(ગદ્દામીદી રાજેશ્વરીએ કહ્યું,) “હું ઉત્સાહિત હતી! હું જમીનની માલિકી ધરાવતી મહિલા બનીશ." ગદ્દામિદી રાજેશ્વરી 2018 માં જમીન માલિક બન્યા હતા.

અથવા તો પોતાના હાથમાંના સત્તાવાર ટાઈટલ ડીડ (જમીનની માલિકીના સત્તાવાર દસ્તાવેજ) તરફ ગર્વથી જોતાં ઓછામાં ઓછું તેમણે પોતે એવું વિચાર્યું હતું.

પાંચ વર્ષ પછી પણ હજી આજે પણ તેઓ ઈન્કેપલ્લે ગામમાં આવેલા તેમના ઘરથી 30 કિલોમીટર દૂર બારવાડમાં આવેલી જે 1.28 એકર જમીન ખરીદવા માટે તેમણે 30000 રુપિયા ચૂકવ્યા છે તે જમીનની તેમની માલિકી સરકાર માન્ય કરે તેની રાહ જોઈ રહ્યા છે.

જમીન ખરીદ્યાના થોડા મહિનાઓમાં જ રાજેશ્વરી પાસે ટાઈટલ ડીડ, એન્કમ્બરન્સ સ્ટેટમેન્ટ અને પટ્ટાદાર પાસબુક મેળવવા માટે જરૂરી તમામ દસ્તાવેજો હતા. પરંતુ તે ઝાંઝવાના જળ સાબિત થયા. “આજકાલ કરતા પાંચ વર્ષ થઈ ગયા છે અને મને હજી સુધી મારી પટ્ટાદાર [જમીનના માલિક તરીકેની] પાસબુક મળી નથી. પટ્ટાદાર પાસબુક વિના તે [જમીન] ખરેખર મારી ગણાય ખરી?"

ટાઈટલ ડીડ જમીનની માલિકી કેવી રીતે હસ્તાંતરિત કરવામાં આવી છે તે સ્પષ્ટ કરે છે, પટ્ટાદાર પાસબુક માલિકી વિશેની વધુ વિગતો આપે છે. પાસબુકમાં પટ્ટાદારનું નામ, સર્વે નંબર, જમીનનો પ્રકાર વિગેરે વિગતો હોય છે. તેમાં માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને તહેસીલદાર (રેવન્યુ કલેક્ટર) ની સહી પણ હોય છે.

Gaddamidi Rajeshwari holding the title deed for the land she bought in 2018. ' It’s been five years now and I still haven’t received my pattadar [land owner] passbook'
PHOTO • Amrutha Kosuru

ગદ્દામીદી રાજેશ્વરી તેમણે 2018 માં ખરીદેલી જમીનના ટાઇટલ ડીડ સાથે. 'આજકાલ કરતા પાંચ વર્ષ થઈ ગયા છે અને મને હજી સુધી મારી પટ્ટાદાર [જમીનના માલિક તરીકેની] પાસબુક મળી નથી'

તેલંગાણા રાઈટ્સ ઈન લેન્ડ એન્ડ પટ્ટાદાર પાસ બુક્સ એક્ટ, 2020 હેઠળ ઓક્ટોબર 2020માં ધરણી પોર્ટલ – ઓનલાઈન લેન્ડ રેકોર્ડસ મેનેજમેન્ટ સિસ્ટમ – લોન્ચ કરવામાં આવી ત્યારે રાજેશ્વરીને આશા જાગી હતી કે હવે નક્કી બધું ઠીક થઈ જશે.

ધરણી પોર્ટલ લોન્ચ કરતી વખતે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે તેને ખેડૂતો માટેની મૈત્રીપૂર્ણ પહેલ ગણાવી હતી અને કહ્યું હતું કે, “આ પ્લેટફોર્મ જમીન નોંધણીની પ્રક્રિયાને પણ સરળ અને ઝડપી બનાવે છે. હવે લોકોને જુદી જુદી ઓફિસોમાં ધક્કા ખાવાની જરૂર નથી."

રાજેશ્વરીના પતિ રામુલુ કહે છે, "અમને હતું કે ધરણી [પોર્ટલ] થી અમારી તકલીફ દૂર થશે અને આખરે અમને અમારી પાસબુક મળી જશે. 2019 ના અંત સુધી અમે મહિનામાં ઓછામાં ઓછું બે વાર તહેસીલદારની ઓફિસના ધક્કા ખાતા રહ્યા."

2020 માં જ્યારે આ દંપતીએ ધરણી પોર્ટલ પર તપાસ કરી ત્યારે તેઓએ જોયું કે પોર્ટલમાંથી તેમની જમીનનો સર્વે નંબર સાવ ગાયબ જ હતો. અને તે હાથેથી ઉમેરી શકાય તેમ નહોતું.

કિસાનમિત્રના જિલ્લા સંયોજક અને વિકરાબાદમાં સલાહકાર ભાર્ગવી વુપ્પાલા કબૂલે છે, “ધરણી પોર્ટલની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક એ છે કે [નામ, એકર અથવા ખૂટતો સર્વે નંબર જેવી] વિગતોમાં કોઈપણ ભૂલો સુધારવાના/એ વિગતો બદલવાના વિકલ્પો હાલમાં ખૂબ મર્યાદિત છે."

Left: Ramulu and Rajeshwari spent Rs. 30,000 to buy 1.28 acres of land in Barwad, 30 kilometres from their home in Yenkepalle village.
PHOTO • Amrutha Kosuru
Right: Mudavath Badya in his home in Girgetpalle village in Vikarabad district
PHOTO • Amrutha Kosuru

ડાબે: રામુલુ અને રાજેશ્વરીએ ઈન્કેપલ્લે ગામમાં આવેલા તેમના ઘરથી 30 કિલોમીટર દૂર બારવાડમાં આવેલી 1.28 એકર જમીન ખરીદવા માટે 30000 રુપિયા ચૂકવ્યા હતા. જમણે: મુદાવથ બાદ્યા વિકરાબાદ જિલ્લાના ગિરિગેટપલ્લે ગામમાં તેમના ઘેર

માલિકના નામમાં ભૂલને કારણે મુદાવથ બાદ્યા વિકરાબાદ જિલ્લાના ગિરિગેટપલ્લેમાં લગભગ 20 કિલોમીટર દૂર આવેલી તેમની જમીનની કાયદેસરની માલિકી મેળવી શકતા નથી. પોર્ટલે તેમનું નામ 'બાદ્યા લામ્બાડા' તરીકે નોંધ્યું છે, લામ્બાડા તેમના સમુદાયનું નામ છે, જે તેલંગાણામાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે. પોર્ટલ પર તેમનું નામ 'મુદાવથ બાદ્યા' તરીકે નોંધવું જોઈતું હતું.

બાદ્યા પાસે બે એકર જમીન છે જે તેમણે 40 વર્ષ પહેલા ખરીદી હતી. 80 વર્ષના બાદ્યા કહે છે, "પહેલાં કેટલાય વર્ષો સુધી બીજાના ખેતરો ખેડ્યા, બાંધકામના સ્થળોએ કામ કર્યું અને ઈંટોના ભઠ્ઠાઓમાં કામ કર્યું ત્યારે હું જમીનનો માલિક થઈ શક્યો. તેમણે મકાઈ અને જુવાર ઉગાડ્યા હતા પણ તેઓ કહે છે, “ખેતીમાંથી મળતા પૈસા ક્યારેય પૂરતા નહોતા. મોટાભાગનો પાક ભારે વરસાદને કારણે બરબાદ થઈ જતો હતો.”

તેમનું નામ ખોટું નોંધાયેલ હોવાથી તેઓ રાયથુ બંધુ યોજનાનો લાભ મેળવી શક્યા નથી – રાયથુ બંધુ યોજના એ તેલંગાણાની એક કલ્યાણ યોજના છે, આ યોજના હેઠળ ઓછામાં ઓછી એક એકર જમીન ધરાવતા ખેડૂતને એકર દીઠ વર્ષમાં બે વાર, રવિ અને ખરીફ મોસમ માટે 5000 રુપિયા ચૂકવવામાં આવે છે.

વિકારાબાદ જિલ્લા કલેક્ટર કચેરીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યા અનુસાર ધરણી પોર્ટલની સમસ્યાઓ એક રાજકીય સાધન બની ગઈ છે, જોકે તેઓ તેને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ ' વિશિષ્ટ જમીન બાબતો ' શ્રેણી હેઠળ નામ, આધાર, ફોટો, લિંગ અથવા જાતિ જેવી 10 વિગતો સુધારી શકાય છે.

આશરે 40 કિલોમીટર દૂર બોપનવરમ ગામમાં રંગય્યાને ધરણી પોર્ટલ પર તેમનું નામ બરોબર નોંધાયેલું હોવા છતાં રાયથુ બંધુ યોજના હેઠ  પૈસા મળ્યા નથી. બોપનવરમ ગામમાં રંગય્યાની પાંચ એકર જમીન છે. 1989માં આ જમીન તેમને સોંપવામાં આવી હતી. રંગય્યા બેડા જંગમ સમુદાયના છે જે આ રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે.

Left: Rangayya suddenly stopped receiving money from the Rythu Bandhu scheme even though his name is spelt perfectly on the Dharani portal
PHOTO • Amrutha Kosuru
Badya bought two acres in Girgetpalle but his name was spelt incorrectly, he has not received the Rythu Bandhu money. Badya with his youngest son Govardhan (black shirt) in their one-room house
PHOTO • Amrutha Kosuru

ડાબે: ધરણી પોર્ટલ પર તેમનું નામ બરોબર નોંધાયેલું હોવા છતાં રંગય્યાને અચાનક રાયથુ બંધુ યોજનામાંથી નાણાં મળતા બંધ થઈ ગયા જમણે: બાદ્યાએ ગિરિગેટપલ્લેમાં બે એકર જમીન ખરીદી હતી પરંતુ તેમનું નામ ખોટું નોંધાયું હોવાને કારણે તેમને રાયથુ બંધુ યોજનાના પૈસા મળ્યા નથી. બાદ્યા તેમના સૌથી નાના દીકરા ગોવર્ધન (કાળા શર્ટમાં) સાથે તેમના એક ઓરડાના મકાનમાં

67 વર્ષના રંગય્યા સમજાવે છે, “મને 2019-2020 વચ્ચે ત્રણ હપ્તા મળ્યા હતા. એકવાર મારી જમીન ધરણી પોર્ટલમાં ડિજીટાઈઝ થઈ ગઈ એ પછી મને પૈસા મળવાનું બંધ થઈ ગયું." તેમને દરેક હપ્તામાં 25000 રુપિયા (એકર દીઠ 5000 રુપિયા) મળતા હતા.

તેઓ ઉમેરે છે, “કોઈ અધિકારી મને સરખો જવાબ આપતા નથી. કદાચ એટલા માટે કારણ કે તેમને પોતાને જ ખબર નથી કે શું કહેવું અથવા તો શા માટે આવું થઈ રહ્યું છે."

ભાર્ગવી કહે છે કે પોર્ટલ પર મેન્યુઅલી ભૂલો સુધારવાના બહુ ઓછા વિકલ્પ છે અથવા કોઈ જ વિકલ્પ નથી. ભાર્ગવી કલેક્ટર કચેરી ખાતે સલાહકાર છે. તેઓ ઉમેરે છે, "સોંપાયેલ જમીનના કિસ્સામાં પોર્ટલ પર ફક્ત વારસદારના નામમાં ફેરફાર કરવાના વિકલ્પો છે." સોંપેલ જમીન વેચી શકાતી નથી, પરંતુ માત્ર વારસાગત મળી શકે છે.

બાદ્યા તેમના સૌથી નાના દીકરા ગોવર્ધન સાથે ગિરિગેટપલ્લીમાં એક ઓરડાના કાચા મકાનમાં રહે છે; છ વર્ષ પહેલા તેમના પત્નીનું અવસાન થયું હતું.

તેમને રાયથુ બંધુ ફંડ નથી મળતું એટલું જ નહીં પરંતુ તેમના ગામ ગિરિગેટપલ્લેને વિકારાબાદ નગરપાલિકા સાથે ભેળવી દેવામાં આવ્યું ત્યારથી મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એક્ટ (મનરેગા - મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર સુરક્ષા અધિનિયમ) ના કામ દ્વારા થતી રોજની 260 રુપિયાની કમાણી પણ બંધ થઈ ગઈ છે.

તેમણે 2021માં વિકારાબાદ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પોતાનું નામ બદલવા માટે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કંઈ જ કરવામાં આવ્યું નથી.

બાદ્યા કહે છે, “મારો [સૌથી નાનો] દીકરો મને જમીન વેચી દેવાનું કહેતો રહ્યો. તેણે કહ્યું કે તે પૈસાનો ઉપયોગ એ ગાડી ખરીદીને ટેક્સી ડ્રાઈવર બનવા માટે કરશે. પરંતુ મેં ક્યારેય એમ ન કર્યું. મને લાગે છે કદાચ મારે (દીકરાનું કહ્યું માનીને) જમીન વેચી દેવા જેવી હતી."

*****

'Cotton is the only crop we can plant due to the lack of money and water in the region,' says Ramulu.
PHOTO • Amrutha Kosuru
Rajeshwari making jonne roti in their home in Yenkepalle village
PHOTO • Amrutha Kosuru

રામુલુ કહે છે, 'આ પ્રદેશમાં પૈસા અને પાણીની અછતને કારણે કપાસ એ એકમાત્ર પાક છે જે અમે વાવી શકીએ છીએ. ઈન્કેપલ્લે ગામમાં પોતાને ઘેર જોન્ને રોટી બનાવતા રાજેશ્વરી

છેવટે નવેમ્બર 2022 માં રાજેશ્વરી અને રામુલુએ વિકારાબાદમાં કલેક્ટર કચેરીમાં ગુમ થયેલ સર્વે નંબરો અંગે અરજી દાખલ કરી હતી.

ત્યારથી દર અઠવાડિયે એકવાર તેઓ કોટપલ્લી તહેસીલદાર કચેરી અને વિકારાબાદ કલેક્ટર કચેરીની મુલાકાત લેતા રહ્યા છે. વિકારાબાદ કલેક્ટર ઓફિસ તેમના ઘરથી લગભગ 30 કિલોમીટર દૂર છે. તેઓ ત્યાં જવા-આવવા માટે બસ લે છે અને એક વાર ત્યાં જઈને પાછા આવવાનો એક માણસનો ખર્ચ 45 રુપિયા થાય છે. તેઓ મોટેભાગે સવારે નીકળે છે અને છેક સાંજે પાછા આવે છે. રાજેશ્વરી કહે છે, "મારા બે બાળકો શાળાએ જાય છે અને અમે અમારી પાસબુક જારી કરાશે એ આશામાં (કચેરીએ જવા) નીકળીએ છીએ."

તેઓ 2018 ના અંતથી બારવાડમાં તેમની 1.28 એકર જમીનમાં ખેતી કરી રહ્યા છે. રામુલુ કહે છે, “અમે જૂનમાં [કપાસ] વાવીએ છીએ અને જાન્યુઆરીના મધ્યમાં ફૂલો આવે છે. આ પ્રદેશમાં પૈસા અને પાણીની અછતને કારણે અમે આ એક જ પાકનું વાવેતર કરી શકીએ છીએ." તેઓ વર્ષે એક ક્વિન્ટલ કપાસની લણણી કરે છે અને તે 7750 રુપિયે વેચે છે.

પાસબુક ન હોવાને કારણે તેઓ રાયથુ બંધુ હેઠળ લાભ મેળવી શક્યા નથી. આ દંપતીનું કહેવું છે કે તેઓ લગભગ આઠ હપ્તાઓના થઈને આશરે 40000 રુપિયા ગુમાવી ચૂક્યા છે.

ભાર્ગવી કહે છે કે તેઓને આ પાછલી બાકી રકમ મળે એવી શક્યતા નથી.

Left: Rangayya finds it odd that he doesn't get money under Rythu Bandhu but recieves money under a central government's scheme.
PHOTO • Amrutha Kosuru
Right: Rajeshwari and Ramulu have started herding goats after taking a loan from a moneylender
PHOTO • Amrutha Kosuru

ડાબે: રંગય્યાને એ વાત વિચિત્ર લાગે છે કે તેમને રાયથુ બંધુ યોજના હેઠળ પૈસા મળતા નથી પરંતુ કેન્દ્ર સરકારની યોજના હેઠળ પૈસા મળે છે. જમણે: રાજેશ્વરી અને રામુલુએ એક શાહુકાર પાસેથી લોન લીધા પછી બકરીઓનું પાળવાનું શરૂ કર્યું છે

બોપનવરમ ગામના રંગય્યાએ રાયથુ બંધુના લાભો ગુમાવ્યા છે, અને તેઓ કહે છે કે ઓછા ભંડોળ સાથે જુનથી ડિસેમ્બર સુધી તેમને માત્ર જુવાર અને હળદરની વાવણી કરવાનું પોસાય શકે તેમ છે.

રંગય્યા માટે આશાનું કિરણ એ છે કે કેન્દ્ર સરકારનું પોર્ટલ તેમને ઓળખે છે - તેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ( પીએમ-કિસાન ) તરફથી ચૂકવણીઓ મેળવે છે. આ યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને વર્ષે 6000 રુપિયા મળે છે, જે તેમના આધાર-કાર્ડ સાથે લિંક થયેલા બેંક ખાતાઓમાં જમા કરવામાં આવે છે.

રંગય્યા સવાલ કરે છે, "જો કેન્દ્ર સરકારે મને લાભાર્થી તરીકે ઓળખાવ્યો છે, તો પછી રાજ્ય સરકારે મને લાભાર્થીઓની યાદીમાંથી કેમ દૂર કર્યો? આ ધરણી લોન્ચ થયા પછી જ થયું છે."

*****

જાન્યુઆરી 2023 માં આખરે જમીન માલિકો તરીકે કાયદેસરની રીતે માન્યતા મેળવવાની રાહ જોઈને કંટાળેલાં રાજેશ્વરી અને રામુલુએ પશુપાલન શરૂ કર્યું – તેઓ ગોલ્લા સમુદાયના છે જેઓ પરંપરાગત પશુપાલકો છે. રામુલુએ ખાનગી શાહુકાર પાસેથી 12 બકરીઓ ખરીદવા માટે મહિને 3 ટકાના વ્યાજ દરે 100000 રુપિયાની લોન લીધી. તેમણે એક વર્ષ માટે દર મહિને 3000 રુપિયા ચૂકવવાના છે પરંતુ આ તો માત્ર વ્યાજ છે.

રામુલુ સમજાવે છે, “થોડા મહિના પછી અમે બકરાં વેચવાનું શરૂ કરીશું. દરેક લવારું 2000-3000 [રુપિયા]માં વેચાશે અને પુખ્ત બકરીઓ તેમના સ્વાસ્થ્યના આધારે 5000-6000 માં વેચાય છે."

તેઓ બીજા એક વર્ષ સુધી પાસબુક મેળવવા માટે પ્રયાસ ચાલુ રાખવા માટે મક્કમ છે, પરંતુ રાજેશ્વરી કંટાળીને કહે છે, "કદાચ મારા નસીબમાં જમીનની માલિકી લખાઈ જ નથી."

લેખ રંગ દે દ્વારા મળેલ અનુદાનને આભારી છે .

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

Amrutha Kosuru

امریتا کوسورو، ۲۰۲۲ کی پاری فیلو ہیں۔ وہ ایشین کالج آف جرنلزم سے گریجویٹ ہیں اور اپنے آبائی شہر، وشاکھاپٹنم سے لکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Amrutha Kosuru
Editor : Sanviti Iyer

سنویتی ایئر، پیپلز آرکائیو آف رورل انڈیا کی کنٹینٹ کوآرڈینیٹر ہیں۔ وہ طلباء کے ساتھ بھی کام کرتی ہیں، اور دیہی ہندوستان کے مسائل کو درج اور رپورٹ کرنے میں ان کی مدد کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sanviti Iyer
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

کے ذریعہ دیگر اسٹوریز Maitreyi Yajnik