મધ્ય પ્રદેશમાં પન્નાની ગેરકાયદેસર ખુલ્લા–પ્રકારની ખાણોમાં અને તેની આસપાસના વિસ્તારોમાં, જેમાંથી કેટલાક વાઘ અભયારણ્ય અને નજીકના જંગલ વિસ્તારો હેઠળ આવે છે, યુવાન અને વૃદ્ધ બધા લોકોની મહેચ્છા છે કે તેમને તેમનું નસીબ બદલી નાખે તેવો પથ્થર મળી જાય.
જ્યારે તેમના માતા-પિતા અહીં હીરાની ખાણોમાં કામ કરે છે, ત્યારે રેતી અને કાદવમાં ખોદકામ કરતા બાળકો મોટે ભાગે ગોંડ સમુદાય (રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ) ના છે.
તેમાંનું એક બાળક કહે છે, “જો મને એક હીરો મળી જાય, તો હું તેની મદદથી આગળ અભ્યાસ કરી શકીશ.”
બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) સુધારો અધિનિયમ ( 2016 ) અનુસાર ખાણકામ ઉદ્યોગમાં બાળકોના (14 વર્ષથી ઓછી ઉંમરના) અને કિશોરો (18 વર્ષથી નીચેના)ને કાયદામાં જોખમી વ્યવસાય તરીકે સૂચિબદ્ધ જગ્યાએ રોજગાર પર રાખવા બદલ પ્રતિબંધ છે.
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બાળકો તેમના માતા-પિતા સાથે કામ કરવા આશરે 300 કિલોમીટર દૂર જાય છે. આ કિસ્સામાં, તેઓ ગેરકાયદેસર પથ્થરની ખાણોમાં કામ કરવા જાય છે. આમાંના ઘણા પરિવારો, જેઓ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના છે, તેઓ ખાણોથી એટલા નજીક વસવાટ કરે છે જે ખૂબ જોખમી છે.
એક છોકરી કહે છે, “મારું ઘર આ ખાણની પાછળ છે. અહીં દિવસમાં પાંચ વિસ્ફોટ થાય છે. [એક દિવસ] એક મોટો ખડક ધસી પડ્યો હતો અને ઘરની ચારેય દિવાલો તૂટી ગઈ હતી.”
આ ફિલ્મ અવગણાયેલા એવા બાળકોની વાર્તા કહે છે જેઓ ખાણકામમાં મજૂરી કરે છે, તથા ભણવાથી અને તેમના શિક્ષણના અધિકારથી વંચિત રહે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ