મોહમ્મદ અસગરના હાથ મશીન જેવી ચોકસાઈ સાથે ચાલે છે અને જ્યારે તેઓ વાત કરી રહ્યા હોય ત્યારે પણ તેઓ અટકતા નથી.
ત્રણ સદીઓ જૂની આ હસ્તકલાના 40 વર્ષીય કારીગર કહે છે, “કુછ પલ કે લિએ ભી હાથ રુક ગયા, તો કામ ખરાબ હો જાએગા [જો મારો હાથ થોડી ક્ષણો માટે પણ રોકાઈ જાય, તો કામ ખરાબ થઈ જશે].”
અસગર એક છાપા કારીગર (મેન્યુઅલ બ્લૉક-પ્રિન્ટિંગ કારીગર) છે અને આ કામ તેઓ લગભગ એક દાયકાથી કરી રહ્યા છે. રંગમાં ડબોળેલા લાકડાના બ્લૉકનો ઉપયોગ કરીને કાપડ પર ડિઝાઇન છાપતા અન્ય બ્લૉક પ્રિન્ટિંગ કારીગરોથી વિપરીત, તેઓ ધાતુના ફૂલો અને અન્ય ડિઝાઇનને કાપડ પર છાપવા માટે એલ્યુમિનિયમની ખૂબ જ પાતળી શીટનો ઉપયોગ કરે છે.
તબાક તરીકે ઓળખાતો પાતળા એલ્યુમિનિયમનો વરખ, જ્યારે કાપડ પર છાપવામાં આવે છે ત્યારે તે સ્ત્રીઓ માટે સાડીઓ, શરારા, લહેંગા અને અન્ય કપડાંમાં ઉત્સવ જેવી ચમક લાવી દે છે. તેમની પાછળની છાજલીમાં જટિલ ડિઝાઇનવાળા ડઝનેક લાકડાના મોલ્ડ પ્રદર્શિત થાય છે, જે સામાન્ય કપડાંને ઉત્સવમાં પહેરવાનાં કપડાંમાં ફેરવી દે છે.
બિહારના નાલંદા જિલ્લાના બિહારશરીફ શહેરમાં અડધો ડઝન દુકાનો છાપાનું કામ કરે છે. તેમના ગ્રાહકોની જેમ, છાપા કારીગરો મુખ્યત્વે મુસ્લિમો હોય છે અને તેઓ રંગરેઝ (રંગકામ કરનાર) જાતિના છે, જે બિહારમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઇ.બી.સી.) તરીકે સૂચિબદ્ધ છે. બિહાર સરકાર દ્વારા હાથ ધરાયેલા તાજેતરના જાતિ સર્વેક્ષણ અનુસાર, આ સમુદાયમાં અંદાજે 43,347 લોકો છે.
પપ્પુ કહે છે, “ત્રીસ વર્ષ પહેલાં, મારી પાસે બીજાં કામ કરવાની કોઈ તક નહોતી. તેથી, હું આમાં જોડાયો હતો.” બિહારની રાજધાની પટણાના વ્યસ્ત અને ગીચ વસ્તીવાળા સબ્જીબાગ વિસ્તારમાં 30 વર્ષથી છાપાના કપડાંની દુકાન ચલાવી રહેલા 55 વર્ષીય પપ્પુ ઉમેરે છે, “મારા નાના છાપા કામ કરતા હતા. મને આ કામ તેમની પાસેથી વારસામાં મળ્યું છે. તેમણે તેમના સમયમાં આ કામ કર્યું હતું અને હું પણ મારા સમયમાં આ કામ કરી રહ્યો છું.”
તેઓ કહે છે કે આ હસ્તકલાની માંગ ઘટી રહી છેઃ “અગાઉ પટણામાં 300 દુકાનો હતી, પરંતુ હવે માત્ર 100 જ કાર્યરત છે.” અને હવે તો ચાંદી અને સોનાનું છાપકામ ક્યાંય થતું નથી, એના બદલે એલ્યુમિનિયમની બોલબાલા છે.
સબ્જી બજારમાં એક નાનકડી વર્કશોપમાં કામ કરતા અસગર કહે છે કે 20 વર્ષ પહેલાં બિહારશરીફ શહેરમાં જ તબાક બનાવવામાં આવતો હતો. તેઓ કહે છે, “અગાઉ, શહેરમાં તબાક બનાવવામાં આવતું હતું પરંતુ મજૂરોની અછતને કારણે તે અહીં બનાવવામાં આવતું નથી. હવે, તે પટનાથી આવે છે.”
છાપા કામનું મુખ્ય હિસ્સો તબાક છે, તે એટલું નાજુક હોય છે કે સહેજ પણ પવન વાય તો તે ઉડવા લાગે છે, અને તેમાંથી કેટલાક અસગરના ચહેરા અને કપડાં પર આવીને ચોંટી જાય છે. દિવસના અંતે, તેમણે તે ધૂળને સાફ કરવી પડે છે અને ગુંદરના જાડા સ્તરમાં ઢંકાયેલી તેમની હથેળીને પણ સાફ કરવી પડે છે. તેઓ કહે છે, “મારા હાથમાંથી ગુંદર કાઢવામાં બે કલાક લાગે છે. હું આ માટે ગરમ પાણીનો ઉપયોગ કરું છું.”
અસગર આ પ્રક્રિયામાં આવતાં બધાં પગલાં બતાવે છે; તેની શરૂઆત ટીનના વાસણમાં રાખેલા ગુંદરને તેમની ડાબી હથેળી પર ઘસવાથી થાય છે. એક વાર તેમની હથેળી સંપૂર્ણપણે ગુંદરથી ઢંકાઈ જાય પછી, તેઓ ગુંદરને પલાળવા માટે હથેળી પર લાકડાના ફૂલના ઘાટને ફેરવે છે અને પછી ચીકણા ઘાટને કપડા પર મૂકે છે.
પૂરી સાવધાની અને ઝડપ સાથે કામ કરતાં તેઓ પેપરવેટની નીચે દબેલી પાતળી શીટોમાંથી એક કાઢે છે, અને તેને છાપ પાડેલા હિસ્સા પર ચોંટાડી દે છે. ગુંદરના લીધે તે વરખ બ્લૉકમાં ચોંટી જાય છે.
એક વાર વરખ કાપડ પર ચોંટી જાય, પછી તેને ગાદીવાળા કપડાથી ત્યાં સુધી દબાવવામાં આવે છે જ્યાં સુધી તે સંપૂર્ણપણે ચોંટી ન જાય. તેઓ ઉમેરે છે, “તબાક ગુંદર સાથે બરાબર રીતે ચોંટી રહે તે માટે આવું કરવું જરૂરી છે.”
આ એક નાજુક પ્રક્રિયા છે અને તેને ઝડપથી કરવામાં આવે છે, અને થોડી જ સેકંડમાં કાપડ પર એક ચમકતો ગોળાકાર આકાર ઉભરી આવે છે. નવા બનાવેલા છાપાના કપડાને ઓછામાં ઓછા એક કલાક સુધી તડકામાં રાખવામાં આવે છે જેથી ગુંદર યોગ્ય રીતે સૂકાઈ જાય અને વરખ કાયમ માટે ચોંટી રહે.
આ કારીગર વિરામ વગર સતત કામ કરીને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે. હાલમાં તેઓ જે લાલ કાપડ છાપી રહ્યા છે તે એક દલધક્કન કાપડ છે જેનો ઉપયોગ વાંસની ટોપલીઓને ઢાંકવા માટે થાય છે.
દસ બાર ચોરસ સેન્ટિમીટરની 400 ટુકડાઓની એલ્યુમિનિયમ વરખની શીટ્સની કિંમત 400 રૂપિયા હોય છે, જ્યારે એક કિલો ગુંદરની કિંમત 100 થી 150 રૂપિયા છે. એક છાપાના કપડાંની દુકાનના માલિક પપ્પુ (તે ફક્ત આ નામનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે) કહે છે, “છાપાથી કિંમતમાં 700-800 રૂપિયાનો વધારો થઈ જાય છે. ગ્રાહકો એટલા પૈસા નથી ચૂકવતા.”
બિહારના મુસ્લિમ સમુદાયના લગ્નમાં, ખાસ કરીને રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા મગધ પ્રદેશમાં થતાં લગ્નોમાં પરંપરાગત રીતે છાપાનાં કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે. તે કેટલાક રિવાજોનું અભિન્ન અંગ છે — કન્યા અને તેના પરિવારે તેમની સામાજિક સ્થિતિ ગમે તેવી હોય, તેને ધ્યાનમાં લીધા વિના, તેમની સાથે છાપાની સાડીઓ અથવા લગ્નનો પોશાક પહેરવો જ પડે છે.
આનું સાંસ્કૃતિક મહત્ત્વ હોવા છતાં, છાપાનાં કપડાં લાંબા સમય સુધી પહેરવામાં આવતાં નથી. પપ્પુ કહે છે, “આ છાપવામાં જે ગુંદરનો ઉપયોગ થાય છે તેની ગંધ ખૂબ જ અપ્રિય હોય છે. અને પછી છાપકામ એટલું નબળું હોય છે કે એક કે બે વાર ધોવાથી એલ્યુમિનિયમનું આખું વરખ બહાર નીકળી જાય છે.”
લગ્નની મોસમના ત્રણ-ચાર મહિના પછી, છાપા કામ અટકી જાય છે, અને કારીગરોએ અન્ય કામ શોધવું પડે છે.
અસગર કહે છે, “હું દુકાનમાં આઠથી દસ કલાક કામ કરું છું ત્યારે ત્રણ સાડીઓ પર છાપાનું કામ પૂરું કરી શકું છું. હું આ કામ પેટે દરરોજ લગભગ 500 રૂપિયા કમાઉં છું, પરંતુ તે માત્ર ત્રણથી ચાર મહિના માટે જ ઉપલબ્ધ હોય છે. જ્યારે છાપાનું કામ ન હોય ત્યારે હું બાંધકામ સ્થળો પર કામ કરું છું.”
અસગર બિહારશરીફ શહેરમાં રહે છે, જે વર્કશોપથી લગભગ એક કિલોમીટર દૂર છે જ્યાં તેઓ સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કામ કરે છે. તેઓ કહે છે, “પૈસા બચાવવા માટે, મારો પુત્ર બપોરના ભોજન માટે ઘરે રાંધેલું ભોજન લાવે છે.”
પાંચ વર્ષના ટૂંકા ગાળા માટે તેઓ દિલ્હી સ્થળાંતરિત થયા હતા અને બાંધકામ સ્થળો પર કામ કર્યું હતું. હવે તેઓ અહીં તેમનાં પત્ની અને તેમના 14 અને 16 વર્ષના બે પુત્રો સાથે રહે છે, જેઓ બન્ને શાળામાં ભણે છે. અસગર કહે છે કે તેઓ બિહારશરીફમાં તેમને થતી આવકથી સંતુષ્ટ છે અને પરિવાર સાથે રહેવું તેના માટે એક બોનસ છે. તેઓ આ પત્રકારને કહે છે, “યહાં ભી કામ હોઈએ રહા હૈ, તો કાહે લા બહાર જાએંગે [મને અહીં કામ મળી રહ્યું છે, તો હું કેમ સ્થળાંતર કરીશ?]?”
મોહમ્મદ રિયાઝ પપ્પુની દુકાનમાં છાપા કારીગર તરીકે કામ કરે છે. 65 વર્ષીય આ વૃદ્ધે આખું વર્ષ આજીવિકા સુનિશ્ચિત કરવા માટે અન્ય કુશળતાઓ પણ પ્રાપ્ત કરી છે. તેઓ કહે છે, “જ્યારે છાપાનું કામ ન હોય, ત્યારે હું [સંગીત] બેન્ડ સાથે કામ કરું છું. આ ઉપરાંત હું પ્લમ્બિંગ પણ જાણું છું. આ કાર્યો મને આખું વર્ષ વ્યસ્ત રાખે છે.”
પપ્પુ કહે છે કે આમાંથી થતી આવક અપૂરતી છે, અને તેનાથી તેમનાં પત્ની અને સાતથી 16 વર્ષની વયના તેમના ત્રણ બાળકોના તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. તેઓ કહે છે, “આમાં બહુ ઓછી અથવા નહીંવત કમાણી છે. આજ સુધી હું એ સમજી શક્યો નથી કે મને છાપાના કપડા પર કેટલો નફો મળે છે. જેમતેમ કરીને, હું મારા પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરી શકું છું.”
તેઓ પોતાની આ બિનટકાઉ કળાને પોતાના પુત્રોને શીખવાડવા તૈયાર નથી. “હમ પાગલ નહીં હૈ હૈં જો ચાહેંગે કી મેરે બેટે ઈઝ લાઇન મેં આયે [હું મૂર્ખ નથી કે મારા પુત્રો આ વ્યવસાયમાં જોડાય તેવું ઇચ્છું.]”
છાપા કામનું મુખ્ય હિસ્સો તબાક (એલ્યુમિનિયમનો વરખ) છે, તે એટલું નાજુક હોય છે કે સહેજ પણ પવન વાય તો તે ઉડવા લાગે છે, અને તેમાંથી કેટલાક અસગરના ચહેરા અને કપડાં પર આવીને ચોંટી જાય છે
*****
છાપાની ઉત્પત્તિ અને તેઓ બિહારી મુસ્લિમોની સંસ્કૃતિમાં આટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા કેવી રીતે ભજવવા લાગ્યા તે વિશે વધુ માહિતી નથી. બ્રિટિશ ભારતમાં સર્જન અને સર્વેક્ષક ફ્રાન્સિસ બુકાનન બિહારમાં મેન્યુઅલ બ્લૉક પ્રિન્ટિંગ કરતા કારીગરો માટે ‘છાપાગર’ શબ્દનો ઉપયોગ કરે છે.
પટના સ્થિત ઇતિહાસ જાણવાના ઉત્સાહી ઉમર અશરફ કહે છે, “મુસ્લિમ લગ્નોમાં છાપેલાં કપડાં પહેરવાની સંસ્કૃતિ બિહારમાં કેવી રીતે આવી તે શોધવું તો મુશ્કેલ છે. પરંતુ આ સંસ્કૃતિ બિહારના મગધ પ્રદેશના મુસ્લિમોમાં ખૂબ જ જોવા મળે છે, તેથી એવું માનવામાં આવે છે કે તેની શરૂઆત તે પ્રદેશમાંથી થઈ હતી.”
તેઓ હેરિટેજ ટાઇમ્સ નામનું વેબ પોર્ટલ અને ફેસબુક પેજ ચલાવે છે, જ્યાં તેઓ બિહારના મુસ્લિમોની ખોવાયેલી સંસ્કૃતિ અને વારસાનું દસ્તાવેજીકરણ કરે છે.
આ પ્રદેશમાં આ કળાની ઉત્ક્રાંતિ 12મી સદીમાં મગધ પ્રદેશમાં મુસ્લિમોના આંતરિક સ્થળાંતરને આભારી છે. અશરફ ઉમેરે છે, “કદાચ તેઓ લગ્ન દરમિયાન છાપાનાં કપડાં પહેરવાની તેમની સંસ્કૃતિ તેમની સાથે લાવ્યા હતા, અને તે મગધમાં પણ ચાલુ રહી હતી.”
છાપા બિહારથી દુનિયાના અન્ય ખૂણાઓમાં પણ ફેલાઈ ગયું છે. તેઓ કહે છે “એવા ઘણા ઉદાહરણો છે જે દર્શાવે છે કે યુરોપ, અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાં સ્થાયી થયેલા બિહારી મુસ્લિમો ત્યાં લગ્નોમાં પહેરવા માટે ભારતમાંથી છાપા કપડાં લઈ ગયા છે.”
આ વાર્તાને બિહારના એક ટ્રેડ યુનિયનિસ્ટની યાદમાં - જેમણે આ રાજ્યમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સંઘર્ષોનું સમર્થન કર્યું હતું - શરુ કરાયેલી ફેલોશિપનું સમર્થન મળ્યું છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ