દરરોજ સવારે આકીફ એસ.કે. હેસ્ટિંગ્સ વિસ્તારમાં એક પુલ નીચે તેમની કામચલાઉ ઝુપરી (ઝૂંપડી)માંથી નીકળીને કોલકાતાના લોકપ્રિય પ્રવાસી આકર્ષણ એવા વિક્ટોરિયા મેમોરિયલ તરફ જાય છે. રસ્તામાં તેઓ રાણી અને બિજલીને પણ સાથે લઈને જાય છે.
તેમણે તેમના બે પાલતું ઘોડાઓનાં નામ પણ રાખ્યાં છે, જેઓ તેમની મોસમી આજીવિકાનું સાધન છે. આકીફ કહે છે, “[અમી ગારી ચલાઈ] હું ગાડી ચલાવું છું.” તેઓ પોતાનાં પ્રાણીઓને હેસ્ટિંગ્સ વિસ્તાર નજીક રાખે છે, અને તેમને સવારે 10 વાગ્યાની આસપાસ વિક્ટોરિયા વિસ્તારમાં લાવે છે, જે મધ્ય કોલકાતામાં આરસપહાણની ઈમારત અને ખુલ્લા મેદાનની આસપાસના વિસ્તારનું સ્થાનિક નામ છે. બ્રિટિશ શાસક, રાણી વિક્ટોરિયાનું સ્મારક 1921માં જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આકીફની ગાડી, જેને તેઓ દરરોજ ભાડે લે છે, તે વિક્ટોરિયા મેમોરિયલ ખાતે ક્વીન્સ વે તરીકે ઓળખાતા રસ્તા પર પાર્ક કરવામાં આવે છે. લગભગ 10 ગાડીઓની હરોળમાંથી તેમની ગાડી તરફ ઈશારો કરતાં તેઓ કહે છે, “મારી ગાડી સોનેરી રંગની છે.” જો કે, તે અલગ બાબત છે કે અહીંની મોટાભાગની ગાડીઓમાં તે જ રંગ અને વિસ્તૃત ફૂલોની ભાત અને પક્ષીઓની રચના જોવા મળે છે, અને તે એક શાહી રથ જેવી દેખાય છે. પરંતુ આકીફની ચમકતી ગાડી અલગ છે − તેઓ તે ગાડીને દરરોજ બે કલાક સાફ કરીને ચમકાવે છે જેથી બ્રિટિશ રાજ સમયના જીવનની ઝલક મેળવવા માંગતા લોકો તેને માણી શકે.
શેરીની પેલે પાર, વિક્ટોરિયા મેમોરિયલના દરવાજા પર નાની ભીડ પહેલેથી જ એકઠી થઈ ગઈ છે. 2017માં આ કામ કરવાની શરૂઆત કરનાર ગાડી ચાલક કહે છે, “પહેલાંના દિવસોમાં રાજાઓ અહીં રહેતા હતા અને તેઓ આવી ગાડીઓમાં ફરતા હતા. હવે વિક્ટોરિયાના મુલાકાતીઓ પણ તેઓ અનુભવ મેળવવા માગે છે.” તેઓ આગળ ઉમેરે છે, “જ્યાં સુધી વિક્ટોરિયા [મેમોરિયલ] છે, ત્યાં સુધી અહીં ઘોડાગાડીઓ પણ રહેશે.” અને તેના લીધે તેમના જેવા ગાડી ચાલકોની નોકરી પણ તે જ રીતે સલામત રહેશે. હાલમાં આ વિસ્તારમાં લગભગ 50 ઘોડાગાડીઓ કાર્યરત છે.
શિયાળાની મોસમ છે અને કોલકાતામાં લોકો દિવસના સમયે તડકામાં સમય પસાર કરવા બહાર નીકળ્યા છે, અને તેથી આકીફ વ્યસ્ત થઈ ગયા છે, ખાસ કરીને સાંજના સમયે. તેઓ કહે છે કે આ મોસમ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે જેના પછી ગરમી ખૂબ વધી જાય છે અને બહુ ઓછા લોકો ખુલ્લામાં સવારી માટે આવે છે.
અમે સ્મારકની સામે ફૂટપાથ પર આવેલી ઘણી નાસ્તાની અને ચાની દુકાનો પાસે બેઠા છીએ, જ્યાં પ્રવાસીઓ અને વાહનચાલકો નાસ્તો કરી શકે છે.
રાણી અને બિજલી ઘોડાઓ અમારાથી થોડે દૂર ઊભા છે, તેમના નાસ્તામાં ગોમ-એર ભુશી (ઘઉંની ભૂસી), બિચાલી, દાના (અનાજ) અને ઘાસ ખાતાં ખાતાં ક્યારેક ક્યારેક માથું ધૂણાવે છે. એક વાર તેઓ ધરાઈ જાય અને હાલના સમયનો રથ તૈયાર થઈ જાય, ત્યારે તેઓ ટૂંક સમયમાં કામ પર આવી જશે. તેમના ઘોડાઓને સારી રીતે ખવડાવવા અને સાફ રાખવા એ ઘોડાગાડી ચાલકોની આજીવિકાની ચાવી છે. આકીફ કહે છે, “એક ઘોડાની સંભાળ રાખવા માટે દરરોજ 500 રૂપિયા ખર્ચ થાય છે.” દાણા અને ઘાસ ઉપરાંત તેમને બિચાલી (લીલી ડાંગર) પણ ખવડાવાય છે જે તેઓ વટગંજ પાસે કિદરપુરમાંની એક દુકાનમાંથી ખરીદે છે.
તેમનાં મોટાં બહેન તેમના માટે બપોરનું ભોજન રાંધીને અને પેક કરીને તેમને મોકલાવે છે.
જ્યારે અમે સવારે આકીફને મળીએ છીએ, ત્યારે ભીડ હજુ જમા થવાની બાકી છે. પ્રસંગોપાત, પ્રવાસીઓનું એક જૂથ ગાડીઓ સુધી ચાલતું આવે છે અને તરત જ દિવસની પ્રથમ સવારી મેળવવાની આશામાં વિવિધ ડ્રાઇવરો તેમને ઘેરી વળે છે.
રાત્રે 9 વાગ્યા સુધી કામ કરતા આકીફ કહે છે, “સારા દિવસે, મને લગભગ ત્રણથી ચાર સવારી મળે છે.” એક સવારી લગભગ 10 થી 15 મિનિટ સુધી ચાલે છે, જે વિક્ટોરિયા મેમોરિયલના દરવાજાથી શરૂ થાય છે, અને રેસ કોર્સને પાર કરીને ફોર્ટ વિલિયમના દક્ષિણ દ્વારથી વળાંક લે છે. અહીંના દરેક સવારી માટે ડ્રાઇવરો 500 રૂપિયા વસૂલે છે.
આકીફ કહે છે, “હું 100 રૂપિયા કમાઉં, તો તેમાંથી હું 25 રૂપિયા નફો મેળવું છું.” બાકીનું તેના માલિક પાસે જાય છે. જો સારો દિવસ હોય, તો ગાડીની સવારીઓમાંથી 2,000-3,000 રૂપિયા કમાણી થઈ જશે.
પરંતુ આમાંથી કમાણી કરવાના અન્ય રસ્તાઓ પણ છે. તેઓ ઉમેરે છે, “જ્યારે લગ્ન પ્રસંગે આ બગીઓ ભાડે લેવામાં આવે ત્યારે”. વરરાજા માટે આ ગાડીની કિંમત સ્થળ કેટલું દૂર છે તેના પર નિર્ભર કરે છે. જો શહેરની અંદર જ જવાનું હોય, તો કિંમત 5,000-6,000 રૂપિયાની વચ્ચે હોય છે.
આકીફ કહે છે, “અમારું કામ વરરાજાને સ્થળ પર લઈ જવાનું છે. એકવાર તે પહોંચી જાય, એટલે અમે ઘોડા અને ગાડી સાથે પાછા આવી જઈએ છીએ.” કેટલીકવાર, તેઓ કોલકાતાની બહાર પણ મુસાફરી કરે છે. આ રીતે આકીફ તેમની ઘોડાગાડી સાથે મેદિનીપુર અને ખડગપુર પણ ગયેલા છે. તેઓ કહે છે, “હું હાઇવે પર બે-ત્રણ કલાક ચાલતો અને જરૂર પડે ત્યારે આરામ કરતો.” રાત્રે તેઓ હાઇવેની બાજુમાં રોકાતા, ઘોડાઓને બાંધી દેતા અને ગાડીમાં સૂઈ જતા.
આકીફ કહે છે કે, “ફિલ્મના શૂટિંગ માટે પણ ગાડીઓ ભાડે લેવામાં આવે છે.” થોડા વર્ષો પહેલાં તેઓ લગભગ 160 કિલોમીટરનું અંતર કાપીને બંગાળી ટીવી સિરિયલના શૂટિંગ માટે બોલપુર શહેરમાં ગયા હતા. પરંતુ લગ્ન અને શૂટ આવકના નિયમિત સ્રોત નથી અને જ્યારે અહીં કામ ઓછું હોય ત્યારે તેણે કમાણીના અન્ય માધ્યમો શોધવાની જરૂર પડે છે.
આકીફ ઓક્ટોબર 2023થી આ બે ઘોડાઓ સાથે કામ કરી રહ્યા છે. 22 વર્ષીય આકીફ કહે છે, “જ્યારે મેં આ કામ શરૂ કર્યું, ત્યારે હું મારી [પરિણીત] બહેનના પરિવારના ઘોડાઓ સાથે પાર્ટ-ટાઇમ કામ કરતો હતો.” થોડા સમય માટે, આકીફે બીજા કોઈની હેઠળ કામ કર્યું હતું, અને હવે, તેઓ તેમની બહેનના પરિવારની માલિકીની ઘોડાગાડીઓમાં કામ કરી રહ્યા છે.
આકીફની જેમ અહીંના ઘણા કામદારો માટે, ઘોડાગાડીઓ ચલાવવી અથવા ઘોડાઓની સંભાળ રાખવી એ પૂર્ણ-સમયનો વ્યવસાય નથી.
આકીફ કહે છે, “મેં ઘરોમાં રંગ કરવાની તાલીમ લીધેલી છે, અને હું બડાબઝારમાં એક મિત્રની કપડાની દુકાનમાં પણ કામ કરું છું.” તેઓ આગળ ઉમેરે છે, “મારા પિતા એક રોંગ-મિસ્તિરી [ઘરો અને ઇમારતોને રંગતા મજૂર] હતા. મારો જન્મ થયો તે પહેલાં તેઓ 1998માં કોલકાતા આવ્યા હતા.” તેઓ બારાશાતમાં રહેતા હતા અને ત્યાં તેમના પિતા શાકભાજી વેચતા હતા. તેમના માતાપિતા વધુ સારું જીવન જીવવા માટે મોટા શહેરમાં રહેવા ગયાં હતાં, જ્યાં આકીફનાં માસી લગ્ન કર્યા પછી રહેતાં હતાં. આકીફ કહે છે, “મારાં માસીએ મારો ઉછેર કર્યો હતો, કારણ કે તેમને કોઈ દીકરા નહોતા.” તેમના પિતા અલાઉદ્દીન શેખ અને માતા સઈદા ઉત્તર 24 પરગણાના બારાશાતમાં તેમના પૂર્વજોના ઘરે પરત ફર્યા છે, જ્યાં અલાઉદ્દીન કોસ્મેટિક ચીજવસ્તુઓનું વેચાણ કરતી એક નાની દુકાન ચલાવે છે.
આકીફ હવે એકલા રહે છે; તેમનો નાનો ભાઈ તેમની બહેન સાથે રહે છે અને ક્યારેક ક્યારેક તેના સાસરિયાઓની માલિકીની ઘોડાગાડીઓ ચલાવે છે.
ઘોડાગાડીઓના ચાલકોને નડતી સમસ્યાઓ ફક્ત કામના અભાવ પૂરતી સીમિત નથી. આકીફ કહે છે, “મારે પોલીસને રોજ 50 રૂપિયા લાંચ પણ આપવી પડે છે.” જ્યારે અમે તેમને પૂછીએ કે શું તેમણે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) દ્વારા ઘોડાથી ચાલતી ગાડીઓ પર પ્રતિબંધ મૂકવા માટે દાખલ કરવામાં આવેલી અરજી વિષે સાંભળ્યું છે કે કેમ, ત્યારે તેઓ જવાબ આપે છે, “દર મહિને કોઈને કોઈ વ્યક્તિ આવે છે અને અમને ઘોડાનો ઉપયોગ કરવા બદલ ઠપકો આપે છે. પછી હું તેમને પૂછું છું, ‘તો તમે બધી ઘોડાગાડીઓ ખરીદીને અમને પૈસા કેમ નથી આપતા?’ આ ઘોડાઓ અમારી આજીવિકા છે.”
પેટાની અરજીમાં ઘોડાગાડીઓને બદલે ઇલેક્ટ્રિક ગાડીઓની પણ માંગ કરવામાં આવી છે. ઘોડાગાડી હંકારતા આ યુવક સ્મિત કરીને પૂછે છે, “જો ઘોડા જ ન હોય, તો તમે તેને ઘોરાર ગાડી [ઘોડાગાડી] કેવી રીતે કહી શકો?”
આકીફ કબૂલ કરે છે, “કેટલાક લોકો એવા છે જેઓ તેમના ઘોડાઓની સંભાળ રાખતા નથી. પણ [હું એવો નથી, હું ઘોડાઓની] કાળજી લઉં છું. તમે તેમને જોઈને જ કહી શકો છો કે તેમની સારી કાળજી લેવામાં આવી છે કે નહીં!”
અનુવાદક: ફૈઝ મોહંમદ