સુધીર કોસારે તેમના ઘા બતાવવા માટે ખાટલા પર ત્રાંસા બેઠા છે − એક જમણા પગમાં ઊંડો, બીજો જમણી જાંઘમાં લગભગ પાંચ સેન્ટિમીટર લાંબો, જમણા હાથની નીચે એક લાંબો જખમ છે જેના પર ટાંકા લેવા પડ્યા હતા, અને આખા શરીર પર ઉઝરડા છે.
તેમના મંદ પ્રકાશવાળા પ્લાસ્ટર વગરના ઘરના બે ઓરડાઓમાંથી એકમાં બેઠેલા, તેઓ માત્ર દિલથી જ હચમચી નથી ગયા પણ દેખીતીરીતે પીડામાં પણ છે અને તેમને આરામ નથી. તેમનાં પત્ની, માતા અને ભાઈ તેમની બાજુમાં છે. બહાર વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારમાં આખરે લાંબી ગરમી પછી પુષ્કળ વરસાદ પડી રહ્યો છે.
2 જુલાઈ, 2023ની સાંજે, લોહાર-ગાડી (રાજ્યની અન્ય પછાત જાતિ)ના જમીનવિહોણા મજૂર સુધીર, જ્યાં તેઓ કામ કરતા હતા તે ખેતરમાં એક ભારે અને વિકરાળ જંગલી ડુક્કરના હુમલામાં બચ્યા હતા. હુમલામાં ખરાબ રીતે ઘાયલ થયેલા, પાતળા પરંતુ ખડતલ 30 વર્ષીય ખેતમજૂર કહે છે કે સદનસીબે તેમના ચહેરા અને છાતીને કોઈ નુકસાન થયું નથી.
પારી 8 જુલાઈની સાંજે ચંદ્રપુર જિલ્લાના સાઉલી તાલુકામાં પ્રાદેશિક જંગલોમાં છુપાયેલ બહુ ચર્ચામાં નથી એવા એક ગામ, તેમના વતન કવાથીમાં તેમને મળે છે; હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેઓ હમણાં જ ઘરે પરત ફર્યા છે.
તેઓ યાદ કરે છે કે કેવી રીતે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતો એક સાથી મજૂર ક્ષણભર માટે તેની પોતાની સલામતીની અવગણના કરીને મદદ માટેની તેમની બૂમો સાંભળીને તે તરફ દોડ્યો હતો અને ભૂંડ પર પત્થરો ફેંક્યા હતા.
તે પ્રાણી સંભવતઃ એક માદા હતી, જેેણે તેના દાંત વડે તેમના પર હુમલો કર્યો હતો. તેઓ જ્યારે નીચે પડી ગયા હતા, ત્યારે તેમની આંખો વાદળછાયા આકાશ તરફ તાકી રહી હતી અને ભયંકર રીતે ભયભીત હતી. સુધીર કહે છે, “તે પાછું ફરીને જોરથી મારા પર હુમલો કરતું હતું, અને તેના લાંબા દાંતથી મને કરડતું હતું.” તેમનાં પત્ની દર્શના અવિશ્વાસમાં કંઈક બોલે છે; તેઓ જાણે છે કે તેમના પતિની મૃત્યુ સાથે જીવસટોસટની મુલાકાત થઈ હતી.
તે પ્રાણી નજીકની ઝાડીઓમાં નાસી ગયું હતું, પરંતુ તે પહેલાં તેણે સુધીરને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.
સુધીર જે ખેતરમાં કામ કરી રહ્યો હતો તે ખેતર તે દિવસે વરસાદના કારણે ભીનું હતું. એક પખવાડિયા કરતાં વધુ સમયથી વિલંબિત થયેલ વાવણી આખરે શરૂ થઈ ગઈ હતી. સુધીરનું કામ જંગલની સરહદે આવેલ બંધને બાંધવાનું હતું. આ માટે તેમને દૈનિક 400 રૂપિયા વેતન મળે છે; આ કામ તેઓ આજીવિકા રળવા માટે જે કામ કરે છે તેવા ઘણા કામોમાંનું એક છે. તેઓ આ વિસ્તારના અન્ય જમીનવિહોણા લોકોની જેમ દૂરના સ્થળોએ સ્થળાંતર કરવાને બદલે આ કામ કરવાનું પસંદ કરે છે.
તે રાત્રે સાઉલીની સરકારી ગ્રામીણ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સુધીરને 30 કિલોમીટર દૂર ગઢચિરોલી શહેરની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ટાંકા લેવામાં આવ્યા હતા અને સાજા થવામાં મદદ મળી રહે તે માટે છ દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા.
કાઉથી ચંદ્રપુર જિલ્લામાં હોવા છતાં, ગઢચિરોલી શહેર ચંદ્રપુર શહેર કરતાં તેમની નજીક છે જે લગભગ 70 કિલોમીટર દૂર છે. હડકવા અને અન્ય રક્ષણ માટે અને તેમના જખમોની સારવાર માટે તેમને રેબિપોર ઇન્જેક્શન માટે સાઉલીની કુટીર (સરકારી) હોસ્પિટલમાં જવાની જરૂર પડશે.
સુધીરનો જંગલી ડુક્કર દ્વારા હુમલો થવાનો અનુભવ ખેતીમાં જોખમને સંપૂર્ણપણે એક નવો જ અર્થ આપે છે. ભાવની અસ્થિરતા, આબોહવામાં ફેરફાર અને અન્ય કેટલાંક બદલાતાં પરિબળો ખેતીને સૌથી જોખમી વ્યવસાયોમાંની એક બનાવે છે. પરંતુ અહીં ચંદ્રપુરમાં, અને વાસ્તવમાં તો ભારતના સંરક્ષિત અને બિન-સંરક્ષિત જંગલોની આસપાસના ઘણા પ્રદેશોમાં, ખેડૂતોનું કામ એ એક લોહિયાળ વ્યવસાય છે.
જંગલી પ્રાણીઓ પાકને ખાઈ રહ્યાં છે, જેના કારણે ખેડૂતો આખી રાત જાગરણ કરવા અને તેમના પાકને બચાવવા માટે વિચિત્ર રીતો અપનાવવા માટે નવી નવી તરકીબો અપનાવવા મજબૂર છે, જે તેમની આવક મેળવવાનો એકમાત્ર રસ્તો છે. વાંચોઃ ‘આ એક નવા પ્રકારનો દુષ્કાળ છે.’
ઓગસ્ટ 2022થી, અને અગાઉ પણ, આ પત્રકાર વાઘ, ચિત્તા અને અન્ય જંગલી પ્રાણીઓના હુમલામાં બચી ગયેલા લોકો, ગંભીર રીતે ઘાયલ થયેલા પુરુષો અને સ્ત્રીઓ, ખેડૂતો અથવા સુધીર જેવા ખેતમજૂરોને મળ્યા છે અને તેમની મુલાકાત લીધી છે. તેઓ ચંદ્રપુર જિલ્લામાં સંરક્ષિત તાડોબા અંધારી વાઘ અભયારણ્ય (ટી.એ.ટી.આર.)ની આસપાસના જંગલવાળા તાલુકાઓ − મુલ, સાઉલી, સિંદેવાહી, બ્રહ્મપુરી, ભદ્રાવતી, વરોરા, ચિમુર ગામોમાં રહે છે અને કામ કરે છે. જંગલી પ્રાણીઓ અને માણસો વચ્ચેનો સંઘર્ષ, ખાસ કરીને વાઘ દ્વારા કરાયેલા હુમલાઓ છેલ્લા બે દાયકાથી અહીંના મુખ્ય સમાચારો છે.
આ પત્રકાર દ્વારા એકત્રિત કરવામાં આવેલી જિલ્લા વન માહિતી દર્શાવે છે કે ગયા વર્ષે, એકલા ચંદ્રપુર જિલ્લામાં જ વાઘના હુમલામાં 53 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 30 લોકો સાઉલી અને સિંદેવાહી પટ્ટામાં મૃત્યુ પામ્યા હતા. આ આંકડો તે વિસ્તારને માણસો અને વાઘના સંઘર્ષનું એક ઉકળતું હોટસ્પોટ બનાવે છે.
ઇજાઓ અને જાનહાનિ ઉપરાંત, ભય અને આતંકનું શાસન ટી.એ.ટી.આર.ના ભૂપ્રદેશમાં આવેલા ગામડાઓમાં ફેલાયેલું છે, બફર ઝોન અને તેની બહાર બન્ને જગ્યાએ. ખેતરમાં થતા આ હુમલાના પરિણામો સ્પષ્ટ છે; જંગલી ડુક્કર, હરણ અથવા નીલગાય પાકમાંથી કશું જ બાકી નહીં રાખે. આ કારણે બધું જ સફાચટ કરી જનારાં પ્રાણીઓ અને હતાશાના ભય વચ્ચે ખેડૂતો રવિ (શિયાળુ પાક)ની કામગીરી છોડી રહ્યા છે.
સુધીર નસીબદાર છે કે તે જીવતો છે − તેમના પર વાઘ નહીં પણ જંગલી ડુક્કર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વાંચોઃ ખોલદોડામાં: માંચડા પર રાત્રિ જાગરણ
*****
ઓગસ્ટ 2022માં એક વરસાદી બપોરે, જ્યારે તેઓ અન્ય મજૂરો સાથે ખેતરમાં ડાંગરનું વાવેતર કરી રહ્યા હતા, ત્યારે 20 વર્ષીય ભાવિક ઝારકરને તેમના પિતાના મિત્ર વસંત પીપરખેડેનો ફોન આવ્યો.
પીપરખેડેએ ભાવિકને ફોન પર જણાવ્યું હતું કે તેના પિતા ભક્તદા પર થોડા સમય પહેલા વાઘ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભક્તદાનું મૃત્યુ થયું હતું અને તેમના મૃતદેહને જંગલી બિલાડી ઘસડીને જંગલોમાં લઈ ગઈ હતી.
45 વર્ષીય પીડિત અને તેમના ત્રણ મિત્રો જંગલની ધાર પર એક ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે એક વાઘ અચાનક બહાર નીકળ્યો હતો અને જ્યારે તે જમીન પર બેસીને આરામ કરી રહ્યા હતા ત્યારે તેમના પર ઝંપલાવ્યું. વાઘ પાછળથી ઊભરી આવ્યો અને તેણે ભક્તદાને ગરદનથી પકડ્યા, કદાચ તેણે માણસને ભૂલથી શિકાર સમજ્યા હતા.
હજુ પણ આ ભયાનક ઘટનાના અસહાય સાક્ષી હોવાના અપરાધથી આઘાતમાં રહેતા પીપરખેડે યાદ કરે છે, “વાઘ અમારા મિત્રને ઝાડીઓમાં ખેંચતો જતો હતો તે જોવા સિવાય અમે બીજું કંઈ કરી શક્યા નહીં.”
આ ઘટનાના સાક્ષી અને અન્ય મજૂર સંજય રાઉતે કહ્યું, “અમે ઘણો ઘોંઘાટ કર્યો હતો. પણ મોટો વાઘ ભક્તદાને પહેલેથી જ પકડી ચૂક્યો હતો.”
બન્ને મિત્રો કહે છે કે તેમના બદલે આસાનાથી તે બેઉં માંથી કોઈ એક પણ આનો શિકાર બની શક્યું હોત.
વાઘ આ વિસ્તારમાં થોડા સમયથી ભટકતો હતો, પરંતુ તેમને તેમના ખેતરમાં જ આ પ્રાણીનો સામનો થવાની અપેક્ષા નહોતી. ભક્તદાનું મૃત્યુ વાઘના હુમલાથી થયેલું ગામનું પ્રથમ માનવ મૃત્યુ હતું. અગાઉ, ગામલોકોએ વાઘના સકંજામાં ઢોર અને ઘેટાં ગુમાવ્યા છે. છેલ્લા બે દાયકામાં સાઉલી અને આસપાસના તાલુકાઓમાં વાઘે ઘણા લોકોનો જીવ ભરખ્યો છે.
સુધીરના ગામથી નજીક જ આવેલા હીરાપુર ગામમાં તેના ઘરે ભાવિક યાદ કરે છે કે, “હું થીજી ગયો હતો.” તેની બાજુમાં તેની 18 વર્ષીય બહેન રાગિની હતી. આ સમાચાર અચાનક જ બહાર આવ્યા, અને તેમના અને તેમના પરિવાર માટે એક અણઘડ આંચકા જેવા હતા. તેઓ જે રીતે તેમના પિતાનો દુઃખદ અંત આવ્યો તે અંગે હજુ પણ સ્તબ્ધ છે.
આ ભાઈ-બહેન હવે ઘરનું સંચાલન કરે છે; જ્યારે પારીએ તેમના ઘરની મુલાકાત લીધી ત્યારે તેમનાં માતા લતાબાઈ ઘરે હાજર નહોતાં. રાગિની કહે છે, “તે હજુ આઘાતમાંથી બહાર આવી નથી.” તે કહે છે કે, “વાઘના હુમલામાં મારા પિતાના મૃત્યુને સ્વીકારવું મુશ્કેલ છે.”
ગામમાં ભય છવાઈ ગયો છે અને ખેડૂતો કહે છે, “આજે પણ, કોઈ એકલું બહાર જતું નથી.”
*****
ડાંગરના ખેતરો સાથે છવાયેલા ઊંચા સાગ અને વાંસના વૃક્ષોનું મિશ્રણ ચોરસ અને લંબચોરસ બોક્સ જેવું દેખાય છે, જે ડાંગરના ઉછેર માટે વરસાદના પાણીને જાળવી રાખે છે. આ ચંદ્રપુર જિલ્લાના સૌથી વધુ જૈવવિવિધતાથી સમૃદ્ધ ભાગોમાંનો એક છે.
સાઉલી અને સિંદેવાહી તાડોબા જંગલોની દક્ષિણે આવેલા છે, જે વાઘ સંરક્ષણ માટેના પ્રયાસોનાં ફળ આપી રહ્યા છે. ટી.એ.ટી.આર.માં નોંધાયેલા વાઘની સંખ્યા 2018માં 97 હતી તેનાથી વધીને આ વર્ષે 112 થઈ ગઈ છે, જેનો ઉલ્લેખ 2023માં રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (એન.ટી.સી.એ.) દ્વારા બહાર પાડવામાં આવેલ 2022ના સ્ટેટસ ઓફ ટાઈગર કો-પ્રિડેટર્સ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
ઘણા વાઘ સંરક્ષિત વિસ્તારો (પી.એ.)ની બહાર, પ્રાદેશિક જંગલોમાં છે જ્યાં માનવ વસવાટ પણ છે. તેથી, સંરક્ષિત વિસ્તારોમાંથી બહાર નીકળતા અને ગાઢ માનવ વસવાટમાં ફરતા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વાઘના હુમલાઓ બફર ઝોન અને આસપાસના ભૂપ્રદેશના જંગલો અને ખેતરોમાં સૌથી વધુ હતા, જે સૂચવે છે કે કેટલાક વાઘ રિઝર્વમાંથી બહાર નીકળી રહ્યા છે.
મોટાભાગના હુમલાઓ બફર ઝોન અને આસપાસના ભૂપ્રદેશમાં પી.એ.ની બહાર થયા હતા; ટી.એ.ટી.આર. ભૂપ્રદેશમાં 2013માં કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, સૌથી વધુ હુમલાઓ જંગલ વિસ્તારમાં થયા હતા, ત્યારબાદ ખેતીની જમીન અને ક્ષીણ થયેલા જંગલો અને ઉત્તર-પૂર્વીય કોરિડોર સાથેના ક્લસ્ટરમાં થયા હતા, જે રિઝર્વ, બફર ઝોન અને ખંડિત જંગલોને જોડે છે.
માનવ-વાઘ સંઘર્ષ એ સંરક્ષણમાં આવેલી તેજીનું નકારાત્મક પાસું છે, એટલે સુધી કે જુલાઈ 2023માં મુંબઈમાં રાજ્ય વિધાનસભાના તાજેતરમાં સમાપ્ત થયેલા ચોમાસુ સત્રમાં મહારાષ્ટ્રના વન મંત્રી સુધીર મુનગંટીવારે ધ્યાન ખેંચવાના પ્રસ્તાવના જવાબમાં વિધાનસભામાં પણ આ જ કારણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારે ‘ટાઈગર ટ્રાન્સલોકેશન’ પ્રયોગના ભાગરૂપે બે પુખ્ત વયના વાઘને ગોંડિયાના નાગઝિરા વાઘ અભ્યારણ્યમાં પહોંચાડ્યા છે અને વધુ વાઘને જંગલોમાં ખસેડવાનું વિચારી રહી છે જ્યાં તેમને સમાવવા માટે જગ્યા હોય.
એ જ જવાબમાં, તેમણે કહ્યું હતું કે સરકાર વાઘના હુમલામાં થતી જાનહાનિ અથવા ઇજાઓ, અથવા પાકને થતા નુકસાન અને પશુઓના મોત પર પીડિતોની આપવામાં આવતી સહાયમાં વધારો કરશે. સરકારે માનવ મૃત્યુના કિસ્સામાં સહાયની રકમ રૂ. 20 લાખથી વધારીને રૂ. 25 લાખ કરવામાં આવી હતી. પરંતુ તેણે પાકના નુકસાન અને પશુઓના મૃત્યુ માટેના વળતરની રકમમાં વધારો કર્યો નથી, જે પાકના નુકસાન માટે મહત્તમ 25,000 રૂ. અને પશુઓના મૃત્યુના કિસ્સામાં 50,000 રૂ. છે.
જો કે ટૂંકા ગાળામાં, આ કટોકટીનો કોઈ અંત દેખાતો નથી.
ટી.એ.ટી.આર. ભૂપ્રદેશ (સંરક્ષિત ક્ષેત્રની અંદર અને તેની આસપાસ)માં કરવામાં આવેલા એક વ્યાપક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, “ભારતના મધ્યમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં તાડોબા-અંધારી વાઘ અભયારણ્યની આસપાસ છેલ્લા બે દાયકામાં મનુષ્યો પર માંસભક્ષીઓના હુમલાઓમાં તીવ્ર વધારો થયો છે.”
2005-11 દરમિયાન હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં “માણસો અને મોટા માંસભક્ષી પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષને રોકવા અથવા ઘટાડવા માટે ભલામણો કરવા માટે તાડોબા-અંધારી વાઘ અભયારણ્યમાં અને તેની આસપાસના મનુષ્યો પર વાઘ અને ચિત્તા દ્વારા કરવામાં આવેલા હુમલાના માનવ અને પર્યાવરણીય લક્ષણોની તપાસ કરવામાં આવી હતી.” 132 હુમલાઓમાંથી અનુક્રમે 78 ટકા અને 22 ટકા હુમલાઓ માટે વાઘ અને ચિત્તા જવાબદાર હતા.
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, “અન્ય પ્રવૃત્તિઓ કરતાં નાના વન ઉત્પાદનો એકત્ર કરતી વખતે નોંધપાત્ર રીતે વધુ પીડિતો પર હુમલો થયો હતો.” જેમ જેમ માણસો જંગલો અને ગામડાઓથી દૂર જાય છે તેમ તેમ તેમના પર હુમલો થવાની સંભાવના પણ ઘટે છે. અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે માનવ મૃત્યુદર અને અન્ય સંઘર્ષોને ઘટાડવા માટે ટી.એ.ટી.આર.ની નજીકની માનવ પ્રવૃત્તિઓનું નિયમન કરવાની અને શક્ય તેટલું મર્યાદિત કરવાની જરૂર છે, અને ઉમેરવામાં આવ્યું છે કે, વૈકલ્પિક બળતણ સ્રોતો (ઉદાહરણ તરીકે બાયોગેસ અને સૂર્ય ઊર્જા)ની પહોંચ વધારવાથી સંરક્ષિત વિસ્તારોમાં ઇંધણ માટે લાકડાંની જરૂરિયાતનું દબાણ ઘટી શકે છે.
માનવ-પ્રભુત્વ ધરાવતા ભૂપ્રદેશોમાં જંગલી પ્રાણીઓના શિકારની ઓછી ઉપલબ્ધતા સાથે વિખેરાઈ રહેલા માંસભક્ષી પ્રાણીઓની વ્યાપક વર્તણૂક વાઘના સંઘર્ષની સંભાવના વધારે છે.
જો કે તાજેતરના વર્ષોમાં બનેલી ઘટનાઓ એ તરફ નિર્દેશ કરે છે કે જ્યારે લોકો કામ પર હોય ત્યારે ખેતરોમાં વાઘના હુમલા વધુ થાય છે; એવું નથી કે તેઓ જંગલોમાં વન પેદાશો એકત્ર કરી રહ્યા હોય અથવા પશુઓ ચરતા હોય ત્યારે જ થાય છે. ચંદ્રપુર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ, ખાસ કરીને શાકાહારી પ્રાણીઓ, પાક ખાઈ જાય છે તે ખેડૂતો માટે એક મુખ્ય માથાનો દુખાવો છે, પરંતુ ટી. એ.ટી.આર.ની નજીકના વિસ્તારોમાં, ખેતરો અથવા જંગલની ધાર પાસે વાઘ અને દીપડાના હુમલાએ ભયજનક પ્રમાણ ધારણ કર્યું છે, જેમાં કોઈ કોઈ રાહત દેખાતી નથી.
સમગ્ર પ્રદેશમાં મુસાફરી કરવામાં જંગલી પ્રાણીઓ અને વાઘના હુમલા લોકો માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે. પૂણે સ્થિત વન્યજીવ જીવવિજ્ઞાની ડૉ. મિલિંદ વાટવે કહે છે તેમ, લાંબા ગાળે આ મુદ્દો ભારતની સંરક્ષણ અનિવાર્યતાઓ પર પણ અસર કરે છે. જે રીતે સ્થાનિક લોકો સામાન્યપણે જેમ વન્યજીવનનો વિરોધ કરે છે, તેનાથી સંરક્ષિત જંગલોની બહારનાં જંગલી પ્રાણીઓ કેવી રીતે સુરક્ષિત રહી શકશે!
વર્તમાન કટોકટી એક વાઘને કારણે નથી; આ બહુવિધ વાઘ છે જેઓ અમુક વાર મનુષ્યોને શિકાર સમજીને તેમના પર હુમલો કરે છે. આવા હુમલામાં તેમના સભ્યો ગુમાવનારા પરિવારો અને ઘટનાઓના સાક્ષીઓ નિરંતર આઘાત સાથે જીવે છે.
હીરાપુરથી લગભગ 40 કિમી દૂર સાઉલી તાલુકામાં આવેલા ચાંદલી બી.કે. ગામના પ્રશાંત યેલાત્તિવર આવા જ એક પરિવારમાંથી આવે છે. 15 ડિસેમ્બર, 2022ના રોજ, તેમનાં પત્ની સ્વરૂપા એક પુખ્ત વાઘનો ભોગ બન્યાં હતાં. ગામની અન્ય પાંચ મહિલાઓએ ભયાનક રીતે વાઘને તેમના પર ઝંપલાવતા અને તેમના શરીરને જંગલ તરફ ખેંચી જતો જોયો હતો. આ ઘટના 15 ડિસેમ્બર, 2022ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી.
યેલાત્તિવર 2023માં અમારી સાથે વાત કરતાં કહે છે, “તેઓ છ મહિના પહેલાં ગુજરી ગયાં હતાં. શું થયું હતું તે હું હજુ પણ સમજી શકતો નથી.”
યેલાત્તિવરો પાસે માત્ર એક એકર જ જમીન છે અને તેઓ વધારાના સમયમાં ખેતમજૂરો તરીકે કામ કરે છે. જ્યારે આ ઘટના બની ત્યારે સ્વરૂપા અને અન્ય મહિલાઓ ગામવાસીઓમાંથી એકના ખેતરમાં કપાસ ચૂંટવામાં વ્યસ્ત હતી − કપાસનો પાક આ પટ્ટામાં જ્યાં મુખ્યત્વે ડાંગરની જ ખેતી કરવામાં આવે છે તેમના માટે નવો છે. એક વાઘ ગામની નજીકના ખેતરમાં સ્વરૂપા પર કૂદી પડ્યો અને તેમને અડધો કિમી દૂર સુધી જંગલમાં ખેંચી ગયો. વન અધિકારીઓ અને રક્ષકોની મદદથી ગામના લોકોએ આ ભયાનક ઘટનાના થોડા કલાકો બાદ તેમનો ક્ષત−વિક્ષત મૃતદેહ બહાર કાઢ્યો હતો. તેઓ આ વિસ્તારમાં વાઘના હુમલા દ્વારા થયેલ જાનહાનિની લાંબી યાદીમાં અન્ય એક શિકાર બન્યાં હતાં.
તે દિવસે તેમનો મૃતદેહ લેવા ગયેલા ગ્રામજનોમાંના એક વિસ્તારી અલ્લુરવાર કહે છે, “વાઘને ડરાવવા માટે અમારે થાળી વગાડીને અને ઢોલ વગાડીને ઘણો ઘોંઘાટ કરવો પડ્યો હતો.”
યેલાવિત્તરોના પડોશી અને છ એકર જમીન પર ખેતી કરતા સૂર્યકાંત મારુતિ પાડેવાર કહે છે, “અમે આ બધું ભયાનક રીતે જોયું હતું.” તેનું પરિણામ? તેઓ કહે છે કે, “ગામમાં ભય છવાયેલો છે.”
ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ માંગ કરી હતી કે વન વિભાગ સમસ્યાવાળા વાઘને પકડે અથવા તેને બેઅસર કરીને ગ્રામજનોના પ્રશ્નનો ઉકેલ લાવે. પરંતુ થોડા સમય પછી, વિરોધ શમી ગયો.
સ્વરૂપાના પતિએ તેમના મૃત્યુ પછી કામ પર પાછા જવાની હિંમત નથી કરી. તેઓ કહે છે કે વાઘ હજુ પણ આ ગામની સીમમાં વારંવાર આવે છે.
સાત એકર જમીનના ખેડૂત 49 વર્ષીય દિદ્દી જગલુ બડમવાર કહે છે, “અમે એક અઠવાડિયા પહેલાં મારા ખેતરમાં એક વાઘ જોયો હતો.” જુલાઈની શરૂઆતમાં, જ્યારે સારો વરસાદ શરૂ થયા પછી વાવણી શરૂ થઈ છે ત્યારે તેઓ કહે છે, “અમે કોઈપણ કામ માટે ખેતરમાં પાછા નથી ગયા. આ ઘટના ઘટ્યા પછી, કોઈએ રવિ પાકની ખેતી નથી કરી.”
પ્રશાંતને તેમનાં પત્નીના મૃત્યુ માટે વળતર પેટે 20 લાખ રૂપિયા મળ્યા તો છે, તેઓ કહે છે કે તેનાથી તેમની પત્ની જીવંત નહીં થાય. સ્વરૂપા પોતાની પાછળ એક પુત્ર અને એક પુત્રીને વિલાપ કરતાં છોડી ગયાં હતાં.
*****
2023નું વર્ષ 2022 કરતાં કાંઈ જુદું નથી, ચંદ્રપુર જિલ્લામાં ફેલાયેલા ટી.એ.ટી.આર. ભૂપ્રદેશના ખેતરોમાં વાઘના હુમલા, જંગલી પ્રાણીઓનો ખતરો હજુ પણ ચાલુ જ છે.
એક મહિના પહેલાં 25 ઓગસ્ટ, 2023ના રોજ આદિવાસી મહિલા ખેડૂત લક્ષ્મીબાઈ કન્નાકે સૌથી તાજેતરમાં વાઘના હુમલાનો ભોગ બન્યાં હતાં. તેમનું ગામ, ટેકાડી, ભદ્રાવતી તાલુકામાં ટી.એ.ટી.આર.ની ધાર પાસે આવેલું છે, જે પ્રખ્યાત મોહરલી શ્રેણીની નજીક છે, જે આ ભવ્ય જંગલમાં પ્રવેશવાનો મુખ્ય દરવાજો છે.
તે દુર્ભાગ્યપૂર્ણ સાંજે, તેઓ પોતાનાં પુત્રવધૂ સુલોચના સાથે ઈરાઈ ડેમનાં બેકવોટર્સને અડીને આવેલા તેમના ખેતરમાં કામ કરી રહ્યાં હતાં. સાંજે લગભગ 5:30 વાગ્યે, સુલોચનાએ એક વાઘને પાછળથી લક્ષ્મીબાઈનો પીછો કરતો જોયો, જે જંગલી ઘાસમાંથી ચોરીછૂપી તેમની તરફ આગળ વધી રહ્યો હતો. તેઓ બૂમો પાડે અને તેમનાં સાસુને ચેતવણી આપે તે પહેલાં જ, વાઘે વૃદ્ધ મહિલા પર હુમલો કરી દીધો હતો, અને તેમની ગરદન પકડી હતી અને તેમના મૃતદેહને ડેમના પાણીમાં ખેંચી ગયો હતો. સુલોચના સલામત સ્થળે દોડી જવામાં સફળ રહ્યાં હતાં અને તેમણે વધુ લોકોને મેદાનમાં બોલાવ્યા હતા. લક્ષ્મીબાઈનો મૃતદેહ કલાકો બાદ જળાશયમાંથી મળી આવ્યો હતો.
વન અધિકારીઓએ તેમના અંતિમ સંસ્કાર માટે તેમના 74 વર્ષીય શોકગ્રસ્ત પતિ, રામરાવ કન્નાકેને તાત્કાલિક 50,000 રૂપિયા અને થોડા દિવસો પછી મહેરબાનીની રાહે 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. વન અધિકારીઓએ આ પગલાં ગ્રામવાસીઓમાં પ્રવર્તતો ગુસ્સો અને સંભવિત જાહેર વિરોધને બાનમાં લેવા લીધાં હતાં.
ટેકડીમાં રક્ષકોની એક ટુકડી ચાંપતી નજર રાખે છે, વાઘની હિલચાલ પર નજર રાખવા માટે કૅમેરા ટ્રેપ ગોઠવવામાં આવ્યા છે, અને ગામવાસીઓ તેમના ખેતરોમાં કામ કરવા માટે જૂથોમાં જાય છે, કારણ કે ગામ આતંકમાં છે.
તે જ તાલુકા (ભદ્રાવતી)માં, અમે 20 વર્ષીય મનોજ નીલકંઠ ખેરેને મળીએ છીએ, જે તેના બીજા વર્ષમાં સ્નાતકનો અભ્યાસ કરે છે. જે 1 સપ્ટેમ્બર, 2023ની સવારે જંગલી ડુક્કરના હુમલામાં થયેલી ગંભીર ઇજાથી સ્વસ્થ થઈ રહ્યો છે.
મનોજ કહે છે, “હું મારા પિતાના ખેતરમાં નીંદણની કામગીરીની દેખરેખ રાખતો હતો, ત્યારે એક ડુક્કર પાછળથી દોડતું આવ્યો અને તેના દાંતથી મારા પર હુમલો કર્યો.”
ભદ્રાવતી તાલુકામાં આવેલા પીરલી ગામમાં તેમના મામા મંગેશ અસુતકરના ઘરે ખાટલા પર સૂતા મનોજ આબેહૂબ વિગતો સાથે આ ઘટનાનું વર્ણન કરે છે. તેઓ કહે છે, “આ બધું 30 સેકન્ડમાં બન્યું હતું.”
ડુક્કરે તેની ડાબી જાંઘ ફાડી નાખી, જ્યાં હવે પાટો બાંધવામાં આવ્યો છે, અને તેના ડાબા સાથલમાં એવા ખુન્નસથી હુમલો કર્યો કે તેના આખા પગના સ્નાયુ કપાઈ ગયા હતા. ડોક્ટરોએ તેમને કહ્યું છે કે તેમના સાથળને ફરીથી સરખા કરવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે. જેનો અર્થ છે કે તેમના પરિવારે તેમની સારવાર માટે મોટી રકમ ખર્ચવી પડશે. તેઓ કહે છે, “હું ભાગ્યશાળી છું કે હું હુમલામાં બચી ગયો. અન્ય કોઈને ઇજા થઈ ન હતી.
મનોજ એક પાકા બાંધાનો યુવાન છે, જે તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર છે. તેના માતાપિતા ખેડૂતો છે. તેમનું ગામ વડગાંવ દૂર છે અને ત્યાં જાહેર પરિવહનની સુવિધા નથી, તેથી તેના મામા તેને પિરલી લાવ્યા હતા, જ્યાંથી 27 કિમી દૂર આવેલ ભદ્રાવતી નગરની હોસ્પિટલમાં જવું સરળ છે.
તેમના સ્માર્ટફોનમાં તેઓ તે દિવસે થયેલા હુમલાની તાજી ઇજાઓની છબીઓ બતાવે છે; જે દર્શાવે છે કે તેમના ઘા કેટલા ખરાબ હતા.
લોકોના મૃત્યુ અને સરકારની અસમર્થતા ઉપરાંત, આ ઘટનાઓ ખેતીની કામગીરીને ગંભીર રીતે અસર કરે છે, એવું ચાંદલી ગામના પશુપાલક કુર્મર સમુદાય (રાજ્યમાં અન્ય પછાત જાતિ તરીકે સૂચિબદ્ધ)ના સામાજિક કાર્યકર્તા ચિંતામણ બાલમવાર કહે છે. તેઓ કહે છે, “ખેડૂતો હવે ભાગ્યે જ રવી પાકની ખેતી કરે છે અને મજૂરો ખેતરોમાં જવાથી ડરે છે.”
જંગલી પ્રાણીઓના હુમલા અને વાઘની અવરજવર ખાસ કરીને ઘણા ગામડાઓમાં રવિ પાકની વાવણીને અસર કરે છે; રાત્રિ જાગરણ લગભગ બંધ થઈ ગયું છે, અને હવે લોકો ગમે તેવી કટોકટી હોય તો પણ ગામ છોડવાથી અને સાંજે બહાર મુસાફરી કરવાથી ડરતા હોય છે.
આ દરમિયાન, કાવથીમાં, સુધીરનાં માતા શશિકલાબાઈ, જેઓ આ ગામમાં ખેતરમાં કામ કરતાં એક વૃદ્ધ ખેતમજૂર છે, તેઓ જાણે છે કે તે દુર્ભાગ્યપૂર્ણ દિવસે તેમના પુત્ર માટે જંગલી ડુક્કરનો સામનો કેટલો ખતરનાક હતો.
તેઓ ઈશ્વરનો આભાર માનતાં વારંવાર મરાઠીમાં કહે છે, “અજી માઝા પોરગા વાચલા જી”. તેઓ કહે છે કે મારો છોકરો તે દિવસે મોતના મુખમાંથી બચી ગયો હતો. “તે અમારી ઘડપણની લાકડી છે.” સુધીરના પિતા હવે નથી રહ્યા. તેઓ ઘણા સમય પહેલાં જ ગુજરી ગયા હતા. સુધીરનાં માતા પૂછે છે, “જો તે વાઘના બદલે ડુક્કર હોત, તો શું થયું હોય?”
અનુવાદક: ફૈઝ મોહંમદ