જૂન 2023ના મધ્યમાં અઝીમ શેખ ઔરંગાબાદમાં ડિવિઝનલ કમિશનરની ઓફિસ સામે પાંચ દિવસ સુધી ભૂખ હડતાળ પર ઊતર્યા હતા.
કાળઝાળ ગરમી હોવા છતાં 26 વર્ષના અઝીમે હાઇડ્રેટેડ રહેવા માટે પાણી સિવાય બીજું કંઈ જ પીધું ન હતું. ઉપવાસના અંતે તેમને નબળાઈ આવી ગઈ હતી, તેઓ ખૂબ થાકી ગયા હતા અને તેમને ચક્કર આવતા હતા, એટલે સુધી કે સીધા ચાલવામાં પણ તેમને મુશ્કેલી પડતી હતી.
શું હતી તેમની માંગ? તેઓ માત્ર પોલીસમાં ફરિયાદ નોંધાવવા માગતા હતા. પરંતુ ઔરંગાબાદથી લગભગ 80 કિલોમીટર દૂર જાલના જિલ્લામાં તેમના ગામની નજીકના સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરી દીધો હતો.
19 મી મે, 2023 ના રોજ - મરાઠા સમુદાયના - સ્થાનિક સોનાવણે પરિવારના સભ્યો રાત્રે 11 વાગ્યે અઝીમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના પરિવારના સભ્યોને લાકડીઓ અને પથ્થરો વડે માર્યા હતા. તેમના ભાઈ અને માતા-પિતાને ઈજાઓ પહોંચી હતી. તેમણે પારીને કહ્યું, “મારી વૃદ્ધ માતાને તો હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તે એક ઘાતકી હુમલો હતો. તેઓએ અમારા ઘરમાંથી 1.5 લાખથી વધુની કિંમતના દાગીના અને રોકડની ચોરી પણ કરી હતી.”
નીતિન સોનવણે હુમલો કરનાર ટોળાનો ભાગ હોવાનો અઝીમે આક્ષેપ કર્યો હતો, જ્યારે આ પત્રકારે નીતિન સોનવણેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, "મને આ ઘટના વિશે કંઈ જ ખબર નથી."
અઝીમનું ઘર મધ્ય મહારાષ્ટ્રના ભોકરદન તાલુકામાં આવેલા તેમના ગામ પળાસખેડા મુર્તાડની વસાહતથી લગભગ બે કિલોમીટર દૂર તેમની આઠ એકર ખેતીની જમીન પર આવેલું છે.
તેઓ કહે છે, "રાત્રે આ વિસ્તાર નિર્જન અને શાંત હોય છે. અમે મદદ માટે કોઈને બોલાવી પણ ન શક્યા."
અઝીમને શંકા છે કે આ હુમલો ધંધાકીય દુશ્મનાવટને કારણે થયો હતો. તેમના ગામમાં જેસીબી મશીન ચલાવતા હોય તેવા આ બે જ પરિવારો છે. અઝીમ કહે છે, “નજીકમાં [જુઈ] બંધ છે. સારો પાક લેવા માટે ગામના ખેડૂતોએ કેચમેન્ટ એરિયામાંથી કાંપ લાવીને પોતાની જમીન પર ફેલાવવો પડે છે. અમારું કામ ખેડૂતો માટે કાંપ ખોદવાનું છે.”
બંને પરિવારો કાંપ કાઢવા માટે ખેડૂતો પાસેથી કલાક દીઠ 80 રુપિયા વસૂલે છે. અઝીમ કહે છે, "પરંતુ મેં મારો દર ઘટાડીને 70 રુપિયા કર્યો ત્યારે મને વધુ કામ મળવા લાગ્યું. એ પછી મને ધમકી આપવામાં આવી અને મેં મારો દર ફરી વધાર્યો નહીં ત્યારે તેઓએ મારા ઘર પર હુમલો કર્યો. તેઓએ ઘરની સામે પાર્ક કરેલા જેસીબી મશીનમાં પણ તોડફોડ કરી.”
બીજે દિવસે સવારે અઝીમ તેમનું ગામ જે તાલુકામાં આવેલું છે તે ભોકરદન પોલીસ સ્ટેશન ગયા હતા. જોકે પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) દાખલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેને બદલે ઉપરથી, "પોલીસે મને ધમકી આપી," તેઓ યાદ કરે છે. “તેઓએ કહ્યું કે જો હું એ પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ તો મુશ્કેલીમાં મૂકાઈ જઈશ. તેઓ રાજકીય વર્તુળોમાં વગ ધરાવે છે.”
અઝીમના જણાવ્યા મુજબ તેમણે સત્તાવાર રીતે તેમની ફરિયાદ નોંધવામાં આવે એવો આગ્રહ રાખ્યો ત્યારે પોલીસે તેમને ચેતવણી આપી કે એ પરિવાર તેમની વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાવશે અને તેમને ગામમાંથી બહાર કાઢી મૂકશે.
તેઓ પૂછે છે, "હી કસલી લો એન્ડ ઓર્ડર [આ તે કેવી કાયદો અને વ્યવસ્થા]? આ તો એક યોજનાબદ્ધ હુમલો હતો, 25-30 લોકો મારા ઘરમાં ઘુસી ગયા હતા અને તબાહી મચાવી દીધી હતી. એ આઘાતજનક અને ડરામણી ઘટના હતી."
અઝીમ માટે એ સિદ્ધાંતનો સવાલ હતો. તેમના સ્વાભિમાનનો સવાલ હતો. મરાઠા પરિવાર (તેમને અને તેમના પરિવારને હેરાન કરીને) આમ સહેલાઈથી છટકી જાય એ વાત કંઈ અઝીમના મગજમાં બરોબર બેઠી ન હતી અને તેથી, “હું પાછો ન હટ્યો. જ્યાં સુધી તેઓ એફઆઈઆર દાખલ કરવા સંમત ન થયા ત્યાં સુધી હું પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ કરતો રહ્યો.”
આખરે જ્યારે પોલીસ નરમ પડી ત્યારે તેઓએ અઝીમને કહ્યું કે એફઆઈઆરમાં બધી વિગતો નહીં હોય; તેને હળવી કરી દેવામાં આવશે. તેઓ કહે છે, "તેઓએ અમારા ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી હતી એ વિગતનો એફઆઈઆરમાં સમાવેશ કરવાનો પોલીસે ઈન્કાર કરી દીધો. મને એ મંજૂર નહોતું."
આથી તેમણે ગ્રામ પંચાયતમાં જઈને ગામના અગ્રણી સભ્યો સમક્ષ પોતાનો કેસ રજૂ કર્યો હતો. અઝીમનો પરિવાર પેઢીઓથી ગામમાં રહેતો હતો. તેમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ગામના બાકીના લોકો તેમને સાથ આપશે. તેઓ કહે છે, “ગામના લોકો સાથે મારે ઉષ્માભર્યા સંબંધો છે. મને ખાતરી હતી કે લોકો મારી પડખે ઊભા રહેશે."
અઝીમે ઘટનાની તમામ વિગતો સાથેનું નિવેદન છાપીને ગામ લોકોને એક થઈ સહી કરવા વિનંતી કરી હતી. તેઓ આ મામલાને મજબૂત બનાવવા માગતા હતા અને તેને સમગ્ર મરાઠવાડા પ્રદેશ પર નિગરાની રાખવાની જવાબદારી સંભાળતા ઔરંગાબાદના ડિવિઝનલ કમિશનર (ડીસી) સમક્ષ રજૂ કરવા માગતા હતા.
માત્ર 20 લોકોએ આ કાગળ પર સહી કરી હતી - સહી કરનાર તમામ મુસ્લિમો હતા. "કેટલાક લોકોએ મને ખાનગીમાં કહ્યું કે તેઓ મારી સાથે છે પરંતુ જાહેરમાં મને ટેકો આપતા તેઓ ડરતા હતા."
અને તે જ ક્ષણે ગામની અંદર પડેલી ફાટફૂટમાં ભાઈચારાની વાસ્તવિકતા અચાનક ઉઘાડી પડી ગઈ. અઝીમ કહે છે, “મને ખ્યાલ પણ નહોતો કે મારું ગામ ધરમના નામે આટલું બધું વહેંચાયેલું હશે." ઘણા હિંદુઓ રેકોર્ડ પર કોઈ વાત કહેવા માગતા ન હતા, અને જેમણે વાત કરી તેઓએ ટેકો ન આપવા પાછળ અથવા ગામમાં પ્રવર્તતી તંગદિલી પાછળ ધાર્મિક આધાર હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો.
હિન્દુ ખેડૂતોએ નામ ન આપવાની શરતે કહ્યું કે તેમની સામે બદલો લેવાશે એવા ડરથી તેઓ આ બાબતે કોઈ સ્પષ્ટ વલણ લઈ શકતા નથી. તેઓએ કહ્યું, (ગામની) પરિસ્થિતિ સ્ફોટક છે, અને તેઓ કોઈ પણ જાતની મુશ્કેલીમાં મૂકાવા માગતા નથી.
છેલ્લા 20 વર્ષથી ગામના સરપંચ 65 વર્ષના ભગવાન સોનવણે કહે છે કે તે સમયે સાંપ્રદાયિક તણાવ હતો, પરંતુ હવે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે. તેઓ કહે છે, "અલબત્ત, જ્યારે બે અલગ-અલગ ધર્મના બે પરિવારો વચ્ચે આ રીતે ઝગડો થાય છે ત્યારે એની અસર આખા ગામ પર પડે."
સોનાવણેએ કહ્યું, “આ ઘટનામાં અઝીમનો વાંક નહોતો. પરંતુ ગામના લોકોએ પોતાના કામથી કામ રાખવાનું અને આ બાબતમાં વચ્ચે ન પાડવાનું પસંદ કર્યું." સોનાવણે પોતે મરાઠા સમુદાયના છે. અમારા ગામમાં છેલ્લી વખત 15 વર્ષ પહેલા હિંદુ-મુસ્લિમ અણબનાવની ઘટના બની હતી. તેઓ ઉમેરે છે, "તાજેતરના સમયમાં આ ઘટના બની ત્યાં સુધી બધું શાંતિપૂર્ણ હતું."
પળાસખેડા મુર્તાડ ગામ કદાચ બાકીના જાલના જિલ્લા અને મહારાષ્ટ્ર રાજ્યનું પણ પ્રતીક છે, જ્યાં હવે સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો છે.
26 મી માર્ચ, 2023 ના રોજ ધાર્મિક વિદ્વાન સૈય્યદ ઝાકિર ખજામિયા જાલના જિલ્લાના અનવા ગામમાં એક મસ્જિદમાં શાંતિથી કુરાન વાંચી રહ્યા હતા. 26 વર્ષના આ યુવકે પોલીસને જણાવ્યું, "તે સમયે અચાનક ત્રણ અજાણ્યા માણસો મસ્જિદમાં ઘૂસી ગયા અને મને જય શ્રી રામ બોલવાનું કહ્યું. જ્યારે મેં આમ કરવાની ના પાડી ત્યારે તેઓએ મને છાતીમાં લાત મારી, માર માર્યો અને મારી દાઢી પણ ખેંચી."
તેમની જુબાની અનુસાર કાળા માસ્કથી પોતાના ચહેરા ઢાંકેલા આ પુરુષોએ તેઓ બેભાન થઈ ગયા ત્યાં સુધી તેમને માર માર્યો અને તેમની દાઢી મૂંડી નાખી. હાલમાં તેઓ (તેમના ગામથી) લગભગ 100 કિમી દૂર ઔરંગાબાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તેમનો અનુભવ અસામાન્ય નથી. પડોશી ગામના વડા અબ્દુલ સત્તાર કહે છે કે પરિસ્થિતિ અત્યંત તંગ છે. તેઓ કહે છે, "મુસ્લિમ સમુદાયના ડર અને ચિંતા દૂર થાય, તેમને વિશ્વાસ બેસે એ માટે પોલીસે કંઈ જ કર્યું નથી. આ પ્રકારની ઘટનાઓ બહુ નોંધાતી નથી પરંતુ એ અમારા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે."
19 મી જૂન, 2023ના રોજ 18 વર્ષના એક મુસ્લિમ છોકરા અને નાના ખેડૂતોના દીકરા તૌફિક બાગવાને 17 મી સદીના મુગલ સમ્રાટ - ઔરંગઝેબની તસવીર (સોશિયલ મીડિયા પર) અપલોડ કર્યા પછી જાલના પોલીસે તેની પર "ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુપૂર્વકના અને દૂષિત ઈરાદા" નો આરોપ મૂક્યો હતો.
તેમના મોટા ભાઈ 26 વર્ષના શફીક કહે છે કે તેમના ગામ હસનાબાદમાં જમણેરી જૂથો તૌફિકની સ્ટોરીના સ્ક્રીનશોટ લઈને પોલીસ સ્ટેશન ગયા હતા. શફીક કહે છે, “આ તસવીર બીજા કોણે અપલોડ કરી હતી એની તપાસ કરવા માટે પોલીસે તૌફિકનો ફોન જપ્ત કરી લીધો હતો. મારો ભાઈ હજી માત્ર 18 વર્ષનો છે. તે ભયભીત અને પરેશાન છે."
હસનાબાદ ભોકરદનના એ જ તાલુકામાં છે જ્યાં અઝીમનું ગામ આવેલું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટ સામે એફઆઈઆર દાખલ કરવામાં પોલીસનો સહકાર અને સક્રિયતા અઝીમે સહન કરેલા શારીરિક હુમલા સામે એફઆઈઆર દાખલ કરવાના અનુભવથી તદ્દન વિપરીત છે.
પોલીસે અઝીમને કહ્યું કે તેઓ હળવી કરી દીધેલી એફઆઈઆર દાખલ કરશે એ પછી અઝીમે બીજા 20 મુસ્લિમ ગ્રામજનોની સહીઓ સાથેનો કાગળ ઔરંગાબાદના ડીસી સમક્ષ રજૂ કર્યો હતો. ગામના કેટલાક બીજા મુસ્લિમ ખેડૂતો પણ અઝીમ સાથે ઉપવાસ પર ઊતર્યા હતા. તેઓ કહે છે, "એવું લાગે છે જાણે અમને તો કોઈ ગણતું નથી. અધિકારીઓને અમે દેખાતા જ નથી."
પાંચ દિવસ પછી ડીસીએ અઝીમ અને બીજા દેખાવકારોને મળીને કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમણે તેમને જાલનામાં પોલીસ અધિક્ષકને મળવા કહ્યું હતું.
ઔરંગાબાદમાં વિરોધ પ્રદર્શન પછી અઝીમ જાલના શહેરમાં પોલીસ અધિક્ષક (સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પુલિસ - એસપી) ને મળ્યા અને જેમાં હુમલાની વિગતો હતી એ જ પત્ર તેમની સમક્ષ રજૂ કર્યો હતો. એસપીએ ભોકરદન પોલીસ સ્ટેશને ફોન કરીને પોલીસને આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આખરે 14 મી જુલાઈના રોજ – ઘટનાના લગભગ બે મહિના પછી– ભોકરદન પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. એફઆઈઆરમાં નીતિન સહિત 19 લોકોના નામ આપવામાં આવ્યા હતા. આ આરોપોમાં ગેરકાયદેસર રીતે ભેગા થવું, રમખાણો કરવા, ખતરનાક હથિયારોથી ઈજા પહોંચાડવી, 50 રુપિયા અથવા તેથી વધારેનું આર્થિક નુકસાન પહોંચાડવું, અને ગુનાહિત ધાકધમકીનો સમાવેશ થાય છે.
જો કે દાગીના અને રોકડની ચોરીની વિગતોનો હજી સુધી એફઆઈઆરમાં સમાવેશ કરાયો નથી.
અઝીમ કહે છે, "ખરું પૂછો તો મારી ફરિયાદ યોગ્ય રીતે ન નોંધવા બદલ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. પરંતુ એવી અપેક્ષા રાખવી એ તો બહુ વધારે પડતું છે. જો આવા કોઈ ગુનાનો આરોપી મુસ્લિમ હોત તો આખી વાત જ સાવ અલગ હોત.
આ પત્રકારે ભોકરદન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને વારંવાર ફોન કરીને વાત કરવાના પ્રયાસ કર્યા હતા પણ કોઈ જવાબ મળ્યો ન હતો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક