કાલિદાસપુર ગામના રહેવાસી અમીના બીબીએ મેના અંતમાં મને કહ્યું હતું, "હવે તોફાન શમી ગયું છે એટલે અમને અહીંથી જતા રહેવાનું કહેવામાં આવ્યું છે. પણ અમે જઈએ ક્યાં?"
એ વાવાઝોડાના એક દિવસ પહેલા, ચક્રવાત અમ્ફાન, પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં અમીનાના ગામથી લગભગ 150 કિલોમીટર દૂર જમીન સાથે ટકરાયું હતું, સ્થાનિક અધિકારીઓએ ઘણા ગામો ખાલી કરાવીને પરિવારોને ત્યાંથી રાહત શિબિરોમાં ખસેડ્યા હતા. અમીના અને તેમના પરિવારને આ વર્ષે 19 મી મેના રોજ પડોશી ગામમાં ઊભા કરાયેલા કામચલાઉ રૂમમાં ખસેડવામાં આવ્યા હતા.
સુંદરવનના ગોસાબા બ્લોકમાં લગભગ 5800 લોકોની વસ્તી ધરાવતા અમીનાના ગામમાં તેમનું માટીનું મકાન ચક્રવાતને કારણે બરબાદ થઈ ગયું હતું. તેમનો બધો સામાન પણ તણાઈ ગયો હતો. 48 વર્ષના અમીના, તેમના પતિ 56 વર્ષના મોહમ્મદ રમઝાન મુલ્લા, અને 2 થી 16 વર્ષની ઉંમરના તેમના છ બાળકો સુરક્ષિત રહી શક્યા હતા.
મોહમ્મદ મુલ્લા ચક્રવાત ત્રાટક્યાના બે અઠવાડિયા પહેલા જ ગામમાં પાછા ફર્યા હતા. 56 વર્ષના મોહમ્મ્દ મહારાષ્ટ્રના પુણેમાં એક મોલમાં સફાઈ કામદાર તરીકે કામ કરીને મહિને 10000 રુપિયા કમાતા હતા. આ વખતે તેમણે અહીં જ રોકાઈને નજીકના મુલ્લા ખાલી બજારમાં ચાની નાનકડી દુકાન ખોલવાનું વિચાર્યું હતું.
અમીના ઘરનું કામ પરવારીને નજીકની ગોમોર નદીમાં કરચલા અને માછલીઓ પકડીને પરિવારની આવકમાં ઉમેરો કરતા હતા. તેઓ તેમણે પકડેલા થોડાઘણા કરચલા અને માછલીઓ બજારમાં વેચતા હતા. તેમણે મને કહ્યું હતું, “પણ એમાંથી હું દિવસના 100 રુપિયાય કમાતી નહોતી."
2018 માં તેમના સૌથી મોટા બાળક રકીબ અલીએ 14 વર્ષની ઉંમરે શાળા છોડી દીધી હતી. તેમણે કહ્યું, "અબ્બા ઘેર જે પૈસા મોકલે છે તેમાંથી અમારું પૂરું થતું નથી. તેથી જ મેં શાળા છોડી કામ કરવા સ્થળાંતર કર્યું હતું." રકીબ કોલકાતામાં દરજીકામની દુકાનમાં મદદનીશ તરીકે કામ કરી મહિને 5000 રુપિયા કમાતા હતા. કોવિડ -19 લોકડાઉન દરમિયાન અમ્ફાન ત્રાટક્યું ત્યારે તેઓ તેમને ઘેર જ હતા.
ઘાસ છાયેલી છતવાળું પરિવારનું માટીનું ઘર ગોમોર નદીના કિનારે ઊભું હતું. સિદ્ર (2007), આઇલા (2009) અને બુલબુલ (2019) - ત્રાટકેલા દરેક ચક્રવાત સાથે, નદી તેમના ઘરની નજીક ને નજીક આવતી ગઈ અને ધીમે ધીમે તેમની ત્રણ વીઘા (એક એકર) જમીન, જેની પર તેઓ થોડા શાકભાજીની સાથે સાથે વર્ષમાં એકવાર ડાંગરની ખેતી કરતા હતા એ આખીય જમીન નદીમાં ગરક થઈ ગઈ હતી. અમ્ફાન આવ્યું ત્યાં સુધીમાં તેમની પાસે કોઈ જમીન બચી જ નહોતી.
આ વર્ષે 20 મી મેના રોજ અમ્ફાને ફરી એકવાર આ ગામના ઘરો અને ખેતરોને કીચડ અને ખારા પાણીથી છલકાવી દીધાં તે પહેલાં અમીનાનો પરિવાર - તેમજ બીજા ઘણા - બિદ્યાધારી અને ગોમોર નદીઓના તૂટેલા પાળાબંધો પર આવેલા છોટા મુલ્લા ખાલી ગામમાં કામચલાઉ રૂપે સ્થાયી થયા હતા. રાજ્ય સરકાર અને સ્થાનિક એનજીઓએ આ પરિવારોને રાંધેલા ખોરાક અને પાણીના પાઉચનું વિતરણ કર્યું હતું. કામચલાઉ ઓરડાઓમાં ભીડ હતી અને વીજળી નહોતી, અને કોવિડ-19 મહામારીના સમયે - શારીરિક અંતર જાળવવા માટે કોઈ જગ્યા જ નહોતી.
રાહત શિબિરમાં ખોરાકનું વિતરણ કરતી સ્થાનિક સંસ્થા સુંદરવન નાગરિક મંચના સચિવ ચંદન મૈતીએ પૂછ્યું, “આ લોકો અહીં ક્યાં સુધી રહેશે? એક મહિનો, બે મહિના - પછી [ક્યાં જશે આ લોકો]? પુરુષોએ - અને યુવાનોએ પણ - આજીવિકાની શોધમાં બહાર તો જવું પડશે. જેઓ સ્થળાંતર નથી કરી શકતા તેઓ માછલી, કરચલા અને મધને ભરોસે ટકી રહેવા માટે પાછળ રહી જશે, [કે પછી નદીઓ અને જંગલો પર] નિર્ભર રહેશે."
છેલ્લા બે દાયકાઓમાં, સુંદરવન ક્ષેત્રના રહેવાસીઓએ ભરતી, પૂર અને ચક્રવાત દ્વારા લાવવામાં આવેલા ખારા પાણીને કારણે વધુને વધુ એકર ખેતીલાયક જમીન ગુમાવી છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ દ્વારા 2020 માં કરાયેલો અભ્યાસ નોંધે છે કે આ ક્ષેત્રના લગભગ 85 ટકા રહેવાસીઓ દર વર્ષે ડાંગરનો માત્ર એક પાક લે છે. પરંતુ ખારાશને કારણે જમીનની ઉત્પાદકતા નષ્ટ થઈ જાય છે અને તાજા પાણીના તળાવો સુકાઈ જાય છે, તાજા પાણીની માછલીની પ્રજાતિઓ ઘટતી જાય છે. જમીનને ફરીથી ખેતીલાયક બનતા વર્ષો લાગે છે.
નામખાના બ્લોકમાં મૌસુની ટાપુ પરના બલિયારા ગામના 52 વર્ષના અબુ જબાય્યેર અલી શાહે કહ્યું, "ખેતરોમાં 10 થી 15 દિવસ સુધી પાણી ભરાયેલાં રહેશે." ક્ષારને કારણે ન તો આ જમીન પર કોઈ પાક થશે અને ન તો તળાવોમાં માછલીઓ હશે." અલી શાહ ઝીંગાના વેપારી છે; તેઓ નજીકની નદીઓમાં ઝીંગા પકડતા ગામલોકો પાસેથી ઝીંગા ખરીદીને સ્થાનિક વિક્રેતાઓને વેચે છે.
ઘેર તેમના પરિવારમાં તેઓ તેમના 45 વર્ષના પત્ની રોકેયા બીબી અને તેમના બે બાળકો છે. તેમના પત્ની એક ગૃહિણી છે, જેઓ ક્યારેક ભરતકામ કરીને થોડી કમાણી કરે છે. પરિવાર, સૌથી મોટો દીકરો 24 વર્ષનો સાહેબ અલી શાહ ઘેર જે પૈસા મોકલે છે તેના પર આધાર રાખે છે. સાહેબ કેરળમાં કડિયા તરીકે કામ કરે છે. અબુ જબાય્યેરે કહ્યું, "તે ત્યાં બીજા લોકોના ઘરો બાંધી રહ્યો છે, અને અહીં તેનું પોતાનું ઘર તૂટી રહ્યું છે."
યુએનના ફૂડ એન્ડ એગ્રિકલચરલ ઓર્ગેનાઇઝેશનની હાલ ચાલી રહેલ એક સંશોધન પરિયોજના ડેલ્ટા વલ્નેરેબિલિટી એન્ડ ક્લાઈમેટ ચેન્જ: માઈગ્રેશન એન્ડ એડેપ્શન દ્વારા કરાયેલ અભ્યાસ જણાવે છે કે 2014 અને 2018 ની વચ્ચે સુંદરવન ક્ષેત્રમાંથી થયેલા કુલ સ્થળાંતરોમાંથી 64 ટકા સ્થળાંતર આર્થિક સંકટને કારણે થયા હતા, કારણ કે માત્ર ખેતી ઉપર જીવનનિર્વાહ કરી શકાય તેમ નહોતું. એ જ રીતે, અવિજિત મિસ્ત્રી (સહાયક પ્રોફેસર, નિસ્તારિની મહિલા કોલેજ, પુરુલિયા, પશ્ચિમ બંગાળ) દ્વારા હાથ ધરવામાં આવેલ સુંદરવનના 200 પરિવારોના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે સર્વેક્ષણ કરાયેલા લગભગ ત્રણ-ચતુર્થાંશ ઘરોમાંથી પરિવારના ઓછામાં ઓછા એક સભ્ય કામની શોધમાં અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે.
ગોસાબા બ્લોકના કુમીરમારી ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક પોબિત્રા ગાયેને જોયું છે કે સ્થળાંતરને કારણે આ ક્ષેત્રના ઘણા બાળકોએ તેમનો અભ્યાસ છોડી દેવો પડ્યો છે. તેમણે કહ્યું, "જેવી રીતે નદી ધીમે ધીમે અમારા ઘરો અને જમીનોને ગળી જાય છે તેવી જ રીતે શિક્ષણ પ્રવાહમાંથી ધીમે ધીમે બાળકો અદૃશ્ય થઈ રહ્યા છે."
ઘોડામારા પંચાયતના પ્રધાન સંજીબ સાગરે કહ્યું, "છેલ્લા 3 થી 4 વર્ષોમાં [2009 માં ચક્રવાત આઇલા પછી] પરિસ્થિતિમાં થોડો સુધારો થયો હતો. ઘણા સ્થળાંતરિતો [સુંદરવન ક્ષેત્રમાં] પાછા ફર્યા હતા અને ખેતી, તળાવોમાં માછલી-ઉછેર અથવા નાના-મોટા ધંધા કરવાનું શરૂ કર્યું હતું. પણ પહેલા બુલબુલ અને પછી અમ્ફાને બધું ખલાસ કરી નાખ્યું.”
નજીકના ઉત્તર 24 પરગણા જિલ્લામાં 56 વર્ષના નઝરુલ મુલ્લા અને તેમનો છ સભ્યોનો પરિવાર ચક્રવાત અમ્ફાનની અસરમાંથી બચી ગયો હતો, પણ ચક્રવાતે તેમના ઘાસ છાયેલા માટીના ઘરને ધરાશાયી કરી નાખ્યું હતું. મુલ્લા પણ કેરળમાં એક કડિયા તરીકે કામ કરતા હતા, અને કોવિડ-19 લોકડાઉનને કારણે અમ્ફાનના લગભગ એક મહિના પહેલા મિનાખાન બ્લોકના ઉચિલદહા ગામમાં ઘેર પાછા ફર્યા હતા.
21 મી મેના રોજ, ચક્રવાત પછીના દિવસે, નઝરુલ – ઘરની છત તરીકે ઉપયોગ કરવા માટે - તાડપત્રી (પ્લાસ્ટિકની શીટ્સ) લેવા ગયા હતા – જેનું સ્થાનિક અધિકારીઓ વિતરણ કરી રહ્યા હતા. નઝરુલનો વારો આવ્યો ત્યાં સુધીમાં તાડપત્રી ખલાસ થઈ ગઈ હતી. તેમણે મને કહ્યું હતું, "અમારી હાલત તો હવે ભિખારીઓ કરતાં પણ બદતર છે. આ વખતે અમારી આ ઈદ [24 મી મેના રોજ] ખુલ્લા આકાશ નીચે પસાર થશે."
પાથારપ્રતિમા બ્લોકના ગોપાલનગર ઉત્તર ગામમાં 46 વર્ષના છબી ભુનિયાએ તેમના પિતા શંકર સરદારના ફોટા સાથેની તૂટેલી ફોટો ફ્રેમ જોરથી પકડી રાખી હતી, 2009 માં ચક્રવાત આઇલા દરમિયાન તેમની ઝૂંપડી તૂટી પડી ત્યારે શંકરનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું, "આ ચક્રવાત [અમ્ફાન] એ અમારું ઘર છીનવી લીધું એટલું જ નહીં એણે [મોબાઇલ નેટવર્ક્સ ખોરવાઈ જવાને કારણે] મને મારા પતિથી પણ વિખૂટી પાડી દીધી છે."
છબીના પતિ શ્રીદમ ભુનિયા ચક્રવાત આઇલા ત્રાટક્યું તેના થોડા સમય બાદ તમિળનાડુ સ્થળાંતર કરી ગયા હતા. તેઓ ત્યાં એક ભોજનાલય (રેસ્ટોરન્ટ) માં વેઈટર તરીકે કામ કરતા હતા, અને અચાનક લોકડાઉનને કારણે ઘેર પાછા ફરી શક્યા નહોતા. મે મહિનામાં મેં છબી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું, "છેલ્લે અમે બે દિવસ પહેલા વાત કરી હતી. તેમણે મને કહ્યું કે તેઓ ખૂબ જ તકલીફમાં છે - તેમનું ખાવાનું અને પૈસા ખતમ થઈ ગયા છે."
ગોપાલનગર ઉત્તરમાં મૃદંગભંગા (સ્થાનિક રીતે ગોબોડિયા તરીકે ઓળખાતી) નદીના કાંઠે એક પાળાબંધ પર ઊભા રહીને ગામના એક વડીલ આશરે 88 વર્ષના સનાતન સરદારે કહ્યું, “વર્ષો પહેલાં યાયાવર (સ્થળાંતરિત) પક્ષીઓના ટોળેટોળાં અહીં [સુંદરવનમાં] આવતા હતા. તેઓ તો હવે આવતા નથી. હવે અમે જ યાયાવર (સ્થળાંતરિત) થઈ ગયા છીએ.”
તાજાકલમ : જ્યારે આ પત્રકાર અમીના બીબી અને તેમના પરિવારને 23 મી જુલાઈના રોજ ફરીથી મળ્યા ત્યારે તેઓ તેમના ગામમાં પાછા આવી ગયા હતા. પાણી ઊતરી ગયાં હતાં અને તેઓએ વાંસ અને તાડપત્રીની મદદથી એક કામચલાઉ ઝૂંપડી ફરીથી બનાવી હતી. રમઝાન હજી ઘેર જ હતા અને લોકડાઉન પ્રતિબંધોને કારણે ગામ છોડીને કામ માટે જઈ શકે તેમ નહોતા. તેમની પાસે હવે પોતાની ચાની દુકાન શરૂ કરવા માટે પૈસા નથી.
નઝરુલ મુલ્લા અને તેમના પરિવારે તેમજ બીજા લોકોએ પણ તેમના તૂટેલા મકાનો અને તેમના જીવનને ફરી એક વાર ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક