એક બપોરે અશોક તાંગડે તેમના ફોન પર સ્ક્રોલ કરી રહ્યા હતા ત્યારે એક વોટ્સએપ નોટિફિકેશન આવ્યું. એ એક ડિજિટલ કંકોતરી હતી જેમાં કઢંગી રીતે એકમેકની આંખોમાં આંખો પરોવતાં નાની ઉંમરના વાર-વધૂના ચહેરા હતા. કંકોતરીમાં લગ્નનો સમય, તારીખ અને સ્થળની વિગતો પણ સામેલ હતી.
પરંતુ એ તાંગડેને આ લગ્નસમારંભમાં હાજરી આપવા માટેનું આમંત્રણ નહોતું.
આ કંકોતરી પશ્ચિમ ભારતમાં આવેલા તેમના જિલ્લામાંથી તાંગડેના એક બાતમીદારે મોકલી હતી. લગ્નની કંકોતરીની સાથે તેમણે કન્યાનું જન્મનું પ્રમાણપત્ર પણ મોકલ્યું હતું. તે 17 વર્ષની હતી, કાયદાની નજરમાં સગીર હતી.
કંકોતરી વાંચીને 58 વર્ષના તાંગડેને સમજાયું કે આ લગ્ન આગામી એક કલાકમાં થવાના હતા. તેમણે તરત જ તેમના સાથીદાર અને મિત્ર તત્ત્વશીલ કાંબળેને ફોન કર્યો અને તેઓ બંને ગાડીમાં ચડી બેઠા.
જૂન 2023 ની એ ઘટનાને યાદ કરતાં તાંગડે કહે છે, “અમે બીડ શહેરમાં જ્યાં રહીએ છીએ ત્યાંથી એ જગ્યા લગભગ અડધો કલાક દૂર હતી. જતા જતા રસ્તામાંથી અમે આ તસવીરો સ્થાનિક પોલીસ સ્ટેશન અને ગ્રામ સેવકને વોટ્સએપ કરી જેથી અમારે વધુ સમય ગુમાવવો ન પડે.”
તાંગડે અને કાંબળે બાળ અધિકાર કાર્યકરો છે, જે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વ્હિસલ બ્લોઅર (બાળલગ્નો અટકાવવા સત્તાવાળાઓનું તે તરફ ધ્યાન દોરતા કાર્યકરો) તરીકે કામ કરે છે.
બાતમીદારોની એક વિશાળ શ્રેણી તેમને તેમના હેતુમાં મદદ કરે છે: કન્યાને પ્રેમ કરતા ગામના છોકરાથી લઈને શાળાના શિક્ષક અથવા તો સામાજિક કાર્યકર સુધીની કોઈ પણ વ્યક્તિ, જે સમજે છે કે બાળલગ્ન એ ગુનો છે તે એક બાતમીદાર હોઈ શકે છે. અને વર્ષો જતા આ બંને કાર્યકરોએ સમગ્ર જિલ્લામાં 2000 થી વધુ બાતમીદારોનું એક નેટવર્ક ઊભું કર્યું છે જેઓ તેમને બાળલગ્નો પર નજર રાખવામાં મદદ કરે છે.
તેઓ કહે છે, "લોકોએ સામે ચાલીને અમારો સંપર્ક કરવાનું શરૂ કર્યું અને એ રીતે અમે છેલ્લા એક દાયકામાં અમારા બાતમીદારો તૈયાર કર્યા." તેઓ હસીને ઉમેરે છે, "અમને નિયમિતપણે અમારા ફોન પર લગ્નની કંકોતરીઓ મળે છે પરંતુ તેમાંથી કોઈ આમંત્રણ હોતા નથી."
કાંબળે કહે છે કે વોટ્સએપને કારણે હવે બાતમીદાર ફક્ત દસ્તાવેજનો ફોટો પાડીને મોકલી શકે છે. જો દસ્તાવેજ હાથવગો ન હોય તો વયનો પુરાવો મેળવવા માટે છોકરીની શાળાનો સંપર્ક કરે છે. તેઓ કહે છે, "એ રીતે બાતમીદારો અજ્ઞાત રહે છે. વોટ્સએપ નહોતું ત્યારે બાતમીદારોએ જાતે જઈને પુરાવા ભેગા કરવા પડતા હતા, એ જોખમી હતું. જો ગામની કોઈ વ્યક્તિ બાતમીદાર છે એવી ખબર પડી જાય તો ગામલોકો તેમને હેરાન-પરેશાન કરીને તેમનું જીવન નરક બનાવી દઈ શકે છે.
42 વર્ષના આ કાર્યકર ઉમેરે છે કે ઝડપથી પુરાવા ભેગા કરવાનું અને છેલ્લી ઘડીએ પણ લોકોને ભેગા કરીને કામે લગાડવાનું શક્ય બનાવીને વોટ્સએપે તેમના હેતુને ખૂબ મદદ કરી છે.
ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા ( આઈએએમએઆઈ ) ના 2022 ના અહેવાલ મુજબ દેશમાં 75.9 કરોડ સક્રિય ઈન્ટરનેટ વપરાશકર્તાઓમાંથી 39.9 કરોડ વપરાશકર્તાઓ ગ્રામીણ ભારતના છે, જેમાંથી મોટાભાગના વોટ્સએપ પર સક્રિય છે.
કાંબળે કહે છે, "અમે ત્યાં પહોંચી રહ્યા છીએ એ વાત ગુપ્ત રહે તે સુનિશ્ચિત કરીને જરૂરી કાનૂની અને પોલીસ અધિકારીઓ સાથે ત્યાં સમયસર પહોંચવું એ એક પડકાર છે. વૉટ્સએપ નહોતું ત્યારે એ પડકાર વધારે મોટો હતો."
વચ્ચે સૂર પૂરાવતા તાંગડે કહે છે કે લગ્ન સ્થળ પર બાતમીદારો સાથેની ક્રિયાપ્રતિક્રિયા ઘણીવાર રમૂજી હોઈ શકે છે. તેઓ કહે છે, "અમે તેમને સામાન્યપણે વર્તવાનું કહીએ છીએ અને જાણે તેમણે અમને જોયા જ નથી એમ બતાવવાનું કહીએ છીએ. પરંતુ દરેક જણ એ સારી રીતે કરી શકતા નથી. કેટલીકવાર અમારે બધાની સામે બાતમીદાર સાથે અમે ઉદ્ધતાઈથી વર્તતા હોઈએ એવો ડોળ કરવો પડે છે જેથી અમે બાળલગ્ન અટકાવી દઈએ એ પછી પણ કોઈ તેમના પર શંકા ન કરે."
રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ 2019-21 (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-21 એનએફએચએસ 5 ) ના તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં 20-24 વર્ષની વયની વચ્ચેની 23.3 ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ 18 વર્ષના - દેશમાં લગ્ન માટેની કાયદેસરની ઉંમરના - થાય તે પહેલા તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. આશરે 30 લાખની વસ્તી ધરાવતા બીડ જિલ્લામાં આ સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ બમણી - 43.7 ટકા છે. વહેલા (નાની ઉંમરે થતા) લગ્ન એ જાહેર આરોગ્ય માટે એક મોટી ચિંતા છે કારણ કે તે વહેલી ગર્ભાવસ્થા તરફ દોરી જાય છે, આવા કિસ્સાઓમાં માતાના મૃત્યુ અને કુપોષણની શક્યતાઓ વધારે રહે છે.
બીડમાં વહેલાં લગ્નો રાજ્યમાં ધમધમતા ખાંડ ઉદ્યોગ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આ જિલ્લો મહારાષ્ટ્રમાં શેરડી કાપનારા શ્રમિકો માટેનું કેન્દ્ર છે. તેઓ ખાંડના કારખાનાઓ માટે શેરડી કાપવા માટે દર વર્ષે અહીંથી સેંકડો કિલોમીટર દૂર રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં સ્થળાંતર કરે છે. ઘણા શ્રમિકો - ભારતમાં સાવ છેવાડાના - અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયોના છે.
વધતા જતા ઉત્પાદન ખર્ચ, ઘટતા જતા ઉપજના ભાવ અને આબોહવા પરિવર્તનને કારણે આ જિલ્લામાં ખેડૂતો અને શ્રમિકો હવે તેમની આવકના એકમાત્ર સ્ત્રોત તરીકે ખેતી પર આધાર રાખી શકતા નથી. તેઓ છ મહિનાની તનતોડ મજૂરી માટે સ્થળાંતર કરે છે, જેમાંથી તેઓ લગભગ 25000-30000 રુપિયા કમાય છે (વાંચો: ધ લોંગ રોડ ટુ ધ શુગરકેન ફિલ્ડ્સ ).
આ શ્રમિકોની ભરતી કરતા ઠેકેદારો પરિણીત યુગલોને કામે રાખવાનું વધુ પસંદ કરે છે કારણ કે આ કામ બે જણે સાથે મળીને કરવાની જરૂર પડે છે - એક વ્યક્તિ શેરડી કાપે અને બીજી (કાપેલી શેરડીના) બંડલ બનાવીને ટ્રેક્ટરમાં ચડાવે. દંપતીને એક એકમ તરીકે ગણવામાં આવે છે, જેથી તેમને ચૂકવણી કરવાનું સરળ બને છે અને બે બિન-સંબંધિત શ્રમિકો વચ્ચેનો સંઘર્ષ ટાળી શકાય છે.
બાળલગ્ન નિષેધ અધિનિયમ, 2006 હેઠળની પ્રતિબંધિત પ્રથાનો ઉલ્લેખ કરતા તાંગડે કહે છે, “ઘોર નિરાશાથી ઘેરાયેલા મોટા ભાગના [શેરડી કાપનાર] પરિવારો ટકી રહેવા માટે નાછૂટકે [બાળલગ્ન કરાવી દેવા] મજબૂર હોય છે. અહીં એકને લાભ થાય ને બીજાનું નુકસાન થાય એવું નથી, બંને પક્ષને લાભ હોય છે. તેઓ સમજાવે છે, "વરના પરિવારને એનાથી આવકનો વધારાનો સ્ત્રોત મળી રહે છે. તો કન્યાના પરિવારને એક પેટ ભરવાનું ઓછું થાય છે."
પરંતુ તેનો અર્થ એ છે કે તાંગડે અને કાંબળે જેવા કાર્યકરોનું કામ ચાલુ રહે છે.
તાંગડે બીડ જિલ્લામાં બાળ કલ્યાણ સમિતિ (ચાઈલ્ડ વેલ્ફેર કમિટી - સીડબલ્યુસી) ની પાંચ સભ્યોની ટીમના વડા છે, આ સમિતિ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, 2015 હેઠળ રચાયેલી એક સ્વાયત્ત સંસ્થા છે. ગુના સામે લડવામાં તેમના ભાગીદાર આ જિલ્લાના સીડબલ્યુસીના ભૂતપૂર્વ સભ્ય કાંબળે હાલમાં બાળ અધિકારો માટે કામ કરતા એક એનજીઓ (બિન સરકારી સંગઠન) સાથે સંકળાયેલ છે. તાંગડે કહે છે, “છેલ્લા પાંચ વર્ષોથી અમારામાંની એક વ્યક્તિના હાથમાં સત્તા છે અને બીજી કાર્યક્ષેત્ર પર સક્રિય છે. અમે બે એ મળીને એક જોરદાર ટીમ બનાવી છે."
*****
પૂજા તેના કાકા સંજય અને કાકી રાજશ્રી સાથે બીડમાં રહે છે, સંજય અને રાજશ્રી શેરડી કાપનાર શ્રમિકો છે, તેઓ છેલ્લા 15 વર્ષથી દર વર્ષે શેરડી કાપવા માટે સ્થળાંતર કરે છે. જૂન 2023માં તાંગડે અને કાંબળે પૂજાના ગેરકાયદેસર લગ્ન અટકાવવા ગયા હતા.
આ કાર્યકર્તાની જોડી લગ્ન મંડપમાં પહોંચી ત્યારે ગ્રામ સેવક અને પોલીસ ત્યાં પહેલેથી જ પહોંચી ગયા હતા અને અરાજકતા ફેલાઈ ગઈ હતી. લગ્નસ્થળ પરના ઉત્સવ સંબંધિત ઉત્સાહપૂર્ણ ગતિવિધિથી ભર્યા ભર્યા વાતાવરણમાં પહેલા ચિંતિત મૂંઝવણ અને પછી સ્મશાનવત શાંતિ પ્રસરી ગઈ હતી. આ લગ્ન કરાવી રહેલા પુખ્ત વયના લોકોને સમજાઈ ગયું હતું કે તેમની સામે પોલીસ કેસ નોંધવામાં આવશે. કાંબળે કહે છે, "સેંકડો મહેમાનો હોલ છોડીને જઈ રહ્યા હતા અને વર-કન્યાના પરિવારો પોલીસના પગે પડી તેમને માફ કરી દેવાની વિનંતી કરી રહ્યા હતા."
લગ્નનું આયોજન કરનાર 35 વર્ષના સંજયને સમજાઈ ગયું હતું કે તેમણે ભૂલ કરી હતી. તેઓ કહે છે, “હું તો એક શેરડી કાપનાર ગરીબ મજૂર છું. હું આ સિવાય બીજું કંઈ વિચારી શકું તેમ જ નહોતો."
જ્યારે પૂજા અને તેની મોટી બહેન ઉર્જા હજી ઘણા નાના હતા ત્યારે તેમના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને તેમની માતાએ ત્યારબાદ બીજા લગ્ન કર્યા હતા. નવા પરિવારે સંજય અને રાજશ્રીએ ઉછરેલી છોકરીઓને સ્વીકારી નહોતી.
પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો થયો એ પછી સંજયે તેમની ભત્રીજીઓને બીડથી લગભગ 250 કિલોમીટર દૂર પુણે શહેરની એક નિવાસી શાળા (બોર્ડિંગ સ્કૂલ) માં દાખલ કરી હતી.
જો કે ઉર્જાનો અભ્યાસ પૂરો થયો એ પછી શાળાના બાળકોએ પૂજાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પૂજા કહે છે, "તેઓ 'ગામડિયાની જેમ બોલવા' માટે મારી મજાક ઉડાવતા હતા. મારી બહેન ત્યાં હતી ત્યાં સુધી તે મને બચાવી લેતી. તેના ગયા પછી હું આ હેરાનગતિ વધુ સમય સહન કરી શકી નહીં અને ઘેર ભાગી આવી."
તાંગડે કહે છે, 'ઘોર નિરાશાથી ઘેરાયેલા મોટા ભાગના [શેરડી કાપનાર] પરિવારો નાછૂટકે [બાળલગ્ન કરાવી દેવા] મજબૂર હોય છે. અહીં એકને લાભ થાય ને બીજાનું નુકસાન થાય એવું નથી, બંને પક્ષને લાભ હોય છે...વરના પરિવારને એનાથી આવકનો વધારાનો સ્ત્રોત મળી રહે છે. તો કન્યાના પરિવારને એક પેટ ભરવાનું ઓછું થાય છે'
પૂજા પાછી ફરી એ પછી નવેમ્બર 2022 માં સંજય અને રાજશ્રી લગભગ 500 કિલોમીટરની મુસાફરી ખેડીને છ મહિના માટે પશ્ચિમ મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં શેરડી કાપવા ગયા ત્યારે તેઓ પૂજાને તેમની સાથે લઈ ગયા. પૂજાને એકલી છોડીને જવાનું તેમને ઠીક ન લાગ્યું. જો કે, તેઓ કહે છે કે કામના સ્થળ પર જે પરિસ્થિતિમાં રહેવું પડે છે તે અત્યંત દુઃખદ હોય છે.
સંજય કહે છે, "અમે ઘાસની બનેલી કામચલાઉ ઝૂંપડીઓમાં રહીએ છીએ. ત્યાં કોઈ શૌચાલય હોતા નથી. કુદરતી હાજત માટે અમારે ખેતરોમાં જવું પડે છે. દિવસના 18-18 કલાક શેરડી કાપ્યા પછી ખુલ્લા આકાશ નીચે અમે ખોરાક રાંધીએ છીએ. આટલા વર્ષો પછી અમને તો એની આદત પડી ગઈ છે, પરંતુ પૂજાને ખૂબ તકલીફ પડી હતી.
સાતારાથી પાછા ફર્યા પછી સંજયે તેના સંબંધીઓ મારફત પૂજા માટે યોગ્ય મુરતિયો શોધી કાઢ્યો હતો અને પૂજા સગીર હોવા છતાં તેના લગ્ન કરાવી દેવાનું નક્કી કર્યું હતું. આ દંપતી પાસે ઘેર રહીને નજીકમાં કામ શોધવાનો વિકલ્પ નહોતો.
સંજય કહે છે, "ખેતી કરવા માટે અહીંનું હવામાન ખૂબ અણધાર્યું છે. અમારી બે એકર જમીન પર હવે અમે માંડ અમારા પોતાના ઉપયોગ માટે માટે ખાદ્ય પાકની ખેતી કરી શકીએ છીએ. મને પૂજા માટે જે સારામાં સારું લાગ્યું એ મેં કર્યું હતું. આગલી વખતે અમે સ્થળાંતર કરીએ ત્યારે અમે તેને અમારી સાથે લઈ જઈ શકીએ એમ નહોતા અને તેની સલામતીના ડરે અમે તેને ઘેર એકલી છોડીને જઈ શકીએ એમ પણ નહોતા.
*****
લગભગ 15 વર્ષ પહેલાં અશોક તાંગડે તેમના પત્ની અને શેરડી કાપનારા મહિલા શ્રમિકો માટે કામ કરતા પ્રખ્યાત સામાજિક કાર્યકર મનીષા તોકલે સાથે સમગ્ર બીડ જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે બીડમાં શેરડી કાપતા શ્રમિક પરિવારોમાં બાળલગ્નોની ઘટના પહેલવહેલી વાર તેમના ધ્યાન પર આવી હતી.
તેઓ કહે છે, "હું મનીષા સાથે તેમાંથી કેટલાકને મળ્યો ત્યારે મને સમજાયું કે તેઓને કિશોરાવસ્થામાં જ અથવા તેથીય પહેલાં પરણાવી દેવામાં આવ્યા હતા. ત્યારે મેં વિચાર્યું કે આપણે વિશેષ કરીને બાળલગ્નો અટકાવવા માટે ખાસ કામ કરવું પડશે."
તેઓ બીડમાં વિકાસ ક્ષેત્રે કામ કરતા કાંબળેને મળ્યા અને બંનેએ ભેગા મળીને એક ટીમ બનાવવાનું નક્કી કર્યું.
લગભગ 10-12 વર્ષ પહેલાં જ્યારે તેઓએ પહેલી વખત એક બાળલગ્ન અટકાવ્યું ત્યારે એ એક નવાઈ પમાડતું કામ હતું કારણ કે બીડમાં કોઈએ ક્યારેય આવું થયાનું સાંભળ્યુંય નહોતું.
તાંગડે કહે છે, "લોકોને નવાઈ લાગી હતી અને તેઓએ અમારી વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. આવું કંઈક પણ થઈ શકે છે એ વાત જ બાળલગ્ન કરાવનારા પુખ્ત વયના લોકોના માન્યામાં આવતી નહોતી. આ સમાજમાં બાળલગ્નો સામાન્ય હતા અને તેને સંપૂર્ણ સામાજિક માન્યતા હતી. કેટલીકવાર તો ઠેકેદારો પોતે લગ્ન સમારોહ માટે ચૂકવણી કરતા હતા અને વર-કન્યાને શેરડી કાપવા માટે લઈ જતા હતા."
ત્યારપછી તેમણે બંનેએ બસો અને સ્કુટર (ટુ-વ્હીલર) પર બીડના આજુબાજુના ગામડાંઓમાંથી મુસાફરી કરવાનું શરૂ કર્યું અને એવા લોકોનું એક નેટવર્ક ઊભું કર્યું કે જેઓ તેમના બાતમીદારો બની ગયા. કાંબળે માને છે કે સ્થાનિક અખબારોએ પણ જાગૃતિ વધારવામાં તેમજ જિલ્લામાં તેમની પ્રોફાઇલને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
છેલ્લા 10 વર્ષોમાં તેઓએ જિલ્લામાં 4500 થી વધુ બાળલગ્નો પરત્વે સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું છે. તેઓ લગ્ન અટકાવે એ પછી એમાં સામેલ પુખ્ત વયના લોકો સામે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ, 2006 (ધ પ્રોહિબિશન ઓફ ચાઈલ્ડ મેરેજ એક્ટ, 2006) હેઠળ પોલીસ કેસ નોંધવામાં આવે છે. લગ્ન પછી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોય ત્યારે સીડબલ્યુસી સગીર વયની છોકરીને રક્ષણાત્મક હિરાસત હેઠળ લે છે અને એ પુરુષ ઉપર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ( પોક્સો ) હેઠળ આરોપ મૂકવામાં આવે છે.
તાંગડે કહે છે, "અમે છોકરીને સમજાવીએ છીએ, અમે માતા-પિતાને સમજાવીએ છીએ અને તેમને બાળલગ્નના કાયદાકીય પરિણામો વિશે જણાવીએ છીએ. ત્યારબાદ છોકરીના ફરીથી લગ્ન ન કરાવી દેવાય એ સુનિશ્ચિત કરવા સીડબલ્યુસી દર મહિને પરિવાર સાથે ફોલોઅપ કરે છે. બાળલગ્નમાં સામેલ મોટાભાગના માતા-પિતા શેરડી કાપનાર શ્રમિકો છે.”
*****
જૂન 2023 ના પહેલા અઠવાડિયામાં તાંગડેને બીડના - તેમના ઘરથી બે કલાકથી વધુ અંતરે આવેલા - એક દૂરના, પહાડી ગામમાં થઈ રહેલા બાળલગ્ન વિશે બીજી સૂચના મળી. તેઓ કહે છે, "હું ત્યાં સમયસર પહોંચી શકું તેમ ન હોવાથી મેં એ તાલુકાના મારા સંપર્કને દસ્તાવેજો ફોરવર્ડ કર્યા. જે કંઈ કરવું જરૂરી હતું તે તેમણે કર્યું. મારા માણસો હવે આ આખી કવાયત બરોબર જાણે છે.”
જ્યારે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને લગ્નનો પર્દાફાશ કર્યો ત્યારે તેમને ખબર પડી કે આ છોકરીના આ ત્રીજા લગ્ન છે. અગાઉના બંને લગ્ન કોવિડ-19 ના બે વર્ષ દરમિયાન થયા હતા. લક્ષ્મી નામની એ છોકરી માત્ર 17 વર્ષની હતી.
માર્ચ 2020 માં કોવિડ-19 ની મહામારી ફાટી નીકળી એ તાંગડે અને કાંબળેની વર્ષોની મહેનત માટે એક મોટા ફટકારૂપ હતી. સરકાર દ્વારા લાગુ કરાયેલ લોકડાઉન, લાંબા સમય સુધી બંધ કરી દેવામાં આવેલ શાળાઓ અને કોલેજો, અને પરિણામે ઘેર રહેલા બાળકો. માર્ચ 2021 માં બહાર પાડવામાં આવેલ યુનિસેફના અહેવાલ માં જણાવવામાં આવ્યું હતું કે કોવિડ -19 ના પરિણામે બંધ થઈ ગયેલી શાળાઓ, વધતી જતી ગરીબી, માતાપિતાના મૃત્યુ અને બીજા પરિબળોએ "લાખો છોકરીઓ માટે પહેલેથી જ મુશ્કેલ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી દીધી છે."
તાંગડેએ તેમના બીડ જિલ્લામાં આ પરિસ્થિતિનો નજીકથી અનુભવ કર્યો હતો, જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં સગીર છોકરીઓના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા (વાંચો: બીડની કાચી નવવધૂઓ: કપાતી શેરડી, કચડાતી આશા ).
2021 માં મહારાષ્ટ્રમાં લોકડાઉનના બીજા દોર દરમિયાન લક્ષ્મીની માતા વિજયમાલાએ તેમની દીકરી માટે બીડ જિલ્લામાંથી વર શોધી કાઢ્યો હતો. તે સમયે લક્ષ્મીની ઉંમર 15 વર્ષની હતી.
વિજયમાલા કહે છે, “મારો વર દારૂડિયો છે." 30 વર્ષના વિજયમાલા કહે છે, "અમે શેરડી કાપવા માટે સ્થળાંતર કરીએ છીએ એ છ મહિના સિવાય એ ખાસ કામ કરતો નથી. એ દારૂ પીને નશો કરીને ઘેર આવે છે અને મને માર મારે છે. જ્યારે મારી દીકરી તેને રોકવાનો પ્રયાસ કરે છે ત્યારે એ તેને પણ મારે છે. હું મારી દીકરીને તેનાથી દૂર રાખવા માગતી હતી."
પરંતુ લક્ષ્મીના સાસરિયાઓ પણ અત્યાચારી જ નીકળ્યા, તેઓ તેને મારતા હતા. લગ્નના એક મહિના પછી લક્ષ્મીએ તેના પતિ અને તેના પરિવારથી બચવા માટે આત્મહત્યા કરીને પોતાનો જીવ લેવાના પ્રયાસમાં પોતાના શરીર પર પેટ્રોલ રેડી દીધું હતું. એ ઘટના પછી તેના સાસરિયાઓએ તેને તેના પિયર પાછી મોકલી દીધી હતી અને એ પછી તે ક્યારેય સાસરે પાછી ફરી નહોતી.
લગભગ છ મહિના પછી નવેમ્બરમાં વિજયમાલા અને તેમના 33 વર્ષના પતિ પુરુષોત્તમને શેરડી કાપવા માટે પશ્ચિમ મહારાષ્ટ્રમાં સ્થળાંતર કરવાનો સમય આવ્યો હતો. તેઓ લક્ષ્મીને તેમની સાથે લઈ ગયા હતા જેથી ખેતરોમાં તનતોડ મહેનત કરવાની હોય ત્યારે તે મદદમાં લાગી શકે. કામકાજની જગ્યા પર રહેવાની અત્યંત ખરાબ પરિસ્થિતિની તો લક્ષ્મીને જાણ હતી. પરંતુ તેના પર જે વીતવાની હતી તેના માટે તો તે ક્યારેય કોઈ રીતે તૈયાર નહોતી.
શેરડીના ખેતરોમાં પુરુષોત્તમ લગ્ન કરવા માંગતા એક પુરુષને મળ્યો હતો. પુરુષોત્તમે એ પુરુષને પોતાની દીકરીની વાત કરી હતી અને એ પુરુષ એની સાથે લગ્ન કરવા સંમત થયો હતો. એ પુરુષ 45 વર્ષનો હતો. લક્ષ્મી અને વિજયમાલાની ઈચ્છા વિરુદ્ધ પુરુષોત્તમે લક્ષ્મીના લગ્ન એક એવા પુરુષ સાથે કરાવી દીધા હતા જે ઉંમરમાં તેનાથી લગભગ ત્રણ ગણો મોટો હતો.
વિજયમાલા કહે છે, “મેં તેમને આવું ન કરવા ખૂબ આજીજી કરી હતી. પણ તેમણે મારી વાત પર બિલકુલ ધ્યાન આપ્યું નહોતું. મને ચૂપ રહેવાનું કહેવામાં આવ્યું હતું અને હું મારી દીકરીને મદદ કરી શકી નહોતી. એ પછી મેં પુરુષોત્તમ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું."
પરંતુ એક મહિના પછી લક્ષ્મી ઘરે પાછી આવી હતી, બીજા અત્યાચારી લગ્નથી બચીને. લક્ષ્મી કહે છે, "ફરી પાછી એની એ જ વાત હતી. તેને તો એક નોકરડી જોઈતી હતી, પત્ની નહિ."
એ પછી લક્ષ્મી એક વર્ષથી વધુ સમય માટે તેના માતા-પિતા સાથે રહેતી હતી. એ ઘરની સંભાળ રાખતી હતી જ્યારે વિજયમાલા તેમના નાના ખેતરમાં કામ કરતા હતા, જ્યાં પરિવાર પોતાના ઉપયોગ પૂરતી બાજરીની ખેતી કરે છે. વિજયમાલા કહે છે, "હું વધારાની કમાણી કરવા બીજાના ખેતરોમાં શ્રમિક તરીકે પણ કામ કરું છું." તેમની માસિક આવક 2500 રુપિયાની આસપાસ છે. તેઓ ઉમેરે છે, “મારી ગરીબી એ મારું દુર્ભાગ્ય છે. મારે એ સહન કર્યે છૂટકો."
મે 2023 માં પરિવારનો એક સભ્ય લગ્નનો પ્રસ્તાવ લઈને વિજયમાલા પાસે પહોંચ્યો. તેઓ કહે છે, "છોકરો સારા કુટુંબનો હતો, આર્થિક રીતે તેઓની સ્થિતિ અમારા કરતા ઘણી સારી હતી. મેં વિચાર્યું કે આ તેના માટે સારું રહેશે. હું તો એક અભણ મહિલા છું. મને જે સારું લાગ્યું એ મુજબ મેં નિર્ણય લીધો છે.” તાંગડે અને કાંબળેને આ જ લગ્ન બાબતે સૂચના મળી હતી.
આજે હવે વિજયમાલા કહે છે કે એમ કરવું યોગ્ય નહોતું.
તેઓ કહે છે, "મારા પિતા દારૂડિયા હતા અને તેમણે 12 વર્ષની ઉંમરે મારા લગ્ન કરાવી દીધા હતા. ત્યારથી હું મારા પતિ સાથે શેરડી કાપવા સ્થળાંતર કરી રહી છું. હું કિશોર વયની હતી ત્યારે મેં લક્ષ્મીને જન્મ આપ્યો હતો. અજાણતા મેં પણ બરોબર મારા પિતા જેવું જ કર્યું હતું. તકલીફ એ છે કે સાચું શું કે ખોટું શું એ મને જણાવવા માટે મારી પાસે કોઈ નથી. હું સાવ એકલી છું.”
છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં ન ગયેલી લક્ષ્મી ફરીથી અભ્યાસ શરુ કરવા ઉત્સુક નથી. તે કહે છે, "મેં હંમેશા ઘરનું ધ્યાન રાખ્યું છે અને ઘરના કામકાજ કર્યા છે. હું શાળામાં પાછી જઈ શકીશ કે નહીં મને ખબર નથી. મને ખાતરી નથી."
*****
તાંગડેને વહેમ છે કે લક્ષ્મી 18 વર્ષની થઈ જશે એ પછી તરત જ તેની માતા ફરીથી તેના લગ્ન ગોઠવવાનો પ્રયત્ન કરશે. પરંતુ એ કદાચ એટલું સરળ નહિ હોય.
તાંગડે કહે છે, "આપણા સમાજની સમસ્યા એ છે કે જો કોઈ છોકરીના બે લગ્નો નિષ્ફ્ળ ગયા હોય અને એક લગ્ન થઈ શક્યું ન હોય તો લોકો માને છે કે છોકરીમાં જ કંઈક વાંધો છે. તેણે જે પુરુષો સાથે લગ્ન કર્યા હતા તેમને કોઈ પૂછતું નથી. તેથી જ અમે આજે પણ લોકોમાં અમારી એક ખરાબ છાપ ઊભી થયાની સમસ્યા સામે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમારી છાપ લગ્નમાં ખલેલ પહોંચાડનાર અને છોકરીનું નામ બગાડનાર તરીકેની થઈ ગઈ છે.”
સંજય અને રાજશ્રી તેમની ભત્રીજી પૂજાના લગ્ન ન કરાવવા દેવા માટે આ બે કાર્યકરોને એ જ દ્રષ્ટિએ - લગ્નમાં ખલેલ પહોંચાડનાર અને છોકરીનું નામ બગાડનાર તરીકે જ જુએ છે.
33 વર્ષના રાજશ્રી કહે છે, "તેઓએ એ લગ્ન થવા દેવા જોઈતા હતા. તે એક સારો પરિવાર હતો. તેઓ તેની સંભાળ રાખત. તેને 18 વર્ષની થવામાં હજી એક વર્ષ બાકી છે અને તેઓ ત્યાં સુધી રાહ જોવા તૈયાર નથી. અમે લગ્ન માટે 2 લાખ [રૂપિયા] ઉછીના લીધા હતા. અમારે તો હવે નુકસાન જ સહન કરવાનું રહ્યું.”
તાંગડે કહે છે સંજય અને રાજશ્રીની જગ્યાએ ગામનો કોઈ વગદાર પરિવાર હોત તો તેઓએ સારી એવી દુશ્મનાવટનો સામનો કરવો પડ્યો હોત. તેઓ કહે છે, "અમારા કામને કારણે અમે ઘણા દુશ્મનો બનાવ્યા છે. જ્યારે પણ અમને (બાળલગ્ન અંગેની) કોઈ સૂચના મળે છે ત્યારે અમે અમારી રીતે એમાં સામેલ પરિવારોની પૃષ્ઠભૂમિની તપાસ કરીએ છીએ."
જો એ સ્થાનિક રાજકારણીઓ સાથે સંબંધ ધરાવતો પરિવાર હોય તો આ બે કાર્યકરો અગાઉથી જ વહીવટીતંત્રને ફોન કરી રાખે છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી વધારાની કુમક માટે પણ ફોન કરી દે છે.
કાંબળે કહે છે, "અમારા પર હુમલા કરવામાં આવ્યા છે, અમારા અપમાનો થયા છે અને અમને ધમકીઓ આપવામાં આવી છે. દરેક જણ પોતાની ભૂલ સ્વીકારતું નથી."
તાંગડે યાદ કરે છે એક વખત વરરાજાની માતાએ વિરોધમાં પોતાનું માથું દિવાલ પર પટક્યું હતું, તેના કપાળમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. અધિકારીઓને ઈમોશનલી બ્લેકમેલ કરવાનો એ પ્રયાસ હતો. તાંગડે હસીને કહે છે, "કેટલાક મહેમાનોએ મોઢું છુપાવીને ખાવાનું ચાલુ રાખ્યું હતું." તેઓ કહે છે, "પરંતુ એ કુટુંબને નિયંત્રિત કરવાનું ખૂબ મુશ્કેલ હતું. કેટલીકવાર બાળલગ્નને અટકાવવા માટે અમારી સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવે ત્યારે તમને ચોક્કસ વિચાર આવી જાય કે આટઆટલી મહેનત કર્યાનો કોઈ અર્થ ખરો?"
પરંતુ એવા ય અનુભવો થાય છે કે તમને થાય કે આ બધી મહેનત સાર્થક છે.
2020 ની શરૂઆતમાં તાંગડે અને કાંબલેએ 17 વર્ષની એક છોકરીના લગ્ન અટકાવ્યા હતા. તેણે તેની 12 મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી હતી અને તેના ગરીબીથી પીડાતા - શેરડી કાપનાર શ્રમિક - પિતાએ નક્કી કર્યું કે હવે તેના લગ્ન કરાવી દેવાનો સમય આવી ગયો છે. પરંતુ આ બંને કાર્યકરોને એ લગ્નની ખબર પડી અને તેમણે તેને આગળ વધતા અટકાવી દીધા હતા. કોવિડ -19 ની મહામારી ફાટી નીકળ્યા પછી તેઓ જે થોડાઘણા લગ્નોને અટકાવવામાં સફળ થયા હતા તેમાંનું એ એક હતું.
તાંગડે યાદ કરે છે, "અમે સામાન્ય રીતે જે કવાયત કરીએ છીએ તેને જ અમે અનુસર્યા હતા. અમે પોલીસ કેસ દાખલ કર્યો હતો, જરૂરી કાગળિયા કર્યા હતા અને છોકરીના પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ છોકરીના ફરીથી લગ્ન કરાવી દેવાનો ભય હંમેશા રહે છે.”
મે 2023 માં આ છોકરીના પિતા બીડમાં તાંગડેની ઓફિસમાં આવ્યા હતા. એક મિનિટ માટે તાંગડે તેમને ઓળખી શક્યા નહોતા. એ બંનેને મળ્યાને ઘણો સમય થઈ ગયો હતો. પિતાએ ફરીથી પોતાનો પરિચય કરાવ્યો હતો અને તાંગડેને કહ્યું કે તેમણે તેમની દીકરીના લગ્ન કરાવતા પહેલા એના સ્નાતક થવાની રાહ જોઈ હતી. એ લગ્ન માટે સંમત થયા પછી જ છોકરો પસંદ કરવામાં આવ્યો હતો. તેમણે તાંગડેનો તેમની સેવા બદલ આભાર માન્યો હતો અને ભેટમાં સુશોભિત કાગળ વીંટેલું એક ખોખું આપ્યું હતું.
છેવટે એકવાર તાંગડેને એક લગ્નની કંકોતરી મળી હતી, જે લગ્નમાં હાજરી આપવા માટેનું આમંત્રણ હતું.
આ વાર્તામાં બાળકો અને તેમના સંબંધીઓના નામ નામ તેમની ઓળખ છુપી રાખવા માટે બદલવામાં આવ્યા છે.
આ વાર્તા થોમસન રોઇટર્સ ફાઉન્ડેશનની મદદથી તૈયાર કરવમાં આવી હતી. વાર્તામાંની સામગ્રીની સંપૂર્ણ જવાબદારી લેખક અને પ્રકાશકની છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક