સૌંટા ગામના રહેવાસી સુમેર સિંહ ભાટી કહે છે, “પંખે વાલે [પવનચક્કીઓ], બ્લેડ વાલે [સૌર ઊર્જા ખેતરો] અમારા ઓરણો પર કબજો કરી રહ્યા છે." તેઓ ખેડૂત અને પશુપાલક છે, તેમનું ઘર જેસલમેર જિલ્લામાં દેગરાય ઓરણની નજીક છે.

ઓરણો સેક્રેડ ગ્રુવ્સ (પવિત્ર ઉપવનો) છે, અને તેમને તમામ લોકો માટે સુલભ સામુદાયિક સંપત્તિ સંસાધન માનવામાં આવે છે. દરેક ઓરણના એક દેવતા હોય છે, નજીકના ગ્રામીણો એ દેવતાની પૂજા કરે છે, અને એ દેવસ્થાનની આસપાસની જમીન ત્યાં રહેતા સમુદાય દ્વારા અતિક્રમણ-મુક્ત રાખવામાં આવે છે - તેમાંના વૃક્ષો કાપી શકાતા નથી, ફક્ત (સૂકાઈને) નીચે પડેલા લાકડાને જ બળતણ માટેના લાકડા તરીકે લઈ શકાય છે અને અહીં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાની મંજૂરી નથી, અને અહીંના જળાશયો પવિત્ર છે.

પરંતુ, સુમેર સિંહ કહે છે, “તેઓએ [નવીનીકરણીય ઊર્જા (રિન્યુએબલ એનર્જી) કંપનીઓએ] સદીઓ જૂના વૃક્ષોને કાપી નાખ્યા છે અને ઘાસ અને ઝાડીઓને તો જડમૂળથી ઉખેડી નાખ્યા છે. લાગે છે કે તેમને રોકવાવાળું કોઈ છે જ નહીં."

સુમેર સિંહનો આ જ આક્રોશ જેસલમેરના સેંકડો ગામોના રહેવાસીઓ પણ દોહરાવે છે. તેમની નજર સામે જ રિન્યુએબલ એનર્જી (આરઈ) કંપનીઓ તેમના ઓરણો પર કબજો જમાવી રહી છે.  તેઓ કહે છે કે છેલ્લા 15 વર્ષોમાં આ જિલ્લાની હજારો હેક્ટર જમીન પવનચક્કીઓ અને વાડા-બંધ સોલર ફાર્મ્સ (સૌર ઊર્જા ખેતરો) ઉપરાંત જિલ્લામાં ઉત્પાદિત ઊર્જા બહાર લઈ જવા માટેની હાઇ ટેન્શન પાવર લાઈન્સ અને માઇક્રો ગ્રીડને હવાલે કરવામાં આવી છે. આ બધાએ આ વિસ્તારની સ્થાનિક ઈકોલોજીને (આ વિસ્તારની સજીવ સૃષ્ટિના તેની આસપાસના વાતાવરણ સાથેના સંબંધોને) ભારે ખલેલ પહોંચાડી છે અને આ જંગલો પર નિર્ભર લોકોની આજીવિકાનો વિનાશ નોતર્યો છે.

પશુપાલક જોરા રામ કહે છે, “(ઢોર) ચારવા માટે કોઈ જગ્યા જ બચી નથી. ઘાસ તો પહેલેથી [માર્ચ મહિનામાં] જ સૂકાઈ ગયું છે અને હવે અમારા પશુઓ માટે ચારાના નામે માત્ર કેર અને કેજરીનાં ઝાડનાં પાંદડાં જ બચ્યા છે. તેમને પૂરતો ખોરાક મળતો નથી અને તેથી તેઓ ઓછું દૂધ આપે છે. જે પશુઓ રોજનું 5 લિટર દૂધ આપતા હતા તે હવે માંડ 2 લિટર દૂધ આપે છે."

અર્ધ-શુષ્ક ઘાસના મોટા મેદાની વિસ્તારો ધરાવતા ઓરણ સમુદાયના કલ્યાણ માટે છે - તેઓ પશુઓ માટે ચારો, ચરાઈ ને પાણી અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને ખોરાક અને બળતણ માટે લાકડાં એ બધુંય પૂરું પાડે છે.

Left-Camels grazing in the Degray oran in Jaisalmer district.
PHOTO • Urja
Right: Jora Ram (red turban) and his brother Masingha Ram bring their camels here to graze. Accompanying them are Dina Ram (white shirt) and Jagdish Ram, young boys also from the Raika community
PHOTO • Urja

ડાબે-જેસલમેર જિલ્લાના દેગરાય ઓરણમાં ચરતા ઊંટ. જમણે: જોરા રામ (લાલ પાઘડીમાં) અને તેમના ભાઈ મસિંઘા રામ તેમના ઊંટોને અહીં ચરાવવા અહીં લાવે છે. તેમની સાથે દીના રામ (સફેદ શર્ટમાં) અને જગદીશ રામ છે, તેઓ રાયકા સમુદાયના કિશોરો છે

Left: Sumer Singh Bhati near the Degray oran where he cultivates different dryland crops.
PHOTO • Urja
Right: A pillar at the the Dungar Pir ji oran in Mokla panchayat is said to date back around 800 years, and is a marker of cultural and religious beliefs
PHOTO • Urja

ડાબે: દેગરાય ઓરણ પાસે સુમેર સિંહ ભાટી, તેઓ ત્યાં સૂકી જમીનના વિવિધ પાકની ખેતી કરે છે. જમણે: મોકલા પંચાયતના ડુંગર પીર જી ઓરણ ખાતેનો સ્તંભ લગભગ 800 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે, અને તે અહીંની સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓનું પ્રતીક છે

જોરા રામ કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના ઊંટ પાતળા અને નબળા જણાઈ રહ્યા છે. તેઓ કહે છે, "અમારા ઊંટો એક દિવસમાં 50 જેટલા જુદા જુદા ઘાસ અને પાંદડા ખાવા માટે ટેવાયેલા છે." હાઈ-ટેન્શન લાઈનો જમીનથી 30 મીટર ઊંચેથી જતી હોવા છતાં તેમાંથી પસાર થતી 750 મેગાવોટની ઊર્જાને કારણે તેની નીચેના છોડ ધ્રુજી ઊઠે છે, પરિણામે (ચરતા પશુઓને) ઝટકો લાગે છે. જોરા રામ માથું ધુણાવતા જણાવે છે "જેણે પોતાનું આખું મોં આવા છોડ પર મૂક્યું હોય એવા બિચારા એક નાનકડા બોતડાનું શું થતું હશે એનો વિચાર તો કરો."

આ 70 ઊંટો રાસલા પંચાયતમાં રહેતા જોરા રામ અને તેમના ભાઈ મસિંઘા રામના છે. ચરાઉ મેદાનની શોધમાં ઊંટોનું આ ટોળું જેસલમેર જિલ્લામાં રોજના 20 કિલોમીટરથી વધુની મુસાફરી કરે છે.

મસિંઘા રામ કહે છે, “દિવાલો ચણાઈ ગઈ છે, અમારા ચરાઈ વિસ્તારોમાંના [હાઈ ટેન્શન] વાયરો અને [પવન ઊર્જાના] થાંભલાઓએ એ ચરાઈ વિસ્તારોને અમારા ઊંટો માટે એ ચરાઈ વિસ્તારોમાં ચરવાનું મુશ્કેલ કરી દીધું છે. તેઓ [થાંભલાઓ ખોડવા માટે ખોદવામાં આવેલા] ખાડાઓમાં પડી જાય છે અને તેમની ચામડી છોલાઈ જાય છે, પછીથી એ ઘામાં ચેપ લાગે છે. આ સોલર (સૌર) પ્લેટો અમારે માટે કંઈ કામની નથી."

આ બંને ભાઈઓ રાયકા પશુપાલક સમુદાયમાંથી આવે છે, તેમના બાપ-દાદાઓ પેઢીઓથી ઊંટ-પાલકો રહ્યા છે, પરંતુ હવે, "પેટ ભરવા માટે અમારે કાળી મજૂરી કરવી પડે છે," કારણ કે વેચવા માટે પૂરતું દૂધ નથી. બીજી નોકરીઓ સહેલાઈથી મળતી નથી, અને તેઓ કહે છે, "પરિવારમાંથી માંડ એક જણને બહાર કામ મળે છે." બાકીનાને ઢોર ચરાવવા પડે છે.

માત્ર ઊંટ-પાલકો જ નહીં, પરંતુ બધા પશુપાલકો આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

Shepherd Najammudin brings his goats and sheep to graze in the Ganga Ram ki Dhani oran , among the last few places he says where open grazing is possible
PHOTO • Urja
Shepherd Najammudin brings his goats and sheep to graze in the Ganga Ram ki Dhani oran , among the last few places he says where open grazing is possible
PHOTO • Urja

ભરવાડ નજમુદ્દીન ગંગારામ કી ધાની ઓરણમાં તેમના ઘેટાં-બકરાં ચરાવવા લાવે છે, તેઓ કહે છે કે આ જગ્યા હવે બચેલા છેલ્લા કેટલાક સ્થળોમાંથી છે કે જ્યાં હજી ખુલ્લામાં પશુઓ ચરાવવાનું શક્ય છે

Left: High tension wires act as a wind barrier for birds. The ground beneath them is also pulsing with current.
PHOTO • Urja
Right: Solar panels are rasing the ambient temperatures in the area
PHOTO • Radheshyam Bishnoi

ડાબે: હાઈ ટેન્શન વાયરો પક્ષીઓ માટે હવામાં અવરોધ ઊભો કરે છે. આ વાયરોની નીચેની જમીન પણ વીજ પ્રવાહને કારણે ધ્રૂજતી હોય છે. જમણે: સોલાર પેનલોને કારણે આ વિસ્તારમાં આસપાસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે

અહીંથી સીધા લગભગ 50 કિલોમીટર દૂર કે તેનાથી થોડા ઓછા અંતરે લગભગ 10 વાગ્યાની આસપાસ ભરવાડ નજમુદ્દીન જેસલમેર જિલ્લાના ગંગા રામ કી ધાની ઓરણમાં પ્રવેશે છે. તેમના 200 ઘેટાં-બકરાં ચરવા માટે ઘાસના ગુચ્છા શોધવાની આશામાં ઝડપભેર આગળ વધી રહ્યા છે અને લાંબી છલાંગો લગાવી રહ્યા છે.

આ ઘેટાં-બકરાંના 55 વર્ષના પશુપાલક નાટી ગામના નજમુદ્દીન આજુબાજુ જોઈને કહે છે, “અહીં આસપાસમાં ઓરણનો આ એકમાત્ર ટુકડો જ બચ્યો છે. ખુલ્લા ચરાઉ મેદાનો આ વિસ્તારમાં હવે એટલી સરળતાથી મળતા નથી." તેમનો અંદાજ છે કે તેઓ તેમના પશુઓ માટે ચારો ખરીદવા વર્ષે 2 લાખ રુપિયા સુધીનો ખર્ચ કરે છે.

2019 ના આંકડાઓ અનુસાર રાજસ્થાનમાં લગભગ 1.4 કરોડ ઢોર છે, અને સૌથી વધુ સંખ્યામાં બકરીઓ (2.8 કરોડ), 70 લાખ ઘેટાં અને 20 લાખ ઊંટ છે. આ સામુદાયિક સંસાધન બંધ થતા આ બધા પશુઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે.

અને પરિસ્થિતિ હજી વણસવાની જ છે.

ઈન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ગ્રીન એનર્જી કોરિડોર યોજનાના બીજા તબક્કામાં અંદાજિત 10750 સર્કિટ કિલોમીટર (સીકેએમ) ટ્રાન્સમિશન લાઈનો નાખવામાં આવશે. આ પરિયોજનાને કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (સીસીઈએ) દ્વારા 6 ઠ્ઠી જાન્યુઆરી, 2022ના રોજ મંજૂરી આપવામાં આવી હતી અને તે રાજસ્થાન સહિત સાત રાજ્યોમાં નાખવામાં આવશે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (યુનિયન મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી - એમએનઆરઈ) ના 2021-2022ના વાર્ષિક અહેવાલ માં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વાત માત્ર ચરાઉ જમીનની ખોટની નથી. સ્થાનિક પર્યાવરણ કાર્યકર્તા પાર્થ જગાની કહે છે, “આરઈ કંપનીઓ આવે છે ત્યારે સૌથી પહેલા તો તેઓ એ વિસ્તારના તમામ વૃક્ષોને કાપી નાખે છે. પરિણામે સ્થાનિક પ્રજાતિઓના તમામ જંતુઓ, પક્ષીઓ અને પતંગિયાઓ, ફૂદાં વગેરે મૃત્યુ પામે છે, અને પર્યાવરણીય ચક્ર ખોરવાઈ જાય છે; પક્ષીઓ અને જંતુઓના સંવર્ધન વિસ્તારો પણ નાશ પામે છે."

અને સેંકડો કિલોમીટર લાંબી પાવરલાઈનને કારણે હવામાં ઊભા થતા અવરોધને કારણે હજારોની સંખ્યામાં પક્ષીઓના મોત થઈ રહ્યા છે, જેમાં રાજસ્થાનના રાજ્ય પક્ષી જીઆઈબીનો પણ સમાવેશ થાય છે. વાંચો: વીજળીના તારે લટકી જતા ઘોરાડ પક્ષી

સોલાર પ્લેટ્સ આવતા સ્થાનિક તાપમાનમાં સતત ભારે વધારો થઈ રહ્યો છે. ભારતમાં તીવ્ર ગરમીના ભયંકર મોજા જોવા મળી રહ્યા છે; રાજસ્થાનની રણની આબોહવામાં વાર્ષિક તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય છે. ન્યૂયોર્ક ટાઈમ્સ ના ગ્લોબલ વોર્મિંગ પરના ઈન્ટરેક્ટિવ પોર્ટલના આંકડા દર્શાવે છે કે આજથી 50 વર્ષ પછી જેસલમેરના કેલેન્ડરમાં 'ખૂબ જ ગરમ દિવસો' નો એક વધુ મહિનો ઉમેરાઈ જશે -  253 દિવસથી વધીને 283 દિવસ.

ડો. સુમિત ડોકિયા કહે છે કે આરઈ માટે જગ્યા કરી આપવા કાપવામાં આવેલા વૃક્ષોના નુકસાનને કારણે સોલર પેનલની ગરમીમાં અનેકગણો વધારો થાય છે. એક સંરક્ષણ જીવવિજ્ઞાની ડો. સુમિત ડોકિયા દાયકાઓથી ઓરણોમાં ફેરફારનો અભ્યાસ કરી રહ્યા છે. "કાચની પ્લેટો દ્વારા થતા પરાવર્તનને કારણે સ્થાનિક પર્યાવરણીય તાપમાન વધી રહ્યું છે." તેઓ કહે છે કે આગામી 50 વર્ષમાં આબોહવા પરિવર્તનને કારણે તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થવાની ધારણા છે ત્યારે "હવે આ દર ઝડપી બન્યો છે અને તાપમાનમાં અસાધારણ વધારો થવાથી જંતુઓની મૂળ પ્રજાતિઓને, ખાસ કરીને પરાગનયન માટે જરૂરી જંતુઓ (પરાગ રજકો) ને આ વિસ્તાર છોડવાની ફરજ પડશે."

Left: Windmills and solar farms stretch for miles here in Jaisalmer district.
PHOTO • Urja
Right: Conservation biologist, Dr. Sumit Dookia says the heat from solar panels is compounded by the loss of trees chopped to make way for renewable energy
PHOTO • Urja

ડાબે: અહીં જેસલમેર જિલ્લામાં માઈલોના માઈલો સુધી પવનચક્કીઓ અને સૌર ખેતરો ફેલાયેલા છે. જમણે: સંરક્ષણ જીવવિજ્ઞાની ડૉ. સુમિત ડોકિયા કહે છે કે નવીનીકરણીય ઊર્જા માટે જગ્યા કરી આપવાના ચક્કરમાં કાપી નાખવામાં આવેલા વૃક્ષોના નુકસાનને કારણે સૌર પેનલ્સમાંથી પરાવર્તિત થતી ગરમી વધે છે

A water body in the Badariya oran supports animals and birds
PHOTO • Urja

બદરિયા ઓરણનું આ જળાશય પશુ-પક્ષીઓનો સહારો છે

એમએનઆરઈ અહેવાલ અનુસાર ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં વધુ છ સોલર પાર્ક બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. અહેવાલ ઉમેરે છે કે મહામારી દરમિયાન રાજસ્થાને મહત્તમ આરઈ ક્ષમતા હાંસલ કરી હતી - 2021 ના માત્ર 9 મહિના (માર્ચથી ડિસેમ્બર) માં ઊર્જા-ઉત્પાદનમાં 4247 મેગાવોટ ઊર્જાનું   પોતાનું યોગદાન આપ્યું હતું.

સ્થાનિકો કહે છે કે આ એક ગુપ્ત કામગીરી હતી: સ્થાનિક કાર્યકર્તા પાર્થ કહે છે, "જ્યારે લોકડાઉનને કારણે આખી દુનિયા ઠપ્પ હતી ત્યારે અહીં સતત કામ ચાલી રહ્યું હતું." દૂર-દૂર નજર પહોંચે ત્યાં સુધી વિસ્તરેલી પવનચક્કીઓની લાંબી હરોળ તરફ ઈશારો કરીને તેઓ કહે છે, "દેવીકોટથી દેગરાય મંદિર સુધીના આ 15 કિમીના રસ્તા પર લોકડાઉન પહેલાં બંને બાજુ કોઈ બાંધકામ નહોતું."

આ બધું કેવી રીતે બને છે તેનું વિગતવાર વર્ણન કરતા નારાયણ રામ કહે છે, "તેઓ તેમની સાથે પોલીસ જેવી લાઠીઓ લઈને આવે છે, સૌથી પહેલા તેઓ અમને ત્યાંથી કાઢી મૂકી અમારાથી છૂટકારો મેળવે છે, અને પછી તેઓ બળજબરીથી પોતાની મનમાની કરે છે, ઝાડ કાપી નાખે છે, જમીન સમથળ કરે છે." નારાયણ રામ રાસલા પંચાયતના છે અને બીજા વડીલો સાથે દેગરાય માતાના મંદિરની સામે બેઠા છે, આ મંદિરમાં પ્રતિષ્ઠિત દેવી ઓરણનું રક્ષણ કરે છે.

તેઓ ઉમેરે છે, “અમે જે ભક્તિભાવથી અમારા મંદિરને જોઈએ છીએ તે જ દ્રષ્ટિથી અમે આ ઓરણને પણ જોઈએ છીએ. એની સાથે અમારી આસ્થા જોડાયેલી છે. એ અમારા પ્રાણીઓને ચરાવવાનું સ્થળ છે, જંગલી પશુ-પક્ષીઓ માટે રહેવાનું સ્થળ છે, અહીં જળાશયો પણ છે, તેથી અમારે માટે એ અમારી દેવી જેવું છે; ઊંટ, ઘેટાં-બકરાં, બધા જ તેનો ઉપયોગ કરે છે.”

જેસલમેર જિલ્લા કલેક્ટરનો અભિપ્રાય જાણવા માટે આ પત્રકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છતાં તેમની સાથે કોઈ બેઠક માટે સમય આપવામાં આવ્યો ન હતો; એમએનઆરઈ હેઠળની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જીનો સંપર્ક સાધવા માટે કોઈ જ વિગતો ઉપલબ્ધ નથી; અને એમએનઆરઈને ઈમેલના માધ્યમથી કરવામાં આવેલ પૂછપરછનો આ વાર્તા પ્રેસમાં ગઈ ત્યાં સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

રાજ્ય વિદ્યુત નિગમના એક સ્થાનિક અધિકારીએ કહ્યું કે તેઓ આ બાબતે કોઈ વાતચીત કરવા માટે અધિકૃત નથી, પરંતુ તેમણે કહ્યું કે તેઓને કોઈપણ પાવર ગ્રીડ ભૂગર્ભમાં જવા અંગેની કે યોજનાઓ અથવા તેની પ્રક્રિયાની ગતિ ધીમી કરવા અંગેની કોઈ જ સૂચના મળી નહોતી.

*****

વીડિયો જુઓ: ઓરણો બચાવવા માટેની લડાઈ

આરઈ કંપનીઓએ રાજસ્થાનમાં જે સરળતાથી ઘુસીને જમીન કબજે કરી લીધી છે તેના મૂળ યુરોપિયન વસાહતી યુગમાં થયેલા નામકરણમાં શોધી શકાય છે, એ પરિભાષામાં તમામ બિન-મહેસૂલી જમીનને અયોગ્ય રીતે 'વેસ્ટલેન્ડ' તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં અહીં જોવા મળતા અર્ધ-શુષ્ક ખુલ્લા સવાના (ઘાસના મોટા ખુલ્લા મેદાનો) અને ઘાસના ખુલ્લા મોટા મેદાનોનો પણ સમાવેશ થાય છે.

વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને સંરક્ષણવાદીઓ જાહેરમાં આ અયોગ્ય વર્ગીકરણનો વિરોધ કરતા હોવા છતાં ભારત સરકારને 2005 થી પ્રકાશિત થતા વેસ્ટલેન્ડ એટલાસમાં આ સંબંધે કોઈ સુધારા કરવાની આવશ્યકતા જણાઈ નથી; તેની પાંચમી આવૃત્તિ 2019 માં પ્રકાશિત થઈ હતી પરંતુ તે સંપૂર્ણપણે ડાઉનલોડ કરી શકાતી નથી.

2015-16 નો વેસ્ટલેન્ડ એટલાસ ભારતની 17 ટકા જમીનને ઘાસના મેદાન તરીકે વર્ગીકૃત કરે છે. સરકારી નીતિ ઘાસના મેદાનો, ઝાડી-ઝાંખરા અને કાંટાળા જંગલ વિસ્તારોને સત્તાવાર રીતે 'વેસ્ટ' ('બંજર') અથવા 'અનુત્પાદક જમીન' તરીકે જાહેર કરે છે.

સંરક્ષણ વૈજ્ઞાનિક ડો. અબી ટી. વનક કહે છે, "ડ્રાયલેન્ડ ઈકો સિસ્ટમ્સના પ્રાકૃતિક વાતાવરણનું સંરક્ષણ એ આજીવિકા અને જૈવવિવિધતા માટે ઉપયોગી હોવાનું ભારત સ્વીકારતું નથી અને એવામાં આ જમીનો પર્યાવરણમાં ધરખમ ફેરફારો કરનાર અને પરિણામે ઈકોલોજીને સુધારી ન શકાય એવું નુકસાન પહોંચાડનાર એક સુલભ માધ્યમ બની જાય છે." તેઓ બે દાયકાથી વધુ સમયથી ઘાસના મેદાનોના આ અયોગ્ય વર્ગીકરણ સામે લડી રહ્યા છે.

તેઓ ઉમેરે છે, “સોલર ફાર્મ એવી જમીનને બંજર કરી મૂકે છે જે જમીન પહેલા બંજર નહોતી. તમે એક સોલર ફાર્મ ખડું કરો છો ત્યારે તમે એક વાઈબ્રન્ટ ઈકોસિસ્ટમ ગુમાવી દો છો." તેઓ સવાલ કરે છે, "હા, એ સોલર ફાર્મ ઊર્જા તો ઉત્પન્ન કરે છે પણ શું એ ગ્રીન એનર્જી (હરિત ઊર્જા) છે ખરી?" તેઓ કહે છે કે 33 ટકા રાજસ્થાન ઓપન નેચરલ ઈકોસિસ્ટમ્સ (ઓએનઈએસ) નો ભાગ છે નહિ કે વેસ્ટલેન્ડ.

ડો. અબી ટી. વનક અને નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન ના ઈકોલોજિસ્ટ એમ.ડી. મધુસુદને સંયુક્તપણે લખેલા એક સંશોધનપત્રમાં તેઓ લખે છે, " ઓએનઈએસ ભારતની 10 ટકા જમીનને આવરી લે છે પરંતુ તેના માત્ર 5 ટકા જ સંરક્ષિત વિસ્તારો (પ્રોટેક્ટેડ એરિયા - પીએ) હેઠળ આવે છે." આ સંશોધનપત્રનું શીર્ષક છે મેપિંગ ધ એક્સટેન્ટ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ઓફ ઈન્ડિયન્સ સેમી-એરિડ ઓપન નેચરલ ઈકોસિસ્ટમ્સ .

A map (left) showing the overlap of open natural ecosystems (ONEs) and ‘wasteland’; much of Rajasthan is ONE
A map (left) showing the overlap of open natural ecosystems (ONEs) and ‘wasteland’; much of Rajasthan is ONE
PHOTO • Urja

ઓપન નેચરલ ઈકોસિસ્ટમ્સ (ઓએનઈએસ) અને 'વેસ્ટલેન્ડ' નો ઓવરલેપ દર્શાવતો નકશો (ડાબે); રાજસ્થાનનો મોટા ભાગનો વિસ્તાર ઓએનઈએસનો ભાગ છે

આ મહત્વની ચરાઉ જમીનો સંદર્ભે જ પશુપાલક જોરારામ કહે છે, “સરકાર અમારું ભવિષ્ય (આરઈ કંપનીઓને) દાન કરી રહી છે. અમારા સમુદાયને સુરક્ષિત રાખવો હશે તો અમારે અમારા ઊંટને સુરક્ષિત રાખવા પડશે."

વ્યંગ જુઓ, 1999માં અગાઉના ડિપાર્ટમેન્ટ ઓફ વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટનું નામ બદલીને ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ (ડીઓએલઆર) નામ આપવામાં આવ્યું હતું.

વનક કહે છે કે, "લેન્ડસ્કેપ અને ઈકોલોજીની બાબતે સરકારની સમજ તકનીકી-કેન્દ્રિત છે - સરકાર દરેક વસ્તુને એન્જિનિયર કરીને એકરૂપ બનાવવાનો પ્રયાસ કરી રહી છે." વનક અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઈન ઈકોલોજી એન્ડ ધ એન્વાયર્નમેન્ટ (એટીઆરઈઈ) ખાતે પ્રોફેસર છે. તેઓ કહે છે, "સ્થાનિક ઈકોલોજીનો આદર કરવામાં આવતો નથી, અને આપણે લોકોના તેમની જમીન સાથેના જીવંત સંબંધોને અવગણીએ છીએ."

સૌંટા ગામના કમલ કુંવર કહે છે, "ઓરણમાંથી કેર સાંગડી લાવવાનું પણ હવે શક્ય નથી." 30 વર્ષના કમલ કુંવર ખાસ કરીને સ્થાનિક રસોઈમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા સ્થાનિક કેરના ઝાડના નાના ફળ અને બીન્સ ન મળવાને કારણે તેઓ નારાજ છે, કમલ કુંવરની તેમાંથી બનાવેલી વાનગી ખૂબ વખણાય છે.

ડીઓએલઆરની જણાવાયેલી મહત્વની કામગીરીમાં 'ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકાની તકો વધારવાનો' પણ સમાવેશ થાય છે. પરંતુ આરઈ કંપનીઓને જમીન આપી દઈને, ચરાઉ મેદાનોના મોટા વિસ્તારોને સીલ કરીને અને જંગલની લાકડા સિવાયની પેદાશો (નોન-ફોરેસ્ટ ટિમ્બર પ્રોડ્યુસ - એનટીએફપી) ને અપ્રાપ્ય બનાવીને હકીકતમાં તો એનાથી ઊલટું જ થયું છે.

કુંદન સિંહ જેસલમેર જિલ્લાના મોકલા ગામમાં એક પશુપાલક છે. 25 વર્ષના આ યુવાન કહે છે કે તેમના ગામમાં આશરે 30 જેટલા કૃષિ-પશુપાલકોના પરિવારો છે અને પશુઓ ચરાવવા એ પડકારરૂપ બની ગયું છે. "તેઓ [આરઈ કંપનીઓ] તેમને આપવમાં આવેલી જમીનની ચારે તરફ દીવાલ ચણી દે છે અને પછી અમે અમારા ઢોર ચરાવવા માટે અંદર પ્રવેશી શકતા નથી."

Left- Young Raika boys Jagdish Ram (left) and Dina Ram who come to help with grazing
PHOTO • Urja
Right: Jora Ram with his camels in Degray oran
PHOTO • Urja

ડાબે- રાયકા સમુદાયના કિશોરો છોકરાઓ જગદીશ રામ (ડાબે) અને દીના રામ, તેઓ ઢોર ચરાવવામાં મદદ કરવા આવે છે. જમણે: દેગરાય ઓરણમાં પોતાના ઊંટો સાથે જોરા રામ

Kamal Kunwar (left) and Sumer Singh Bhati (right) who live in Sanwata village rue the loss of access to trees and more
PHOTO • Priti David
Kamal Kunwar (left) and Sumer Singh Bhati (right) who live in Sanwata village rue the loss of access to trees and more
PHOTO • Urja

સૌંટા ગામમાં રહેતા કમલ કુંવર (ડાબે) અને સુમેર સિંહ ભાટી (જમણે) ને વૃક્ષો અને બીજી વસ્તુઓની પહોંચ ગુમાવવાનું ભારે દુઃખ છે

જેસલમેર જિલ્લાનો 87 ટકા વિસ્તાર ગ્રામીણ છે અને અહીંના 60 ટકાથી વધુ લોકો કૃષિક્ષેત્રમાં કામ કરે છે અને પશુધન રાખે છે. સુમેર સિંહ કહે છે, “આ પ્રદેશમાં ઘેરેઘેર પશુધન છે. હું મારા પ્રાણીઓને પૂરતું ખવડાવી શકતો નથી."

પશુઓ ઘાસ ખાય છે, જૂન 2014માં પ્રકાશિત થયેલ પેટર્ન ઓફ પ્લાન્ટ સ્પીશિસ ડાયવર્સીટી શીર્ષક હેઠળના સંશોધનપત્રમાં જણાવ્યા મુજબ રાજસ્થાનમાં ઘાસની 375 પ્રજાતિઓ છે. ઘાસની આ પ્રજાતિઓએ પરિસ્થિતિ મુજબ જરૂરી ફેરફાર કરીને અહીંના ઓછા વરસાદ સાથે અનુકૂલન સાધી લીધું છે.

વનક જણાવે છે કે આરઈ કંપનીઓ જમીન પર હસ્તગત કરે છે ત્યારે “અહીંની માટી અસંતુલિત બને છે. સ્થાનિક છોડના દરેક ઝૂંડ ઘણા દાયકાઓ જૂના છે, અને આ ઈકોસિસ્ટમ સેંકડો વર્ષો જૂની છે. તમે તેમને બદલી ન શકો! તેમને દૂર કરવાથી મરુસ્થલીકરણ થવા લાગે છે, એ વિસ્તાર રણમાં ફેરવવા લાગે છે."

ઈન્ડિયા સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 જણાવે છે કે રાજસ્થાનમાં 3.4 કરોડ હેક્ટર જમીન છે, પરંતુ તે માત્ર 8 ટકાને જ જંગલ તરીકે વર્ગીકૃત કરે છે કારણ કે જ્યારે જંગલો સંબધિત માહિતી એકત્રિત કરવા માટે ઉપગ્રહોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે માત્ર વૃક્ષોથી આચ્છાદિત જમીનને જ 'જંગલ' તરીકે ગણતરીમાં લેવામાં આવે છે.

પરંતુ આ રાજ્યના જંગલો ઘાસ પર નિર્ભર અસંખ્ય પ્રજાતિઓના આશ્રયસ્થાન છે, તેમાંની ઘણી પ્રજાતિઓનું અસ્તિત્વ જોખમમાં છે અથવા લુપ્ત થવાને આરે છે: લેસર ફ્લોરીકેન પ્રજાતિ અને ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ, ઈન્ડિયન ગ્રે વુલ્ફ, ગોલ્ડન જેકલ, ઈન્ડિયન ફોક્સ, ઈન્ડિયન ગઝેલ, બ્લેકબક, સ્ટ્રાઈપ્ડ હાયના, કારાકલ, ડેઝર્ટ કેટ અને ઈન્ડિયન હેજહોગ વિગેરે. ડેઝર્ટ મોનિટર લિઝર્ડ અને સ્પાઈની-ટેઈલ્ડ લિઝર્ડને પણ તાત્કાલિક સંરક્ષિત કરવાની જરૂર છે.

યુનાઇટેડ નેશન્સે 2021-2030ના દાયકાને ધ યુએન ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન ડેકેડ નામ આપ્યું છે: "ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન (પુનઃસ્થાપન) નો અર્થ એ છે કે જે ઈકોસિસ્ટમ્સ ખોરવાઈ ગઈ છે અથવા નાશ પામી છે તેને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવી, તેમજ જે ઈકોસિસ્ટમ હજી સુઘી અકબંધ રહી છે તેનું સંરક્ષણ કરવું." એ ઉપરાંત આઈસીયુએનનો નેચર 2023 કાર્યક્રમ 'રિસ્ટોરેશન ઓફ ઈકોસિસ્ટમ' ને પ્રાથમિકતાની દ્રષ્ટિએ ટોચના ક્રમાંકે રાખે છે.

Jaisalmer lies in the critical Central Asian Flyway – the annual route taken by birds migrating from the Arctic to Indian Ocean, via central Europe and Asia
PHOTO • Radheshyam Bishnoi
Jaisalmer lies in the critical Central Asian Flyway – the annual route taken by birds migrating from the Arctic to Indian Ocean, via central Europe and Asia
PHOTO • Radheshyam Bishnoi

જેસલમેર મહત્વપૂર્ણ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેમાં આવેલું છે - સેન્ટ્રલ એશિયન ફ્લાયવે એ આર્કટિકથી મધ્ય યુરોપ અને એશિયા થઈને હિંદ મહાસાગરમાં સ્થળાંતર કરતા પક્ષીઓ દ્વારા લેવાતો વાર્ષિક માર્ગ છે

Orans are natural eco systems that support unique plant and animal species. Categorising them as ‘wasteland’ has opened them to takeovers by renewable energy companies
PHOTO • Radheshyam Bishnoi
Orans are natural eco systems that support unique plant and animal species. Categorising them as ‘wasteland’ has opened them to takeovers by renewable energy companies
PHOTO • Radheshyam Bishnoi

ઓરણો એ કુદરતી ઈકો સિસ્ટમ છે જે છોડ અને પ્રાણીઓની અનોખી પ્રજાતિઓનો સહારો છે. તેમને 'વેસ્ટલેન્ડ' તરીકે વર્ગીકૃત કરાતા નવીનીકરણીય ઊર્જા કંપનીઓ માટે તેમને કબ્જે કરવાના દરવાજા ખુલી ગયા છે

ભારત સરકાર ‘ઘાસના મેદાનોને બચાવવા’ અને ‘ઓપન ફોરેસ્ટ ઇકોસિસ્ટમ’ ના ઉદ્દેશ્યથી વિદેશથી ચિત્તાની આયાત કરી રહી છે અથવા તો જાન્યુઆરી 2022 માં જાહેર કરવામાં આવેલ 224 કરોડની ચિત્તા પુનઃપ્રવેશ યોજના એવું કહે છે. પરંતુ ઘાસના મેદાનોને બચાવવાની વાત તો દૂર રહી એ ચિત્તા ભાગ્યે જ પોતાની જાતને બચાવી શક્યા છે - આયાત કરવામાં આવેલા 20 ચિત્તામાંથી પાંચ ચિત્તા ઉપરાંત અહીં જન્મેલા ત્રણ બચ્ચા પણ મૃત્યુ પામ્યા છે.

*****

2018 માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે "...શુષ્ક વિસ્તારો જે ઓછી વનસ્પતિ, ઘાસના મેદાનો અથવા ઈકોસિસ્ટમને ટકાવી રાખવામાં મદદ કરે છે...તેને જંગલની જમીન તરીકે ગણવા જોઈએ." ત્યારે ઓરણોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

પરંતુ વાસ્તવમાં જમીની સ્તરે કશું જ બદલાયું નહીં અને આરઈ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ્સ કરવાનું ચાલુ જ રાખવામાં આવ્યું છે. આ જંગલો માટે કાયદેસરતા મેળવવા કામ કરી રહેલા સ્થાનિક કાર્યકર્તા અમન સિંહે "નિર્દેશ અને હસ્તક્ષેપ" માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી હતી. સર્વોચ્ચ અદાલતે 13 મી ફેબ્રુઆરી, 2023ના રોજ રાજસ્થાન સરકારને કાર્યવાહી કરવા નોટિસ જારી કરી હતી.

અમન સિંહ કહે છે, "સરકાર પાસે ઓરણો માટે પૂરતા આંકડા નથી. રેવન્યુ રેકોર્ડ્સ અપડેટ થતા નથી, અને ઘણા ઓરણો રેકોર્ડ પર નથી અને/અથવા અતિક્રમણ હેઠળ છે." તેઓ સહિયારા સંસાધનો, ખાસ કરીને ઓરણોને પુનર્જીવિત કરવા માટે પ્રતિબદ્ધ સંસ્થા કૃષિ અવામ પરિસ્થિતિકી વિકાસ સંસ્થાન (કેઆરએપીએવીએસ) ના સ્થાપક છે.

તેમનું કહેવું છે કે ઓરણોને 'ડીમ્ડ ફોરેસ્ટ' નો દરજ્જો આપીને તેમને ખાણકામ, સોલર અને વિન્ડ ફાર્મ, શહેરીકરણ અને બીજા જોખમો સામે વધુ કાનૂની રક્ષણ પૂરું પાડવું જોઈએ. તેઓ ઉમેરે છે, "જો તેઓ વેસ્ટલેન્ડ રેવન્યુ શ્રેણી હેઠળ રહેશે, તો બીજા હેતુઓ માટે તેમની ફાળવણી થવાનું જોખમ ઊભું રહેશે."

રાજસ્થાન સોલર એનર્જી પોલિસી, 2019 નો દસ્તાવેજ સોલાર પાવર પ્લાન્ટ ડેવલપર્સને વિકાસ માટે સીલિંગ મર્યાદાથી વધુ ખેતીની જમીન સંપાદિત કરવાની મંજૂરી આપે છે અને જમીનના રૂપાંતર પર કોઈ નિયંત્રણ કે પ્રતિબંધ નથી.

When pristine orans (right) are taken over for renewable energy, a large amount of non-biodegradable waste is generated, polluting the environment
PHOTO • Urja
When pristine orans (right) are taken over for renewable energy, a large amount of non-biodegradable waste is generated, polluting the environment
PHOTO • Urja

નવીનીકરણીય ઊર્જા માટે નૈસર્ગિક ઓરણોને હસ્તગત કરવામાં આવે છે, ત્યારે મોટા પ્રમાણમાં નોન-બાયોડિગ્રેડેબલ (કુદરતી રીતે વિઘટિત ન થઈ શકે એવો) કચરો ઉત્પન્ન થાય છે, જે પર્યાવરણને પ્રદૂષિત કરે છે

Parth Jagani (left) and Radheshyam Bishnoi are local environmental activists .
PHOTO • Urja
Right: Bishnoi near the remains of a GIB that died after colliding with powerlines
PHOTO • Urja

પાર્થ જગાની (ડાબે) અને રાધેશ્યામ બિશ્નોઈ સ્થાનિક પર્યાવરણ કાર્યકર્તા છે. જમણે: પાવરલાઈન્સ સાથે અથડાઈને મૃત્યુ પામેલા જીઆઈબીના અવશેષો પાસે બિશ્નોઈ

વન્યજીવન જીવવિજ્ઞાની અને નવી દિલ્હીની ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી ખાતેના સહાયક અધ્યાપક ડો. સુમિત ડોકિયા કહે છે, “ભારતના પર્યાવરણીય કાયદાઓ ગ્રીન એનર્જીને ઓડિટ કરતા નથી પરંતુ સરકાર કંઈ જ કરી શકતી નથી કારણ કે કાયદા આરઈની તરફેણમાં છે."

ડોકિયા અને પાર્થ આરઈ સેટ-અપ્સ દ્વારા પેદા થતા નોન-બાયોડિગ્રેડેબલ કચરાના ખૂબ મોટા જથ્થાને લઈને ચિંતિત છે. ડોકિયા કહે છે, “આરઈ માટેની લીઝ 30 વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે, પરંતુ પવનચક્કીઓ અને સોલાર પેનલોનું આયુષ્ય 25 વર્ષ છે." તેઓ પૂછે છે, "(નોન-બાયોડિગ્રેડેબલ કચરાનો) નિકાલ કોણ અને ક્યાં કરશે?"

*****

રાધેશ્યામ બિશ્નોઈ એક સ્થાનિક કહેવત કહી સંભળાવે છે, "સિર સંતે રોક રહે તો ભી સસ્તા જાન [એક માણસના માથા સાટે (જીવ આપીને પણ) એક વૃક્ષ બચાવી શકાતું હોય તો પણ એ નફાનો સોદો હશે]." આ કહેવત "આપણા વૃક્ષો સાથેના આપણા સંબંધનું વર્ણન કરે છે." ધોલિયાના રહેવાસી રાધેશ્યામ બદરિયા ઓરણ પાસે રહે છે અને ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ અથવા જે સ્થાનિક ભાષામાં ગોડાવન તરીકે ઓળખાય છે, તેના સંરક્ષણના સમર્થનમાં ઉઠતા અગ્રણી અને મજબૂત અવાજોમાંથી એક છે.

“300 વર્ષ પહેલાં જોધપુરના રાજાએ એક કિલ્લો બનાવવાનું નક્કી કર્યું અને તેના મંત્રીને નજીકના ખેતોલાઈ ગામમાંથી લાકડું લાવવાનો આદેશ આપ્યો. મંત્રીએ સૈન્યને ત્યાં મોકલ્યું અને જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે બિશ્નોઈ લોકોએ તેમને વૃક્ષો કાપવા ન દીધા. મંત્રીએ આદેશ આપ્યો, 'વૃક્ષોને અને તેમને વળગી રહેલા લોકોને કાપી નાખો'.

સ્થાનિક દંતકથા કહે છે કે અમૃતા દેવી હેઠળના દરેક ગામવાસીએ એક-એક વૃક્ષ દત્તક લીધું, પરંતુ સેનાએ તેમના પર હુમલો કર્યો અને તેઓને અટકવું પડ્યું તે પહેલાં 363 લોકો માર્યા ગયા હતા.

તેઓ કહે છે, “પર્યાવરણ માટે જીવ આપી દેવાની એ લાગણી આજે પણ અમારામાં જીવંત છે."

Left: Inside the Dungar Pir ji temple in Mokla oran .
PHOTO • Urja
Right: The Great Indian Bustard’s population is dangerously low. It’s only home is in Jaisalmer district, and already three have died after colliding with wires here
PHOTO • Radheshyam Bishnoi

ડાબે: મોકલા ઓરણમાં ડુંગર પીર જી મંદિરની અંદર. જમણે: ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડની વસ્તી ભયજનક રીતે ઓછી છે. તેમનું એકમાત્ર રહેઠાણ જેસલમેર જિલ્લામાં છે અને અહીં વાયરો સાથે અથડાઈને ત્રણના મોત થઈ ચૂક્યા છે

સુમેર સિંહ કહે છે કે દેગરાયમાં ઓરણની 60000 વીઘા જમીનમાંથી 24000 વીઘા જમીન મંદિરના ટ્રસ્ટની માલિકીની છે. બાકીના 36000 વીઘા જમીન સ્થાનિક રીતે ઓરણના ભાગ રૂપે નક્કી કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા ટ્રસ્ટને હસ્તાંતરિત કરવામાં આવી ન હતી અને સુમેર સિંહ કહે છે, “2004માં સરકારે તેને પવન ઊર્જા કંપનીઓને ફાળવી દીધી હતી. પરંતુ અમે લડત આપી અને જમીન એમના હાથમાં જવા ન દીધી."

તેઓ કહે છે કે જેસલમેરમાં બીજા સ્થળોએ નાના ઓરણોને બચાવવાની તક મળતી નથી કારણ કે તેમને 'વેસ્ટલેન્ડ્સ' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને આરઈ કંપનીઓ સરળતાથી તે હડપી લે છે.

સૌંટામાં પોતાના ખેતરોની આસપાસ નજર ફેરવતા તેઓ કહે છે, "આ જમીન ખડકાળ દેખાય છે, પરંતુ અમે અહીં બાજરીની સૌથી વધુ પૌષ્ટિક જાત ઉગાડીએ છીએ." મોકલા ગામ પાસેનાડોંગર પીરજી ઓરણમાં કેજરી, કેર, જાલ અને બેરના છૂટાછવાયા વૃક્ષો છે, આ ફળો અહીંના લોકો અને પ્રાણીઓ માટે માત્ર જરૂરી ખોરાક જ નહિ, સ્વાદિષ્ટ વ્યંજન પણ છે.

"બંજર ભૂમિ [ઉજ્જડ જમીન]!" સુમેર સિંહને આ વર્ગીકરણમાં વિશ્વાસ નથી. તેઓ કહે છે, "અમારા સ્થાનિક ભૂમિહીન લોકો કે જેમની પાસે આજીવિકાનો બીજો કોઈ વિકલ્પ નથી તેમને આ જમીનો આપો, તેઓ આ જમીન પર રાગી અને બાજરી ઉગાડી શકશે અને બધાના પેટ ભરી શકશે."

મંગી લાલ જેસલમેર અને ખેતોલાઈ વચ્ચેના ધોરીમાર્ગ પર એક નાનકડી દુકાન ચલાવે છે, તેઓ કહે છે, “અમે ગરીબ લોકો છીએ. જો અમારી જમીનના બદલામાં અમને પૈસા આપવાની ઓફર કરવામાં આવે તો અમે ના શી રીતે પાડીએ?

આ વાર્તામાં મદદ કરવા બદલ આ પત્રકાર બાયોડાયવર્સિટી કોલેબોરેટિવના સભ્ય ડો. રવિ ચેલ્લમનો આભાર માને છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David
Photos and Video : Urja

اورجا، پیپلز آرکائیو آف رورل انڈیا (پاری) کی سینئر اسسٹنٹ ایڈیٹر - ویڈیوہیں۔ بطور دستاویزی فلم ساز، وہ کاریگری، معاش اور ماحولیات کو کور کرنے میں دلچسپی لیتی ہیں۔ اورجا، پاری کی سوشل میڈیا ٹیم کے ساتھ بھی کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Urja

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

کے ذریعہ دیگر اسٹوریز Maitreyi Yajnik