મીના મહેર આખો દિવસ ઘણાં વ્યસ્ત હોય છે. સવારે 4 વાગ્યે તેઓ હોડીના માલિકો માટે માછલીની હરાજી કરવા તેમના ગામ સતપતિના જથ્થાબંધ બજારમાં પહોંચે છે. સવારે 9 વાગ્યાની આસપાસ ઘરે પાછાં આવીને, તેઓ માછલીને મીઠા વડે સાફ કરે છે અને તેને સૂકવવા માટે થર્મોકોલના બોક્સમાં ભરીને તેના બેકયાર્ડ/ઘરના પાછળના ભાગમાં મૂકે છે, જેથી તે સૂકવેલી માછલીઓને એક કે બે અઠવાડિયા પછી વેચી શકાય. સાંજે, તેઓ સૂકી માછલીઓને વેચવા માટે, લગભગ 12 કિલોમીટર દૂર પાલઘરના છૂટક બજારમાં બસ અથવા રિક્ષામાં જાય છે. જો કોઈ માછલીઓ વેચાયા વિના રહી જાય છે, તો તેઓ સાંજે તેને સતપતિના છૂટક બજારમાં વેચવાનો પ્રયાસ કરે છે.
પરંતુ તેઓ જે હોડીઓ માટે માછલીઓની હરાજી કરે છે તે ઓછી થઈ રહી છે, અને સાથેસાથે તેઓ જે માછલીઓ સૂકવે છે તેની સંખ્યા પણ ઓછી થઈ રહી છે. ઓ.બી.સી. તરીકે સૂચિબદ્ધ કોળી સમુદાયનાં 58 વર્ષીય મીના પૂછે છે “માછલીઓ જ નથી ને, તો હવે હું શું વેચીશ?” તેથી તેમણે પોતાની કામ કરવાની રીતમાં બદલાવ કર્યો છે. ચોમાસા પછી, તેઓ સતપતિના જથ્થાબંધ બજારમાંથી હોડીના માલિકો અથવા વેપારીઓ પાસેથી તાજી માછલીઓ ખરીદે છે, અને પૂરતી કમાણી કરવા માટે તેને વેચે છે. (જોકે તેઓ અમને તેમની આવક વિશે કોઈ વિગતો આપતાં નથી.)
પરિવારની આવકની તંગીની ભરપાઈ કરવા માટે, તેમના પતિ 63 વર્ષીય ઉલ્હાસ મહેર, પણ વધુ કામ કરે છે. તેઓ હજુ પણ ક્યારેક ક્યારેક ONGCની સર્વેક્ષણ હોડીઓ પર મજૂર અને સેમ્પલ કલેક્ટર તરીકે કામ કરે છે, પરંતુ તેની સાથે જ તેમણે મુંબઈમાં માછીમારીની મોટી હોડીઓ પર તેમનું કામ વર્ષના લગભગ બે મહિનાથી વધારીને 4-6 મહિના કરી દીધું છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા દરિયાકાંઠાના તેમના ગામ સતપતિને ‘ગોલ્ડન બેલ્ટ’ કહેવામાં આવે છે. તેનો દરિયાકિનારો માછલી ઉછેર અને પ્રખ્યાત બોમ્બિલ (બોમ્બે ડક) માછલી માટે જાણીતો છે. પરંતુ બોમ્બિલ માછલીઓનું ઉત્પાદન હવે ઘટી રહ્યું છે. 1979માં સતપતિ-દહાનુ પ્રદેશમાં 40,065 ટનનું વિક્રમી ઉત્પાદન હતું જે 2018માં ઘટીને માત્ર 16,576 ટન થયું હતું.
આના ઘણા કારણો છેઃ ઔદ્યોગિક પ્રદૂષણમાં વધારો, ટ્રોલર્સ દ્વારા વધુ પડતી માછીમારી અને સેઇન માછીમારી (એક જ સમયે મોટી સંખ્યામાં માછલીઓ પકડવા માટે લાંબી જાળીનો ઉપયોગ કરવો જેમાં નાની માછલીઓ પણ આવી જાય છે, જે તેમના વિકાસને અવરોધે છે).
મીના કહે છે, “ટ્રોલર્સને અમારા સમુદ્રમાં પ્રવેશવાની મંજૂરી નથી, પરંતુ તેમને રોકનાર પણ કોઈ નથી. માછીમારી એ સામુદાયિક વ્યવસાય હતો, પરંતુ હવે કોઈ પણ વ્યક્તિ હોડી ખરીદી શકે છે. આ મોટી હોડીઓ ઇંડાં અને નાની માછલીઓને મારી નાખે છે, ત્યાં અમારા માટે કંઈ જ બાકી રહેતું નથી.”
લાંબા સમયથી, જ્યારે પણ માછલીઓ વેચવાની હોય છે ત્યારે મીના અને અન્ય હરાજી કરનારાઓને સ્થાનિક હોડીના માલિકો દ્વારા બોલાવવામાં આવે છે - પરંતુ હવે પહેલાંની જેમ કોઈ ગેરેંટી નથી કે હોડીઓ બોમ્બિલ અને સિલ્વર પોમફ્રેટ તેમજ મુશી, વામ વગેરે જેવી નાની માછલીઓથી ભરીને પરત આવશે. મીના હવે માત્ર બે હોડીઓ માટે હરાજી કરે છે - જ્યારે લગભગ એક દાયકા પહેલાં સુધી તો તેઓ આઠ હોડીઓ માટે હરાજી કરતાં હતાં. અહીંની અનેક હોડીઓના માલિકોએ માછીમારી બંધ કરી દીધી છે.
નેશનલ ફિશવર્કર્સ ફોરમના પ્રમુખ અને સતપતિ ફિશરમેન સર્વોદય કો-ઓપરેટિવ સોસાયટીના ભૂતપૂર્વ પ્રમુખ નરેન્દ્ર પાટીલ જણાવે છે, “એંશીના દાયકામાં, લગભગ 30 થી 35 હોડીઓ [બોમ્બિલ માટે] સતપતિ આવતી હતી, પરંતુ [2019ના મધ્ય સુધીમાં] આ સંખ્યા ઘટીને માત્ર 12 થઈ ગઈ છે.”
સતપતિમાં રહેતા માછીમાર સમુદાયમાં બધાંની આ જ વ્યથા છે, જે બધા આ મંદીથી પ્રભાવિત થયા છે. ગ્રામ પંચાયત અને સહકારી મંડળીઓના અંદાજ મુજબ, વસ્તી વધીને 35,000 થઈ ગઈ છે (2011ની વસ્તી ગણતરીના આધારે, અહીંની વસ્તી 17,032 હતી). રાજ્ય સરકાર દ્વારા 1950માં મત્સ્યોદ્યોગ પ્રાથમિક શાળા (નિયમિત શૈક્ષણિક અભ્યાસક્રમ સાથે) ની સ્થાપના કરવામાં આવી હતી અને 2002માં તેને જિલ્લા પરિષદમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી. તે પણ આજે અધોગતિના રસ્તે છે. તેવી જ રીતે, 1954માં સ્થપાયેલ દરિયાઈ મત્સ્યોદ્યોગ તાલીમ કેન્દ્ર, જ્યાં વિશેષ અભ્યાસક્રમ અનુસાર તાલીમ આપવામાં આવતી હતી, તે હવે બંધ થઈ ગયું છે. હવે માત્ર બે જ સહકારી મંડળીઓ બાકી છે, અને હોડીના માલિકો અને માછલીના નિકાસકારો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે. આ મંડળીઓ તેમને લોન આપવા ઉપરાંત ડીઝલ અને અન્ય ઉપયોગિતાઓ માટે સબસિડી પૂરી પાડે છે.
પરંતુ સતપતિની માછીમાર મહિલાઓ કહે છે કે તેમને સરકાર અથવા સહકારી સંસ્થાઓ તરફથી કોઈ મદદ મળતી નથી, જે તેમને નજીવા દરે માત્ર બરફ અને કોલ્ડ સ્ટોરેજની જગ્યા જ પૂરી પાડે છે.
50 વર્ષીય અનામિકા પાટિલ કહે છે, “સરકારે તમામ માછીમાર મહિલાઓને તેમના વ્યવસાય માટે ઓછામાં ઓછા દસ હજાર રૂપિયા આપવા જોઈએ. અમારી પાસે વેચવા માટે માછલી ખરીદવાના પૈસા નથી.” ભૂતકાળમાં અહીંની મહિલાઓ સામાન્ય રીતે તેમના પરિવારના સભ્યો દ્વારા પકડાયેલી માછલીઓ વેચતી હતી, પરંતુ હવે તેમાંથી ઘણી સ્ત્રીઓએ વેપારીઓ દ્વારા પકડવામાં આવેલી માછલીઓ ખરીદવી પડે છે અને તેના માટે નાણાં અથવા મૂડીની જરૂર પડે છે, જે તેમની પાસે નથી.
આમાંની કેટલીક મહિલાઓએ ખાનગી ધિરાણકર્તાઓ પાસેથી 20,000 થી 30,000 રૂપિયા સુધીની લોન લીધી છે. તેમની પાસે સંસ્થાકીય ધિરાણ મેળવવાનું કોઈ સાધન નથી. આનું કારણ જણાવતાં અનામિકા કહે છે, “જેનું પરિણામ એ છે કે તેના માટે અમારે અમારાં ઘરેણાં, ઘર અથવા જમીન ગીરવે મૂકવી પડશે.” અનામિકાએ એક હોડીના માલિક પાસેથી 50,000 રૂપિયા ઉધાર લીધા છે.
અન્ય માછીમાર મહિલાઓએ કાં તો આ વ્યવસાયને સંપૂર્ણપણે છોડી દીધો છે કાં તેમના દિવસના થોડા સમય માટે જ આ કામ કરે છે. સતપતિ માછીમાર સર્વોદય સહકારી સમિતિના અધ્યક્ષ કેતન પાટિલ કહે છે, “માછલીઓનો જથ્થો ઘટવાને કારણે બોમ્બે ડક માછલીને સૂકવવાના કામ સાથે સંકળાયેલી મહિલાઓએ આ પરિસ્થિતિને અનુરૂપ થઈને અન્ય કામ શોધવું પડે છે. તેઓ હવે નોકરી માટે પાલઘર જાય છે અથવા MIDC [મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ] માં કામ માટે જાય છે.”
સ્મિતા તારે છેલ્લાં 15 વર્ષથી પાલઘરની એક ફાર્માસ્યુટિકલ કંપની માટે પેકિંગનું કામ કરી રહ્યાં છે. તેઓ કહે છે, “પહેલાં સતપતિ બોમ્બિલ માછલીઓથી ભરેલું રહેતું હતું, અમે ઘરોની બહાર સૂતાં હતાં, કારણ કે અમારું આખું ઘર માછલીઓથી ભરેલું રહેતું હતું. માછીમારીમાં થયેલા ઘટાડાને કારણે હવે [પૂરતા પૈસા] કમાવવાનું પણ ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું છે, તેથી અમારે અન્ય કામ ધંધા માટે જવું પડે છે.” અઠવાડિયામાં 6 દિવસ અને દિવસમાં 10 કલાક કામ કર્યા પછી, તેઓ દર મહિને અંદાજે 8,000 રૂપિયા કમાય છે. તેમના પતિએ પણ આ વ્યવસાય છોડી દીધો છે, તેઓ હવે પાલઘર અને અન્ય સ્થળોએ લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં બેન્ડમાં ડ્રમ વગાડે છે.
પાલઘર ત્યાંથી 15 કિમી દૂર છે. અત્યારે સવારે મહિલાઓ કામ પર જવા માટે નજીકના બસ સ્ટોપ પર ઊભી રહે છે.
મીનાની બત્રીસ વર્ષીય પુત્રવધૂ શુભાંગીએ પણ ગયા વર્ષે ફેબ્રુઆરી 2020થી પાલઘર એપ્લાયન્સિસ યુનિટમાં કામ કરવાનું શરૂ કર્યું છે, જ્યાં તેઓ કૂલર, મિક્સર અને અન્ય વસ્તુઓ પેક કરે છે. દસ કલાકની પાળી માટે તેમને 240 રૂપિયા મળે છે અને 12 કલાકની પાળી માટે 320 રૂપિયા. તેમને અઠવાડિયામાં દર શુક્રવારે એક દિવસ રજા મળે છે. (શુભાંગીના 34 વર્ષીય પતિ, પ્રજ્યોત, મીનાને માછલી સૂકવવામાં મદદ કરે છે અને મત્સ્યોદ્યોગ સાથે સંકાયેલી સહકારી સંસ્થામાં કામ કરે છે. કાયમી નોકરી હોવા છતાં, તેમને આ નોકરી ગુમાવવાનો ડર છે, કારણ કે સહકારી મંડળીઓ પણ સમસ્યાઓનો સામનો કરી રહી છે.)
મીના હવે ચશ્માં પહેરીને સફેદ મણકા, સોનેરી ધાતુના તાર, મોટી ચાળણી અને નેઇલ કટર સાથે દિવસમાં 2 થી 3 કલાક કામ કરે છે. તેઓ તારમાં મણકા પરોવીને તેમાં હૂક લગાવે છે. ગામની એક મહિલાએ તેમને આ નોકરી અપાવી હતી, જેમાં તેમને 250 ગ્રામ મણકાનું કામ કરવા માટે 200 થી 250 રૂપિયા મળે છે. જેને તૈયાર કરવામાં એક અઠવાડિયા સુધીનો સમય લાગે છે. આ નાણાંમાંથી તેઓ ફરીથી 100 રૂપિયાનો કાચો માલ ખરીદે છે.
43 વર્ષીય ભારતી મહેરના પરિવાર પાસે હોડી છે, તેમણે માછલીના વેપારમાં ઘટાડાને કારણે 2019 મધ્યમાં કોસ્મેટિક કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. તેના પહેલાં સુધી ભારતી અને તેમનાં સાસુ મીનાની જેમ માછલીની હરાજી અને વેચાણ ઉપરાંત કૃત્રિમ ઘરેણાં બનાવતાં હતાં.
જોકે સતપતિના ઘણા માણસો અન્ય નોકરીઓ પર ગયા હોવા છતાં, તેમની વાતોમાં હજુ પણ ભૂતકાળની યાદો તાજી છે. ચંદ્રકાંત નાયક કહે છે, “થોડાં વર્ષો પછી, અમે અમારા બાળકોને ચિત્રો દ્વારા પોમ્ફ્રેટ અથવા બોમ્બિલ માછલીઓ વિશે જણાવીશું, કારણ કે ત્યાં સુધીમાં આ માછલીઓ અહીં નહીં રહે.” ચંદ્રકાંત બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટમાં નિવૃત્ત ડ્રાઈવર છે, જે હવે તેમના ભત્રીજાની નાની હોડીમાં માછીમારી કરવા જાય છે.
તેમ છતાં, મોટાભાગના લોકોને ખ્યાલ આવી ગયો છે કે જૂની યાદોના સહારે આ વ્યવસાયમાં ટકી શકાય તેમ નથી. 51 વર્ષીય જીતેન્દ્ર તમોરે કહે છે, “હું મારા બાળકોને હોડીમાં જવા દેતો નથી. [માછીમારીને લગતા] નાના-મોટા કામ સુધી તો ઠીક છે, પણ હું તેમને હોડીમાં નથી લઈ જતો.” જીતેન્દ્રને તેમના પિતા પાસેથી એક મોટી હોડી વારસામાં મળી હતી. તેમના પરિવારની સતપતિમાં માછીમારીની જાળીની દુકાન છે, જેમાંથી તેમનો ઘરખર્ચ પૂરો થાય છે. તેમનાં 49 વર્ષીય પત્ની જૂહી તમોરે કહે છે, “અમે અમારા પુત્રોને (20 અને 17 વર્ષની વયના) માત્ર જાળીના વ્યવસાયને કારણે જ ભણાવી શક્યા. પરંતુ, અમારું જીવન જે રીતે ચાલી રહ્યું છે, અમે નથી ઇચ્છતાં કે તેઓ કોઈ પણ કિંમતે આ માછીમારીના વ્યવસાયમાં આવે.”
આ વાર્તામાં સમાવિષ્ટ કેટલાક ઇન્ટરવ્યુ 2019માં લેવામાં આવ્યા હતા.
કવર ફોટો: હોળીના તહેવાર (9 માર્ચ , 2020) દરમિયાન સતપતિની મહિલાઓ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સમુદ્ર દેવની પૂજા કરી રહી છે, જેથી તેમના પતિ જ્યારે માછલી પકડવા માટે સમુદ્રમાં જાય ત્યારે સુરક્ષિત પરત ફરે. આ નૌકાઓને શણગારવામાં આવી છે અને તહેવારમાં તેમની પૂજા પણ કરવામાં આવે છે.
આ વાર્તા લૉકડાઉન હેઠળ આજીવિકા પરના 25 લેખોની શ્રેણીનો એક ભાગ છે , જેને બિઝનેસ અને કોમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
અનુવાદક: કનીઝફાતેમા