વુલર સરોવરના કિનારે ઊભેલા અબ્દુલ રહીમ કાવા કહે છે, “આ છઠ્ઠો દિવસ છે જ્યારે હું એક પણ માછલી પકડ્યા વિના ઘેર જઈશ. 65 વર્ષના આ માછીમાર અહીં તેમના પત્ની અને દીકરા સાથે તેમના એક માળના ઘરમાં રહે છે.
બાંડીપોર જિલ્લાના કની બઠી વિસ્તારમાં આવેલું, અને જેલમ નદી અને મધુમતી ઝરણા દ્વારા પાણી મેળવતું વુલર તેની આસપાસ રહેતા લોકો માટે આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત છે - લગભગ 18 ગામોમાં ઓછામાં ઓછા 100 પરિવારો છે જેઓ વુલર સરોવરના કિનારે રહે છે.
અબ્દુલ કહે છે, “માછીમારી એ આજીવિકાનું એકમાત્ર સાધન છે. પરંતુ “સરોવરમાં પાણી જ નથી." તેઓ કિનારીઓ તરફ ઈશારો કરીને કહે છે. હવે તો અમે પાણીમાંથી ચાલીને જઈ શકીએ છીએ કારણ કે, ખૂણાઓમાં તો ફક્ત ચાર કે પાંચ જ ફૂટ પાણી રહ્યું છે."
તેઓ તો બરોબર જાણતા હોય - ત્રીજી પેઢીના માછીમાર અબ્દુલ 40 વર્ષથી ઉત્તર કાશ્મીરના આ તળાવમાં માછીમારી કરે છે. તેઓ કહે છે, “હું નાનો હતો ત્યારે મારા પિતા મને તેમની સાથે લઈ જતા. તેમને જોઈ-જોઈને, હું માછલી પકડતા શીખ્યો." અબ્દુલનો દીકરો પણ પરિવારના વ્યવસાયને અનુસર્યો છે.
દરરોજ સવારે અબ્દુલ અને તેમના સાથી માછીમારો વુલર સરોવર પર જાય છે અને પોતાની ઝલ - તેઓએ નાયલોનના તારથી વણેલી એક જાળી - સાથે લઈને તળાવમાં હોડી હંકારે છે. જાળને પાણીમાં ફેંકીને ક્યારેક તેઓ માછલીઓને આકર્ષવા માટે હાથેથી બનાવેલું નગારું વગાડે છે.
વુલર એ એશિયાનું તાજા પાણીનું સૌથી મોટું સરોવર છે પરંતુ છેલ્લા ચાર વર્ષમાં વુલરના પાણીમાંના પ્રદૂષણને કારણે આખું વર્ષ માછીમારી કરવાનું (માછલી પકડવાનું) લગભગ અશક્ય બની ગયું છે. અબ્દુલ કહે છે, “પહેલાં, અમે વર્ષમાં ઓછામાં ઓછા છ મહિના માછલી પકડતા. પરંતુ હવે અમે માત્ર માર્ચ અને એપ્રિલમાં જ માછીમારી કરીએ છીએ."
અહીં પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત જેલમમાં વહી આવતો કચરો છે, આ નદી શ્રીનગરમાંથી વહે છે, અને માર્ગમાં શહેરનો કચરો તેના પાણીમાં ભળે છે. 1990 ના રામસર કન્વેન્શન (સંમેલન) માં "આંતરરાષ્ટ્રીય મહત્વની આર્દ્ર ભૂમિ" તરીકે નિયુક્ત કરાયેલ આ સરોવર હવે ગટર, ઔદ્યોગિક પ્રવાહી-કચરો અને બાગાયતી કચરાનો ખાળકૂવો બની ગયું છે. આ માછીમાર કહે છે, “મને યાદ છે એક સમયે તળાવની મધ્યમાં પાણીનું સ્તર 40-60 ફૂટ હતું જે હવે ઘટીને માત્ર 8-10 ફૂટ થઈ ગયું છે.”
તેમને બરોબર યાદ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા 2022 માં કરાયેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 2008 અને 2019 વચ્ચે આ સરોવર ચોથા ભાગ જેટલું સંકોચાઈ ગયું છે.
અબ્દુલ કહે છે કે સાત-આઠ વર્ષ પહેલાં પણ તેમણે બે પ્રકારની ગડ (માછલી) પકડી હતી - કાશ્મીરી અને પંજેબ, પંજેબ એ તમામ બિન-કાશ્મીરી વસ્તુઓ માટે વપરાતો સ્થાનિક શબ્દ છે. તેઓ તેમણે પકડેલી માછલીઓ વુલર માર્કેટમાં ઠેકેદારોને વેચતા હતા. વુલરની માછલીઓ શ્રીનગર સહિત સમગ્ર કાશ્મીરના લોકો ખાતા હતા.
અબ્દુલ કહે છે, "સરોવરમાં પાણી હતું ત્યારે હું માછલી પકડી, એ વેચીને 1000 [રુપિયા] સુધી કમાઈ લેતો હતો. હવે નસીબ સારું હોય એ દિવસે હું માંડ ત્રણસો [રુપિયા] કમાઉં છું." ઓછી માછલીઓ પકડાઈ હોય તો તેઓ વેચવાની તસ્દી લેતા નથી અને તેને બદલે પોતાના વપરાશ માટે એ ઘેર લઈ જાય છે.
પ્રદૂષણ અને પાણીના નીચા સ્તરને કારણે સરોવરમાં માછલીઓની વસ્તીમાં ઘટાડો થયો છે અને માછીમારો નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે શિંગોડા ભેગા કરીને વેચવા જેવા આજીવિકાના બીજા વિકલ્પો તરફ વળ્યા છે. શિંગોડા પણ સ્થાનિક ઠેકેદારોને 30-40 રુપિયે કિલોના ભાવે વેચવામાં આવે છે.
આ ફિલ્મ વુલર સરોવરમાં પ્રદૂષણની અને તેને કારણે પોતાની આજીવિકા ગુમાવી રહેલા માછીમારોની વાર્તા કહે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક