હૌસાબાઈ દિઘેએ કહ્યું, "મને મારી માતા જે ગીતો ગાતી હતી એમાંથી બે-ત્રણ શબ્દો હજી આજે પણ યાદ હશે." એ 1995 નું વર્ષ હતું અને તેઓ હેમા રાઈરકર અને ગી પ્વાતવાં સાથે વાત કરી રહ્યા હતા. 1980 ના દાયકાના અંતમાં ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ (જીએસપી) ની શરૂઆત કરનાર પુણેના આ સમાજશાસ્ત્રીઓ અને (સામાજિક) કાર્યકરો તેમની ટીમ સાથે ગ્રાઇન્ડમિલ સોંગ્સ (દળણું દળતી વખતે ગવાતા ગીતો) ગાતા મહિલા કલાકારો સાથે વાત કરવા માટે મુલશી તાલુકાના ભાંબર્ડે ગામમાં પહોંચ્યા હતા.
હૌસાબાઈએ પછીથી ઉમેર્યું, "જ્યારે હું ખેતરોમાંથી મજૂરી કરીને પાછી આવું છું અને જોઉં છું કે ઘરમાં જરાય લોટ નથી, ત્યારે હું ઘંટી (ગ્રાઇન્ડમિલ) પર બેસીને કામ કરું છું. તેના વિના અમારો દિવસ અધૂરો હોય એવું લાગે છે. જેમ જેમ શબ્દો યાદ આવતા જાય તેમ તેમ ગીતો વહેતા રહે છે. મારી આંખ હંમેશને માટે મીંચાશે ત્યારે જ આ ગીતો બંધ થશે. ત્યાં સુધી હું એ યાદ રાખીશ.” તેમના આ શબ્દો ખેડૂત, ખેતમજૂર, માછીમાર, કુંભાર અને માળી એ બધા સમુદાયોની અસંખ્ય ગ્રામીણ મહિલા ગાયકોની લાગણીનો પડઘો પાડે છે. દરરોજ કલાકોના કલાકો સુધી કામ કરતી આ મહિલાઓ ઘરનું કામકાજ નિપટાવવા અને ખેતરોમાં કામ કરવા માટે સૂરજ ઊગતા પહેલા જ ઊઠી જતી હતી.
અને લગભગ હંમેશા દિવસનું સૌથી પહેલું કામ પથ્થરની ઘંટી પર અનાજ દળીને તેનો લોટ બનાવવાનું હતું. તેઓ દળતા દળતા ગીતો ગાતા. રસોડાનો કે વરંડાનો એ ખૂણો એ તેમના હકની, તેમની પોતીકી જગ્યા હતી, પોતાના સંઘર્ષ, આનંદ, દુઃખ અને પોતાની જીતની વાતો ગીતો દ્વારા એકબીજાને કહીને મન હળવું કરવા માટેની એ એક ખાનગી જગ્યા હતી.
સાથે સાથે, તેઓ દુનિયા, તેમના ગામ અને સમુદાયના જીવન, પારિવારિક સંબંધો, ધર્મ અને તીર્થયાત્રાઓ, જાતિવ્યવસ્થા અને પિતૃસત્તાક સમાજવ્યવસ્થાના જુલમ, બાબાસાહેબ આંબેડકરના કાર્ય અને બીજા ઘણા વિષયો અંગેના તેમના વિચારો પણ એકબીજા સાથે વહેંચતા. વીડિયોમાં પુણેના મુળશી તાલુકાના ખડકવાડી કસ્બાના તારાબાઈ ઉભે એ વિશે વાત કરે છે.
પારી દ્વારા તૈયાર કરાયેલ આ દસ્તાવેજી ચિત્રપટમાં આ તમામ ગીતો રેકોર્ડ કરીને ગ્રાઇન્ડમિલ સોંગ્સનો ડેટાબેઝ બનાવનાર સંગીતશાસ્ત્રી અને ટેક્નોલોજિસ્ટ બર્નાર્ડ બેલ, આ ગીતોનો મરાઠીમાં શાબ્દિક અનુવાદ (ટ્રાન્સક્રાઈબ) કરનાર સંશોધક જિતેન્દ્ર મેડ, અને આ ગીતોનો મરાઠીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરનાર આશા ઓગલેની મુલાકાત પણ લેવામાં આવી છે.
2016 માં આ જીએસપી પારીનો હિસ્સો બન્યો અને અમે 6 ઠ્ઠી માર્ચ, 2017 થી ગીતો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. વાંચો: ધ ગ્રાઇન્ડમિલ સોંગ્સ: રેકોર્ડિંગ અ નેશનલ ટ્રેઝર .
આજે એ વાતને સાત વર્ષ વીતી ગયા પછી પણ પારી આ મહિલા (ઓવી) ગાયકોને તેમના ગામોમાં, તેમના ઘરોમાં જઈને મળવાનું અને તેમની વાર્તાઓ (જીવનકથાઓ) અને ગીતો પ્રકાશિત કરવાનું ચાલુ રાખે છે. તમે અમારો એ સંગ્રહ અહીં જોઈ શકો છો: ધ ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ: ઓલ સ્ટોરીઝ સો ફાર
આ દસ્તાવેજી ચિત્રપટમાં માત્ર થોડાક જ મહિલા ગાયકો દર્શાવવામાં આવ્યા છે, વાસ્તવમાં 110000 જાત્યાવરચ્યા ઓવ્યા અથવા ગ્રાઇન્ડમિલ સોંગ્સના આ સંગ્રહમાં મહારાષ્ટ્રના 1107 ગામો અને કર્ણાટકના 11 ગામોના કુલ 3302 કલાકારોએ યોગદાન આપ્યું છે.
તેમના ગીતોનો શાબ્દિક અનુવાદ કરવાની મોટી જવાબદારી જિતેન્દ્ર મૈડ અને બીજા કેટલાક લોકોએ ઉપાડી લીધી હતી; રજની ખલાડકરે વધતા જતા ડેટાબેઝમાં ગીતોના મરાઠી ટ્રાન્સક્રિપ્શન ઉમેર્યા. હેમા રાઈરકરે કેટલાક ગીતોનો અનુવાદ કર્યો. આશા ઓગલે મૈડની સાથે આ અનુવાદો પર કામ કરવાનું ચાલુ રાખે છે અને હજી લગભગ 30000 ગીતોના અનુવાદ બાકી રહ્યા છે.
આ ટૂંકી ફિલ્મ આ પ્રોજેક્ટનો પરિચય કરાવે છે અને તેમાં સંગીતશાસ્ત્રી અને ટેક્નોલોજિસ્ટ બર્નાર્ડ બેલ અને તેમની સાથે આવેલા સંશોધકો અને કાર્યકરોની ટીમ દ્વારા 1990ના દાયકામાં રેકોર્ડ કરવામાં આવેલા વીડિયો ફૂટેજનો સમાવેશ છે.
બેલે 1995 થી 2003 દરમિયાન ટેપ પર લગભગ 4500 ગીતો રેકોર્ડ કર્યા હતા, પરંતુ આ વિશાળ પ્રોજેક્ટ માટે પાયાનું કામ તો ઘણું વહેલું શરૂ થઈ ગયું હતું. એ શરુ થયું હતું 1980 ના દાયકામાં જ્યારે ગી બાબા અને હેમાતાઈ - ગાયકો આ પ્રોજેક્ટના સ્થાપકોને આદર અને સ્નેહથી આ નામે સંબોધતા હતા - પુણે જિલ્લાના કેટલાક ગામોમાં ગયા હતા. તેઓ મહિલાઓ સાથે ખભેખભા મિલાવીને કામ કરવા નીકળી પડ્યા હતા અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ મેળવવા તેમજ દહેજ અને ઘરેલુ હિંસા જેવા સામાજિક દુષણો સામે લડવા માટેના તેમના સંઘર્ષમાં તેમને ટેકો આપ્યો હતો. તે વખતે આ મહિલાઓએ ગીતો દ્વારા તેમના વિચારો અને તેમના જીવનની વાતો રજૂ કરી હતી. આ ગીતો ગ્રામીણ ભારતના આ ભાગમાં મહિલાઓના સંઘર્ષ અને આનંદના પ્રત્યક્ષ પુરાવારૂપ છે.
જીએસપીનું સંગીત અને કવિતા દૂર દૂર સુધી પહોંચ્યા છે. 2021 માં એ દક્ષિણ કોરિયામાં 13 મા ગ્વાંગ્જુ બિનાલેનો ભાગ હતા. 2022 માં એ બર્લિનમાં ગ્રોપિયસ બાઉ મ્યુઝિયમ ખાતે અને 2023 માં લંડન બાર્બિકન ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ, સ્ક્રોલ.ઈન, ધ હિન્દુ બિઝનેસલાઈન વિગેરે સહિત પ્રસાર માધ્યમોના કેટલાક લેખોમાં આ પ્રોજેક્ટને આવરી લેવામાં આવ્યો છે.
નાસિકમાં એક ડોક્ટરલ સંશોધક તેમના મહાનિબંધ માટે બાબાસાહેબ આંબેડકર પરના ગ્રાઇન્ડમિલ સોંગ્સનો ઉપયોગ કરી રહ્યા છે; અમેરિકાની એક યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિક જીએસપી ડેટાબેઝમાંના અને બીજા લોકસંગીત સ્ત્રોતોમાંના એવા યુગ્મોનો સંદર્ભ આપી રહ્યા છે જેમાં કુદરતના વર્ણનો છે, તેમાં પૂણે જિલ્લાના બોરી (જુજુબ), બાવળ (અકેશા), ખેર (કેટેચુ) વિગેરે જેવા કાંટાવાળા વૃક્ષોના નામનો સમાવેશ થાય છે. વર્ષ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્વાનોએ પારીના આ સંગ્રહમાં રસ દાખવ્યો છે.
ઘણા લોકોને એકસાથે લાવનાર અને સંશોધકો, સામાન્ય લોકો અને લોક સંગીત અને કવિતાના પ્રશંસકો માટે (વિચાર અને સંશોધન) નો માર્ગ મોકળો કરનાર આ વિશાળ પ્રોજેક્ટ જરૂર જોજો.
આ દસ્તાવેજી ચિત્રપટમાં બર્નાર્ડ બેલ દ્વારા નિર્મિત આર્કાઇવલ વીડિયો 'અનફેટર્ડ વોઈસ' ના ફૂટેજ અને 2017 થી અત્યાર સુધી પારી પર પ્રકાશિત જીએસપી વાર્તાઓના અંશો અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક