હિમાચલ પ્રદેશ બરફ આચ્છાદિત પર્વતો માટે જાણીતું છે. પરંતુ કાંગરા જિલ્લાના પાલમપુર શહેરમાં એક અલગ પર્વત રચાઈ રહ્યો છે – કચરાનો પર્વત.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એક મુખ્ય પ્રવાસન સ્થળ એવા આ રાજ્યમાં 2011માં 149 લાખ પ્રવાસીઓ આવ્યા હતા તેમાંથી વધીને 2019માં 172 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. અહીંના અર્થતંત્રમાં પ્રવાસન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને એકલા કાંગરા જિલ્લામાં જ લગભગ 1,000 હોટલ અને હોમસ્ટે છે. પ્રવાસીઓ દ્વારા નખાતો કચરો એ હવે ત્યાંની જમીન અને નદી કાંઠે ફેલાઈ રહેલા કચરાના ઢગલા પાછળનું એક મુખ્ય પરિબળ છે, જે આ પહાડી શહેરની નાજુક ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે.
કચરાના ઢગલાથી થોડી જ મિનિટોના અંતરે રહેતા 72 વર્ષીય ગાલોરા રામ કહે છે, “આ એક ખુલ્લું મેદાન હતું અને અહીં બાળકો રમતા હતા.”
શિશુ ભારદ્વાજ (નામ બદલેલ) કહે છે, “આ આખો વિસ્તાર પહેલાં હરિયાળો અને વૃક્ષોથી ભરેલો રહેતો હતો.” તેમની ચાની દુકાનમાંથી દેખાતી છુટીછવાયી કચરાપેટી તરફ ધ્યાન દોરતાં 32 વર્ષીય શિશુ કહે છે, “અહીં વધુને વધુ કચરો આવવા લાગ્યો હોવાથી તેઓએ (નગરપાલિકા) વધુ જગ્યા બનાવવા માટે વૃક્ષો કાપી નાખ્યા. તેમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે! અને ત્યાં ઘણી બધી માખીઓનો વસવાટ છે.”
તેમની દુકાન પાલમપુર ખાતે અંદાજે પાંચ હેક્ટર જમીનમાં ફેલાયેલા કચરાના ઢગલાની બાજુમાં આવેલી છે. જૂના કપડા, પ્લાસ્ટિકની થેલીઓ, તૂટેલાં રમકડાં, ફેંકી દેવાયેલાં કપડાં અને ઘરગથ્થુ વસ્તુઓ, રસોડાનો કચરો, ઔદ્યોગિક કચરો, જોખમી તબીબી કચરો અને અન્ય ચીજ વસ્તુઓ ઢગલામાં જોવા મળે છે; વરસાદ પડતો હોવા છતાં, માખીઓ અવિરતપણે ત્યાં ફરતી રહે છે.
જ્યારે શિશુએ 2019માં પ્રથમ વખત તેમની દુકાન શરૂ કરી હતી, ત્યારે તે વિસ્તારમાં એક રિસાયક્લિંગ પ્લાન્ટ હતો, જ્યાં ત્રણ પંચાયતોના કચરાને સૉર્ટ કરીને રિસાયકલ કરવામાં આવતો હતો. પછી મહામારી ફાટી નીકળી અને ત્યારથી તમામ વોર્ડમાંથી બધો કચરો ડમ્પસાઇટમાં આવી રહ્યો છે અને કચરાને હાથથી જુદો પાડનારા મજૂરો જૂજ છે.
તાજેતરમાં, મ્યુનિસિપલ કમિશનરે કચરાના વર્ગીકરણ માટે નવા મશીનો સ્થાપિત કર્યા છે અને વાયદો કર્યો છે કે રિસાયક્લિંગ ફરીથી શરૂ કરાશે.
સ્થાનિક લોકો નિર્દેશ કરે છે કે આ પ્રદેશમાં કચરાના ધરખમ વધારાનો સ્થાનિક સરકાર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો અને તેમણે આ પ્રશ્નનો સમયસર ઉકેલ લાવવા માટે વૈજ્ઞાનિક રીતની લેન્ડફીલની યોજના હજુંય ઘડી નથી. વર્તમાન ડમ્પસાઇટ ન્યુગલ નદીથી ખતરનાક રીતે નજીક આવેલી છે, જે બિયાસ સાથે જોડાય છે, જે આ પ્રદેશમાં પીવાલાયક પાણીનો એક મહત્ત્વનો સ્રોત છે અને અને જે આગળ જતાં ધોધમાં પરિણમે છે.
એમએસએલથી 1,000 થી 1500 મીટરની ઊંચાઈ પર આવેલા નાના પર્વતીય શહેર પાલમપુરમાં તાજેતરના ઓગસ્ટ 2023ના મહિનામાં હિમાચલ પ્રદેશમાં પડેલા 720 મીમીના મૂશળધાર વરસાદમાંથી વધુ વરસાદ નહોતો પડ્યો, જો કે ઘણા લોકોને ચિંતા છે કે ત્યાં ટુંક સમયમાં જ વરસાદ પડવાની શક્યતા છે.
ફાતિમા ચપ્પલવાલા કહે છે, “આવા તીવ્ર વરસાદથી કચરો નદી અને માટીને દૂષિત કરી શકે છે.” કાંગરા સિટિઝન્સ રાઇટ્સ ફોરમનાં સભ્ય ફાતિમા મુંબઈથી અહીં આવ્યાં હતાં અને હવે 12 કિલોમીટર દૂર કંદબારી નામના નાનકડા ગામમાં રહે છે. ફાતિમા અને તેમના પતિ મોહમ્મદે ઘણા વર્ષોથી સ્થાનિક નાગરિકો સાથે ડમ્પસાઇટને લગતા મુદ્દાઓ પર કામ કર્યું છે.
ડમ્પસાઇટથી આશરે 350 મીટર દૂર આવેલા ઉવર્ણા ગામના રહેવાસી ગાલોરા રામ કહે છે, “અહીં બધા પ્રકારની ગંદકી અને કચરો ફેંકવામાં આવે છે. અને લગભગ બે-ત્રણ વર્ષથી તેઓએ વધુ કચરો ફેંકવાનું શરૂ કર્યું છે. અમે આનાથી બીમાર પડીએ છીએ. બાળકો દુર્ગંધથી ઉલટી કરી દે છે.” 72 વર્ષીય રામ કહે છે કે જ્યારથી ડમ્પસાઇટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે ત્યારથી લોકો બીમાર પડી રહ્યા છે. “બાળકો ડમ્પસાઇટ ઓળંગીને શાળાએ જવા માંગતા ન હોવાથી તેમણે શાળાઓ બદલવી પડી છે. કારણ કે શાળામાં જવાનો આ એકમાત્ર રસ્તો છે.”
*****
સ્થાનિક પર્યાવરણીય સંસ્થા હિમધારા સાથે સંકળાયેલા એક સંશોધક માનશી આશેર નદીની બાજુમાં પડેલા કચરા તરફ ઇશારો કરતાં કહે છે કે મોટી આપત્તિઓ પર વધુ ધ્યાન આપવામાં આવે છે, પરંતુ જે રોજિંદી આપત્તિઓ છે તેને આપણે સામાન્ય બનાવી દીધી છે. તેઓ કહે છે, “જો કચરા વ્યવસ્થાપનની સુવિધાઓ નદીઓની નજીક હશે, તો તેનાથી નદીની ગંદકીમાં વધારો જ થશે જે નદીને દૂષિત કરશે.”
તેઓ ઉમેરે છે, “મુખ્યત્વે ગ્રામીણ પર્વતીય પ્રદેશમાં, શહેરી કચરો હંમેશાં નદીના પટ, જંગલો અને ચરાઈની જમીન પર અતિક્રમણ કરે છે.” દૂષિત અને મિશ્ર કચરો જમીનમાં વહી જાય છે અને પાણી પુરવઠામાં ભળે છે, જેમાંથી મોટાભાગના લોકો ભૂગર્ભજળમાંથી પીવાનું પાણી મેળવે છે. આ પાણીનો ઉપયોગ પંજાબ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાકની વાવણી માટે પણ થાય છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના 2021ના અહેવાલમાં જાણવા મળ્યું છે કે હિમાચલ પ્રદેશમાં 57 ડમ્પસાઇટ્સ છે, પરંતુ એક પણ સેનિટરી લેન્ડફીલ નથી. ડમ્પસાઇટથી વિપરીત, સેનિટરી લેન્ડફીલને ટોચના આવરણ સાથે ડિઝાઇન કરવામાં આવે છે અને તેમાં અન્ય સલામતીની સાથે ભૂગર્ભજળનું દૂષણ અટકાવવા માટે લાઇનર અને લીચેટ સંગ્રહ પ્રણાલી પણ હોય છે. તેમાં ક્લોઝર અને પોસ્ટ-ક્લોઝર પ્લાન પણ હોય છે. આ જ અહેવાલમાં કચરાના વ્યવસ્થાપનના મૂલ્યાંકનમાં રાજ્યને 35માંથી 18મું સ્થાન આપવામાં આવ્યું છે. ઓક્ટોબર 2020માં, 14 પંચાયતોને નવા પાલમપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (એમ.સી.) હેઠળ લાવવામાં આવી હતી, જેમાં 15 વોર્ડ હતા. મોહમ્મદ ચપ્પલવાલા કાંગરા સિટિઝન્સ રાઇટ્સ ફોરમના સભ્ય છે. તેઓ કહે છે, “પાલમપુર મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું તે પહેલાં, મોટાભાગની પંચાયતો તેમના પોતાના કચરાની સંભાળ લેતી હતી, પરંતુ અમે મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા ત્યારથી, કચરામાં ભારે વધારો જોવા મળ્યો છે અને તે બધા એક જ જગ્યાએ ઠાલવવામાં આવી રહ્યો છે, તેમાં હોસ્પિટલનો કચરો પણ સામેલ છે.”
શહેરી વિકાસ મંત્રાલયની 2016ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હેન્ડબુક અનુસાર, લેન્ડફીલ સાઇટ બનાવવા માટે, શહેરી સ્થાનિક સંસ્થા અથવા યુએલબીએ નીચેની માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છેઃ “લેન્ડફીલ સાઇટ્સની સ્થાપના ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે. લેન્ડફીલ સાઇટ નદીથી 100 મીટર, તળાવથી 200 મીટર, ધોરીમાર્ગો, રહેઠાણો, જાહેર ઉદ્યાનો અને પાણી પુરવઠાના કુવાઓથી 200 મીટર દૂર બનાવવી પડશે.”
ગયા વર્ષે, સ્થાનિક નાગરિકોએ અમને તેમની કાર્યવાહીમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા અને અમારી મદદ માંગી હતી. તેથી અમે એક આર.ટી.આઈ. (માહિતીનો અધિકાર) નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. મોહમ્મદના જણાવ્યા અનુસાર, કમિશનરની કચેરીને 14 માર્ચ, 2023ના રોજ આર.ટી.આઈ. મળી હતી અને તેમણે 19 એપ્રિલે જવાબ આપ્યો હતો, પરંતુ કોઈ વાસ્તવિક જવાબ મળ્યો ન હતો. તેઓ કહે છે, “અમારા ઘણા પ્રશ્નોને અવગણવામાં આવ્યા હતા.”
કેટલો કચરો પેદા થઈ રહ્યો છે તે અંગે કોઈને ખબર નથી. મોહમ્મદ કહે છે, “દર વખતે જ્યારે હું તપાસ કરવા માટે પાછો આવું છું, ત્યારે ડમ્પસાઇટ મોટી થતી જાય છે અને હવે તો તે ન્યુગલ નદીની સામે પહોંચી ગઈ છે અને કચરો તેમાં જઈ રહ્યો છે.”
તાજેતરમાં ડમ્પસાઇટમાં સાત કચરાના વર્ગીકરણ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે, અને સ્થાનિક પત્રકાર રવિંદર સૂદના જણાવ્યા અનુસાર, સૂકા કચરાને ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા શ્રેડર સહિત પાંચ મશીન કાર્યરત છે.
જો કે, તેમની ચાની દુકાનમાંથી ફેરફારોના ચશ્મદીદ ગવાહ ભારદ્વાજ કહે છે, “મશીનો તો આવી ગયા છે, પરંતુ વરસાદને કારણે, તેમાંથી એકેય મશીન કામ કરી રહ્યું નથી. અને તેથી પરિસ્થિતિ એવીને એવી જ છે. ગંધ, અને કચરાની પ્રતિકૂળ અસરો હજુ પણ પહેલાં જેવી જ છે.” અને તેમના પાડોશી રામ ઉમેરે છે, “અમે ઇચ્છીએ છીએ કે તેઓ અમારા જીવન, અને અમારાં બાળકોના જીવનને પ્રાધાન્યતા આપીને ડમ્પસાઇટને બીજે ક્યાંક ખસેડશે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ