મમતા પારેડ પારીમાં અમારા સહકર્મી હતા. દુર્લભ પ્રતિભા અને પ્રતિબદ્ધતા ધરાવતા યુવા પત્રકાર મમતાનું 11 મી ડિસેમ્બર, 2022 ના રોજ દુઃખદ અવસાન થયું હતું.
તેમના નિધનને એક વર્ષ પૂરું થાય છે ત્યારે અમે તમારા માટે એક ખાસ પોડકાસ્ટ લાવ્યા છીએ જેમાં તમે મમતાને તેમના લોકોની - મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા તાલુકાના એક આદિવાસી સમુદાય, વારલી સમુદાયની - વાર્તા કહેતા સાંભળી શકશો. તેમણે તેમના મૃત્યુના થોડા મહિના પહેલા જ આ ઓડિયો રેકોર્ડ કર્યો હતો.
મમતાએ મૂળભૂત સુવિધાઓ અને અધિકારો માટેના તેમના સમુદાયના સંઘર્ષ વિશે લખ્યું. એક નીડર પત્રકાર મમતાએ એવા નાના-નાના કસ્બાઓમાંથી અહેવાલ આપ્યો હતો, જેમાંના ઘણાનું તો નકશા પર પણ સ્થાન નથી. તેઓ ભૂખમરો, બાળ મજૂરી, બંધુઆ મજૂરી, શાળામાં પ્રવેશની પહોંચ, જમીન અંગેના અધિકારો, વિસ્થાપન, આજીવિકા વિગેરે મુદ્દાઓ આવરી લેવા પ્રતિબદ્ધ હતા.
આ એપિસોડમાં મમતા મહારાષ્ટ્ર સ્થિત તેમના ગામ, નિમ્બાવલીમાં અન્યાયની વાર્તા વર્ણવે છે. સરકારી અધિકારીઓએ ગામલોકોને ભોળવીને મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે માટે પાણીની યોજનાની આડમાં તેમની વડીલોપાર્જિત જમીન કેવી રીતે જપ્ત કરી લીધી હતી એની વાત કરે છે. આ યોજના તેમના ગામમાં ખૂબ ઝડપથી આગળ વધી હતી, અને ચૂકવવામાં આવેલ વળતર સાવ અપૂરતું હતું.
પારી ખાતે અમને મમતાને જાણવાનો અને તેમની સાથે કામ કરવાનો લ્હાવો મળ્યો હતો; પારી પર પ્રસિદ્ધ થયેલી તેમની તમામ નવ વાર્તાઓ અહીં સૂચિબદ્ધ છે.
મમતા તેમના લેખન અને પોતાના સમુદાય સાથેના તેમના કામ દ્વારા હજી આજેય જીવંત છે. તેઓ આજે અમારી વચ્ચે નથી તેનું અમને ખૂબ દુઃખ છે.
આ પોડકાસ્ટમાં મદદ કરવા બદલ અમે હિમાંશુ સૈકિયાના આભારી છીએ.
મુખપૃષ્ઠ પરનો મમતાનો ફોટો સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસની વેબસાઈટ પરથી લીધેલ છે, તેઓ સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસના ફેલો હતા. આ ફોટાનો અમને ઉપયોગ કરવાની પરવાનગી આપવા બદલ અમે તેમના આભારી છીએ.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક