ઉત્તર કોલકાતામાં કુમોરટુલીની સાંકડી ગલીઓમાં, કે જ્યાંથી હાથથી ખેંચાતી રીક્ષાઓ પણ માંડ માંડ પસાર થાય છે, તમને આ શહેરના મૂર્તિકાર કુમોરો સિવાય કોઈ મળશે નહીં. અહીંથી જ દર વર્ષે દેવી દુર્ગા અને અન્ય દેવતાઓની મૂર્તિઓ કોલકાતામાં પ્રવેશ કરે છે.
અહીં કાર્તિક પોલની વર્કશોપ આવેલી છે, જે અસલમાં તો વાંસ અને પ્લાસ્ટિકની ચાદરનો એક શેડ છે, જેના પર ‘બ્રજેશ્વર એન્ડ સન્સ’ (આનું નામ તેમના પિતાના નામ પરથી રાખવામાં આવ્યું છે) નામ અંકિત છે. તેઓ આપણને મૂર્તિ બનાવવાની લાંબી અને વિવિધ તબક્કાવાળી પ્રક્રિયા વિશે જણાવે છે. મૂર્તિ બનાવવાના વિવિધ તબક્કા દરમિયાન ગંગા માટી (ગંગા નદીના કાંઠેની માટી) અને પાટ માટી (શણના કણો અને ગંગાની માટીનું મિશ્રણ) જેવી માટીના વિવિધ મિશ્રણોનો ઉપયોગ કરવામાં આવે છે.










