પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના બનગાંવ શહેરના ગૃહિણી પ્રમિલા નશ્કર કહે છે, “હું મારી ડાબી આંખે કંઈ જોઈ શકતી નથી. વધુ પડતા તેજસ્વી પ્રકાશથી તકલીફ થાય છે. એ પીડાદાયક છે, ખૂબ પીડાદાયક. એને કારણે હું આવી પડકારજનક પરિસ્થિતિમાં જીવી રહી છું." ઉંમરના ચાલીસામાં દાયકાની શરૂઆતમાં પહોંચેલા પ્રમિલા રિજનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓપ્થેલ્મોલોજી (પ્રાદેશિક નેત્રવિજ્ઞાન સંસ્થા), કોલકાતાના સાપ્તાહિક કોર્નિયા ક્લિનિકમાં અમારી સાથે વાત કરી રહ્યા છે, જ્યાં તેઓ સારવાર માટે આવ્યા છે.
હું પ્રમિલા નસ્કર માટે સરળતાથી સહાનુભૂતિ અનુભવી શકતો હતો. એનું કારણ એ હતું કે એક ફોટોગ્રાફર તરીકે એક આંખની દૃષ્ટિ પણ ગુમાવવી એ ડરામણી સંભાવના છે. 2007 માં મને મારી ડાબી આંખમાં કોર્નિયલ અલ્સર થયું હતું અને હું અંધ બનવાને આરે પહોંચી ગયો હતો. તે સમયે હું વિદેશમાં રહેતો હતો અને સારવાર માટે મારે ભારત પાછા ફરવું પડ્યું હતું. સંપૂર્ણ દ્રષ્ટિ પાછી મેળવતા પહેલા દોઢ મહિના સુધી મેં એક ત્રાસદાયક પુનર્વસન પ્રક્રિયા સહન કરી હતી. અને તેમ છતાં સાજા થયાના દોઢ દાયકા પછી હજી પણ મને મનના કોઈ છાના ખૂણે અંધ થઈ જવાનો ડર સતાવ્યા કરે છે. હું મનોમન વિચાર્યા કરું છું કે એક ફોટોગ્રાફરને માટે તેની દૃષ્ટિ ગુમાવી દેવાનું કેટલું પીડાજનક હશે.
વૈશ્વિક સ્તરે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર " ઓછામાં ઓછા 2.2 અબજ લોકો નજીકની અથવા દૂરની દ્રષ્ટિની ક્ષતિ ધરાવે છે. આમાંના ઓછામાં ઓછા 1 અબજ - અથવા લગભગ અડધા - કેસોમાં કાં તો દ્રષ્ટિની ક્ષતિ અટકાવી શકાઈ હોત અથવા તો હજી સુધી તેને અટકાવવા માટે કોઈ પગલાં લેવાયા નથી...
વિશ્વભરમાં મોતિયા પછી અંધત્વનું બીજું સૌથી સામાન્ય કારણ કોર્નિયાના રોગો છે. કોર્નિયલ બ્લાઈન્ડનેસ (કોર્નિયાના રોગોને કારણે આવતા અંધત્વ) નું રોગચાળા-વિજ્ઞાન જટિલ છે. આંખમાં કંઈક સોજો આવ્યો હોય કે કોઈક પ્રકારનો ચેપ લાગ્યો હોય તો તે કોર્નિયા પરના ડાઘમાં (ફૂલામાં) પરિણમે છે, અને આખરે એ કાર્યાત્મક અંધત્વનું કારણ બને છે જેને કારણે વ્યક્તિને તેના રોજબરોજના કામ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુમાં કોર્નિયાના રોગનો દર દરેક દેશમાં જુદો જુદો હોય છે.
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ક્લિનિકલ ઈન્વેન્શનમાં 2018 ના એક અભ્યાસના અંદાજ પ્રમાણે ભારતમાં અંદાજે 68 લાખ લોકો કોર્નિયાના રોગોને કારણે ઓછામાં ઓછી એક આંખમાં 6/60 કરતાં ઓછી દ્રષ્ટિ ધરાવતા હતા; આમાંથી લગભગ 10 લાખ લોકો બંને આંખમાં 6/60 કરતાં ઓછી દ્રષ્ટિ ધરાવતા હતા. સામાન્ય રીતે 6/60 દ્રષ્ટિનો અર્થ એ છે કે આ વ્યક્તિ 6 મીટર દૂરથી જે જોઈ શકે છે એ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 60 મીટર દૂરથી જોઈ શકે છે. 2020 સુધીમાં આ આંકડો 1.06 કરોડને આંબી જવાની શક્યતા પણ આ અભ્યાસમાં વ્યક્ત કરાઈ હતી - પરંતુ આ અંગે છેલ્લામાં છેલ્લી કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.
ઈન્ડિયન જર્નલ ઓફ ઓફ્થાલ્મોલોજીમાં એક સમીક્ષા લેખ કહે છે કે “ભારતમાં કોર્નિયલ બ્લાઈન્ડનેસ (સીબી) ધરાવનારાની સંખ્યા 12 લાખ છે, જે કુલ અંધત્વના 0.36 ટકા છે; તેમાં દર વર્ષે લગભગ 25000 થી 30000 નવા લોકો ઉમેરાય છે." 1978 માં કોલકાતા મેડિકલ કોલેજમાં રિજનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓપ્થેલ્મોલોજી (આરઆઈઓ ) ની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાના વર્તમાન નિયામક પ્રો. અસીમ કુમાર ઘોષના નેતૃત્વ હેઠળ આરઆઈઓએ નોંધપાત્ર વિકાસ કર્યો છે. અઠવાડિયામાં માત્ર એક જ વાર યોજાતું આરઆઈઓનું કોર્નિયા ક્લિનિક માત્ર એક જ દિવસમાં 150 થી વધુ દર્દીઓને જુએ છે.
આ ક્લિનિક ડો. આશિષ મજુમદાર અને તેમના સહયોગીઓ દ્વારા ચલાવવામાં આવે છે, જેઓ ખૂબ જરૂરિયાતવાળા લોકોને મદદ કરે છે. ડો. આશિષે મારા પોતાના કેસનો ઉલ્લેખ કરતાં મને કહ્યું, “તમને નકલી કોન્ટેક્ટ લેન્સ સોલ્યુશન વાપરવાને કારણે કોર્નિયલ અલ્સર થયું હતું પરંતુ 'કોર્નિયલ બ્લાઈન્ડનેસ' શબ્દ આંખની વિવિધ સ્થિતિઓનું વર્ણન કરે છે જે કોર્નિયાની પારદર્શકતામાં ફેરફાર કરે છે, જે કોર્નિયા પરના ડાઘમાં (ફૂલામાં) અને અંધત્વમાં પરિણમે છે. કોર્નિયલ બ્લાઈન્ડનેસના મુખ્ય કારણોમાં ચેપ પેદા કરતા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પ્રોટોઝોઆનો સમાવેશ થાય છે. ટ્રોમા (ઈજા), કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ અથવા સ્ટિરોઈડ દવાઓનો ઉપયોગ એ સૌથી સામાન્ય જવાબદાર પરિબળો છે. બીજા વિવિધ રોગોમાં ટ્રેકોમા (આંખના પોપચાં પર થતા ખીલ) અને ડ્રાય આઈ ડિસીઝ (સૂકી આંખોના રોગ) નો સમાવેશ થાય છે.”
ઉંમરના ચાલીસના દાયકાની મધ્યમાં પહોંચેલા નિરંજન મંડલ આરઆઈઓના કોર્નિયા ક્લિનિકના એક ખૂણામાં શાંતિથી ઊભા હતા. તેમણે કાળા ચશ્મા પહેર્યા હતા. તેમણે મને કહ્યું, "મારી ડાબી આંખના કોર્નિયાને નુકસાન થયું હતું. હવે દુખતું નથી. પરંતુ દ્રષ્ટિ હજુ પણ ઝાંખી છે. ડોક્ટરે કહ્યું કે ગુમાવેલી દ્રષ્ટિ સંપૂર્ણપણે પાછી મળી શકે તેમ નથી. હું એક કન્સ્ટ્રક્શન કંપનીમાં શ્રમિક તરીકે કામ કરું છું અને જો હું બંને આંખે બરોબર રીતે જોઈ શકતો ન હોઉં તો મારે માટે એ જ વ્યવસાયમાં ચાલુ રહેવાનું મુશ્કેલ બનશે.”
નિરંજન સાથે વાત કરતી વખતે મેં બીજા એક ડોક્ટરને ઉંમરના ત્રીસના દાયકાના અંતમાં પહોંચેલા શેખ જહાંગીર નામના દર્દીને હળવેથી ઠપકો આપતા સાંભળ્યા: “મેં તમને સારવાર બંધ કરવાની ના પાડી હતી છતાં તમે કેમ બંધ કરી દીધી? હવે તમે 2 મહિના પછી અહીં આવ્યા છો. હું દિલગીર છું પણ તમને તમારી જમણી આંખમાં સંપૂર્ણ દ્રષ્ટિ ક્યારેય પાછી નહીં મળી શકે."
એ જ ચિંતા ડો.આશિષના અવાજમાં પડઘાય છે. તેઓ કહે છે, “ઘણા પ્રસંગોએ અમે નોંધ્યું છે કે દર્દીને સમયસર લાવવામાં આવ્યો હોત તો આંખ બચાવી શકાઈ હોત. કોર્નિયાની ઈજામાંથી સાજા થવાની પ્રક્રિયા લાંબી અને કંટાળાજનક છે અને સારવાર બંધ કરવાથી અંધત્વ આવી શકે છે."
પરંતુ દર્દીઓ તેમની આરઆઈઓની મુલાકાતમાં અનિયમિત હોવા પાછળ અણધાર્યા પરિબળો જવાબદાર છે. ઉંમરના પચાસના દાયકાના અંતમાં પહોંચેલા નારાયણ સન્યાલનો જ દાખલો લઈએ, જેમણે અમને કહ્યું કે, “હું હુગલી જિલ્લામાં એક ખૂબ દૂરના સ્થળે [ખાનકુલ] રહું છું. મારે માટે ચેક-અપ માટે સ્થાનિક ડૉક્ટર [એક ઊંટવૈદ] પાસે જવાનું વધારે સરળ છે. મને ખબર છે કે એ ડોક્ટર તરીકેની પૂરતી લાયકાત ધરાવતા નથી પણ હું શું કરું? પીડાને અવગણીને કામ કરતો રહું છું. જો હું અહીં આવું તો મને દર વખતે લગભગ 400 રુપિયાનો ખર્ચ થાય છે. એ મને પરવડી શકે તેમ નથી.”
દક્ષિણ 24 પરગણાના પાથારપ્રતિમા બ્લોકના પુષ્પારાની દેવી પણ આવી જ મુશ્કેલીઓનો સામનો કરે છે. તેઓ છેલ્લા 10 વર્ષથી તેમના બે બાળકો સાથે ઝૂંપડપટ્ટીમાં રહે છે અને ઘરેલુ નોકર તરીકેનું કામ કરે છે. તેમણે કહ્યું, "મેં મારી ડાબી આંખની લાલાશને અવગણવાની ભૂલ કરી હતી. અને ચેક-અપ માટે હું સ્થાનિક ડૉક્ટર પાસે ગઈ હતી. પછીથી પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. મારે કામ કરવાનું બંધ કરવું પડ્યું હતું. એ પછી હું અહીં [આરઆઈઓમાં] આવી. અહીંના ડોકટરોને પ્રતાપે જ 3 મહિનાના નિયમિત ચેક-અપ પછી મને મારી દ્રષ્ટિ પાછી મળી. હવે પૂરેપૂરી દ્રષ્ટિ પાછી મેળાવવા માટે મારે શસ્ત્રક્રિયા [કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ] કરાવવાની જરૂર છે. તેથી હું મને એ માટેની તારીખ મળે એની રાહ જોઈ રહી છું.
કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ શસ્ત્રક્રિયામાં ક્ષતિગ્રસ્ત કોર્નિયાને અથવા તેના કોઈ ભાગને દૂર કરીને તેને તંદુરસ્ત દાતા પેશી વડે બદલવામાં આવે છે. કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટનું વર્ણન કરવા માટે કેરટોપ્લાસ્ટી અને કોર્નિયલ ગ્રાફ્ટ એ પારિભાષિક શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે. ગંભીર ચેપ અથવા નુકસાનને દૂર કરવા, દ્રષ્ટિ સુધારવા અને અગવડ દૂર કરવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે. ડો. આશિષ એક મહિનામાં લગભગ 4 થી 16 કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ કરે છે. તે એક જટિલ પ્રક્રિયા છે જેમાં 45 મિનિટથી લઈને 3 કલાક સુધીનો સમય લાગે છે. ડો. આશિષ કહે છે, “ટ્રાન્સપ્લાન્ટ પછી સફળતાનો દર ઘણો ઊંચો છે. અને દર્દીઓ સરળતાથી તેમના કામ પર ફરીથી પાછા જઈ શકે છે. સમસ્યા કંઈક અલગ છે. પુરવઠા અને માંગ વચ્ચે તફાવત છે જે અમને અસર કરે છે. પરિવારોએ નેત્રદાન માટે આગળ આવવું જો ઈ એ. બંગાળમાં તેમજ સમગ્ર ભારતમાં માંગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત છે.
આરઆઈઓના ડિરેક્ટર ડો. અસીમ ઘોષનો આ સંદેશ છે: “કૃપા કરીને નોંધ લેશો કે મોટાભાગના લોકોને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોતી નથી. કૃપા કરીને પ્રારંભિક લક્ષણોને અવગણશો નહીં. કૃપા કરીને પહેલા તમારા સ્થાનિક ઓફ્થાલ્મોલોજિસ્ટ (નેત્ર ચિકિત્સક) ને બતાવો. એટલા બધા દર્દીઓ અમારી પાસે આવે છે અને તેઓ સાવ છેલ્લી ઘડીએ અમારી પાસે આવીને આંખ બચાવવાનું કહે છે ત્યારે અમને ખરાબ લાગે છે. એક ડોક્ટર તરીકે આ જોઈને અમને દુઃખ થાય છે.”
ઉપરાંત ડો. ઘોષ કહે છે, “તમારી જીવનશૈલી તંદુરસ્ત હોય એ સુનિશ્ચિત કરો. શુગર લેવલ નિયંત્રણમાં રાખો. મધુપ્રમેહ (ડાયાબિટીસ) કોર્નિયા અને આંખ સંબંધિત અન્ય વિકૃતિઓ માટેની અમારી સારવારને વધુ જટિલ બનાવે છે.
“હોસ્પિટલની પરસાળમાં હું ઉંમરના સાઠના દાયકાની શરૂઆતમાં પહોંચેલા આવારાની ચેટર્જીને મળું છું. તેઓ સ્પષ્ટપણે આનંદિત દેખાતા હતા: “હેલો, મારે હવે ફરીથી અહીં આવવાની જરૂર નથી. ડોક્ટરે કહ્યું કે મારી આંખો સારી છે. હવે હું મારી પૌત્રી સાથે સમય પસાર કરી શકીશ અને ટીવી પર મારી મનપસંદ સિરિયલ જોઈ શકીશ.”
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક