નાગરાજ બંઢનને તેમના ઘરમાં રાગી કલી રાંધવાની સુગંધ યાદ છે. એક નાના છોકરા તરીકે, તેઓ દરરોજ તેની રાહ જોતા રહેતા હતા.
પાંચ દાયકા પછી રાગી કલી (રાગીના લોટથી બનેલી વાનગી) હવે તેની સરખામણીમાં આવી શકતી નથી. તેઓ કહે છે, “હવે અમને જે રાગી મળે છે તેની સુગંધ કે સ્વાદ પહેલાં જેવો નથી”, અને ઉમેરે છે કે રાગીની કલી હવે માત્ર ક્યારેક ક્યારેક જ બનાવવામાં આવે છે.
નાગરાજ ઇરુલા સમુદાયના (તમિલનાડુમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ) છે અને નીલગિરીના બોક્કાપુરમ નેસના રહેવાસી છે. તેઓ રાગી અને અન્ય બાજરીની જાતના આસપાસ મોટા થયા છે, જેની ખેતી તેમનાં માતાપિતા કરતાં હતાં, જેમ કે રાગી (ફિંગર મિલેટ), ચોલમ (સોરગમ), કંબ (પર્લ મિલેટ) અને સામઈ (લિટલ મિલેટ). થોડા કિલો રાગી હંમેશાં પરિવારના વપરાશ માટે અલગ રાખવામાં આવતી હતી, અને બાકીની બજારમાં વેચી દેવામાં આવતી હતી.
જ્યારે નાગરાજે ખેતર સંભાળ્યું, ત્યારે તેમણે નોંધ્યું કે ઉપજ તેમના પિતાને જે મળતી હતી તેના કરતા નોંધપાત્ર રીતે ઓછી હતી. તેઓ પારીને કહે છે, “અમને માત્ર ખાવા માટે પૂરતી [રાગી] મળે છે, અને ક્યારેક તો તેટલી પણ નહીં.” તેઓ બે એકરના ખેતરમાં કઠોળ અને રીંગણ જેવી શાકભાજી સાથે વારાફરતી રાગીને ઉગાડવાનું ચાલુ રાખે છે.
અન્ય ખેડૂતોએ પણ આ ફેરફાર જોયો છે. મારી (જેઓ ફક્ત તેમના પહેલા નામનો ઉપયોગ કરે છે) કહે છે કે તેમના પિતાને 10-20 બોરીઓ રાગી થતી હતી. પરંતુ આ 45 વર્ષીય ખેડૂત કહે છે કે તેમને હવે તેની બે એકર જમીનમાંથી માત્ર બે-ત્રણ બોરીઓ જ મળે છે.
નાગરાજ અને મારીના અનુભવો સત્તાવાર આંકડાઓમાં પ્રતિબિંબિત થાય છે, જે દર્શાવે છે કે નીલગિરીમાં રાગીની ખેતી 1948-49માં 1,369 હેક્ટરથી ઘટીને 1998-99માં 86 હેક્ટર થઈ ગઈ છે.
છેલ્લી વસ્તી ગણતરી (2011) નોંધે છે કે જિલ્લામાં બાજરીની ખેતી માત્ર એક હેક્ટરમાં જ થાય છે.
જૂન 2023માં રોપેલાં બીજ વિશે વાત કરતાં નાગરાજ કહે છે, “મને ગયા વર્ષે રાગીનો એક દાણોય નહોતો મળ્યો. મેં બીજ વાવ્યાં તે પહેલાં વરસાદ પડ્યો હતો, પણ પછી નહીં, એટલે બીજ સુકાઈ ગયાં હતાં.”
અન્ય એક ઇરુલા ખેડૂત સુરેશ કહે છે કે હવે તેઓ નવા બિયારણનો ઉપયોગ કરી રહ્યા હોવાથી રાગીના છોડ ખૂબ ધીમેથી વધે છે. તેઓ કહે છે, “અમે હવે ખેતી પર આધાર રાખી શકતા નથી”, અને તેમના બે પુત્રોએ ખેતી છોડી દીધી છે અને કોઇમ્બતુરમાં દૈનિક વેતન મજૂરો તરીકે કામ કરે છે.
વરસાદની ભાત વધુ અનિયમિત બની ગઈ છે. નબળા વળતર માટે વરસાદના અભાવને દોશી ઠેરવતા નાગરાજ કહે છે, “અગાઉ છ મહિના (મેના અંતથી ઓક્ટોબરની શરૂઆત સુધી) વરસાદ પડતો હતો. પરંતુ હવે આપણે આગાહી કરી શકતા નથી કે વરસાદ ક્યારે પડશે; ડિસેમ્બરમાં પણ વરસાદ પડી શકે છે.” તેઓ ઉમેરે છે, “હવે આપણે વરસાદ પર નિર્ભર રહી શકતા નથી.”
નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગમાં આવેલું છે અને તેને યુનેસ્કો દ્વારા સમૃદ્ધ જૈવવિવિધતાના વિસ્તાર તરીકે માન્યતા આપવામાં આવી છે. પરંતુ છોડની બિન-મૂળ પ્રજાતિઓની રજૂઆત, ઊંચાઈ પરની ભેજવાળી જમીનને વાવેતરમાં રૂપાંતરિત કરવી અને વસાહતી કાળ દરમિયાન ચાની ખેતી “આ પ્રદેશની જૈવવિવિધતાના નુકસાનના ભોગે આવી છે”, એવું વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી પેનલના 2011ના પેપરમાં જણાવવામાં આવ્યું છે.
નીલગિરીમાં પાણીના અન્ય સ્રોતો જેમ કે મોયાર નદી ખૂબ દૂર છે અને તેની જમીન મુદુમલઈ વાગ અભ્યારણ્યના બફર ઝોન — બોક્કાપુરમમાં હોવાથી વન અધિકારીઓ બોરવેલ કરવાની મંજૂરી નથી આપતા. બી. સિદ્દન, જેઓ પણ બોક્કાપુરમના ખેડૂત છે, કહે છે કે વન અધિકાર અધિનિયમ, 2006 પછી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. આ 47 વર્ષીય કહે છે, “2006 પહેલાં અમે જંગલમાંથી પાણી લઈ શકતા હતા, પરંતુ હવે અમને જંગલની અંદર જવાની પણ છૂટ નથી.”
નાગરાજ પૂછે છે, “આવી ગરમીમાં રાગી ઉગશે કેવી રીતે?”
જમીન પરના નુકસાનની ભરપાઈ કરવા અને આજીવિકા રળવા માટે, નાગરાજ માસિનાગુડીના ગામડાઓમાં અને તેની આસપાસના અન્ય ખેતરોમાં દૈનિક વેતન મજૂર તરીકે કામ કરે છે. તેઓ કહે છે, “હું એક દિવસમાં 400-500 [રૂપિયા] વચ્ચે ગમે તેટલી કમાણી કરી શકું છું, પરંતુ એ ત્યારે કે જ્યારે મને થોડું કામ મળે.” તેમનાં પત્ની, નાગી પણ દૈનિક વેતન મજૂર છે, અને જિલ્લાની ઘણી મહિલાઓની જેમ, નજીકના ચાના બગીચાઓમાં કામ કરે છે અને પ્રતિ દિવસ 300 રૂપિયા કમાય છે.
*****
આ ખેડૂતો મજાક કરે છે કે હાથીઓને રાગી તેમના જેટલી જ ગમે છે. સુરેશ કહે છે, “રાગીની સુગંધ તેમને [હાથીઓને] અમારા ખેતરોમાં ખેંચી લાવે છે.” બોક્કાપુરમ નેસ સિગુર હાથી કોરિડોર અંતર્ગત આવે છે — જે પશ્ચિમ અને પૂર્વીય ઘાટ વચ્ચે હાથીઓની અવરજવર માટે છે.
તેમને યાદ નથી કે જ્યારે તેઓ નાના હતા ત્યારે હાથીઓ તેમના ખેતરમાં વારંવાર આવતા હોય. સુરેશ કહે છે, “અમે હાથીઓને દોષ નથી આપતા નથી. વરસાદ નથી એટલે જંગલો સૂકાઈ રહ્યાં છે. હાથીઓ ખાશે શું? તેમને ખોરાક શોધવા માટે તેમનાં જંગલો છોડવાની ફરજ પડી છે.” ગ્લોબલ ફોરેસ્ટ વોચના જણાવ્યા અનુસાર, નીલગિરી જિલ્લાએ 2002થી 2022ની વચ્ચે 511 હેક્ટર જંગલની જમીન ગુમાવી હતી.
રંગૈયાનું ખેતર આમ તો બોક્કાપુરમથી થોડા કિલોમીટર દૂર મેલભૂતનાથમ ગામમાં છે, પરંતુ તેઓ સુરેશ સાથે સંમત થાય છે. 50 વર્ષીય રંગૈયા એક એકર જમીન પર ખેતી કરે છે, પરંતુ તેમની પાસે તેનાં પટ્ટા [માલિકીના દસ્તાવેજ] નથી. તેઓ કહે છે, “મારો પરિવારે 1947 પહેલાં પણ આ જમીન પર ખેતી કરતો આવ્યો છે.” રંગૈયા સોલિગા આદિવાસી છે, અને તેમની જમીન નજીક આવેલા સોલિગા મંદિરનું સંચાલન પણ કરે છે.
રંગૈયાએ હાથીઓને કારણે થોડા વર્ષો માટે રાગી અને અન્ય બાજરીની ખેતી કરવાનું બંધ કરી દીધું હતું. તેઓ કહે છે, “તેઓ [હાથીઓ] આવે છે અને બધું જ ખાઈને સફાચટ કરી દે છે. એક વાર હાથી ખેતરમાં આવે છે અને રાગિનો સ્વાદ ચાખી લે, પછી તે અવારનવાર આવતો રહે છે.” તેઓ કહે છે કે ઘણા ખેડૂતોએ તેના કારણે રાગી અને બાજરીની અન્ય પ્રજાતિઓ ઉગાડવાનું બંધ કરી દીધું છે. રંગૈયાએ તેના બદલે કોબીજ અને કઠોળ જેવી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું.
તેઓ ઉમેરે છે કે ખેડૂતોએ આખી રાત ચોકી કરવી પડે છે, અને જો તેઓ ભૂલથીય ઊંઘી જાય તો હાથીઓ દ્વારા નુકસાન થવાનો ડર રહે છે. “ખેડૂતો હાથીઓથી ડરતા હોવાથી રાગીની વાવણી નથી કરતા.”
આ ખેડૂત કહે છે કે તેમણે ક્યારેય બજારમાંથી રાગી જેવી બાજરી નથી ખરીદી અને તેઓ જે ઉગાડે છે તે જ ખાય છે. તેથી જેમ જેમ તેઓએ તેને ઉગાડવાનું બંધ કરી દીધું, તેમ તેમ તેઓએ તેને ખાવાનું પણ બંધ કરી દીધું.
એક સ્થાનિક એનજીઓએ તેમને અને અન્ય ખેડૂતોને હાથીઓ અને અન્ય પ્રાણીઓથી બચાવવા માટે તેમના ખેતરો માટે સૌર વાડ પૂરી પાડી હતી. રંગૈયાએ ફરી પોતાના ખેતરના અડધા ભાગમાં રાગીની ખેતી કરવાનું શરૂ કર્યું છે, તો બીજી તરફ તેઓ શાકભાજીની ખેતી કરવાનું ચાલુ રાખે છે. છેલ્લી સીઝનમાં તેમણે વાવેલી શાકભાજીથી 7,000 રૂપિયાની કમાણી થઈ હતી.
બાજરીની ખેતીમાં ઘટાડો થવાનો અર્થ છે ખાવાની રીતભાતમાં પણ ફેરફાર થવો. અહીંનાં નિવાસી અને સ્થાનિક એનજીઓનીનાં આરોગ્ય ક્ષેત્રનાં સંયોજક લલિતા મુકાસામી કહે છે, “એક વાર બાજરીની ખેતી ઓછી થઈ ગઈ, ત્યારે અમારે રેશનની દુકાનોમાંથી ખોરાક ખરીદવો પડ્યો — જેની અમને આદત નહોતી.” તેઓ ઉમેરે છે કે રેશનની દુકાનો મોટે ભાગે ચોખા અને ઘઉંનું જ વેચાણ કરતી હતી.
લલિતા કહે છે, “જ્યારે હું નાની હતી, ત્યારે અમે દિવસમાં ત્રણ વખત રાગીની કલી ખાતાં હતાં, પરંતુ હવે અમે તેને ભાગ્યે જ ખાઈએ છીએ. અમારી પાસે માત્ર આરસી સપત (ચોખાની બનેલી વાનગીઓ) જ છે જેને બનાવવી પણ સરળ છે.” લલિતા ઇરુલા આદિવાસી સમુદાયનાં છે અને અનાઈકટ્ટી ગામનાં છે અને છેલ્લાં 19 વર્ષથી આ સમુદાય સાથે કામ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે સ્વાસ્થ્યની સમસ્યાઓમાં વધારો ખાવાની રીતભાતમાં થયેલા ફેરફારને કારણે થયો હોઈ શકે છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ્સ રિસર્ચ (આઈ.આઈ.એમ.આર.) એ એક અહેવાલમાં જણાવ્યું છે કે, “કેટલાક જાણીતા પોષક તત્ત્વો, વિટામિન્સ, ખનિજો, આવશ્યક ફેટી એસિડ્સ પણ પોષણની ઉણપના રોગોને અટકાવવાના તેમના જાણીતા કાર્યો ઉપરાંત ડીજનરેટિવ રોગોને અટકાવવા જેવા ફાયદા ધરાવે છે.” તેલંગાણા સ્થિત આ સંસ્થા ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઈ.સી.એ.આર.) નો ભાગ છે.
રંગૈયા કહે છે, “રાગી અને તેનાઈ મુખ્ય હતા. અમે તેમને સરસવનાં પત્તાં અને કાટ કીરાઈ (જંગલમાં જોવા મળતી પાલક) સાથે ખાતા હતા.” તેમને યાદ નથી કે તેમણે છેલ્લે ક્યારે આ ખાધું હતુંઃ “અમે હવે જંગલમાં બિલકુલ જતા નથી.”
પત્રકાર આ લેખમાં મદદ કરવા બદલ કીસ્ટોન ફાઉન્ડેશનના શ્રીરામ પરમસિવનનો આભાર માનવા માંગે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ