લોકપ્રિય નામ છે ‘વિરાટ કોહલી’. અહીં ડુંગરા છોટામાં ભારતના આ ક્રિકેટિંગ આઇકોનના ઘણા ચાહકો છે.
શિયાળાની સવારનો 10 વાગ્યા પછીનો સમય છે અને અહીં રહેતા ડઝન કે તેથી વધુ યુવાનો રમતમાં વ્યસ્ત છે. મકાઈના ચમકતા લીલા ખેતરોથી ઘેરાયેલી ખુલ્લી જમીનનો ચોરસ ટુકડો એ ક્રિકેટનું મેદાન હોઈ શકે એવો વિચાર તમને કદાચ નહીં આવે, પરંતુ બાંસવાડા જિલ્લાના આ ગામના ક્રિકેટ ઉત્સાહીઓ આ મેદાનના પોપિંગ ક્રિઝથી લઈને બાઉન્ડ્રી લાઈન સુધીના એકેએક યાર્ડને જાણે છે.
બધા જાણે છે કે ક્રિકેટ ચાહકો સાથે વાતચીત કરવાની સૌથી અસરકારક રીત તેમના મનપસંદ ખેલાડીઓ કોણ છે એ પૂછવાની છે. અહીં, શરૂઆતમાં કદાચ વિરાટ કોહલીનું નામ લેવામાં આવે, પરંતુ ટૂંક સમયમાં જ બીજા નામો પણ ઉભરી આવે છે - રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ સિરાજ…
અંતે, 18 વર્ષના શિવમ લબાના ઉમેરે છે, "મને સ્મૃતિ મંધાના ગમે છે." ડાબોડી ઓપનિંગ બેટર અને ભારતની મહિલા ટી20 ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દેશના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંના એક છે.
પરંતુ આપણને ટૂંક સમયમાં જ ખબર પડશે કે તેઓ એકમાત્ર ડાબોડી બેટર નથી જેમની ચર્ચા આ મેદાન પર થઈ રહી છે.
મહત્વાકાંક્ષી બોલરો અને બેટ્સમેનો - બધા છોકરાઓ - ના ટોળામાં આ એકલી છોકરી અલગ તરી આવે છે. માત્ર નવ વર્ષની હિતાક્ષી રાહુલ હર્કિશી પાતળા નાજુક બાંધાના શરીર પર જાંઘ અને કોણીના રક્ષકો સુરક્ષિત રીતે બાંધીને સફેદ બુટ અને સફેદ બેટિંગ પેડ્સમાં સંપૂર્ણ સજ્જ છે.
હિતાક્ષી પારીને કહે છે, “મારે બેટ્સમેન બનવું છે. મેરેકો સબસે અચ્છી લગતી હૈ બેટિંગ [મને બેટિંગ સૌથી વધુ ગમે છે]." તેઓ જાહેર કરે છે, " મૈં ઈન્ડિયા કે લિએ ખેલના ચાહુંગી [હું ભારત માટે રમવા માંગુ છું]." હિતાક્ષી વાત કરવા માટે એટલી ઉત્સુક નથી, પરંતુ ક્રિઝ પર ઊભી રહીને પોતાની રમતનું પ્રદર્શન કરવા માટે ખૂબ ઉત્સાહી છે. સખત પીચ પર ચાલીને તે નેટ તરીકેનું કામ કરતી ચેઇન-લિંક ફેન્સીંગમાં થોડી સિઝન બોલ ડિલિવરીને ફટકારે છે.
હિતાક્ષીની ભારત માટે રમવાની ઈચ્છાને તેના પિતાએ સમર્થન આપ્યું છે, તેઓ હિતાક્ષીના કોચ પણ છે. હિતાક્ષી ઝડપભેર પોતાનું સમયપત્રક જણાવે છે: “શાળા છૂટે પછી હું ઘેર આવીને એક કલાક સૂઈ જાઉં છું. પછી [સાંજે] ચારથી આઠ સુધી હું તાલીમ લઉં છું.” આજની જેમ શનિ-રવિ અને રજાના દિવસોએ તે સવારે લગભગ 7:30 વાગ્યાથી બપોર સુધી પણ તાલીમ લે છે.
જાન્યુઆરી 2024 માં પારી સાથે વાત કરતાં હિતાક્ષીના પિતા રાહુલ હર્કિશી કહે છે, “લગભગ 14 મહિનાથી સતત અમારી તાલીમ ચાલી રહી છે. મારે પણ તેની સાથે તાલીમ લેવી પડે છે." તેઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ડુંગરા બડામાં એક વાહન ગેરેજના માલિક છે. તેમને તેમની દીકરીની ક્ષમતાઓ પર ગર્વ અને વિશ્વાસ છે અને તેઓ કહે છે, “શાનદાર પ્લેઈંગ હૈ [તે ખરેખર સારું રમે છે]. એક પિતા તરીકે મારે તેની સાથે કડક ન બનવું જોઈએ પણ મારે કડક થવું પડે છે.”
હિતાક્ષીના પિતા રાહુલ હર્કિશી કહે છે, “શાનદાર પ્લેઈંગ હૈ [તે ખરેખર સારું રમે છે]. એક સમયે તેઓ પોતે ક્રિકેટર હતા અને હવે હિતાક્ષીના કોચ છે
તેના માતા-પિતા એ તંદુરસ્ત આહાર લે એ પણ સુનિશ્ચિત કરે છે. રાહુલ જણાવે છે, "અમે અઠવાડિયામાં ચાર વખત ઇંડા ખાઈએ છીએ અને થોડું માંસ પણ. હિતાક્ષી દરરોજ બે ગ્લાસ દૂધ પીએ છે તેમજ સલાડમાં કાકડી અને ગાજર લે છે."
આ પ્રયાસનું પરિણામ હિતાક્ષીની રમતમાં જોઈ શકાય છે. તે ડુંગરા છોટાના બે છોકરાઓ 18 વર્ષના શિવમ લબાના અને 15 વર્ષના આશિષ લબાના જેવા તેનાથી મોટી ઉંમરના ખેલાડીઓ, જેઓ જિલ્લા કક્ષાએ રમી ચૂક્યા છે, તેમની સાથે તાલીમ લેવા ટેવાયેલી છે. તેઓ બંને બોલર છે અને 4-5 વર્ષથી લબાના પ્રીમિયર લીગ (એલપીએલ) સહિત જુદી જુદી ટુર્નામેન્ટ્સમાં ભાગ લઈ રહ્યાં છે, લબાના પ્રીમિયર લીગમાં લબાના સમુદાયની 60 થી વધુ ટીમો એકબીજા સામે સ્પર્ધા કરે છે.
શિવમ કહે છે, “અમે પહેલીવાર એલપીએલમાં ભાગ લીધો ત્યારે અમે માત્ર છોકરાઓ હતા. ત્યારે અમારી પાસે કોચ તરીકે રાહુલ ભૈયા [હિતાક્ષીના પિતા] નહોતા. મેં એક મેચમાં પાંચ વિકેટ લીધી હતી."
આજકાલ તેઓ રાહુલે સ્થાપેલી હિતાક્ષી ક્લબ માટે પણ રમે છે. શિવમ ઉમેરે છે, "અમે તેને [હિતાક્ષીને] તાલીમ આપીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે તે અમારી ટીમમાં ડેબ્યૂ કરે. અમારા સમુદાયમાં છોકરીઓ [ક્રિકેટ] રમતી નથી તેથી અમને થાય છે કે હિતાક્ષી રમે છે એ સારું છે.”
હિતાક્ષીની ટીમનો એક યુવા સાથી કહે છે તેમ હિતાક્ષીના સદભાગ્યે તેના માતા-પિતા જુદા સપના જોઈ રહ્યા છે, "ઉનકા સપના હૈ ઉસકો આગે ભેજેંગે [તેમનું સપનું તેને આગળ મોકલવાનું છે]."
ક્રિકેટની રમતની લોકપ્રિયતા છતાં પરિવારો તેમના બાળકોને ક્રિકેટ રમવા દેવા માટે અચકાય છે. શિવમ તેના 15 વર્ષના સાથી ખેલાડીની આવી જ પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે, “તે રાજ્ય સ્તરે ઘણી વખત રમ્યો છે અને તેને રમવાનું ચાલુ રાખવું છે પરંતુ તે છોડવાનું વિચારી રહ્યો છે. તેનો પરિવાર કદાચ તેને કોટા મોકલી દેશે." કોચિંગ ક્લાસ અને ઉચ્ચ શિક્ષણનો પર્યાય ગણાતા કોટાને ક્રિકેટ સાથે સ્નાનસૂતકનોય સંબંધ નથી.
હિતાક્ષીના માતા શીલા હર્કિશી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને હિન્દી શીખવે છે. તેઓ પણ તેમના પરિવારના બીજા લોકોની જેમ ક્રિકેટના મોટા ચાહક છે. તેઓ હસીને ઉમેરે છે, “હું ભારતીય ટીમના દરેક ખેલાડીના નામ જાણું છું અને હું એ બધાને ઓળખી શકું છું. જોકે મને રોહિત શર્મા સૌથી વધુ ગમે છે."
શિક્ષક તરીકેના તેમના કામ સિવાય તેઓ ગેરેજ પણ સંભાળે છે જ્યાં અમે તેમને મળીએ છીએ. તેઓ કહે છે, “અત્યારે, રાજસ્થાનમાંથી શું છોકરાઓ કે શું છોકરીઓ, કોઈ બહુ ક્રિકેટ રમતા નથી. અમે અમારી દીકરી માટે થોડો પ્રયત્ન કર્યો છે અને હજી પ્રયત્ન કરતા રહીશું.
નવ વર્ષની હિતાક્ષીને હજુ લાંબી મજલ કાપવાની બાકી છે પરંતુ તેના માતા-પિતા "તેને કુશળ ક્રિકેટર બનાવવા માટે જરૂરી બધું કરી છૂટવા" મક્કમ છે.
રાહુલ કહે છે, "મને ખબર નથી કે (હિતાક્ષીના) ભવિષ્યમાં શું લખ્યું છે. પરંતુ એક પિતા તરીકે અને એક સારા રમતવીર તરીકે હું ખાતરીપૂર્વક કહી શકું કે અમે તેને ભારત માટે રમાડશું. "
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક