એકવાર ચોમાસું પૂરું થાય પછી વર્ષમાં લગભગ છ મહિના સુધી મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં શેરડી કાપનારા કામની શોધમાં ઘર છોડી દે છે. અશોક રાઠોડ કહે છે, “મારા પિતાએ આ કરવું પડ્યું, મેં પણ કર્યું અને મારો પુત્ર પણ કરશે,” અશોક રાઠોડ કહે છે, જેઓ અડગાંવના છે, પરંતુ હાલમાં ઔરંગાબાદમાં રહે છે. તે બંજારા સમુદાયના છે (રાજ્યમાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ). આ પ્રદેશમાં ઘણા શેરડી કાપનારા આવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોના છે.
મોસમી સ્થળાંતર એટલા માટે થાય છે કારણ કે તેમના પોતાના ગામોમાં તકોનો અભાવ છે. જ્યારે આખુંને આખું કુટુંબ સ્થળાંતર કરે છે, ત્યારે જે બાળકોએ તેમની સાથે સ્થળાંતર કરવું પડે છે તેઓ તેમનું શિક્ષણ ચાલુ રાખવામાં અસમર્થ હોય છે.
મહારાષ્ટ્રમાં ખાંડ અને રાજકારણ ગાઢ રીતે જોડાયેલા છે. લગભગ દરેક ખાંડના કારખાનાના માલિકો પ્રત્યક્ષ રીતે રાજકારણમાં સંકળાયેલા હોય છે, જેઓ તેમની આજીવિકા માટે તેમના પર નિર્ભર કામદારોના રૂપમાં તૈયાર વોટ-બેંકનો ઉપયોગ કરે છે.
અશોક કહે છે, “કારખાનાંના માલિક સરકાર પણ ચલાવે છે, બધું તેમના હાથમાં છે.”
પરંતુ કામદારોની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તેઓ ઉમેરે છે, “તેઓ એક હોસ્પિટલ બનાવી શકે છે [...] લોકો પાસે અડધોઅડધ સીઝન દરમિયાન કામ નથી હોતું, તો તેઓ લગભગ 500 જેટલા લોકોને રોજગાર આપી શકે છે [...] પરંતુ ના, તેઓ નહીં કરે.”
આ ફિલ્મ સ્થળાંતર અને શેરડીના કારખાનાઓમાં કામ કરતા ખેડૂતો સામે જે પડકારો છે તેની વાર્તા કહે છે.
આ ફિલ્મને એડિનબર્ગ યુનિવર્સિટીના સહયોગથી ગ્લોબલ ચેલેન્જ રિસર્ચ ફંડના અનુદાનથી સહાય કરવામાં આવી હતી.
અનુવાદક: ફૈઝ મોહંમદ