દર વર્ષે, ઘણા યુવાનો પારી સાથે ઇન્ટર્નશિપ કરવા માટે અમને પત્ર લખે છે. આ વર્ષે અમારી પાસે વિક્રમી સંખ્યામાં ઇન્ટર્ન હતા, જેઓ દેશભરમાંથી અને વિવિધ શાખાઓમાં ભણતા વિદ્યાર્થીઓ હતા, જેમણે અમારી સાથે ઇન્ટર્નશિપ કરવા માટે અમારો સંપર્ક કર્યો હતો. તેઓ મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ, બેંગ્લોરની અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, સોનીપતની અશોક યુનિવર્સિટી, પૂણેની ફ્લેમ યુનિવર્સિટી, રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટી અને અન્ય ઘણી યુનિવર્સિટીઓમાંથી આવ્યા હતા.
અમારો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ વર્ષો જતાં બદલાયો છે, જે કદ અને અવકાશ બંનેમાં વધી રહ્યો છે, જેમાં નવા પ્રશ્નો અને કાર્યો ઉમેરવામાં આવી રહ્યા છે. જો કે, તેનો ઉદ્દેશ પહેલાં હતાં એવોને એવો જ રહ્યો છે, જે છે યુવાનોને આપણા સમયના મુદ્દાઓ − અસમાનતા, અન્યાય અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને નડતા મુદ્દાઓની શોધ કરવી અને તેમાં જોડાવા માટે પ્રેરિત કરવા.
પારીમાં ઇન્ટર્નશિપ કરે છે તેમણે જમીનના ખોળા ખૂંદવી નાખવા પડે છે અને ગ્રામીણ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો પર સંશોધન, તેમની મુલાકાત કરવી, તેમના વિશે લખવું, હકીકતની ચકાસણી કરવી, તેમની છબીઓ લેવી, તેમનું ફિલ્માંકન કરવું અને તેમના વિશે વાર્તાઓનું ચિત્રણ કરવું વગેરે જેવાં કામ કરવાં પડે છે. અને તેમણે હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, જમ્મુ અને કાશ્મીરથી કામ કરીને અમને મોકલ્યું છે.
તેઓ લાઇબ્રેરી અહેવાલો, ફિલ્મો અને વીડિયો, તથા સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર પણ કામ કરે છે અને જરૂર પડે તો અનુવાદ કરવામાં પણ મદદ કરે છે.
જાતીય અન્યાય એ એક એવી બાબત હતી જેને ઘણા વિદ્યાર્થીઓ તેમના અહેવાલો દ્વારા તપાસ કરવા અને પ્રકાશિત કરવા માંગતા હતા, અને તેઓએ તેને આ પ્રમાણે સાાકર કર્યુંઃ
અમારાં ઇન્ટર્ન અધ્યેતા મિશ્રાએ શૌચાલયના વિરામ વિના સતત પરિશ્રમ કરતી પશ્ચિમ બંગાળના ચાના બગીચાઓમાં કામ કરતી મહિલાઓએ તેમના જીવનમાં અને તેમના લિંગને કારણે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમાં ઝંપલાવ્યું. તે સમયે જાદવપુર યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્યનાં વિદ્યાર્થીની અધ્યેતાને કામદારો અને તેઓ જે એસ્ટેટમાં કામ કરે છે તેની ઓળખ અંગે સાવચેત રહેવું પડ્યું હતું, કારણ કે તેમની નોકરીઓ જોખમમાં મુકાઈ શકે તેમ છે.
બિહારથી કામ કરતી વખતે અમારી સાથે ઇન્ટર્નશિપ કરતી વખતે, અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં એમ.એ. ઇન ડેવલપમેન્ટનાં વિદ્યાર્થીની દિપશિખા સિંહે ગ્રામીણ વિસ્તારોમાં પ્રદર્શન કરતી મહિલાઓ પરનો આ આઘાતજનક ભાગ રજૂ કર્યોઃ બિહારમાં અશ્લીલ ધૂન પર નૃત્ય . તેઓ કહે છે, “તમે આપેલા માર્ગદર્શન અને પ્રતિસાદથી ફક્ત માત્ર મારા લેખની ગુણવત્તા જ નથી સુધરી, પરંતુ એક લેખક તરીકે મારો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. પારીના મંચ પર મારો લેખ પ્રકાશિત થતો જોવો એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે... આ અનુભવે મને મહત્ત્વની વાર્તાઓ શેર કરવાનું ચાલુ રાખવા પ્રેરણા આપી છે.”
વર્ષના અંતમાં, ઇન્ટર્ન કુહુઓ બજાજે મધ્ય પ્રદેશના દમોહમાં બીડી કામદારોનું ઇન્ટરવ્યુ લીધું અને બીડી કારીગરોના રોજેરોજના આકરા દિવસો વિશે લખ્યું. જેમને બીજી કોઈ આજીવિકા મળતી નથી તેવી મોટાભાગની મહિલાઓ દ્વારા કરવામાં આવતા આ શોષણકારી અને શારીરિક રીતે કઠણ કામ પરના વર્ણનોમાં એક વધારો કરતી વાર્તા લખનારા આ અશોકા યુનિવર્સિટીના વિદ્યાર્થી કહે છે, “સાચા પત્રકારત્વનો આ મારો પહેલો અનુભવ હતો. મેં આ પ્રક્રિયામાંથી ઘણું બધું શીખ્યું છે અને દરેક વાર્તાનો અહેવાલ તૈયાર કરવામાં કેટલી મહેનત પડે છે તેની હું પ્રશંસા કરવા લાગ્યો છું.”
આ વર્ષે અમારાં સૌથી નાનાં પત્રકાર, ધોરણ 10માં ભણતાં હની મંજુનાથે તેમના ગામના ટપાલી પર એક વાર્તા રજૂ કરી હતી: દેવરાયપટનામાં, ‘તમારી ટપાલ આવી છે!’ . તેમણે નોકરી વિશેની જૂની યાદોને ડાક સેવકોની કઠોર વાસ્તવિકતાઓ સાથે સંતુલિત કરી હતી, જેઓ વરસાદ અને સખત તડકામાં લાંબા કલાકો સુધી કામ કરે છે અને હવે પેન્શન માટે પણ પાત્ર નથી.
પારી સાથે ઇન્ટર્નશિપ કરવા માટે [email protected] પર અમને લખો.
જો અમે જે કામ કરીએ છીએ તેમાં તમને રુચિ હોય અને તમે પારીમાં યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને [email protected] પર અમને લખો. અમે ફ્રીલાન્સ અને સ્વતંત્ર લેખકો, પત્રકારો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ, અનુવાદકો, સંપાદકો, ચિત્રકારો અને સંશોધકોને અમારી સાથે કામ કરવા માટે આવકારીએ છીએ.
પારી એ નફાના હેતુ વિના કામ કરતી સંસ્થા છે અને અમે (અમારા કામ માટે) અમારી બહુભાષી ઓનલાઇન જર્નલ અને આર્કાઇવની પ્રશંસા કરતા લોકોના દાન પર આધાર રાખીએ છીએ. જો તમે પારીમાં આર્થિક યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને ડોનેટ પર ક્લિક કરો.
અનુવાદક: ફૈઝ મોહંમદ