેઠકમાં વેચાતા વિવિધ કઠોળની શિંગો, કઠોળ અને ચોખા. જમણે: ભોજન રાંધવામાં આવે છે અને હાજર રહેલાઓને પીરસવામાં આવે છે

જૈવિક ખેડૂત ચળવળ - ઓછામાં ઓછું તિરુવન્નામલઈ જિલ્લામાં - ખેડૂતોને શિક્ષિત કરવાથી હવે ઉપભોક્તાને શિક્ષિત કરવા તરફ વળી છે. ફરી ફરીને કહેવામાં આવે છે, "હંમેશા ચોખાની એક જ જાતની અપેક્ષા ન રાખશો." એક વૃદ્ધ ખેડૂત કટાક્ષ કરે છે, "ગ્રાહકોને પાંચ કિલોની થેલીઓમાં ચોખા જોઈએ છે. તેઓ દાવો કરે છે કે મોટી માત્રામાં સંગ્રહ કરવા માટે ઘરમાં કોઈ જગ્યા નથી. તમે ઘર ખરીદો છે ત્યારે ગાડી અને બાઈક પાર્ક કરવા માટેની જગ્યા તો છે ને એની ચોકસાઈ કરીને ઘર ખરીદો છો તો પછી ચોખાની બોરી તો સંઘરી શકાય એમ છે ને એની ચોકસાઈ કેમ નથી કરતા?"

ખેડૂતો દલીલ કરે છે કે નાની માત્રામાં ચોખા વેચવામાં બહુ મગજમારી છે. ચોખાની એક મોટી થેલી મોકલવામાં જેટલો સમય, શ્રમ અને ખર્ચ થાય એના કરતા અનેક ઘણો વધારે સમય, શ્રમ અને ખર્ચ ચોખાની નાની માત્રા મોકલવામાં જાય છે. લેનિન સમજાવે છે, “હાઈબ્રિડ ચોખા હવે સિપ્પમ (26 કિલોની બેગ) તરીકે વેચાય છે. પેકેજિંગની કિંમત દસ રૂપિયાથી ઓછી છે. જ્યારે એટલા જ ચોખાને પાંચ કિલોના બંડલમાં વેચવા માટે અમારે 30 રુપિયા ખર્ચવા પડે છે." નિસાસો નાખતા તેઓ કહે છે, "નાક તળ્ળગ." આ તમિળ અભિવ્યક્તિનો લગભગ અર્થ થાય છે, તનતોડ મહેનતના કામને કારણે પડતા શ્રમથી થાકીને ઠેં થઈ જવું. "શહેરના લોકો ઘણી વાર એ સમજી શકતા નથી કે ગામડામાં કામ કઈ રીતે થાય છે."

લેનિન પાસે કામની અને તેમના કામના કલાકોની સરળ વ્યાખ્યા છે. "જ્યારે હું ઊંઘતો નથી હોતો અથવા મારી બાઇક ચલાવતો નથી હોતો ત્યારે હું કામ કરતો હોઉં છું." પણ વળી પાછું, જ્યારે તેઓ તેમની બાઇક પર હોય છે ત્યારે તેઓ ખરેખર કામ કરતા હોય છે; તેઓ વાહન સાથે ચોખાની બોરીઓ બાંધીને ઝડપભેર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, બોરીઓ ગ્રાહકોને પહોંચાડે છે. તેમનો ફોન પણ સતત ચાલુ હોય છે; એ સવારે પાંચ વાગ્યે વાગવાનું શરૂ કરે છે, અને રાત્રે દસ વાગ્યા સુધી ચાલે છે. જ્યારે લેનિનને થોડોઘણો સમય મળે છે ત્યારે તેઓ વોટ્સએપ મેસેજના જવાબ આપે છે. તેઓ લખવા માટે સમય કાઢે છે.

"અમે તિરુવન્નામલઈ જિલ્લામાં ડાંગરની તમામ પરંપરાગત જાતો સાથેની એક પુસ્તિકા બનાવી છે." આ પુસ્તિકા લોકોમાં ખૂબ પ્રખ્યાત થઈ જાય છે અને વ્યાપકપણે ફેલાય છે. લેનિન હસીને કહે છે, “મારા મામા પુણ્ણ (કાકાની દીકરી) એ મને એ વોટ્સએપ પર મોકલીને કહ્યું 'જુઓ કોઈએ કેટલું સારું કામ કર્યું છે.' મેં તેમને છેલ્લું પાનું જોવા કહ્યું. તો ત્યાં તેમને મારું નામ જોવા મળ્યું: લેનિન્દાસન."

આત્મવિશ્વાસથી ભરપૂર અને મૃદુભાષી ખેડૂત લેનિન તમિળ અને અંગ્રેજીમાં સરળતાથી વાતચીત કરી શકે છે. અને આ બે ભાષાઓની સરળતાથી ફેરબદલ કરે છે. તેમના પિતા યેળમલઈ સામ્યવાદી હતા (જે તેમના નામને સમજાવે છે, લેનિન હસીને કહે છે).  યુવાન લેનિન ઘણા કલાકો ખેતરમાં ગાળતા. પરંતુ તેમણે ક્યારેય પૂર્ણ-સમયના જૈવિક ખેડૂત અને ચોખા સંરક્ષણવાદી બનવાનું વિચાર્યું નહોતું.

PHOTO • M. Palani Kumar

લેનિન ડાંગરની ઘણી પરંપરાગત જાતો બતાવે છે

“મારા ડબલ ગ્રેજ્યુએશન પછી હું ચેન્નાઈના એગમોરમાં નોકરી લઈને ત્યાં રહેતો હતો. 2015 માં માર્કેટ રિસર્ચ કરીને હું દર મહિને 25000 રૂપિયા કમાતો હતો. તે સારી કમાણી હતી...”

તેઓ સેંગુનમ પાછા આવ્યા ત્યારે તેમણે રાસાયણિક ઇનપુટ્સનો ઉપયોગ કરીને ખેતી કરી હતી. અમારી બાજુના રસ્તા તરફ ઈશારો કરીને તેઓ કહે છે, "હું દૂધી, રીંગણ, ટામેટાં ઉગાડતો હતો અને અહીં વેચતો હતો." લેનિન દર અઠવાડિયે ઉળવર સંદૈ (ખેડૂતોની ઝૂંપડીઓ) માં પણ જતા હતા. તે સમય દરમિયાન તેમની ત્રણ બહેનોના લગ્ન થયા.

તેઓ કહે છે, “મારી વચલી બહેનના લગ્નનો ખર્ચ હળદરના પાકથી નીકળ્યો હતો. પરંતુ તમને ખબર છે? તેમાં બહુ મહેનત છે. હળદર ઉકાળવામાં આખા પરિવારે સામેલ થવું પડે છે."

તેમની બહેનો તેમના સાસરે ગઈ પછી લેનિનને ખેતરો અને ઘરોમાં કામ કરવાનું મુશ્કેલ લાગવા માંડ્યું. તેઓ એકલા હાથે ન તો વરસાદ આધારિત વિવિધ પાક ઉગાડી ન શક્યા કે ન તો રોજેરોજ ચૂંટીને વેચવાના કામને પહોંચી વળી શક્યા. મોસમી પાકો પણ મુશ્કેલ હતા - ફસલ માટેનો યોગ્ય સમય નક્કી કરવો પડતો અને તેને જીવાતો, પોપટ અને શિકારીઓથી બચાવવા માટે સંસાધનોની જરૂર પડતી. “મકાઈ, મગફળી, ચોળા – નું ધ્યાન રાખવા અને તેને એકઠા કરવા માટે ઘણા માણસોની જરૂર પડે. હું મારા બે હાથ અને પગ અને મારા વૃદ્ધ માતા-પિતા તરફથી મળતી થોડીઘણી મદદથી કેટલું કરી શકું?”

લગભગ એ જ સમયે વાંદરાઓના હુમલાઓમાં પણ ભારે વધારો થયો હતો. તેઓ ઉપર ઈશારો કરીને કહે છે, “પેલું નારિયેળનું ઝાડ દેખાય છે? વાંદરાઓ ઝાડની ટોચ પર થઈને ત્યાંથી અહીં સુધી આવી શકે છે. તેઓ પેલા વડના ઝાડ પર ઊંઘી જતા. ચાલીસથી સાઠ વાંદરા અમારા ખેતરોમાં ધાડ પાડતા. તેઓ મારાથી થોડા ડરતા હતા; હું ઝડપથી તેમનો પીછો કરી શકતો. પરંતુ તેઓ હોંશિયાર હતા. અને મારા માતા-પિતા સાથે મનોવૈજ્ઞાનિક યુક્તિઓનો ઉપયોગ કરતા. એક વાંદરુ અહીં નીચે આવતું અને તેઓ તેનો પીછો કરવા જાય ત્યારે બીજું વાંદરું ઝાડ પરથી ઉતરી જશે અને પાક તોડી લેતું…આપણે વાર્તાના પુસ્તકોમાં વાંચીએ છીએ તે ખોટું નથી, વાંદરાઓ હોંશિયાર હોય છે!

આ જોખમ લગભગ ચાર વર્ષ સુધી ચાલુ રહ્યું અને ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાંના મોટાભાગના ખેડૂતો વાંદરાઓ ન ખાઈ શકે એવા પાક તરફ વળ્યા. લેનિન અને તેમનો પરિવાર ડાંગર અને શેરડી ઉગાડવા લાગ્યા.

PHOTO • M. Palani Kumar
PHOTO • Sabari Girisan

બાઈક પર ચોખાની બોરીઓ લાદી રહેલા લેનિન (ડાબે) તેમના મિત્ર એસ. વિગ્નેશ (જમણે) સાથે, તેઓ પણ એક ખેડૂત અને વિતરક છે

*****

લેનિન કહે છે, "ડાંગર એ તો ગૌરવ છે. ડાંગર એ અહીં એક પ્રતિષ્ઠિત ગણાતો પાક છે. જો તેમની ગાયો અને બકરા બીજા કોઈ ખેતરોમાં ચરતા હોય તો પશુપાલકોને કોઈ ફરક નથી પડતો. પરંતુ જો એ ખેતર ડાંગરનું હોય તો તેઓ આવીને માફી માંગશે, ભલે તે આકસ્મિક રીતે બન્યું હોય. અને નુકસાન ભરપાઈ કરવાની ઓફર કરશે. આ પાકનું આટલું બધું માન છે.

આ પાક તકનીકી પ્રગતિ, મશીનોના ફાયદા અને બજારોની પહોંચની સાથે આવે છે. લેનિન તેને સૌવ્રિયમ (આરામ) કહે છે. તેઓ કહે છે, “જુઓ, ડાંગરના ખેડૂતો સામાજિક ઉકેલ નહીં, પરંતુ તકનીકી ઉકેલ શોધી રહ્યા છે. અને એવો ઉકેલ જે મોનો ક્રોપિંગ તરફ આગળ વધે છે.”

ખેતીની જમીન પરંપરાગત રીતે પુન્સૈ નિલમ (સૂકી અથવા વરસાદ આધારિત જમીન) અને નન્સૈ નિલમ (ભીની અથવા સિંચાઈવાળી જમીન) માં વહેંચાયેલી છે. લેનિન સમજાવે છે, " પુન્સૈ એટલે એ જમીન જ્યાં તમે વિવિધ પાક ઉગાડી શકો છો. મૂળભૂત રીતે કહું તો ઘર માટે જરૂરી બધું જ તમે ત્યાં ઉગાડી શકો. ખેડૂતોને જ્યારે પણ સમય મળતો ત્યારે તેઓ પુળુદિ - સૂકી, ધૂળવાળી જમીન - ખેડતા હતા. તે સમય અને પ્રયત્નની 'બચત' જેવું હતું, ખેતરમાં 'બેંક'માં રાખવા જેવું હતું. પરંતુ યાંત્રિકીકરણ સાથે એ બધું બદલાઈ ગયું. રાતોરાત તમે 20 એકર જમીન ખેડી શકો છો.

ખેડૂતો લણણીના એક ચક્ર માટે પુન્સૈ ચોખાની સ્થાનિક જાતો ઉગાડતા. લેનિન નિર્દેશ કરે છે, "તેઓ પૂંકાર અથવા કુળ્ળંકાર ઉગાડતા, ચોખાની આ બે જાતો લગભગ એકસરખી દેખાય છે. બંને વચ્ચે તફાવત પાક ચક્રના સમયગાળામાં છે. જો તમને ચિંતા હોય કે તમારી પાસેનું પાણી ખલાસ થઈ જશે તો પૂંકાર રોપવા વધુ સારા, જે 75 દિવસમાં તૈયાર થઈ જાય છે, જ્યારે બીજાને 90 દિવસ લાગે છે."

લેનિન જણાવે છે કે યાંત્રિકીકરણે ખેતરમાં વધારે પાણી સંઘર્યા વિના જમીનના નાના ટુકડાઓ પર પણ ડાંગર ઉગાડવાનું શક્ય બનાવ્યું છે. તેઓ કહે છે, “આ ભાગોમાં છેલ્લા 10 કે 15 વર્ષથી બળદનો ઉપયોગ થતો નથી. નવા મશીનો ભાડે (અથવા વેચાણ માટે પણ) મળી રહેતા હોવાથી, એક અથવા તો અડધો એકર જમીન પણ ખેડી શકાય છે અને વધુ લોકો માટે ડાંગર ઉગાડવાનું શક્ય બને છે." તે પછી તેઓ ફટાફટ બીજાં મશીનોના નામ બોલી જાય છે જે ડાંગરની રોપણી, પુન:રોપણી, નીંદણ અને લણણી કરી શકે છે અને ડાંગરને ઝૂડીને કણસલામાંથી દાણા કાઢી શકે છે. "જ્યાં સુધી ડાંગરના પાકનો સવાલ છે ત્યાં સુધી બીજથી માંડીને બીજ - સુધીનું બધું જ મશીનો તમને કરી આપશે."

કેટલીકવાર વાત માણસ અને મશીનો વચ્ચેના સમજૂતીપૂર્ણ સમતોલન કરતાં વધુ હોય છે. તલ જેવા - વરસાદ આધારિત પાક સંગ્રહિત કરવા અને સૂકવવા અને ઝૂડીને કણસલામાંથી તલ કાઢવા માટે ઘણી વધારે જગ્યાની જરૂર હોય છે. લેનિન સમજાવે છે, “તેને ઉછેરવા માટે બહુ મહેનત કરવાની જરૂર નથી." એક સંપૂર્ણ અર્ધવર્તુળમાં બીજ ફેંકતા હોય એમ તેમના હાથ હલાવી તેઓ ઉમેરે છે, "એકવાર તમે બીજ ફેલાવી દો એટલે પત્યું. પછી તમારે નિરાંત." પરંતુ તેનું સ્થાન ડાંગરે લીધું છે કારણ કે તે પણ સારું ઉત્પાદન આપે છે. “જો તમે 2.5 એકરમાં તલ ઉગાડો તો પણ તમને દસ બોરીઓ જ મળે. તમે તેને શેર-ઓટોમાં બજારમાં લઈ જઈ શકો. અને ડાંગર? તમારી પાસે એક ટીપર* ભરાય એટલા હશે!”

PHOTO • M. Palani Kumar

પૂંકાર જાત સાથેનું ડાંગરનું ખેતર

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: કણસલા ઝૂડીને તેમાંથી જ્યાં દાણા કાઢવામાં આવે છે તે મેદાન. જમણે: ગોદામમાં લેનિન

બીજું પરિબળ છે ચોખા માટેના નિયમનવાળા કૃષિ બજારો. અને સમગ્ર સપ્લાય ચેઇન સુધારેલી જાતોની તરફેણ કરે છે. હરિયાળી ક્રાંતિ પછી સ્થપાયેલી ચોખાની   આધુનિક મિલોમાં ચાળણી સહિતની પ્રમાણભૂત મશીનરી છે. એ સ્થાનિક જાતો માટે યોગ્ય નથી, કારણ સ્થાનિક જાતોના કદ અને આકાર અલગ-અલગ હોય છે. આ ઉપરાંત આધુનિક મિલોમાં રંગીન ચોખાની પ્રક્રિયા થઈ શકતી નથી. “રાઇસ મિલના માલિકો કદાચ હરિયાળી ક્રાંતિના મોટા હિમાયતી ન હોય અથવા તેના વિશે ઊંચો અભિપ્રાય ધરાવતા ન હોય. પરંતુ તેઓ સમજે છે કે લોકોને પાતળા, ચળકતા, સફેદ - મોટે ભાગે વર્ણસંકર - ચોખા જોઈએ છે અને તેથી તેઓ તેમની મિલોને એવા ચોખા પર પ્રક્રિયા કરવા માટે કસ્ટમાઇઝ કરે છે."

લેનિન સમજાવે છે કે જે ખેડૂત પરંપરાગત ચોખામાં વિવિધતા લાવે છે અને ચોખાની એવી જાતો ઉછેરે છે તેણે તેના પોતાના જ્ઞાન અને નાના (અને દુર્ભાગ્યે ઘટી રહેલા) પ્રોસેસિંગ એકમો પર આધાર રાખવો પડે છે, તેને કેવું સમામાજીક સમર્થન મળશે એ વિષે પણ અગાઉથી કંઈ કહી શકાતું નથી. તેઓ કહે છે, "જ્યારે ઊંચી ઉપજ આપતી ચોખાની આધુનિક જાતો માટે આ બધું જ તૈયાર હોય છે અને સહેલાઈથી ઉપલબ્ધ હોય છે."

*****

તિરુવન્નામલઈ એ ચેન્નાઈથી દક્ષિણ-પૂર્વમાં લગભગ 190 કિલોમીટર દૂર આવેલ ચારે તરફ જમીનથી ઘેરાયેલો જિલ્લો છે. અહીં રહેતી ઓછામાં ઓછી દરેક બીજી વ્યક્તિ "કૃષિ સંબંધિત કામો" પર નિર્ભર છે. આ વિસ્તારમાં ખાંડની મિલો ઉપરાંત ચોખાની અસંખ્ય મિલો છે.

2020-21 માં તિરુવન્નામલઈ તમિળનાડુમાં ડાંગરની ખેતી હેઠળનો ત્રીજો સૌથી મોટો વિસ્તાર ધરાવતો હતો પરંતુ ઉત્પાદનમાં તે પ્રથમ ક્રમે હતો, રાજ્યના ચોખાના કુલ ઉત્પાદનના 10 ટકાથી થોડું વધુ ઉત્પાદન આ જિલ્લામાંથી આવતું. એમ.એસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના ઇકોટેકનોલોજીના મુખ્ય વૈજ્ઞાનિક ડો. આર. ગોપીનાથ કહે છે, “બીજા જિલ્લાઓમાં 3500 કિલોની સામે હેક્ટર દીઠ 3907 કિલોગ્રામની સરેરાશ ઉપજ સાથે ચોખાના ઉત્પાદનમાં તિરુવન્નામલઈ રાજ્યના તમામ જિલ્લાઓને પાછળ રાખી દે છે."

એમએસએસઆરએફના નિયામક - ઇકોટેકનોલોજી, ડો. આર. રેંગલક્ષ્મી કહે છે કે તિરુવન્નામલઈ જિલ્લામાં ડાંગરની ખેતીનું પ્રમાણ ઘણું વધ્યું છે. "આને માટે ઘણા કારણો જવાબદાર છે. એક તો જ્યારે વરસાદ હોય ત્યારે ખેડૂતો જોખમ ઓછું કરવા માગે છે અને ઉપલબ્ધ પાણીનો મહત્તમ ઉપયોગ કરીને ડાંગર ઉગાડવા માંગે છે. આનાથી તેમને સારી ઉપજ અને સંભવત: નફો મળે છે. બીજું, જે પ્રદેશોમાં એ [રાતના ભોજનના] ટેબલ માટે - એટલે કે પરિવારની ખાદ્ય સુરક્ષા માટે - ઉગાડવામાં આવે છે ત્યાં ખેડૂતો ચોક્કસપણે એ ઉગાડશે અને છેલ્લું, ભૂગર્ભ જળ સિંચાઈમાં વધારો થવાથી એક કરતાં વધુ પાક ચક્રમાં વધુ ડાંગર ઉગાડવામાં આવે છે. ડાંગર ઉગાડતો ધરાતલીય જળ આધારિત વિસ્તાર વધ્યો નથી તેમ છતાં ઉત્પાદન વધ્યું છે."

ચોખા એ તરસ્યો પાક છે. ડો. ગોપીનાથ કહે છે, “નાબાર્ડના 'વોટર પ્રોડક્ટિવિટી મેપિંગ ઓફ મેજર ઈન્ડિયન ક્રોપ્સ' (2018) મુજબ એક કિલો ચોખાના ઉત્પાદન માટે લગભગ 3000 લિટર પાણીની જરૂર પડે છે. પંજાબ-હરિયાણા પ્રદેશમાં એ જરૂરિયાત 5000 લિટર સુધી જાય છે."

PHOTO • M. Palani Kumar

હમણાં જ પુન: રોપણી કરેલા ડાંગરના રોપાઓ સાથેનું લેનિનનું ખેતર

લેનિનના ખેતરો 100 ફૂટ ઊંડા ખોદીને બનાવેલા કૂવાના પાણી પર આધાર રાખે છે. “તે અમારા પાક માટે પૂરતું છે. અમે ત્રણ ઇંચની પાઇપ વડે એક સમયે બે કલાક અને વધુમાં વધુ પાંચ કલાક મોટર ચલાવી શકીએ છીએ. પરંતુ," તેઓ કહે છે, "હું મોટર ચાલુ રાખીને આસપાસ ફરવા ન જઈ શકું..."

ડો. રેંગલક્ષ્મી નિર્દેશ કરે છે કે 2000 અને 2010 ની વચ્ચે સિંચાઈ ક્ષમતામાં વધારો થયો હતો. તેઓ કહે છે, "લગભગ તે સમયની આસપાસ વધુ હોર્સપાવર ધરાવતી બોરવેલ મોટરો પણ ઉપલબ્ધ થઈ હતી. એ ઉપરાંત ડ્રિલિંગ મશીનો સામાન્ય બની ગયા હતા. તમિળનાડુમાં તિરુચેંગોડ બોરવેલ રિગ્સ માટેનું કેન્દ્ર હતું. કેટલીકવાર ખેડૂતો દર ત્રણથી ચાર વર્ષે નવો બોર નાખે છે. જો તેઓ માત્ર વરસાદના પાણી પર આધાર રાખતા હોત તો તેઓ માત્ર ત્રણથી પાંચ મહિના કામમાં રોકાયેલા હોત. સિંચાઈને કારણે તેઓ સતત કામ કરી શકતા હતા અને ઉત્પાદકતા પર અસર થતી નહોતી. ચોખા માટે આ એક વળાંક હતો. 1970 સુધી ચોખા મોટે ભાગે તહેવારનું ભોજન હતા; હવે તે રોજેરોજ રાંધવામાં આવે છે. જાહેર વિતરણ પ્રણાલીમાં તેની વ્યાપક ઉપલબ્ધતા સાથે પણ તેના વપરાશમાં વધારો થયો છે."

તમિળનાડુમાં હવે કુલ પાકના 35 ટકા વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે. પરંતુ ઓર્ગેનિક ઇનપુટ્સ સાથે સ્થાનિક (દેશી) જાતો કેટલા ખેડૂતો ઉગાડે છે?

સવાલ સારો છે, લેનિન હસે છે. તેઓ કહે છે, “જો તમે એને એક્સેલ શીટમાં મૂકશો તો તમને પિયતવાળી ડાંગરની જમીનના 1 કે 2 ટકામાં જ પરંપરાગત જાતો જોવા મળશે. તે પણ કદાચ વધારે પડતો અંદાજ કહેવાય. પરંતુ મોટો ફાયદો એ છે કે એ સમગ્ર રાજ્યમાં ફેલાયેલ છે.”

પરંતુ લેનિન પૂછે છે કે આધુનિક જાતો ઉગાડનારા ખેડૂતોને કેવા પ્રકારની તાલીમ મળે છે? "એ બધી ઉત્પાદન વધારવાની અને આવક વધારવાની વાત છે. તમામ સૂચનાઓ ચેન્નાઈ અથવા કોઈમ્બતુરથી વિવિધ બ્લોકમાં અને પછી ત્યાંથી વ્યક્તિગત ખેડૂતોને એમ 'ટોપ ડાઉન' અભિગમથી તેમના સુધી પહોંચે છે.” લેનિન સવાલ ઉઠાવે છે, “શું આ તેમને [વિચાર કરતા] રોકવાની રીત તો નથી?".

તેઓ કહે છે કે માત્ર જ્યારે તેઓ મૂલ્યવર્ધન વિશે વાત કરે છે ત્યારે જ તેમનો અભિગમ 'બોટમ અપ' હોય છે. “અમને ચોખા પર પ્રક્રિયા કરવાની, તેને પેક કરવાની વગેરે સૂચના આપવામાં આવે છે...” ઉત્પાદન અને નફા પર ભાર મૂકવાની વાતથી ખેડૂત અંજાઈ જાય છે. અને વધુ ને વધુ ઉપજના મૃગજળ પાછળ દોડતો થઈ જાય છે.

PHOTO • M. Palani Kumar

લેનિન અને તેના મિત્રો ડાંગરની વિવિધ જાતો હાથમાં લે છે

લેનિન કહે છે કે જૈવિક ખેતી કરતા ખેડૂતો એક જૂથ તરીકે વિવિધતા, ટકાઉપણા અને લોકોને મોટા પ્રમાણમાં અસર કરતા બીજા મુદ્દાઓમાં રસ ધરાવે છે. તેઓ પૂછે છે, "શું ચોખા - અથવા ખેતી - પરની કોઈ પણ ચર્ચા ટેબલ પર, આસપાસ બેઠેલા બધા સહભાગીઓને સમાન ગણીને ન થવી જોઈએ? સમૃદ્ધ અનુભવ ધરાવતા ખેડૂતોને ચર્ચામાંથી શા માટે બાકાત રાખવા જોઈએ?"

તિરુવન્નામલઈમાં જૈવિક ખેતી ખૂબ જ લોકપ્રિય છે. લેનિન કહે છે, "ખાસ કરીને યુવા પુરૂષ ખેડૂતોમાં, 25 થી 30 વર્ષની વયજૂથના ખેડૂતોમાંથી ઓછામાં ઓછા અડધા લોકો રાસાયણ મુક્ત ખેતી કરે છે." તેથી જ અહીં સ્થાનિક પ્રવૃત્તિઓ ઘણી થાય છે. જિલ્લામાં ઘણા માર્ગદર્શકો પણ છે "જમીનદારો માંડીને બિલકુલ જમીન વિનાના, ઘણા શિક્ષકો હતા!" તેઓ કલસપાક્કમ ફોરમના સ્થાપક વેંકટાચલમ ઐયા, તમિળનાડુમાં જૈવિક ખેતીના પિતા તરીકે જાણીતા નમ્માળવાર, પામયન (વિચારક અને જૈવિક ખેડૂત), મીનાક્ષી સુંદરમ અને જિલ્લાના યુવાનો માટે વ્યક્તિગત પ્રેરણારૂપ જૈવિક ખેડૂત અને કૃષિ વૈજ્ઞાનિક ડો. વી. અરિવુડૈ નામ્બીની ભૂમિકા પર ભાર મૂકે છે. તેઓ કહે છે, "કેટકેટલા પ્રખ્યાત લોકોએ અમને શીખવ્યું છે."

કેટલાક ખેડૂતો પાસે (ખેતી સિવાયનો) આવકનો વધારાનો સ્ત્રોત પણ હોય છે. "તેઓ સમજે છે કે ખેતીમાંથી મળતા પૈસા કદાચ પૂરતા ન થાય." આ બીજા ગૌણ કામોમાંથી થતી આવકમાંથી આંશિક રીતે બિલો ચૂકવાય છે.

માર્ચ 2024 માં મારી ત્રીજી મુલાકાત દરમિયાન લેનિન મને કહે છે કે એક ખેડૂત સતત શીખતો રહે છે, એ ક્યારેય શીખવાનું બંધ કરતો નથી. તેઓ કહે છે, “અનુભવ મને પાક વિશે શીખવે છે: ચોખાની એવી જાત જેના છોડ ઊંચા ઊગે છે અને સારી ઉપજ આપે છે, જે વરસાદ વગેરેનો સામનો કરી શકે છે. હું ચાર 'સી' ના માળખા પર પણ આધાર રાખું છું: કન્ઝર્વેશન, કલ્ટીવેશન, કન્ઝમ્શન અને કોમર્સ (સંરક્ષણ, કૃષિ, વપરાશ અને વાણિજ્ય)."

અમે વાડામાંથી તેમના ખેતરો તરફ જઈએ છીએ. એ થોડે દૂર છે, અડદના ખેતરોની પેલે પાર, શેરડીના છોડની બાજુમાં, જ્યાં સપાટ છતવાળા મકાનો ચણાઈ ગયા છે એ પ્લોટ્સ પછી.  લેનિન નિસાસો નાખે છે, “અહીંની જમીન હવે ચોરસ ફૂટના ભાવે વેચાય છે. સમાજવાદી માનસિકતા ધરાવતા લોકો પણ મૂડીવાદને કારણે હવે લલચાયા છે."

તેઓ 25 સેન્ટ (એક એકરના ચોથા ભાગ) જમીનમાં પૂંકાર ઉગાડે છે. ડાંગરના છોડ નાના અને લીલા છે, ડાંગરના રોપા નાના-નાના અને લીલા છે, પાણી માટી જેવા ભૂખરા રંગનું છે અને વૃક્ષો, આકાશ અને સૂર્યને પ્રતિબિંબિત કરે છે. તેઓ કહે છે, “મેં બીજા ખેડૂતને પૂંકારના બીજ આપ્યા હતા. લણણી પછી તેમણે મને એ પાછા વાળ્યા." વિના મૂલ્યે થતો આ વિનિમય સુનિશ્ચિત કરે છે કે બીજ ફરતા રહે છે અને સતત વધતા રહે છે.

જમીનના બીજા ભાગમાં તેઓ અમને વાળૈપૂ સંબા તરીકે ઓળખાતી જાત બતાવે છે. પાકેલા ડાંગરની દાંડીઓ પોતાના હાથમાં ભેગી કરી તેનો સમૂહ બનાવી લેનિન કહે છે, "બીજા સંરક્ષક કાર્તિ અન્નાએ મને આ બીજ આપ્યા હતા. આપણે હવે આધુનિક જાતોને બદલે આ જાતો ઉગાડવી પડશે." ચોખાના દાણા વાળૈપૂ (કેળાના ફૂલ) ના આકારમાં સુંદર રીતે ઝૂલતા હતા, જાણે કે કોઈ જ્વેલરી ડિઝાઈનરે હાથેથી ઘડેલું કોઈ ઘરેણું ન હોય!

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

લેનિન અમને ચોખાની એક પરંપરાગત જાત વાળૈપૂ સંબા બતાવે છે

લેનિન સ્વીકારે છે કે સરકાર પણ વિવિધતા મેળાઓ અને તાલીમ કાર્યક્રમો યોજીને જૈવિક ખેતી અને દેશી જાતોને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ નિર્દેશ કરે છે, “રાતોરાત પરિસ્થિતિ બદલવી શક્ય નથી. તેઓ એક અચાનક ખાતરના તમામ કારખાના અને બિયારણની દુકાનો બંધ ન કરી શકે, કરી શકે કે? બદલાવ ધીમો હશે."

તમિળનાડુના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી એમ.આર.કે. પનીરસેલ્વમે તેમના 2024 ના કૃષિ અંદાજપત્રના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પરંપરાગત ડાંગરની જાતોના સંરક્ષણવિષયક નિલ જયરામન મિશન હેઠળ, "2023-2024 દરમિયાન 12400 એકર વિસ્તારમાં પરંપરાગત જાતોની ખેતી કરવાથી 20979 ખેડૂતોને લાભ થયો હતો."

આ મિશન એ (સ્વર્ગસ્થ) નિલ જયરામનને યોગ્ય શ્રદ્ધાંજલિ છે જેમણે 2007 માં અમારા ચોખા બચાવો અભિયાનના ભાગ રૂપે - નિલ તિરુવિળા નામથી ઓળખાતા - તમિળનાડુના પરંપરાગત ડાંગર બીજ વિનિમય ઉત્સવની શરૂઆત કરી હતી. લેનિન કહે છે, "12 વર્ષમાં તેમણે અને તેમના અનુયાયીઓએ, જૈવિક ખેતી કરતા ઉત્સાહી ખેડૂતો અને બીજ જાળવનારાઓએ લગભગ 174 જાતો એકત્રિત કરી હતી, જેમાંની મોટાભાગની લુપ્ત થવાની આરે હતી."

ખેડૂતો અને ગ્રાહકોમાં ચોખાની પરંપરાગત જાતોને લોકપ્રિય બનાવવા માટે શું કરવું પડે એ લેનિન બહુ સારી રીતે જાણે છે. “જ્યાં નાના વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે ત્યાં મુખ્ય કામ સંરક્ષણ ક્ષેત્રે કરવાનું છે. આનુવંશિક શુદ્ધતા અને વિવિધતાના રક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેતી માટે ફેલાવો જરૂરી છે, જેને માટે સમાજ તરફથી ટેકો મળી રહે એ જરૂરી છે. છેલ્લા બે સી - વપરાશ અને વાણિજ્ય - એકબીજા સાથે સંકળાયેલા છે. તમે બજારો ઊભા કરો અને એને ગ્રાહક સુધી લઈ જાઓ." તેઓ ખુશીથી કહે છે, "દાખલા તરીકે, અમે સીરગ સંબામાંથી અવલ (પૌંઆ) બનાવવાનો પ્રયાસ કર્યો. એ પ્રયોગ ખૂબ સફળ રહ્યો. હવે અમે ખોવાયેલી પ્રક્રિયાઓને ફરીથી શોધીને તેને લોકપ્રિય બનાવવાનું વિચારી રહ્યા છીએ!"

લેનિન કહે છે કે તમિળનાડુમાં સીરગ સંબાનું એક 'આકર્ષક બજાર' છે. “તેઓ બિરિયાનીમાં બાસમતીને બદલે આ ચોખા વાપરવાનું પસંદ કરે છે. તેથી જ અહીં આસપાસ કોઈ બાસમતી પ્રોસેસિંગ યુનિટ નથી.” પાછળ હોર્ન વાગતા સંભળાય છે, જાણે કે તેઓ પણ સીરગ સંબાનો જયજયકાર કરી રહ્યાં ન હોય. તેવી જ રીતે ખેડૂતોમાં કરપ્પ કવનીને ધોનીના છગ્ગા સાથે સરખાવાય છે. માત્ર એક તકલીફ છે. "ધારો કે કોઈ એક વિશાળ જમીન સાથે મેદાનમાં ઉતરે, અને કરપ્પ કવની ચોખા ઉગાડે - ધારો કે, 2000 ગૂણ જેટલા - તો આખી રમત સંપૂર્ણપણે બગડી જાય અને ભાવ તૂટે." ખેતીની નાની જમીનોનો સૌથી મોટો ફાયદો - તેમની વિવિધતા અને નાની માત્રા - ખૂબ ઝડપથી ગંભીર ગેરલાભ બની શકે.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: લેનિને ઉગાડેલી ચોખાની કરપ્પ કવની જાત. જમણે: યિલપૈપુ સંબા, એક પોલિશ કર્યા વગરના કાચા ચોખા, ફોરમ ખાતે વેચાય છે

*****

સૌથી મોટું – અને સમજવામાં સૌથી સરળ – પ્રોત્સાહન ઘણીવાર આર્થિક હોય છે. શું જૈવિક ઇનપુટ્સ સાથે પરંપરાગત ડાંગરની જાતો ઉછેરવી નફાકારક છે? લેનિન ધીમેથી અને મક્કમતાપૂર્વક કહે છે, "હા, છે."

લેનિન અંદાજે 10000 રુપિયા પ્રતિ એકરના નફાની ગણતરી કરે છે. તેઓ કહે છે, “એક એકર પરંપરાગત ચોખા જૈવિક પદ્ધતિથી ઉછેરવામાં ઇનપુટ ખર્ચ 20000 રુપિયા આવે છે. કેમિકલ ઇનપુટ્સ સાથે તે 30000 થી 35000 રુપિયાની વચ્ચે આવે છે. ઉપજ પણ ખર્ચને સપ્રમાણ હોય છે. પરંપરાગત ચોખાનું ઉત્પાદન સરેરાશ 75 કિલોની 15 થી 22 બોરીઓ વચ્ચે હોય છે. આધુનિક જાતો માટે એ લગભગ 30 બોરીઓ જેટલું રહે છે.”

લેનિન પોતે મોટા ભાગનું કામ જાતે, હાથેથી કરીને ખર્ચ ઓછો રહે તેવું કરે છે. લણણી કર્યા પછી તે બંડલો બનાવે છે, ઝૂડે કરે છે અને કણસલામાંથી દાણા છૂટા પાડે છે, અને તેને બોરીઓમાં સંગ્રહિત કરે છે. તેનાથી તેમને એકર દીઠ લગભગ 12000 રુપિયાની બચત થાય છે. પરંતુ તેઓ તેની સાથે સંકળાયેલા શ્રમનું મૂલ્ય ન આંકવા અથવા એને રોમેન્ટિક ન બનાવવા માટે સાવચેત છે. તેઓ કહે છે, “મને લાગે છે કે અમારે વધુ સ્થાનિક ડેટાની જરૂર છે. જેમ કે, 30 સેન્ટમાં માપિળૈ સંબા જેવી પરંપરાગત જાતની ખેતી કરો અને હાથથી અને મશીનથી લણણી કરવા માટે કેટલો ખર્ચ થાય છે તેની ગણતરી કરો અને તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરો." તે વ્યવહારુ વાત છે કે યાંત્રિકરણથી મુશ્કેલી ઓછી થઈ શકે છે પરંતુ ખર્ચ નહીં. તેઓ ઉમેરે છે, “જો ખર્ચ મોં કોઈ લાભ થતો હોય તો એટલી વાત નક્કી છે કે એ ખેડૂત સુધી પહોંચતો નથી. (વચ્ચે જ) તેનું બાષ્પીભવન થઈ જાય છે."

દેબાલ દેબને ટાંકીને લેનિન કહે છે કે નફાને અલગ રીતે સમજવાની જરૂર છે. "જો તમે બધું જ ઉમેરો -સૂકું ઘાસ, ભૂસું, પૌંઆ, બીજના દાણા અને અલબત્ત ચોખા પોતે - તો એ નફાકારક છે. છુપી બચત એ છે કે જમીનને કેટલો ફાયદો થાય છે. મંડીમાં ચોખા વેચવાથી આગળ વધીને વિચારવું જરૂરી છે.”

પરંપરાગત જાતો પર ખૂબ ઓછી પ્રક્રિયા કરીએ તો પણ ચાલે. "ગ્રાહકો જૈવિક ઉત્પાદનો પાસે સંપૂર્ણતાની અપેક્ષા રાખતા નથી." ખેડૂતો દરેક જગ્યાએ એ સમજાવે છે - કે સફરજન વિચિત્ર આકારના હોઈ શકે છે, ગાજરમાં ખાડા-ટેકરા હોઈ શકે છે, અને ચોખા એકસરખા કદના કે રંગના ન પણ હોય. પરંતુ એ આરોગ્યપ્રદ છે, અને માત્ર દેખાવ એ તેમને નકારવા માટેનું કોઈ કારણ નથી.

પરંતુ અર્થશાસ્ત્ર સમતોલ રાખવા માટે ખેડૂત જૂથો વેચાણ અને પુરવઠા શૃંખલાની કાળજી લે એ મહત્વપૂર્ણ - અને જરૂરી છે. અને લેનિન તેમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. છેલ્લા બે વર્ષથી તેમણે પોતાના ગોડાઉનમાંથી પ્રદેશના ઘણા ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા દેશી ચોખાનું વિતરણ કર્યું છે. છેલ્લા 6 મહિનામાં તેણે 10x11 ફૂટના શેડમાંથી 60 ટન ચોખા વેચવામાં મદદ કરી છે. તેમના ગ્રાહકોને તેમના પર વિશ્વાસ છે અને તેઓ તેમને બરોબર ઓળખે છે. લેનિન કહે છે, “તેઓ મને બેઠકમાં બોલતા સાંભળે છે, મારું ઘર ક્યાં છે એ તેમને ખબર છે અને હું શું કામ કરું છું એ તેમને ખબર છે. તેથી તેઓ ફક્ત તેમની ઉપજ અહીં લઈ આવે છે અને જ્યારે પણ હું એ વેચું ત્યારે તેમને ચૂકવણી કરું તેમ કહે છે."

PHOTO • M. Palani Kumar

લણણી કરેલ ડાંગરના કણસલા, ઝૂડીને દાણા છૂટા કરાય તેની રાહમાં

PHOTO • M. Palani Kumar
PHOTO • Aparna Karthikeyan

ડાબે: લેનિન મારક્કાનો ઉપયોગ કરીને ડાંગરને માપે છે અને તેનું વજન કરે છે. જમણે: લેનિન ડિલિવરી માટે વિગ્નેશની બાઇક પર ચોખાની બોરીઓ લાદી રહ્યા છે

તેમના ગ્રાહકો આખો દિવસ તેમને ફોન અને મેસેજ કરે છે. આ એક અઘરું કામ છે, અને તેઓ આખો દિવસ ઊભા ઊભા વજન કરે છે, પેકિંગ કરે છે અને કેટલીકવાર પેક કરેલી બેગ તિરુવન્નામલઈ, આરણિ, કણ્ણમંગળમ…જેવા નજીકના નગરોમાં પહોંચાડે છે.

લેનિનના કેટલાક ગ્રાહકો તો આપણે વિચારી ન શકીએ એવા પણ છે. લેનિન કહે છે, "જેઓ (રાસાયણિક) ખાતર વેચે છે, જેઓ હાઇબ્રિડ (સંકર) બિયારણને લોકપ્રિય બનાવે છે, એ બધા મારી પાસેથી ચોખા ખરીદે છે." તેઓ આ વિડંબના પર હસે છે. તેઓ ઉમેરે છે, “એગ્રી ઇનપુટ કંપનીના માલિકો મને તેમની દુકાનમાં નામ વગરની બોરીમાં ચોખા મૂકી જવાનું કહે છે. અને તેઓ મને જી-પેથી પૈસા ચૂકવે છે. તેઓ આ બધું કોઈ જાતની હોહા કર્યા વિના થાય એવું ઈચ્છે છે.”

ચોખાના વિતરણમાંથી દર મહિને ચારથી આઠ લાખનું ટર્નઓવર થાય છે. લગભગ 4000 થી 8000 રુપિયાનો નફો થાય છે. જો કે, લેનિન ખુશ છે. તેઓ કહે છે, “જ્યારે મેં શહેરમાં ચોખાનો સંગ્રહ કરવા માટે એક ઓરડો ભાડે રાખ્યો હતો, ત્યારે પુષ્કળ ખર્ચ થતો હતો. ભાડું ઊંચું હતું, ખેતરથી દૂર રહેવાનું અઘરું હતું, અને મદદનીશને કરવી પડતી ચૂકવણી પાછળ પુષ્કળ પૈસા ખર્ચાતા હતા. તે સમયે મને નજીકની ચોખાની એક મોટી મિલનો ખૂબ ડર રહેતો હતો. તેની ઘણી શાખાઓ હતી અને તેમની પાસે એકદમ નવી મશીનરી હતી. હું મિલમાં પેસતા પણ ખચકાતો. પછીથી મને ખબર પડી કે તેમના પર તો કરોડોનું દેવું છે.

લેનિન કહે છે કે, અગાઉની પેઢીએ પરંપરાગત ચોખાને પ્રોત્સાહન આપતી વખતે કોઈ કમાણી કરી ન હતી. "હું થોડો નફો કરું છું, કુદરત સાથે જીવું છું, પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરું છું અને ખોવાઈ ગયેલી ચોખાની જાતોને ફરી એકવાર વપરાશમાં લાવું છું." તેમનું મોટું સ્મિત જાણે આપણને પૂછે છે, આમાં ન ગમવા જેવું શું છે?

લેનિનનું સ્મિત હંમેશા તેમની આંખો સુધી પહોંચે છે. જ્યારે તેઓ તેમની યોજનાઓ વિશે વાત કરે છે ત્યારે તેમની આખોમાં એક ચમક હોય છે. તે પાંચ ક્ષેત્રોમાં પરિવર્તન લાવવા માંગે છે: બીજ, વાણિજ્ય, પુસ્તકો, હસ્તકલા અને વાતચીત.

ખેતરમાં બે કૂતરાં અમારી આસપાસ ઘૂમ્યા કરે છે અને અમારી વાતચીત સાંભળે છે.  હું ફોટા લઉં છું ત્યારે લેનિન હસીને કહે છે, "બિલાડીઓ ખેડૂતો માટે વધુ મદદરૂપ છે, ખાસ કરીને જો એ ઉંદર પકડવામાં સારી હોય તો." નાનો કૂતરો પોતાની જીભ મોઢાની બહાર લટકાવી અમારી સામે જુએ છે.

*****

કલસપાક્કમ ઓર્ગેનિક ફાર્મર્સ ફોરમ માર્ચ 2024 માં તેમની માસિક બેઠકમાં 5મીએ ત્રણ દિવસ વહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે.આ બેઠકમાં પુરુષોનું મહત્ત્વ ઓછું હોય છે. સ્ત્રીઓ બોલે છે. ખેડૂત સુમતિ પુરુષોને પૂછે છે: "જો તમારા કુટુંબની બધી મહિલાઓ - તમારી બહેન, તમારી પત્ની - ના પોતાના નામે જમીન હોત તો અહીં વધુ મહિલાઓ હોત ખરું કે નહીં?" તેમના પ્રશ્નને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવે છે.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

કલસપાક્કમ ઓર્ગેનિક ફોરમની 5 મી માર્ચ 2024 ની બેઠક, જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

PHOTO • Sabari Girisan
PHOTO • Aparna Karthikeyan

જુલાઈ 2023 માં કલસપાક્કમ ખાતે શુક્રવારનું બજાર જ્યાં ખેડૂતો પોતાની ઉપજ લઈને બેસે છે અને સીધી ગ્રાહકોને વેચે છે

રાજેન્દ્રન જાહેરાત કરે છે, "આપણે દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવાના છીએ." બધા તાળીઓ પાડે છે. તેમની પાસે બીજી યોજનાઓ પણ છે. બે વર્ષ પહેલા શરૂ થયું હતું તે દર શુક્રવારે ભરાતું સાપ્તાહિક બજાર ખૂબ સફળ રહ્યું છે. નજીકના ગામડાઓમાંથી લગભગ દસ ખેડૂતો તેમની ઉપજ લાવે છે અને કલસપાક્કમમાં એક શાળાની સામે આમલીના ઝાડની છાયામાં બેસીને એ વેચે છે. વાર્ષિક બીજ ઉત્સવ માટે તમિળ મહિના આડિમાં વાવણીની મોસમ પહેલાંની (મધ્ય જુલાઈથી મધ્ય ઑગસ્ટ દરમિયાનની) તારીખો નક્કી કરવામાં આવે છે. અને જાન્યુઆરીમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. રાજેન્દ્રન કહે છે, “ચાલો મે મહિનામાં એક મહાપંચાયત કરીએ. "આપણે વધુ વાત કરવાની, વધુ કામ કરવાની જરૂર છે."

જો કે કેટલાક મુદ્દાઓ છે જેની જાહેરમાં ચર્ચા થતી નથી. લેનિન ઉમેરે છે કે ડાંગર એ ખેડૂતોમાં પ્રતિષ્ઠિત પાક ગણાતો હશે; પરંતુ ખેડૂતો સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતા નથી. રાજેન્દ્રન કહે છે, “ચલચિત્રોની જ વાત લો, ચલચિત્રોના નાયકો હંમેશા તબીબો, ઈજનેરો અને વકીલો હોય છે. ખેડૂતો હોય છે ક્યારેય?” લેનિન જણાવે છે કે, "આ બધું લગ્નના બજારમાં ખેડૂતોને કેવી દ્રષ્ટિથી જોવામાં આવે છે તેની પર અસર કરે છે."

લેનિન કહે છે, "જો અમારી પાસે જમીન હોય, પદવી ((ડિગ્રી) હોય - (ક્યારેક તો બે-બે) હોય અને સરખી આવક હોય તો પણ અમને ખેડૂત હોવાને કારણે નકારવામાં આવે છે. ખેતી પોતે જ એટલી અનિશ્ચિત થઈ ગઈ છે કે વૈવાહિક કોલમમાં ખેડૂત હોય એવા મુરતિયા માટે પૂછતા લોકો તમને જોવા મળતા નથી, ખરું કે નહીં?"

એક પ્રામાણિક ખેડૂત અને વિતરક તરીકે લેનિન ઘણી સામાજિક સમસ્યાઓનો ઉકેલ વિવિધતામાં જુએ છે. તેઓ કહે છે, “જીવનની જેમ આજીવિકામાં પણ જ્યારે તમે સંસાધનો વધારો છો ત્યારે તમે સફળતાની તકો વધારો છો."

જ્યારે તમે વધુ જાતોની ખેતી અને વેચાણ કરો છો ત્યારે તમે જોખમો ઘટાડો છો. તેઓ કહે છે, "અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટેનો આ એકમાત્ર રસ્તો છે." તેઓ ચોક્કસ ઉદાહરણો અને વૃદ્ધિના સમયગાળા સાથે આ વાત સમજાવે છે. તેઓ કહે છે, “આધુનિક જાતો ટૂંક સમયમાં લણણી માટે તૈયાર થઈ જાય છે, અને દેશી ડાંગર વધુ સમય લે છે એવી એક ખોટી માન્યતા છે. આ વાત ખોટી છે. પરંપરાગત બીજમાં ટૂંકા અને લાંબા બંને સમયગાળાના લણણી ચક્ર હોય છે. જ્યારે વર્ણસંકર બીજના લણણી ચક્ર મોટાભાગે મધ્યમ સમયગાળાના હોય છે. તેમની પાસે લણણી માટે માત્ર એક કે બે નિશ્ચિત સમયગાળા હોય છે.”

પરંપરાગત ડાંગરમાં ઘણા વધુ વિકલ્પો છે. “કેટલાક ઉજવણી માટે (તહેવારોમાં વાપરવા) ઉગાડવામાં આવે છે તો કેટલાક ઔષધીય છે. તે મજબૂત, જંતુઓ સામે પ્રતિરોધક, દુષ્કાળમાં અને જમીનની ખારાશ સામે પણ ટકી શકે એવા હોય છે.”

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

લેનિનને ઉગાડેલી ડાંગરની ખુદરૈ વાલ સંબા (ડાબે) અને રત્તસાલિ (જમણે) જાતો

ડો.રેંગલક્ષ્મી કહે છે જ્યાં મુશ્કેલીઓ વધુ હોય છે ત્યાં વિવિધતા પણ વધુ હોય છે. “તટીય તમિળનાડુ, અને ખાસ કરીને કડલુરથી રામનાથપુરમ જિલ્લાઓ સુધીનો વિસ્તાર લો, ત્યાં ખારાશ અને જમીનનો પ્રકાર ડાંગરના ઘણા અલગ જ પરંપરાગત પ્રકારો તરફ દોરી જાય છે, જે જુદા જુદા સમયગાળામાં પરિપક્વ થાય છે. દાખલા તરીકે, નાગપટ્ટિનમ અને વેદારણ્યમ વચ્ચેના વિસ્તારમાં કુળિવેડિચાન નામના ચોખા અને એવી બીજી 20 થી વધુ જાતો ઉગાડવામાં આવતી હતી.

“નાગપટ્ટિનમ અને પૂમ્બુહાર વચ્ચે કુળુરુંડઈ નામની બીજી જાતના ચોખા પાકે છે અને તે જ રીતે ભૂતકાળમાં સૂક્ષ્મ કૃષિ-ઇકોસિસ્ટમનું સંચાલન કરવા માટે સ્થાનિક રીતે બંધબેસતી હોય એવી ઘણી જાતોની ખેતી કરવામાં આવતી હતી. આ બીજને વંશપરંપરાગત વસ્તુ માનવામાં આવતા હતા અને આગામી મોસમ માટે સાચવવામાં આવતા હતા. પરંતુ હવે બહારથી બીજ આવતા હોવાથી તેને સાચવવાની આદત ભૂલાઈ ગઈ છે."  તેથી જ જ્યારે આબોહવા પરિવર્તનને કારણે વધુ તકલીફ હોય છે ત્યારે ડો. રેંગલક્ષ્મીના મતે "વિવિધતાઓનું જ્ઞાન વિસરાઈ જાય છે."

લેનિન કહે છે કે બહુવિધ પાક લેતી ખેતીની નાની જમીનો દ્વારા વિવિધતા ટકી રહે છે. તેઓ કહે છે, "મશીનરી પ્રક્રિયાઓ અને મોટા બજારોને કારણે તેને ઈજા પહોંચે છે. આબોહવા પરિવર્તનને કારણે પડકારોનો સામનો કરી રહેલા વરસાદ આધારિત વિસ્તારોમાં ઉગાડી શકાય એવા પાકો અત્યારે પણ છે. રાગી, તલ, લીલા ચણા, દેશી વાલ, બાજરી, જુવાર…આ પાકો ઉત્તમ છે. પરંતુ જ્યારે ખેડૂતો ઔદ્યોગિક કૃષિ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, અને જ્યારે કૃષિ આધારિત સામાજિક માળખું યાંત્રિક પ્રવૃત્તિઓની શ્રેણી દ્વારા બદલવાઈ રહ્યું છે ત્યારે જ્ઞાન ઝડપભેર ભૂલાઈ રહ્યું છે.”

સૌથી મોટું નુકસાન વિસરાતું જતું કૌશલ્ય છે. એટલા માટે નહીં કે આ જ્ઞાન બિનજરૂરી છે, પરંતુ એટલા માટે કે આ જ્ઞાન - અને આ કૌશલ્યને - પછાત ગણવામાં આવે છે. લેનિન દલીલ કરે છે, “અને કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ આવું ન કરે. આ વિનાશક માન્યતાને કારણે ઘણા લોકો સમાજની નજરમાંથી ઉતરી ગયા છે."

લેનિન માને છે કે આનો ઉકેલ છે. “જરૂર છે મૂળ આ પ્રદેશની હોય એવી જાતો ઓળખી કાઢવાની; અને પછી તેને સાચવવાની, તેની ખેતી કરવાની અને તેને આપણી થાળીમાં પાછી લાવવાની. પરંતુ એ માટે તમારે માત્ર તિરુવન્નામલઈમાં જ એક સો સાહસિકોની જરૂર છે, એક રાક્ષસ જેવા બજારનો સામનો કરવા માટે."

“પાંચ વર્ષમાં હું સહકારી ખેતીનો ભાગ બનીને સામૂહિક ખેતી શરૂ કરવા માગું છું. તમે તો જાણો છો કે ગયા વર્ષે ઘણા દિવસો સુધી વરસાદ પડ્યો હતો, અને ચાલીસ દિવસ સુધી પૂરતો સૂર્યપ્રકાશ નહોતો. અમારે ડાંગરને સુકાવવા શી રીતે? અમારે ડ્રાયર સુવિધા વસાવવાની જરૂર છે. સામૂહિક રીતે કામ કરીશું તો અમારી પાસે તાકાત હશે."

તેમને ખાતરી છે કે પરિવર્તન આવશે. એ વાત તેમના અંગત જીવનની છે: તેઓ જૂનમાં લગ્ન કરી રહ્યા છે. તેઓ કહે છે, “રાજકીય અથવા નીતિના સ્તરે પરિવર્તન ફક્ત ક્રમિક જ હોઈ શકે છે. ખૂબ મોટું પરિવર્તન ખૂબ ઝડપથી કરવા જાઓ તો ધાર્યા કરતા સાવ ઊલટું પરિણામ આવે એવું બની શકે છે.

તેથી જ લેનિનની તેમના મિત્રો સાથેની ધીમી, શાંત ક્રાંતિ કદાચ વધુ સારી રીતે સફળ થઈ શકે છે...

આ સંશોધન અભ્યાસને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તેના સંશોધન ભંડોળ કાર્યક્રમ 2020 ના ભાગરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

ટીપર* એ પાછળની તરફ પ્લેટફોર્મ ધરાવતી ટ્રક છે, આ પ્લેટફોર્મને તેના આગળના છેડે ઊભું કરીને ટ્રકની ઉપર લાદેલ માલને ઉતારી શકાય છે.

મુખપૃષ્ઠ છબી: ચોખાની જાતો – કુળ્ળંકાર, કરુદન સંબા અને કરુનસીરક સંબા. ફોટો - એમ. પલની કુમાર

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Aparna Karthikeyan

اپرنا کارتی کیئن ایک آزاد صحافی، مصنفہ اور پاری کی سینئر فیلو ہیں۔ ان کی غیر فکشن تصنیف ’Nine Rupees and Hour‘ میں تمل ناڈو کے ختم ہوتے ذریعہ معاش کو دستاویزی شکل دی گئی ہے۔ انہوں نے بچوں کے لیے پانچ کتابیں لکھیں ہیں۔ اپرنا اپنی فیملی اور کتوں کے ساتھ چنئی میں رہتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز اپرنا کارتکیئن
Photographs : M. Palani Kumar

ایم پلنی کمار پیپلز آرکائیو آف رورل انڈیا کے اسٹاف فوٹوگرافر ہیں۔ وہ کام کرنے والی خواتین اور محروم طبقوں کی زندگیوں کو دستاویزی شکل دینے میں دلچسپی رکھتے ہیں۔ پلنی نے ۲۰۲۱ میں ’ایمپلیفائی گرانٹ‘ اور ۲۰۲۰ میں ’سمیُکت درشٹی اور فوٹو ساؤتھ ایشیا گرانٹ‘ حاصل کیا تھا۔ سال ۲۰۲۲ میں انہیں پہلے ’دیانیتا سنگھ-پاری ڈاکیومینٹری فوٹوگرافی ایوارڈ‘ سے نوازا گیا تھا۔ پلنی تمل زبان میں فلم ساز دویہ بھارتی کی ہدایت کاری میں، تمل ناڈو کے ہاتھ سے میلا ڈھونے والوں پر بنائی گئی دستاویزی فلم ’ککوس‘ (بیت الخلاء) کے سنیماٹوگرافر بھی تھے۔

کے ذریعہ دیگر اسٹوریز M. Palani Kumar

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

کے ذریعہ دیگر اسٹوریز Maitreyi Yajnik