વીસેક વર્ષના રુમા ખીચડ મને પોતાની વાત કહી રહ્યા છે. તેઓ કહે છે, “મારા સાસરિયાઓએ પરણવા લાયક કન્યા મેળવવા માટે તેને પૈસા આપ્યા હતા. આ પ્રથા અહીં સામાન્ય છે. દૂર-દૂરથી આવીને અહીં [રાજસ્થાનમાં] ઠરીઠામ થવું બધાને ફાવતું નથી. મારી જેઠાણી...”

67 વર્ષના યશોદા ખીચડ (નામ બદલ્યું છે) પોતાના દીકરાની વહુને અધવચ્ચે જ અટકાવીને વાતનો દોર પોતાના હાથમાં લઈ લે છે, "પચાસ હજાર લગા કે ઉસકો લાયે થે! ફિર ભી સાત સાલ કી બચ્ચી છોડ કે ભાગ ગયી વો [અમે 50000 રુપિયા આપીને એને લઈ આવ્યા હતા તોય એ ભાગી ગઈ, સાત વર્ષની દીકરીને છોડીને]."

યશોદા પંજાબથી આવેલી તેમના મોટા દીકરાની વહુ વિશે વાત કરી રહ્યા છે જે ભાગી ગઈ હતી. એ કારણે યશોદા હજી આજે પણ તેની પર ગુસ્સે છે. તેમણે ઉમેર્યું, “એ બાઈ! એ ત્રણ વર્ષ સુધી રહી. તેને હંમેશા ભાષાની તકલીફ રહી. એ અમારી ભાષા ક્યારેય શીખી જ નહીં. એક વાર રક્ષાબંધન પર તેણે કહ્યું કે તેને લગ્ન પછી પહેલી વખત તેના ભાઈ અને પરિવારને મળવા જવું છે. અમે તેને જવા દીધી. અને તે ક્યારેય પાછી આવી જ નહીં. આજકાલ કરતા છ વરસ થઈ ગયા."

યશોદાના બીજા દીકરાના વહુ રુમા એક અલગ વચેટિયા મારફત ઝુંઝુનું પહોંચ્યા હતા.

તેમને ખબર નથી કે તેમના લગ્ન કઈ ઉંમરે થયા હતા. પોતાના રાખોડી રંગના કબાટમાં આધાર કાર્ડ શોધતા-શોધતા તેઓએ કહ્યું, "હું ક્યારેય શાળાએ ગઈ નથી તેથી મારો જન્મ કયા વર્ષમાં થયો હતો એ હું તમને કહી શકતી નથી."

હું તેમની પાંચ વર્ષની દીકરીને રૂમમાં પલંગ પર રમતી જોઉં છું.

રુમાએ કહ્યું, “કદાચ મારું આધાર કાર્ડ મારા પતિના વોલેટમાં છે. મને લાગે છે કે હું આશરે 22 વર્ષની છું."

Left: Yashoda says that Ruma learnt to speak in Rajasthani within six months of her marriage, unlike her elder daughter-in-law.
PHOTO • Jigyasa Mishra
Right: Ruma is looking for her Aadhaar card copy to confirm her age
PHOTO • Jigyasa Mishra

ડાબે: યશોદા કહે છે કે તેમના મોટા દીકરાની વહુથી વિપરીત રુમા તેના લગ્નના છ મહિનામાં જ રાજસ્થાની બોલતા શીખી ગઈ હતી. જમણે: રુમા તેની ઉંમરની ખાતરી કરવા માટે પોતાના આધાર કાર્ડની નકલ શોધી રહી છે

તેઓએ આગળ કહ્યું, "મારો જન્મ ગોલાઘાટ [આસામ] માં થયો હતો. મારા માતા-પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયા પછી મારો ઉછેર પણ ત્યાં જ થયો હતો."  તેમણે ઉમેર્યું, "હું માત્ર પાંચ વર્ષની હતી, અને ત્યારથી મારા પરિવારમાં બસ ભૈયા [ભાઈ], ભાભી, નાના અને નાની જ છે."

2016 માં એક રવિવારની બપોરે રુમાએ જોયું કે તેનો ભાઈ આસામના ગોલાઘાટ જિલ્લામાં તેના દાદા-દાદીના ઘેર વિચિત્ર પોશાક પહેરેલા બે રાજસ્થાની પુરુષોને મળવા માટે લઈઆવ્યો હતો. તેમાંથી એક પરણાવવા માટે યુવાન છોકરીઓ શોધી આપતો વચેટિયો હતો.

રુમા કહે છે, “મારા વતનમાં સામાન્ય રીતે બીજા રાજ્યોના લોકો આવતા નહોતા.” તેઓએ રુમાના પરિવારને ખાત્રી આપી કે તેઓ રુમા માટે સારો પતિ મેળવી આપશે અને પરિવારે દહેજમાં કશું આપવું પણ નહીં પડે. તેઓ પરિવારને પૈસા આપશે અને કોઈ જાતના ખર્ચ વિના રુમાના લગ્ન થઈ જશે એમ પણ કહ્યું.

મળવા આવેલા એક પુરુષ સાથે 'પરણવા લાયક છોકરી' રુમાને મોકલી દેવામાં આવી. એક અઠવાડિયામાં જ આ બે માણસોએ રુમાને આસામમાં તેમના ઘરથી 2500 કિલોમીટર દૂર ઝુંઝુનુ જિલ્લાના કિશનપુરા ગામમાં પહોંચાડી દીધા.

રુમા લગ્ન કરવા માટે સંમત થાય એના બદલામાં તેમના પરિવારને જે રકમ ચૂકવવાનું વચન આપવામાં આવ્યું હતું તે રકમ એ પરિવાર સુધી ક્યારેય પહોંચી જ નહીં. રુમાના સાસરિયાઓ, ખીચડ પરિવારનો દાવો છે કે તેઓએ વચેટિયાને જે ચૂકવણી કરી હતી તેમાં છોકરીઓના પરિવારને ચૂકવવા માટેનો હિસ્સો પણ સામેલ હતો.

રુમા કહે છે, “મોટા ભાગના ઘરોમાં તમને બીજા રાજ્યોની વહુઓ જોવા મળશે." આ વિસ્તારમાં કામ કરતા સ્થાનિકો અને કાર્યકરોનું કહેવું છે કે મોટાભાગે મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાંથી યુવતીઓને રાજસ્થાન લઈ આવવામાં આવે છે.

Left: Ruma right outside her in-law's house.
PHOTO • Jigyasa Mishra
Right: Ruma with her husband Anil and her daughter
PHOTO • Jigyasa Mishra

ડાબે: રુમા તેના સસરાના ઘરની બહાર. જમણે: પતિ અનિલ અને દીકરી સાથે રુમા

રાજસ્થાનમાં દીકરા માટે વહુ શોધવી મુશ્કેલ છે - સીએસઆર - ચાઈલ્ડ સેક્સ રેશિયો - બાળ લિંગ ગુણોત્તર (0 થી 6 વર્ષના વય જૂથ) ની દ્રષ્ટિએ આ રાજ્ય સૌથી ખરાબ રાજ્યોમાંનું એક છે. રાજ્યના 33 જિલ્લામાં ઝુંઝુનું અને સીકરની હાલત સૌથી ખરાબ છે. ઝુંઝુનુંના ગ્રામીણ વિસ્તારોનો સીએસઆર 1000 છોકરાઓ દીઠ 832 છોકરીઓનો છે, જે 2011 ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર 1000 છોકરાઓ દીઠ 923 છોકરીઓના રાષ્ટ્રીય આંકડા કરતાં ઘણો ઓછો છે.

માનવાધિકાર કાર્યકર વિકાસ કુમાર રાહર કહે છે કે છોકરીઓની અછતનું કારણ એ છે જિલ્લામાં લિંગ પસંદગી છોકરાઓની તરફેણ કરે છે. તેઓ ઉમેરે છે, “પોતાના દીકરાઓની વહુઓ બની શકે એવી છોકરીઓની અછત માબાપને સરળતાથી મળી શકતા વચેટિયાઓનો સંપર્ક કરવા મજબૂર કરે છે. બદલામાં વચેટિયાઓ આવા પરિવારોને બીજા રાજ્યોની ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી છોકરીઓ પૂરી પાડે છે."

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ( એનએફએચએસ-5 ) માં દસ્તાવેજીકૃત થયેલ 2019-2020 માટેના વધુ તાજેતરના આંકડાઓ અનુસાર રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષમાં જન્મેલા બાળકો માટે જન્મ સમયે લિંગ ગુણોત્તર શહેરી વિસ્તારોમાં 1000 પુરૂષો દીઠ 940 મહિલાઓ છે. ગ્રામીણ વિસ્તારોમાં તે વધુ ઘટીને પ્રતિ 1000 પુરૂષો દીઠ 879 મહિલાઓ પર આવી જાય છે. ઝુંઝુનું જિલ્લાની 70 ટકાથી વધુ વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.

રાહર સ્થાનિક બિન-સરકારી સંસ્થા શિક્ષિત રોજગાર કેન્દ્ર પ્રબંધક સમિતિ (એસઆરકેપીએસ) માં સંયોજક (કોઓર્ડિનેટર) છે. તેઓ કહે છે, “લોકો [વહુઓ માટે] 20000 થી શરુ કરીને 2.5 લાખ રુપિયા ચૂકવે છે, જેમાં વચેટિયાઓના હિસ્સાનો પણ સમાવેશ થાય છે.”

પણ શા માટે?

યશોદા સવાલ કરે છે, "તે વિના અમને કોઈ [કન્યા] મળે શી રીતે?" તેઓ કહે છે, "તમારા દીકરા પાસે સરકારી નોકરી ન હોય તો અહીં કોઈ તમને તેમની દીકરી આપતું નથી."

From left: Ruma’s father-in-law, Ruma near the wall, and her mother-in-law Yashoda with her grand-daughter on her lap. The family has adopted a dog who follows Yashoda's c ommands
PHOTO • Jigyasa Mishra

ડાબેથી: રુમાના સસરા, દીવાલ પાસે રુમા અને તેમના સાસુ યશોદા ખોળામાં પોતાની પૌત્રી સાથે. પરિવારે એક કૂતરો પાળ્યો છે જે યશોદા કહે તેમ કરે છે

યશોદાના બે દીકરાઓ તેમના પિતાને ખેતીમાં અને તેમના છ ઢોરની સંભાળ રાખવામાં મદદ કરે છે. પરિવાર પાસે 18 વીઘા જમીન છે જ્યાં તેઓ બાજરી, ઘઉં, કપાસ અને સરસવ ઉગાડે છે. (રાજસ્થાનના આ ભાગમાં એક વીઘા જમીન 0.625 એકર બરાબર થાય).

યશોદા કહે છે, “મારા દીકરાઓને અહીં છોકરીઓ મળતી નહોતી, તેથી અમારે [માનવ તસ્કરી (ટ્રાફિકિંગ) દ્વારા] બહારથી છોકરી લઈ આવ્યા સિવાય છૂટકો નહોતો." તેઓ પૂછે છે, "અમારે અમારા છોકરાઓને ક્યાં સુધી કુંવારા રાખવા?"

યુનાઈટેડ નેશન્સ ઑફિસ ઑફ ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (યુએનઓડીસી) માનવ તસ્કરીને રોકવા, નાબૂદ કરવા અને દંડિત કરવા માટેની આચારસંહિતા માં માનવ તસ્કરીને "નફો અથવા લાભ મેળવવાના ઈરાદાથી શોષણના ઉદ્દેશ્ય સાથે બળજબરી અથવા છેતરપિંડી દ્વારા લોકોની ભરતી, પરિવહન, સ્થાનાંતરણ, આશ્રય અથવા હસ્તગત કરવાના કૃત્ય તરીકે વ્યાખ્યાયિત કરે છે." ભારતમાં એ ફોજદારી ગુનો છે, જે ભારતીય દંડ સંહિતા (આઇપીસી - ઈન્ડિયન પીનલ કોડ) ની કલમ 370 હેઠળ સજાને પાત્ર છે. અને એ ગુના માટે 7 થી 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

ઝુંઝુનુંના પોલીસ અધિક્ષક (સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) મૃદુલ કચાવાએ આ પ્રથાને અંકુશમાં લેવાના તેમના પ્રયાસો વિશે પારી સાથે વાત કરતાં કહ્યું, “રાજસ્થાનના દરેક જિલ્લામાં માનવ તસ્કરી વિરોધી એકમ (એએચટીયુ - એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) છે. થોડા મહિના પહેલા આસામ પોલીસે એક છોકરીની તસ્કરી અંગે અમારો સંપર્ક કર્યો હતો. અમે તપાસ કરી, છોકરીને છોડાવી, અને તેને પાછી મોકલી દીધી. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તસ્કરી કરીને લવાયેલી મહિલાઓ પાછા જવાનો ઈન્કાર કરી દે છે. તેઓ કહે છે કે તેઓ પોતાની મરજીથી અહીં આવ્યા છે. ત્યારે કેસ જટિલ બની જાય છે."

રુમાને તેમના પરિવારને વધુ વખત મળવાનું ચોક્કસ ગમે પરંતુ તેઓ તેમના સાસરે રહેવાનું ચાલુ રાખવા માંગે છે. તેઓ કહે છે, "હું અહીં કોઈ પણ એક સામાન્ય છોકરીની જેમ ખુશ છું. મને કોઈ તકલીફ નથી.  મારું ઘર (પિયર) બહુ દૂર છે એટલે સ્વાભાવિક છે કે હું વારંવાર ત્યાં જઈ શકતી નથી પરંતુ હા, મારે બહુ જલ્દી મારા ભાઈને અને મારા પરિવારને મળવું છે. રુમાને આજ સુધી તેના સાસરામાં કોઈ શારીરિક કે મૌખિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો નથી.

Ruma visited her family in Assam twice since her marriage about seven years ago. She speaks to them occassionally over the phone
PHOTO • Jigyasa Mishra

લગભગ સાત વર્ષ પહેલાં રુમાના લગ્ન થયા એ પછી તેઓ બે વાર આસામમાં તેમના પરિવારને મળવા ગયા હતા. તેઓ ક્યારેક ક્યારેક ફોન પર પરિવારજનોની સાથે વાત કરી લે છે

રુમાને પોતનું જીવન કદાચ બીજી કોઈ પણ 'સામાન્ય છોકરી' જેવું લાગતું હશે પણ 2019માં પશ્ચિમ બંગાળમાંથી માનવ તસ્કરી દ્વારા અહીં લાવવામાં આવેલા વીસેક વર્ષના સીતા (આ તેમનું અસલી નામ નથી) ની એક અલગ કહાણી છે અને તેઓ તેમની વાત કરતાં ખૂબ ગભરાય છે: “હું નથી ઈચ્છતી કે તમે મારા જિલ્લાનું અથવા મારા પરિવારની કોઈ પણ વ્યક્તિનું નામ લો."

“2019 માં એક રાજસ્થાની વચેટિયો ઝુંઝુનુંમાંથી એક લગ્નના પ્રસ્તાવ સાથે મારા પરિવારને મળવા આવ્યો હતો. તેણે કહ્યું કે એ પરિવાર પાસે પુષ્કળ પૈસો છે અને તે મારા ભાવિ-પતિની નોકરી વિશે જુઠ્ઠું બોલ્યો. પછી તેણે મારા પિતાને 1.5 લાખ રુપિયા આપવાની વાત કરી અને મને તરત જ લઈ જવાનો આગ્રહ રાખ્યો." તેણે કહ્યું હતું કે લગ્ન રાજસ્થાનમાં થશે અને તે લગ્નના ફોટા મોકલી દેશે.

માથે પુષ્કળ દેવું અને ચાર-ચાર નાના બાળકો સાથે સંઘર્ષ કરતા પિતાને પોતે મદદ કરી રહી છે એમ વિચારીને સીતા એ જ દિવસે ઘેરથી નીકળી ગઈ

સીતા આગળ કહે છે, "બે દિવસ પછી મને એક ઓરડામાં પૂરી દેવામાં આવી અને એક માણસ અંદર આવ્યો. મને લાગ્યું કે એ મારા પતિ છે. એ પુરુષ મારા કપડા કાઢવા માંડ્યો. મેં તેને લગ્ન વિશે પૂછ્યું તો તેણે મને થપ્પડ મારી દીધી. મારા પર બળાત્કાર થયો. પછીના બે દિવસ મેં એ જ રૂમમાં થોડુંઘણું કંઈક ખાઈને વિતાવ્યા હશે, અને પછી મને મારા સાસરે લઈ જવામાં આવી. ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મારા પતિ તો કોઈ બીજા હતા અને એ મારા કરતા આઠ વર્ષ મોટા હતા.”

ઝુંઝુનુંમાં એસઆરકેપીએસના સ્થાપક રાજન ચૌધરી કહે છે, "અહીં એવા પણ વચેટિયાઓ છે કે જેમની પાસે દરેક ઉંમરના અને દરેક આર્થિક પરિસ્થિતિના લોકો માટે કન્યા હાજર હોય છે. મેં એકવાર એક વચેટિયોને પૂછ્યું હતું કે તેઓ મારે માટે છોકરી મેળવી આપી શકે કે કેમ, અને તમને કહી દઉં કે મારી ઉંમર 60 વર્ષથી વધુ છે. મારા આશ્ચર્ય વચ્ચે તેણે કહ્યું કે પૈસા વધારે થાય પરંતુ કામ તો એકદમ સરળતાથી થઈ શકે છે. તેણે સૂચવેલી યોજના કંઈક આવી હતી - એક યુવાનને મારી સાથે લઈને જવાનો અને સંભવિત વર તરીકે તેને ઊભો કરી દેવાનો." એકવાર પરિવાર તેમની દીકરી સોંપી દે એટલે વચેટિયો એ છોકરીને રાજસ્થાન લઈ આવે અને એની સાથે મારા લગ્ન કરાવી આપે.

Varsha Dangi was trafficked from her village in Sagar district of Madhya Pradesh and brought to Jhunjhunun
PHOTO • Jigyasa Mishra

વર્ષા ડાંગીને મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં તેમના ગામમાંથી માનવ તસ્કરી દ્વારા ઝુંઝુનું લાવવામાં આવ્યા હતા

રાજનના મતે ઝુંઝુનુંમાં માનવ તસ્કરી દ્વારા યુવાન છોકરીઓને લાવવામાં આવે છે તેની પાછળનું વાસ્તવિક કારણ જિલ્લાનો લિંગ ગુણોત્તર છે. તેઓ કહે છે, "ગેરકાયદેસર લિંગ નિર્ધારણ પરીક્ષણો સ્ત્રી ભ્રૂણને લક્ષ્ય બનાવે છે, જિલ્લામાં અને બહાર આ પરીક્ષણો સરળતાથી અને મોટા પાયે થાય છે."

વર્ષા ડાંગી રુમાના ઘરથી લગભગ 30 કિલોમીટર દૂર ઝુંઝુનુંના અલસીસર ગામના રહેવાસી છે. 2016 માં તેમના કરતા 15 વર્ષ મોટા પુરુષ સાથે તેમના લગ્ન કરાવાયા હતા. અને તેમને મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં તેમના ઘેરથી તેમના પતિના ગામમાં લાવવામાં આવ્યા હતા.

32 વર્ષના વર્ષા કહે છે, “તેઓ (ઉંમરમાં) ભલે મોટા હતા પણ મને પ્રેમ કરતા હતા. જ્યારથી અહીં આવી છું ત્યારથી મને હેરાન કરી મૂકનાર મારા સાસુ છે. અને હવે મારા પતિ મૃત્યુ પામ્યા છે એ પછી તો હાલત વધારે ખરાબ છે."

તેઓ કહે છે, “યહાં કા એક બિચૌલિયા થા જો એમપી મેં આતા થા. મેરે ઘરવાલોં કે પાસ પૈસે નહીં થે દહેજ દેને કે લિયે, તો ઉન્હોંને મુઝે ભેજ દિયા યહાં પર, બિચૌલિયે કે સાથ. રાજસ્થાનનો એક વચેટિયો હતો જે નિયમિત રીતે મધ્યપ્રદેશ આવતો હતો. મારા પરિવાર પાસે મારા લગ્ન માટે દહેજ તરીકે આપવા માટે પૈસા નહોતા, એટલે તેમણે મને અહીં મોકલી દીધી વચેટિયાની સાથે]."

તેઓ પાડોશીના ઘરમાં છુપાઈને અમારી સાથે વાત કરી રહ્યા છે: “મારા સાસ (સાસુ) અથવા દેવરાણી [દેરાણી] અહીં આવે ત્યારે તમે મારી સાથે આ વિશે વાત ન કરો એટલું ધ્યાન રાખજો. જો એ બેમાંથી કોઈ આપણી વાત સાંભળી જશે તો મારી જિંદગી નરક થઈ જશે.”

'રાજસ્થાનનો એક વચેટિયો હતો જે નિયમિત રીતે મધ્યપ્રદેશની આવતો હતો. મારા પરિવાર પાસે મારા લગ્ન માટે દહેજ તરીકે આપવા માટે પૈસા નહોતા, એટલે તેમને મને અહીં મોકલી દીધી વચેટિયાની સાથે'

વીડિયો જુઓ: ઝુનઝુન માટે 'પરણવા લાયક છોકરીઓ' ની ખરીદી

તેઓ અમારી સાથે વાતો કરે છે ત્યારે તેમનો ચાર વર્ષનો દીકરો તેમને બિસ્કીટ માટે પજવી રહ્યો છે. પાડોશી તેને થોડા બિસ્કિટ આપે છે. તેમણે પાડોશી તરફ ઈશારો કરતા કહ્યું, "આ લોકો ન હોત તો હું અને મારો છોકરો ક્યારનાય ભૂખે મરી ગયા હોત. મારું ને મારી દેરાણીનું રસોડું અલગ-અલગ છે. મારા પતિનું અવસાન થયું ત્યારથી દરેકેદરેક ટંકનું ભોજન એક પડકાર થઈ ગયું છે." વર્ષ 2022 માં તેમના પતિના મૃત્યુ પછી તેઓ મર્યાદિત રાશન પર જે રીતે દહાડા કાઢી રહ્યા છે એની વાત કરતા તેમની આંખમાં આંસુ આવી જાય છે.

વિધવાને વરના પરિવારના બીજા પુરુષ સાથે લગ્ન કરવાની ફરજ પાડવામાં આવે છે, પછી એ પુરુષ ગમે તે ઉંમરનો હોય, એ રાજસ્થાની રિવાજનો ઉલ્લેખ કરતા વર્ષા કહે છે, “રોજેરોજ મને ઘરની બહાર નીકળી જવાનું કહેવામાં આવે છે. મારા સાસુ કહે છે કે મારે જીવતા રહેવું હોય તો બીજા કોઈનો ચૂડો પહેરવો પડશે." આની પાછળનું કારણ સમજાવતા વર્ષા કહે છે, "તેમને એ ચિંતા છે કે હું મારા પતિની મિલકતમાં હિસ્સો માગીશ."

આ જિલ્લો મોટાભાગે ગ્રામીણ છે અને 66 ટકા વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે. વર્ષાના પતિ ખેડૂત હતા અને તેમના મૃત્યુ પછી તેમના ભાગની જમીન પર કોઈ ખેતી કરતું નથી. પરિવાર પાસે 20 વીઘા જમીન છે, જે બે ભાઈઓ વચ્ચે વહેંચાયેલી છે.

વર્ષા કહે છે કે તેમના સાસુ તેમને અવાર-નવાર ટોણો મારતા હતા, “હમ તુમકો ખરીદ કે લાયે હૈ, ઢાઈ લાખ મેં, જો કામ બોલા જાયે વો તો કરના હી પડેગા. [અમે તને 2.5 લાખ રુપિયા આપીને અહીં લાવ્યા છીએ. જે કામ કહીએ એ ચુપચાપ કર]."

"હું 'ખરીદી હુઈ' [ખરીદેલી] ના ટેગ સાથે જીવું છું, અને એની સાથે જ મરીશ."

Varsha says that after her husband's death her in-laws pressurise her to either live with her younger brother-in-law or leave
PHOTO • Jigyasa Mishra

વર્ષા કહે છે કે તેમના પતિના મૃત્યુ પછી તેમના સાસરિયાઓ તેમના પર દબાણ કરે છે કે તે કાં તો તેઓ તેમના નાના દિયર સાથે રહેવા માંડે અથવા ઘર છોડીને જતા રહે

*****

આ વાત ડિસેમ્બર 2022 ની છે. આ બધું થયાના છ મહિના પછી તેમણે પારી સાથે ફોન પર વાત કરી ત્યારે તેમના અવાજમાં કોઈ અલગ જ સૂર હતો. વર્ષા કહે છે, "આજ સુબહ હમ અપને ઘર આ ગયે હૈં [આજે સવારથી હું મારે પિયર પાછી આવી ગઈ છું].". તેમના સાસરે સાસરિયાઓ તેમને કહ્યા કરતા કે કાં તો તેઓ તેમના નાના દિયર સાથે જિંદગી જીવે અથવા ઘર છોડીને જતા રહે. વર્ષા ઉમેરે છે, "સાસરિયાઓએ મને માર પણ માર્યો. એટલે મારે એ ઘર છોડી દેવું પડ્યું."

તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ હવે વધુ ત્રાસ સહન નહીં કરે. તેમના દિયર પહેલેથી જ પરિણીત છે અને પોતાની પત્ની સાથે રહે છે. વર્ષા કહે છે, “અમારા ગામમાં વિધવાઓ માટે ઘરના કોઈપણ પુરુષ સાથે લગ્ન કરવા એ સામાન્ય વાત છે. પુરુષની ઉંમર, તેનો વૈવાહિક દરજ્જો (તે કુંવારો છે કે નહીં) કશું જ મહત્ત્વનું નથી."

વર્ષા પોતાના દીકરા સાથે રસીકરણની એપોઇન્ટમેન્ટના બહાને ઘર છોડીને નીકળ્યા હતા. એકવાર બહાર નીકળ્યા પછી તેમણે મધ્યપ્રદેશની ટ્રેન પકડી. તેઓ કહે છે, “મારા પડોશની મહિલાઓએ અમારી ટિકિટ માટે થોડા પૈસા ભેગા કર્યા હતા. પરંતુ રસ્તામાં મારી પાસે કાણી કોડીય નહોતી નહોતો."

“એકવાર મેં 100 [પોલીસ] ડાયલ કરીને પોલીસને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ મને કહ્યું હતું કે પંચાયત મને મદદ કરશે. જ્યારે મારો મામલો પંચાયત સુધી ગયો ત્યારે તેઓએ મને મદદ કરવા માટે કંઈ કર્યું નહીં."

નવા જુસ્સા  અને નિશ્ચય સાથે વાત કરતા તેઓ કહે છે, "હું ઈચ્છું છું કે દુનિયા જાણે કે મારા જેવી મહિલાઓ સાથે કેવું વર્તન કરવામાં આવે છે."

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Jigyasa Mishra

جِگیاسا مشرا اترپردیش کے چترکوٹ میں مقیم ایک آزاد صحافی ہیں۔ وہ بنیادی طور سے دیہی امور، فن و ثقافت پر مبنی رپورٹنگ کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Jigyasa Mishra
Editor : Pratishtha Pandya

پرتشٹھا پانڈیہ، پاری میں بطور سینئر ایڈیٹر کام کرتی ہیں، اور پاری کے تخلیقی تحریر والے شعبہ کی سربراہ ہیں۔ وہ پاری بھاشا ٹیم کی رکن ہیں اور گجراتی میں اسٹوریز کا ترجمہ اور ایڈیٹنگ کرتی ہیں۔ پرتشٹھا گجراتی اور انگریزی زبان کی شاعرہ بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pratishtha Pandya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

کے ذریعہ دیگر اسٹوریز Maitreyi Yajnik