ફાતિમા બીબીના નવજાત શિશુનું મૃત્યુ થયું પછી જ તેઓ તેમની પાંચમી પ્રસૂતિ માટે કોમ્યુનિટી ડિલિવરી સેન્ટરમાં આવ્યાં. તેમનાં તમામ બાળકો — ત્રણ છોકરીઓ અને એક છોકરો — ઘરે જ જન્મ્યાં હતાં. તેમનાં માતા જમીલા કહે છે, “છોકરાનું નિધન ઓક્સિજનની અછતને કારણે થયું હતું. તેથી અમે આ વખતે હોસ્પિટલમાં આવ્યાં.”
આ પરિવારે તેમના ગામ રામપુરથી ઉત્તર 24 પરગણા જિલ્લાના બાયરમારી ગામ સુધીની માત્ર 30 મિનિટની મુસાફરી માટે 700 રૂપિયામાં એક વાન ભાડે રાખી. ફાતિમા કહે છે, “અમારા ગામની ગરીબ મહિલાઓ હોડી લઈને હોસ્પિટલ જાય છે. ભરતીના સમયે તે ખૂબ જોખમી બની જાય છે. ગયા વર્ષે, ભારે ભરતી દરમિયાન કાઠખલી નજીક ચિક્કાર ભરેલી હોડી પલટી ગઈ હતી. તેમાંથી કેટલાંક તો મોતને ભેટી ગયાં હતાં.”
ફાતિમાનો સંઘર્ષ સુંદરવનમાં સગર્ભા સ્ત્રીઓને વારંવાર પડતી મુશ્કેલીઓનું પ્રતિબિંબ કરે છે. અને આ આરોગ્યને લગતા તમામ પ્રશ્નો માટે સાચું છે — આ ટાપુઓ પર રહેતા મોટાભાગના લોકો માટે તબીબી સહાય મેળવવી એ એક કઠિન કામ છે.
સુંદરવનમાં તબીબી પેટા-કેન્દ્રોની ખાલી થીંગડા સમાન સુવિધા જ ઉપલબ્ધ છે, જે સરકારની પ્રાથમિક આરોગ્ય સંભાળ પ્રણાલી સાથે આ સમુદાયનું પ્રથમ સંપર્ક બિંદુ છે. દરેક પેટા-કેન્દ્ર 5,000 લોકોની વસ્તીને આવરી લેવા માટે હોય છે, જ્યારે કે દક્ષિણ 24 પરગણા જિલ્લાના પશ્ચિમ શ્રીપતિનગર અને પૂર્વ શ્રીપતિનગર ગામોની કુલ વસ્તી (2011ની વસ્તી ગણતરી અનુસાર) લગભગ 9500 છે. અને પાછી ત્યારથી આ સંખ્યા વધી છે — તેથી 10,000થી વધુ લોકો તેમની આરોગ્ય સંભાળની જરૂરિયાતો માટે સંપૂર્ણપણે બે બિન-સજ્જ પેટા-કેન્દ્રો અને કેટલાક પોતાની મેળે ‘ડૉક્ટર’ બની બેઠેલા સ્થાનિક ઊંટવૈદો પર નિર્ભર છે.
આ સુંદરવનના દૂરના ભાગોમાં આવેલા પશ્ચિમ શ્રીપતિનગર જેવા ગામોમાં રહેતા લોકોને મોબાઇલ મેડિકલ યુનિટ જેવી સેવાઓ તરફ વળવા માટે મજબૂર કરે છે. આમાંના કેટલાક એકમો અહીંના પાણીમાંથી પસાર થતી નૌકાઓ પર સંચાલિત થાય છે. અમે તેમની મુલાકાત લીધી તે દિવસે, મુઠ્ઠીભર બીમાર અને માંદા લોકોએ એક ખુલ્લા ઓરડાની બહાર એક નાનકડું ટોળું રચ્યું હતું, જે તે દિવસ માટેનું ક્લિનિક બની જશે. શિબુઆ નદી પાર કરીને બે કલાકની મુસાફરી બાદ તબીબી દળ હમણાં જ ત્યાં પહોંચ્યું છે. તે મંગળવાર છે, અને આ દિવસે આ તબીબી એકમે આ ગામની મુલાકાત લેવા માટે નિર્ધારિત કર્યો છે.
આ મોબાઇલ ક્લિનિક રાષ્ટ્રીય આરોગ્ય મિશનનો એક ભાગ છે. સધર્ન હેલ્થ ઇમ્પ્રૂવમેન્ટ સમિતિ (એસ.એચ.આઇ.એસ.) અને અન્ય બિન-સરકારી સંસ્થાઓ પશ્ચિમ શ્રીપતિનગર અને પૂર્વ શ્રીપતિનગર તેમજ સુંદરવનના અન્ય ભાગોમાં બે સરકારી પેટા કેન્દ્રોની પહોંચના અંતરાયોને દૂર કરવા માટે આ એકમોનું સંચાલન કરે છે.
આવા 10થી ઓછા મોબાઇલ એકમો સુંદરવનમાં કાર્યરત છે — જ્યારે કે આ ટાપુઓની કુલ વસ્તી 44 લાખ છે. પરંતુ ઘણા ગ્રામવાસીઓ આ કામચલાઉ દવાખાનાઓની મુલાકાત લેવાનું પસંદ કરે છે, કારણ કે પેટા-કેન્દ્રોમાં પહોંચવા માટે મુશ્કેલ ભૂપ્રદેશને પાર કરવો પડે છે, અને ઘણી વાર ત્યાં પહોંચીને પણ લાયકાત વગરના ડૉક્ટરોને જ મળવાનું થાય છે.
પશ્ચિમ શ્રીપતિનગરમાં આશા દાસ પોતાના ઘરમાંથી ચાલીને એક ઓરડાના આ સાપ્તાહિક ક્લિનિક સુધી પહોંચ્યાં છે. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય, ત્યારે સૂર્યના ધગધગતા તાપમાં અડધા બનેલા ઈંટના રસ્તાઓ પર ચાલવું સરળ નથી હોતું. તેઓ સારવાર મેળવવાની મુશ્કેલીઓ વિશે કહે છેઃ “એસ.એચ.આઈ.એસ. જેવી સંસ્થાઓ અઠવાડિયામાં એક કે બે દિવસ દવાખાનાં ચલાવે છે. અન્ય તમામ દિવસોમાં અમે પેટા-કેન્દ્ર અથવા ઊંટવૈદોના ભરોસે હોઈએ છીએ. પથારપ્રતિમા ખાતેની [જાહેર] હોસ્પિટલ લગભગ ત્રણ કલાકની દૂરી પર છે અને ત્યાં પહોંચવા માટે ઓછામાં ઓછા 100 રૂપિયા ખર્ચ થાય છે. અમારે ઓછામાં ઓછી બે હોડીઓ અને વાન બદલવી પડે છે. કટોકટીમાં અમારો કોઈ સહારો નથી.”
એસ.એચ.આઈ.એસ.ના દેવજીત મૈતી કહે છે કે મોબાઇલ ક્લિનિકની મુલાકાત લેનારા લોકોની સૌથી સામાન્ય ફરિયાદો સાંધાનો સોજો, સંધિવા, સ્પોન્ડિલાઇટિસ, લ્યુકોરિયા, ખસ, ખરજવું અને ગૂમડાં છે. ડૉ. પ્રશાંત રોયચૌધરી, જેઓ એસ.એચ.આઈ.એસ. ક્લિનિકમાં દર્દીઓને તપાસે છે, કહે છે કે પાણીમાં મીઠાનું પ્રમાણ વધારે હોવું એ સમગ્ર સુંદરવનમાં ઘણી બીમારીઓનું મુખ્ય કારણ છે.
તેઓ પણ સુંદરવનમાં આરોગ્ય સંભાળ મેળવવાની સમસ્યાઓ વિશે કહે છે કે, “ડૉક્ટરો અહીં આવવા માંગતા નથી, કારણ કે અહીં પૈસા ઓછા મળે છે અને જીવન જીવવાનું સ્તર પણ ઊંચુ નથી. સરકાર તેમને કેટલાક વિસ્તારોમાં પ્રેક્ટિસ કરવા માટે જગ્યા પણ નથી આપતી. તેઓ અહીં શું કામ આવે? તેથી સ્થાનિક ઊંટવૈદો લોકોને અસંતોષકારક રીતે તપાસે છે અને ક્યારેક ક્યારેક તો તેમને લૂંટી પણ લે છે.”
અને સગર્ભા સ્ત્રીઓ માટે તો આ આરોગ્ય સંભાળમાં નડતી સમસ્યાઓ વધતી જ જાય છે. પશ્ચિમ શ્રીપતિનગરમાં સરકારી પેટા-કેન્દ્ર એસ.એચ.આઈ.એસ. ક્લિનિકથી થોડા જ અંતરે આવેલું છે. અંદર, બે સહાયક નર્સ મિડવાઈફ (એ.એન.એમ. − ઑક્સિલીઅરી નર્સ મિડવાઈફ), મોહિમા મંડલ અને લોખી બોર મંડલ, એક ટેબલ પર બેસે છે. કેન્દ્રમાં દર્દીઓની તપાસ કરવા માટે બે ટેબલ છે — ત્યાં કોઈ બેડ કે વીજળીની સુવિધા નથી. તે બપોરે, એસ.એચ.આઈ.એસ.માં એક પણ દર્દી અહીં આવ્યો નથી. સહાયક નર્સ મિડવાઈફ કહે છે, “અમે પોતે લોકોને વિનંતી કરીએ છીએ કે જ્યારે એસ.એચ.આઈ.એસ. જેવા ડૉક્ટરો ટાપુ પર આવે ત્યારે તેમના જેવા લાયક ડૉક્ટરોની મુલાકાત લે.”
પેટા કેન્દ્રમાં, સામાન્ય બીમારીઓ માટે સારવાર ઉપલબ્ધ છે, અને સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસૂતિ પહેલાંની અને પ્રસૂતિ પછીની સંભાળ પણ, જે સહાયક નર્સ મિડવાઈફ, આશા (માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા) કાર્યકરો અને એક પુરુષ નર્સ દ્વારા આપવામાં આવે છે. જો કે, ત્યાં પ્રસૂતિ કરવામાં નથી આવતી. લોખી બોર મંડલ કહે છે, “અમારે મહિલાઓને હોસ્પિટલમાં પ્રસૂતિ કરવા માટે મનાવવી પડે છે [કારણ કે ત્યાં જવા માટેનું અંતર અને થતો ખર્ચ એક મોટો અવરોધ છે]. પંચાયતે પણ વ્યૂહરચનાઓ ગોઠવવી પડી છે અને કહેવું પડ્યું છે કે મહિલાઓને જન્મ પ્રમાણપત્રો અને રેશનકાર્ડ ત્યારે જ મળશે જ્યારે તેઓ હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવશે.”
હમીદન બીબી, જેઓ બલિયારા ગામના પેટા કેન્દ્રમાં ‘દાઈમા’ [પરંપરાગતરીતે બાળકનો ઘરે જન્મ કરાવનાર] તરીકે કામ કરે છે, અને તેમની ઉંમર 50 વર્ષથી વધુ છે. જ્યારે તેમણે 14 વર્ષ પહેલાં કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેમનો માસિક પગાર 25 રૂપિયા હતો અને હવે તે 550 રૂપિયા છે. તેમના કાર્યમાં સગર્ભા સ્ત્રીઓને તેમના બાળકોને જન્મ આપવા માટે મદદ કરવાનો સમાવેશ થાય છે. તેઓ કહે છે, “મને સહાયક નર્સ મિડવાઈફ અને આશા કાર્યકર્તાઓ જેવી રંગીન સાડીઓ કેમ નથી મળતી? હું સખત મહેનત કરું છું પણ મને કોઈ માન્યતા મળતી નથી. મને બપોરનું ભોજન કે ભોજનના પૈસા પણ મળતા નથી.”
ત્રણ મહિના પહેલાં નજીકના લક્ષ્મીપુર ગામમાં શરૂ થયેલા કોમ્યુનિટી ડિલિવરી સેન્ટર (સી.ડી.સી.) એ પરિસ્થિતિમાં થોડો સુધારો કર્યો છે. ઘણાં કોમ્યુનિટી ડિલિવરી સેન્ટર એનજીઓ દ્વારા ચલાવવામાં આવે છે, જ્યાં સંસ્થાકીય પ્રસૂતિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. સરકારી હોસ્પિટલોની સાથે સાથે તેમણે અહીં વધુ મહિલાઓને આવી પ્રસૂતિઓ કરાવવાનું શક્ય બનાવ્યું છે. પરંતુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેનેજમેન્ટ રિસર્ચ, કોલકાતા દ્વારા હાથ ધરવામાં આવેલા 2014ના એક અભ્યાસ અનુસાર, સુંદરવનમાં 55 ટકા બાળકો હજુ પણ ઘરે જ જન્મે છે.
કેટલીક વાર, એનજીઓ શિબિરનું આયોજન કરીને આરોગ્ય સંભાળમાં રહેલાં ગાબડાં ભરે છે. નામખાના બ્લોકના મૌસૂની ટાપુ પર, નજીકના ગામનાં રહેવાસી ફરીદા બૈગ, સમાજ ઉન્નયન કેન્દ્ર દ્વારા આયોજિત આવી એક શિબિરને એક તરછોડાયેલી શાળાના વર્ગખંડમાં ગોઠવવામાં મદદ કરી રહ્યાં છે. આ એનજીઓ દરરોજ તબીબી શિબિરોનું આયોજન કરતું હતું (જે રાષ્ટ્રીય આરોગ્ય મિશનનો ભાગ નહોતું), પરંતુ 2015માં તેનું ભંડોળ ખૂટ્યું, જેના કારણે તેણે શિબિરોનું આયોજન કરવાનું બંધ કરી દીધું. તે હવે પ્રસંગોપાત આરોગ્ય શિબિરોનું આયોજન કરે છે, અને આ વર્ષે મે મહિનામાં, તેણે આ ટાપુ પર આંખની શિબિરનું આયોજન કર્યું હતું.
ફરીદા કહે છે, “ગામના લોકો આ શિબિર વિશે જાણે છે, કારણ કે પંચાયતે માઇક પર તેની જાહેરાત કરી હતી. જ્યારે અમે બીમાર પડીએ છીએ, ત્યારે અમને દારિકનગર જાહેર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે જે લગભગ 15 કિલોમીટર દૂર છે. પરંતુ એવું નથી કે હોડીઓ દરવખતે ઉપલબ્ધ હોય જ છે. કેટલીક વાર, હોસ્પિટલમાં એકેય ડૉક્ટરો નથી હોતા, કે ન તો ઓક્સિજન હોય છે; અમુકવાર તો તેઓ સિઝેરિયન [ડિલિવરી] કરવાની મનાઈ કરી દે છે. પછી તેઓ અમને 35 કિલોમીટર દૂર કાકદ્વીપ હોસ્પિટલમાં લઈ જાય છે. જ્યારે સગર્ભા સ્ત્રીઓ કાકદ્વીપની મુસાફરી કરે છે, ત્યારે તેમણે ઊબડખાબડ રસ્તાઓ અને ભારે ભરતીનો સામનો કરવો પડે છે.
અને જ્યારે આ હોસ્પિટલોમાંથી પણ કોઈ તેમની મદદ કરી શકતું નથી, ત્યારે આ ટાપુના રહીશો ડાયમંડ હાર્બર અને કોલકાતાની મોટી હોસ્પિટલોમાં જાય છે — જે માટે 5 થી 6 કલાક મુસાફરી કરવી પડે છે અને નોંધપાત્ર ખર્ચ પણ કરવો પડે છે.
એસ.એચ.આઈ.એસ.ના આરોગ્ય કાર્યક્રમના સંયોજક અનવર આલમને લાગે છે કે સરકાર માટે દૂર સુદૂરના વિસ્તારો સુધી પહોંચવું અશક્ય છે. ઘટકપુકુરમાં તેમના કાર્યાલયમાં બેસીને મારી સાથે વાત કરતાં તેઓ કહે છે, “તેઓ ક્યાં સુધી પહોંચી શકે? તેમનું ભંડોળ પણ ઓછું છે. મોબાઇલ મેડિકલ લોન્ચ હોય કે પછી કોમ્યુનિટી ડિલિવરી સેન્ટર, આ બધું મોટે ભાગે જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ પર ચાલે છે. સરકાર એવાં એનજીઓની સહાય પર ઘણો આધાર રાખે છે જેઓ આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકતાં હોય.”
દેબજીત મૈતી ઉમેરે છે, “જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ [પીપીપી મોડેલ] અમલમાં હોવા છતાં, દક્ષિણ 24 પરગણા જિલ્લાના સુંદરવનના મોટા ભાગના લોકોને આરોગ્ય સંભાળની પહોંચ ભાગ્યે જ નસીબ થાય છે — ઉદાહરણ તરીકે, નામખાના, કુલતાલી, પાથર પ્રતિમા, રાયદિઘી, ગોસાબા અને બસંતીના ભાગો અને ઉત્તર 24 પરગણા જિલ્લાના કેટલાક ભાગો.”
પરંતુ બાયરમારી કોમ્યુનિટી ડિલિવરી સેન્ટરના ડૉક્ટર નીલમાધબ બેનર્જીનો એક અલગ જ મત છેઃ તેઓ પૂછે છે, “તમે તૂટેલા રસ્તાઓ અને ખતરનાક નદીઓને ક્યાં સુધી દોષ આપતા રહેશો? આવી હાલત માત્ર સુંદરવનની જ નથી. આ માત્ર બહાનું છે. આરોગ્ય વ્યવસ્થાના દરેક સ્તરે સમસ્યાઓ છે, જેનો ઉકેલ લાવવાની તાતી જરૂર છે, જેમાં ગ્રામીણ ડૉક્ટરો જે પડકારોનો સામનો કરે છે તે પણ સામેલ છે.”
આ દરમિયાન, સુંદરવનના લોકો તેમના જીવન અને સ્વાસ્થ્ય સાથે જોખમ લેવાનું ચાલુ રાખે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ