કોમલને ટ્રેન પકડવાની છે. તે આસામના રોંગિયા જંકશનમાં પોતાને ઘેર જઈ રહી છે.
એ એક એવી જગ્યા હતી જ્યાં ક્યારેય પાછા ન ફરવાની તેણે પ્રતિજ્ઞા લીધી હતી, પોતાની માનસિક રીતે અક્ષમ માતાને મળવા માટે પણ નહીં.
દિલ્હીમાં જીબી રોડના વેશ્યાગૃહોમાં રહીને કામ કરવું એ જ્યાં તેનું યૌન શોષણ થયું હતું એવા ઘેર પાછા જવા કરતા વધુ સારું હતું. તે કહે છે કે જે પરિવારમાં તેને પાછી મોકલવામાં આવી રહી છે તેમાં તેનો 17 વર્ષનો પિતરાઈ ભાઈ પણ સામેલ છે, કોમલ માત્ર 10 વર્ષની હતી ત્યારે એ પિતરાઈ ભાઈએ તેના પર અનેક વખત બળાત્કાર કર્યો હતો. કોમલ કહે છે, “મને મારા [પિતરાઈ] ભાઈનું મોઢુંય જોવું ગમતું નથી. હું તેને ધિક્કારું છું." તે અવારનવાર કોમલને મારતો હતો અને જો કોમલ તેને રોકવાનો પ્રયત્ન કરે તો તેની માતાને મારી નાખવાની ધમકી આપતો હતો. એકવાર તેણે કોમલને કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે માર્યું હતું, જેનું તેના કપાળ પર કાયમી નિશાન રહી ગયું છે.
કોમલ પોલીસ સાથેની તેની વાતચીતનો ઉલ્લેખ કરતા કહે છે, “હેકારોને મોર ઘોર જાબો મોન નાઈ. મોઇ કિમાન બાર કોઇસુ હિહોતોક [આ જ કારણે મારે ઘેર નથી જવું. મેં તેમને પણ ઘણી વાર કહ્યું હતું]." તેમ છતાં પોલીસે કોઈપણ જાતની વ્યવસ્થા વિના કોમલને આસામની 35 કલાક લાંબી મુસાફરી માટે ટ્રેનમાં ચડાવી દીધી હતી, તે સુરક્ષિત રીતે ઘેર પહોંચી કે નહીં અથવા તે ઘેર હોય ત્યારે ક્યાંક ફરીથી હિંસાનો ભોગ તો નથી બનીને એ સુનિશ્ચિત કરવા તેને માટે સિમ કાર્ડની વ્યવસ્થા પણ કરાઈ નહોતી.
હકીકતમાં કોમલને જરૂર હતી, (યૌન શોષણ માટે) માનવ તસ્કરીનો ભોગ બનેલ સગીર અને યુવા વયસ્કોની જરૂરિયાતો માટેની વિશિષ્ટ સહાયક સેવાઓની.
*****
કોમલ (નામ બદલવામાં આવ્યું છે) યાદ કરે છે કે આ વર્ષની શરૂઆતમાં તે લગભગ 4x6 ચોરસ ફૂટની તેની દીવાસળીના ખોખાના કદની ખોલીમાંથી લોખંડના પગથિયાંવાળી સીડી પરથી ઊતરી રહી હતી ત્યારે તે જે વેશ્યાગૃહમાં કામ કરતી હતી અને રહેતી હતી ત્યાં બે પોલીસ અધિકારીઓ આવ્યા હતા. આ ઓરડાઓ રસ્તે આવતા-જતા લોકોને દેખાતા નથી; માત્ર લોખંડની સીડીઓ એ વાતનો અણસાર આપે છે કે અહીં શ્રદ્ધાનંદ માર્ગ, જે બોલચાલની ભાષામાં જીબી રોડ તરીકે ઓળખાય છે ત્યાં, દિલ્હીના આ કુખ્યાત રેડલાઇટ વિસ્તારમાં દેહવ્યાપાર કરવામાં આવે છે.
કોમલે પોલીસ અધિકારીઓને કહ્યું હતું કે તે 22 વર્ષની છે. કોમલ તેની મૂળ ભાષા આસામીમાં કહે છે, “કોમ ઓ હોબો પારૈં..ભાલકે નજાનુ મોઇ [મારી ઉમર એનાથી ઓછી પણ હોય શકે. મને ચોક્કસ ખબર નથી]." તે 17, કે કદાચ 18 વર્ષથી મોટી દેખાતી નથી. તે સગીર હતી તેની ખાતરી થતાં તે દિવસે પોલીસે તેને એ વેશ્યાગૃહમાંથી 'છોડાવી' હતી.
દીદીઓએ (વેશ્યાગૃહના માલિકોએ) અધિકારીઓને રોક્યા ન હતા, કારણ કે કોમલની ઉમર ખરેખર કેટલી છે એ તેમને પણ ચોક્કસ ખબર નહોતી. તેઓએ જો પૂછવામાં આવે તો તે 20 વર્ષથી મોટી છે અને તે "અપની મરઝી સે [પોતાની ઈચ્છાથી]" દેહવ્યાપાર કરી રહી છે એવું કહેવાની કોમલને સૂચના આપી હતી.
કોમલને મનમાં થયું હતું કે એ વાત સાચી છે. તેને લાગતું હતું કે તેણે સ્વતંત્ર રીતે જીવવા માટે દિલ્હી જવાનું અને વ્યાવસાયિક યૌન કર્મ (દેહ વ્યાપાર) કરવાનું પસંદ કર્યું છે. પરંતુ તેની એ 'પસંદગી' એક સગીર તરીકે બળાત્કાર અને માનવ તસ્કરીનો ભોગ બનવા સહિતના શ્રેણીબદ્ધ આઘાતજનક અનુભવો પછીની હતી, જેમાં પરિસ્થિતિનો સામનો કરવામાં, આઘાતમાંથી બહાર આવવામાં અને વૈકલ્પિક માર્ગો શોધવામાં તેની મદદ કરે એવી કોઈ સહાયક પ્રણાલીઓની પહોંચ તેની પાસે નહોતી.
તેણે પોલીસને કહ્યું કે તે પોતાની મરજીથી વેશ્યાગૃહમાં હતી ત્યારે પોલીસને તેની વાત પર વિશ્વાસ ન બેઠો. તેણે પોતાના ફોન પર પોતાના જન્મ પ્રમાણપત્રની એક નકલ પણ પોલીસને બતાવી અને તે 22 વર્ષની છે તે ચકાસવા કહ્યું. પરંતુ પોલીસે તેની અરજી ફગાવી દીધી. તેની પાસે પોતાની ઓળખનો એ એકમાત્ર પુરાવો હતો, અને તે પૂરતો ન હતો. કોમલને ‘બચાવી' લેવામાં આવી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જઈને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, જે બે કલાક જેટલું ચાલ્યું હતું એવું તેને લાગ્યું હતું. ત્યારબાદ તેને સગીરો માટેના સરકારી આશ્રયગૃહમાં મોકલવામાં આવી હતી જ્યાં તે 18 દિવસ રહી હતી. કોમલને કહેવામાં આવ્યું હતું કે નિયત પ્રક્રિયા મુજબ તેને તેના પરિવાર સાથે ફરીથી જોડવામાં આવશે, કારણ કે તે સગીર છે એમ મનાતું હતું.
આશ્રયગૃહમાં તેના રોકાણ દરમિયાન ક્યારેક પોલીસે વેશ્યાગૃહમાંથી તેના કપડાં, બે ફોન અને દીદીઓ દ્વારા આપવામાં આવેલ 20000 રુપિયાની કમાણી સહિતનો તેનો સામાન કબજે કર્યો હતો.
એક સગીર તરીકે બળાત્કાર અને માનવ તસ્કરીનો ભોગ બનવા સહિતના શ્રેણીબદ્ધ આઘાતજનક અનુભવો પછી કોમલ દેહ વ્યાપારના વ્યવસાયમાં આવી હતી, પરિસ્થિતિનો સામનો કરવામાં અથવા આઘાતમાંથી બહાર આવવામાં તેની મદદ કરે એવી કોઈ સહાયક પ્રણાલીઓની પહોંચ તેની પાસે નહોતી
દિલ્હી સ્થિત માનવ અધિકાર વકીલ ઉત્કર્ષ સિંઘ કહે છે, “સગીરો ફરીથી માનવ તસ્કરીનો ભોગ ન બને એ અધિકારીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ. સગીર પીડિતો પરિવારમાં પાછા જોડાવા માગે છે કે પછી આશ્રય ગૃહમાં જ રહેવા માગે છે એ બાબતે તેની પસંદગીને પ્રાથમિકતા આપવી જોઈએ. કસ્ટડી સોંપતા પહેલા પીડિતોના પરિવારોનું પર્યાપ્ત કાઉન્સેલિંગ થાય એ બાબતને પણ પ્રાથમિકતા અપાવી જોઈએ." તેમનું માનવું છે કે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, 2015 હેઠળ રચાયેલ સ્વાયત્ત સંસ્થા - બાળ કલ્યાણ સમિતિ (ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સીડબ્લ્યુસી) એ - કોમલ જેવા કિસ્સાઓમાં પુનર્વસન પ્રક્રિયાઓ કાયદા અનુસાર થાય એ સુનિશ્ચિત કરવું જોઈએ.
*****
કોમલનું ગામ આસામના બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજનના બક્સા જિલ્લામાં આવેલું છે. સામાન્ય રીતે બીટીઆર તરીકે ઓળખાતો રાજ્યનો આ પશ્ચિમી પ્રદેશ એક સ્વાયત્ત વિભાગ અને ભારતીય બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ રચાયેલ સૂચિત રાજ્ય છે.
કોમલના ગામના ઘણા લોકોએ કોમળ પર કરાયેલ બળાત્કારના વીડિયો જોયા હતા, કોમલના પિતરાઈ ભાઈએ તેનું ફિલ્માંકન કરીને તેને પ્રસારિત કર્યા હતા. કોમલ યાદ કરે છે, “મારા મામા [મામા અને પિતરાઈ ભાઈના પિતા] દરેક વસ્તુ માટે મને જ દોષિત ઠેરવતા. તેઓ કહેતા હતા કે મેં જ તેમના દીકરાને લલચાવ્યો હતો. મારી મા રડે અને મને ન મારવા માટે તેમને કાકલૂદી કરતી રહે તેમ છતાં તેઓ મને મારી માતાની સામે નિર્દયતાથી મારતા હતા." ક્યાંય કોઈ મદદ કે આ જુલમનો અંત ન દેખાતા 10 વર્ષની કોમલ ઘણી વાર પોતાની જાતને ઈજા પહોંચાડતી. “હું જે તીવ્ર ગુસ્સો અને પીડા અનુભવી રહી હતી તેમાંથી મારી જાતને રાહત આપવા માટે હું સ્ટેનલેસ-સ્ટીલની બ્લેડથી મારા હાથ પર કાપા કરતી. હું મારા જીવનનો અંત લાવવા માગતી હતી."
આ વીડિયો જોનારાઓમાં કોમલના પિતરાઈ ભાઈના મિત્ર બિકાસ ભૈયા (ભાઈ) પણ હતો. તેણે કોમલનો સંપર્ક કર્યો અને તેને એક ઉપાય સૂઝાડ્યો, જેને તેણે આ પરિસ્થિતિમાંથી છૂટવાના 'ઉકેલ' તરીકે ઓળખાવ્યો.
કોમલ કહે છે, “તેણે મને તેની સાથે સિલીગુડી [નજીકના શહેર] આવવાનું અને વેશ્યાવૃત્તિમાં જોડાવાનું કહ્યું. [તેણે કહ્યું] બીજું કંઈ નહીં તો ઓછામાં ઓછું હું પૈસા તો કમાઈ શકીશ અને મારી માતાની પણ સંભાળ રાખી શકીશ. તેણે કહ્યું કે ગામડામાં રહીને બળાત્કારનો ભોગ બનીને બદનામ થવા કરતાં તો એ સારું છે."
થોડા દિવસોમાં બિકાસે આ નાની બાળકીને પોતાની સાથે ભાગી નીકળવા માટે દબાણ કર્યું હતું. 10 વર્ષની કોમલને માનવ તસ્કરી દ્વારા પશ્ચિમ બંગાળના સિલીગુડી શહેરના ખાલપારા વિસ્તારના વેશ્યાગૃહોમાં પહોંચાડવામાં આવી હતી. ઈન્ડિયન પીનલ કોડ 1860 ( ભારતીય દંડ સંહિતા 1860) ની કલમ 370 હેઠળ, માનવ તસ્કરીને વેશ્યાવૃત્તિ, બાળમજૂરી, બંધુઆ મજૂરી કે બળજબરીથી મજૂરી દ્વારા શોષણ કે પછી યૌન શોષણ સહિતના કોઈ પણ પ્રકારના શોષણના એકમાત્ર હેતુ માટે ધાકધમકીઓથી, બળપ્રયોગથી, બળજબરીથી, અપહરણ દ્વારા, છેતરપિંડીથી, છળકપટથી, સત્તાના દુરુપયોગ દ્વારા અથવા પ્રલોભન દ્વારા અન્ય વ્યક્તિની ભરતી, પરિવહન કે સ્થાનાંતર કરવાના અથવા તેને આશ્રય આપવાના કે પ્રાપ્ત કરવાના ગેરકાનૂની કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઈમમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ (આઈટીપીએ), 1956 ( અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ , 1956) ની કલમ 5 જેઓ વેશ્યાવૃત્તિના હેતુઓ માટે વ્યક્તિ(ઓ) મેળવે છે, લે છે અથવા તેમને પ્રેરિત કરે છે તેમને દંડ કરે છે. "વ્યક્તિની ઇચ્છા વિરુદ્ધના અથવા બાળક વિરુદ્ધના ગુનાઓ માટે મહત્તમ સજા ચૌદ વર્ષની સખત કેદ અથવા આજીવન કેદ સુધી લંબાઈ શકે છે." આઈટીપીએ મુજબ "બાળક" નો અર્થ 16 વર્ષથી ઓછી વયની વ્યક્તિ એવો થાય છે.
તેની તસ્કરીમાં બિકાસની સ્પષ્ટ ભૂમિકા હોવા છતાં, તેની સામે કોઈ ઔપચારિક ફરિયાદ ન હોવાને કારણે તે આ કાયદાના સંપૂર્ણ પરિણામોનો ક્યારેય સામનો કરે તેવી શક્યતા નથી.
કોમલને સિલીગુડી લઈ જવામાં આવ્યાના લગભગ ત્રણ વર્ષ પછી પોલીસે દરોડા દરમિયાન તેને ખાલપારામાંથી બચાવી લીધી હતી. તેને સીડબલ્યુસી કોર્ટમાં રજૂ કરવામાં આવી હોવાનું અને લગભગ 15 દિવસ સુધી સગીરો માટેના આશ્રયગૃહમાં રાખવામાં આવી હોવાનું તેને યાદ છે. ત્યારપછી તેને આસામ જતી ટ્રેનમાં એકલી ઘેર પાછી મોકલવામાં આવી હતી - જેમ 2024 માં વધુ એક વખત તેને પાછી મોકલવામાં આવનાર હતી એ જ રીતે.
કોમલ જેવા તસ્કરી કરાયેલા બાળકો માટેની યોગ્ય પ્રક્રિયા 2015 માં અને 2024 માં બંને વખત અનુસરવામાં આવી નહોતી.
' વ્યાવસાયિક યૌન શોષણ ' અને ' બળજબરીથી મજૂરી ' માટે થયેલ માનવતસ્કરીના ગુનાઓની તપાસ કરવા માટેની સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) પ્રમાણે પીડિતની ઉંમર નક્કી કરવા માટે ઈન્વેસ્ટિગેટિવ ઓફિસર (આઈઓ - તપાસ અધિકારી) એ જન્મનું પ્રમાણપત્ર, શાળાનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ અથવા બીજા કોઈપણ સરકારી દસ્તાવેજ મેળવવા જરૂરી છે. જો એ ઉપલબ્ધ ન હોય અથવા એના ઉપરથી ઉંમરનો નિર્ણય લઈ શકાય એમ ન હોય તો પીડિતને "કોર્ટના આદેશ પર વય નિર્ધારણ પરીક્ષણ" માટે મોકલી શકાય છે. ઉપરાંત, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (પોક્સો), 2012 ની કલમ 34 (2) મુજબ ખાસ અદાલતે બાળકની વાસ્તવિક ઉંમર નક્કી કરવાનું અને "તેના આવા નિર્ધારણ માટેના કારણો લેખિતમાં નોંધવાનું" જરૂરી બને છે.
દિલ્હીમાં કોમલને 'બચાવી' લેનાર પોલીસ અધિકારીઓએ તેનું જન્મનું પ્રમાણપત્ર યોગ્ય અને પૂરતા પુરાવા તરીકે સ્વીકાર્યું નહોતું. તેને તેની વૈધાનિક તબીબી તપાસ મેડિકો-લીગલ કેસ (એમએલસી) માટે ક્યારેય લઈ જવામાં આવી નહોતી, ન તો તેને ડીએમ અથવા સીડબલ્યુસી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેની વાસ્તવિક ઉંમર નક્કી કરવા માટે બોન-ઓસિફિકેશન ટેસ્ટ કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નહોતો.
જો સત્તાવાળાઓ વચ્ચે સર્વસંમતિ હોય કે પીડિતનું પુનર્વસનકરવું જોઈએ અથવા પીડિતને તેના પરિવારોસાથે પુનઃ એકીકૃત કરવા જોઈએ તો એમ કરતા પહેલા "ઘરનું યોગ્ય વેરિફિકેશન કરવામાં આવે" એ સુનિશ્ચિત કરવાની તપાસ અધિકારી (આઈઓ) અથવા સીડબલ્યુસીની જવાબદારી છે. અધિકારીઓએ "જો પીડિતને ઘેર પાછા મોકલવામાં આવે તો તેને સમાજમાં પુનઃ એકીકૃત થઈ શકે એ માટે તેના સ્વીકારની અને તકોની" શક્યતાઓ તપાસીને તેની નોંધ કરવી જોઈએ.
કોઈ પણ સંજોગોમાં પીડિતોએ અગાઉના કાર્યસ્થળ પર પાછા ફરવું જોઈએ નહીં અથવા "વધુ જોખમની પરિસ્થિતિઓ" ના સંપર્કમાં આવવું જોઈએ નહીં. તેને, જ્યાં તેની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને જ્યાંથી તે માનવ તસ્કરીનો ભોગ બની હતી ત્યાં, આસામ પાછી મોકલવાનું પગલું એ આનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું. કોઈ પ્રકારનું હોમ વેરિફિકેશન કરવામાં આવ્યું નહોતું; ન તો કોઈએ કોમલના પરિવાર વિશે વધુ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ન તો યૌન તસ્કરીનો શિકાર બનેલી સગીર પીડિતા તરીકે તેના કહેવાતા પુનર્વસનમાં મદદરૂપ થવા કોઈ એનજીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
વધુમાં સરકારની ઉજ્જવલા યોજના અનુસાર, માનવ તસ્કરી અને યૌન શોષણનો ભોગ બનેલા પીડિતોને કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને વ્યાવસાયિક તાલીમ સહિત "તાત્કાલિક અને લાંબા ગાળાની પુનર્વસન સેવાઓ અને પાયાની સુવિધાઓ/જરૂરિયાતો" પ્રદાન કરવી જરૂરી છે. યૌન તસ્કરીના કેસો સંભાળવાનો અનુભવ ધરાવતા ચાઇલ્ડ કાઉન્સેલર એની થિયોડોરે પીડિતોના જીવનમાં મનોસામાજિક સમર્થનના મહત્વ પર ભાર મૂકે છે. તેઓ કહે છે, "પીડિતોને ફરીથી સમાજમાં એકીકૃત કર્યા પછી અથવા તેમના વાલીઓને સોંપવામાં આવ્યા પછી પણ કાઉન્સેલિંગ કરવાનું ચાલુ રાખવું એ સૌથી મોટો પડકાર છે."
દિલ્હીના વેશ્યાગૃહોમાંથી કોમલના 'બચાવ' પછી તેના પુનર્વસન માટે ઉતાવળે પ્રક્રિયા શરૂ કરવામાં આવે તે પહેલાં બે કલાક માટે કોમલનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલર એની પૂછે છે, "કોઈ વ્યક્તિ જેણે વર્ષોથી આઘાત સહન કર્યો હોય તે ફક્ત બે થી ત્રણ મહિનાના કાઉન્સેલિંગ સત્રોમાં અથવા અમુક કિસ્સાઓમાં તો માત્ર થોડા દિવસોમાં જ શી રીતે સ્વસ્થ થઈ શકે?" તેઓ ઉમેરે છે કે પીડિતોની (ઝડપથી) સાજા થવાની, સ્વસ્થ થવાની અને તેમના લાંબા સમય સુધીના આઘાતજનક અનુભવો વિષે ખુલીને વાત કરવાની અપેક્ષા રાખવામાં આખું તંત્ર કઠોર છે, મુખ્યત્વે આ બધું ઉતાવળે પૂરું થઈ જાય એવું તેઓ (એજન્સી) ઈચ્છે છે એ કારણે.
ઘણા નિષ્ણાતો માને છે કે રાજ્યની એજન્સીઓ બચાવી લેવાયેલા પીડિતોના નાજુક માનસિક સ્વાસ્થ્યને વધુ બગાડે છે , પરિણામે કાં તો તેઓ ફરીથી માનવ તસ્કરીનો શિકાર બને છે અથવા વ્યાવસાયિક યૌન કર્મ (દેહ વ્યાપાર) કરવા પાછા ફરવા મજબૂર બને છે. અંતમાં એની જણાવે છે, “સતત પૂછપરછ અને સંવેદનશૂન્યતાને કારણે પીડિતોને જાણે તેમને તેમના આઘાતને ફરીથી જીવવાની ફરજ પાડવામાં આવી રહી હોય એવો અનુભવ થાય છે. અગાઉ, માનવ તસ્કરો, વેશ્યાગૃહના માલિકો, દલાલો અને બીજા ગુનેગારો, તેમની પજવણી કરતા હતા, પરંતુ હવે સરકારી એજન્સીઓ પણ એ જ વસ્તુ કરી રહી છે."
*****
પહેલી વખત જ્યારે કોમલને બચાવી લેવામાં આવી ત્યારે તેની ઉંમર 13 વર્ષથી વધુ નહોતી. બીજી વખત, કદાચ, તે 22 ની હતી; તેને ‘બચાવી લેવાઈ' હતી અને તેની ઈચ્છા વિરુદ્ધ દિલ્હી છોડવાની ફરજ પાડવામાં આવી હતી. મે 2024 માં, તે આસામ જવા માટે ટ્રેનમાં ચડી હતી - પરંતુ શું તે સુરક્ષિત રીતે ત્યાં પહોંચી શકી હતી? શું તે તેની માતા સાથે રહેશે, કે પછી પોતાની જાતને કોઈ બીજા રેડ-લાઇટ એરિયામાં પહોંચેલી જોશે?
આ વાર્તા ભારતમાં સેસ્કયુઅલ એન્ડ જેન્ડર-બેઝ્ડ વાયોલન્સ (એસજીબીવી - જાતીય અને લિંગ આધારિત હિંસા) ના ઉત્તરજીવીઓ (બચી ગયેલ પીડિતાઓ) ની સંભાળ રાખવામાં, તેમની સુરક્ષા જાળવવામાં અને તેમની જરૂરિયાતો સંતોષવામાં નડતા સામાજિક, સંસ્થાકીય અને માળખાકીય અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કરતા રાષ્ટ્રવ્યાપી અહેવાલ પ્રકલ્પ (રિપોર્ટિંગ પ્રોજેક્ટ) નો એક ભાગ છે. આ ડોકટર્સ વિથાઉટ બોર્ડર્સ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો એક ભાગ છે.
ઉત્તરજીવીઓ અને તેમના પરિવારના સભ્યોના નામ તેમની ઓળખ છુપી રાખવા માટે બદલવામાં આવેલ છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક