હમણાં જ ધંધાર્થે ઉત્તરાખંડ મુસાફરી કરીને પાછા ફરેલા માયલાપિલ્લી પટ્ટૈયા કહે છે, “ગામમાં આપણે કોઈ પણ સમયે જઈશું, ગામના અડધા માણસો તો ગામની બહાર જ હશે. કોઈ હૈદરાબાદના અંબરપેટ બજારમાં, કોઈ વિજયવાડાના બેસન્ટ રોડ પર, તો કોઈ વાશી માર્કેટ કે મુંબઈમાં ગેટ વે ઑફ ઇન્ડિયા પાસે, અથવા દિલ્હીમાં પહાડગંજ વિસ્તારમાં હશે. બધા ત્યાં ટોપલીઓ અને ઝૂલા વેચે છે.”
42 વર્ષીય પટ્ટૈયાએ, ગામના બીજા લોકોની જેમ, લગભગ 20 વર્ષ પહેલાં નાયલોનના દોરડાની ટોપલીઓ, થેલા, હીંચકા અને ઝૂલા બનાવવાનું શરૂ કર્યું હતું. એ સમયે, શ્રીકાકુલમ જિલ્લાના રણસ્તલમ મંડળમાં બંગાળની ખાડીને અડીને આવેલા લગભગ 250 લોકોની વસ્તી ધરાવતા દરિયાકાંઠાના નાનકડા ગામ કોવ્વાડામાં (વસ્તી ગણતરીમાં જીરુકોવવાડા તરીકે સૂચિબદ્ધ) માછીમારી મુખ્ય વ્યવસાય હતો.
પછી જળ પ્રદૂષણથી આ વિસ્તારના જળ સંસાધનોનો નાશ થવા લાગ્યો. 1990ના દાયકામાં અહીંથી માંડ 10 કિમી દૂર આવેલા પાયડીભીમાવરમ ગામમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો સ્થપાયા. અભ્યાસો દર્શાવે છે કે આ ઉદ્યોગોએ ભૂગર્ભજળ તેમજ દરિયાઈ પાણીને પ્રદૂષિત કર્યું છે.
ભારતના પર્યાવરણ મંત્રાલયે તેના જોખમી કચરાને કારણે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનને ‘રેડ કેટેગરી’ની પ્રવૃત્તિ તરીકે વર્ગીકૃત કર્યું છે. ભારતમાં સમુદાયો અને પર્યાવરણ પર ફાર્માસ્યુટિકલ પ્રદૂષણની અસરો શિર્ષકવાળા અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, 1990ના દાયકાની શરૂઆતથી વૈશ્વિક ફાર્મા ક્ષેત્રનો ફેલાવો શરૂ થયા પછી, આ ઉદ્યોગ “ભારતીય અર્થતંત્રના સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનો એક” બની ગયો છે. આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રોમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યનો સમાવેશ થાય છે. આ અહેવાલમાં મુખ્યત્વે “તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના અનિયંત્રિત વિસ્તરણની લાંબા ગાળાની નકારાત્મક અસરો” વિશે વાત કરવામાં આવી છે.
પાયડીભીમાવરમ-રણસ્તલમ પ્રદેશ હવે આંધ્રપ્રદેશનું મુખ્ય ફાર્મા કેન્દ્ર બની ગયું છે, જ્યાં કોલકાતા-ચેન્નાઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગની બંને બાજુ ફાર્મા ઉદ્યોગો સ્થાપવામાં આવેલા છે. જ્યારે આ ઔદ્યોગિક પટ્ટાને 2008-2009 માં વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ) બનાવવામાં આવ્યો, ત્યારે અહીંના ઉદ્યોગોને વધુ વેગ મળ્યો, અને નવી કંપનીઓએ અહીં પણ પોતાના યુનિટ સ્થાપવાનું શરૂ કર્યું. 2005નો SEZ કાયદો ઘણા કરવેરામાંથી મુક્તિ આપે છે અને શ્રમ કાયદાઓમાં છૂટછાટ સાથે ઉદ્યોગોને સબસિડી પૂરી પાડે છે. આંધ્રપ્રદેશમાં 19 SEZ આવેલા છે, જેમાંથી ચાર ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનને સમર્પિત છે. પાયડીભીમાવરમ પણ તેમાંથી એક છે.
ગણગલ્લા રામુડુ કહે છે, “તેમની [કચરાની નિકાલ] માટેની પાઈપલાઈન સમુદ્રની નીચે 15 કિમી સુધી છે, પરંતુ જ્યારે પણ અમે માછીમારી કરવા જઈએ છીએ, ત્યારે ફાર્મા ઉદ્યોગોમાંથી નીકળતું તેલ અને કચરો દરિયાકાંઠેથી 100 કિલોમીટર દૂર સુધી જોવા મળે છે.” રામુડુ કોવ્વાડા ગામમાં બાકી રહેલા થોડા ટેપ્પા (હાથ વડે ચાલતી હોડી) માંથી એકના માલિક છે (કવર ફોટોમાં). તેઓ ઉમેરે છે, “20 વર્ષ પહેલાં, દરેક ઘરમાં ઓછામાં ઓછી એક ટેપ્પા હતી, હવે માત્ર 10 જ વધી છે. અમે 2010માં રણસ્તલમમાં MRO [મંડળ મહેસૂલ અધિકારી] કાર્યાલયની સામે સતત ત્રણ મહિના સુધી વિરોધ કર્યો હતો, પરંતુ કોઈએ અમારી વાત ન સાંભળી. તેથી અમારે અમારો વિરોધ પાછો ખેંચી લેવો પડ્યો અને અમારા કામ પર પાછા ફર્યા.”
બુડુમુરુ ગામ સ્થિત નેશનલ એલાયન્સ ઑફ પીપલ્સ મૂવમેન્ટ્સ સાથે સંકળાયેલા પર્યાવરણ કાર્યકર્તા, કુનમ રામુ કહે છે, “ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષણને કારણે આ વિસ્તારના જળ સંસાધનો નાશ પામ્યા છે. મૃત કાચબા અને માછલીઓ ઘણી વાર કિનારે પડેલાં જોવા મળે છે અને તેમાં ઓલિવ રિડલી જાતિના કાચબાનો પણ સમાવેશ થાય છે. સમુદ્રતળમાં રહેલા વનસ્પતિક જીવો ઝેરી રસાયણોથી પ્રદૂષિત થઈ ગયા છે, જેના કારણે જળચર પ્રાણીઓમાં પણ આ ઝેર ફેલાયું છે.”
આ પરિસ્થિતિના કારણે કોવ્વાડા અને તેની નજીકના અન્ય ગામોમાં માછીમારીની પ્રવૃત્તિને લગભગ નિરર્થક કરી દીધી છે. 40 વર્ષીય માયલાપિલ્લી અપ્પન્ના કહે છે, “ઘણો સમય મહેનત કર્યા પછી પણ કોઈ માછલી પકડાતી ન હોવાથી અમે હવે માછીમારી છોડી દીધી છે. અમે સવારે 4 વાગ્યે દરિયામાં જઈએ છીએ, 20 કિલોમીટર દૂર સુધી હોડી ચલાવીએ છીએ, સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે જાળ નાખીએ છીએ અને થોડા કલાકો રાહ જોયા પછી બપોરે 2 કે 3 વાગ્યે કિનારે પાછા આવીએ છીએ. એક ટેપ્પામાં અમે ચારથી પાંચ જણા જઈએ છીએ. દિવસના અંતે, અમે 100-100 રૂપિયા પણ કમાઈ શકતા નથી.”
વધુમાં પટ્ટૈયા ઉમેરે છે, “અમે જે માછલી પકડીએ છીએ, તેને વેચીને પૈસા કમાવવાની વાત તો દૂર રહી પણ અમારા ઘરમાં રસોઈ બનાવવા માટે પણ તે પૂરતી નથી. અમારે અમારા ઘરમાં રાંધવા માટે વિશાખાપટ્ટનમ, શ્રીકાકુલમ અથવા રણસ્તલમથી માછલી લાવવી પડે છે.”
તેથી, કોવ્વાડાના અન્ય ઘણા લોકોની જેમ, અપ્પન્ના અને પટ્ટાય્યાએ ટોપલીઓ, થેલા, હીંચકા અને ઝૂલા બનાવવાનું કામ શરૂ કર્યું, જેને તેઓ દેશભરમાં વેચે છે. તેઓ કહે છે કે તેમણે વિવિધ વિકલ્પો અજમાવી જોયા, જેમાંથી આ એક લાભદાયી વિકલ્પ સાબિત થયો છે, કારણ કે શ્રીકાકુલમમાં નાયલોનના દોરડા સરળતાથી ઉપલબ્ધ હતા. અપ્પન્ના કહે છે, “મેં છેલ્લા 20 વર્ષો દરમિયાન 24 રાજ્યોમાં પ્રવાસ કર્યો છે, જેમાંના મોટાભાગના રાજ્યોમાં એકથી વધુ વખત મુસાફરી કરી છે.” તેમનાં પત્ની લક્ષ્મી ઉમેરે છે, “હું ટોપલીઓ બનાવું છું જ્યારે મારા પતિ તેને વેચવા માટે બીજી જગ્યાએ લઈ જાય છે.”
નાયલોનના દોરડા, ગામ સુધી ટેમ્પો અથવા ટ્રકમાં લાવવાના પરિવહન ખર્ચ સાથે કિલો દીઠ 350-400 રૂપિયામાં પડે છે. અપ્પન્ના ઉમેરે છે, “અમે એક કિલોમાંથી 50 ટોપલીઓ બનાવીએ છીએ અને દરેક ટોપલી 10 થી 20 રૂપિયામાં વેચીએ છીએ, જેનાથી પ્રતિ કિલો 200 થી 400 રૂપિયાનો નફો થાય છે.” ઝૂલા અથવા હીંચકા, કાપડ અને નાયલોનમાંથી બનાવવામાં આવે છે અને દરેક 150 થી 200 રૂપિયામાં વેચાય છે.
ગામના પુરુષો જૂથ બનાવીને દૂર દૂરના સ્થળોએ આ વસ્તુઓ વેચવા જાય છે. એપ્રિલમાં કેરળની સફર પર તેમની સાથે આવેલા અપ્પન્નાના મિત્ર ગણગલ્લા રામુડુ, પ્રવાસ દરમિયાન તેમના ભોજન, મુસાફરી અને રહેઠાણ માટેના દૈનિક ખર્ચની રૂપરેખા આપતાં કહે છે, “જ્યારે હું 15 મેના રોજ [એક મહિના પછી] પાછો ફર્યો ત્યારે માત્ર 6,000 રૂપિયા જ બચ્યા હતા.”
પટ્ટાયા તેમની અવારનવારની મુસાફરીને કારણે કન્નડ, મલયાલમ, તમિલ અને હિન્દી ભાષાઓમાં નિપુણ બની ગયા છે. તેઓ કહે છે, “અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાંની ભાષા શીખી લઈએ છીએ કારણ કે તે અમારા ગ્રાહકો સાથે વાતચીત કરવા માટે ખૂબ જરૂરી છે. હવે તહેવારો અને પ્રસંગો એવા સમય છે જ્યારે આખું ગામ ભેગું થાય છે. ટોપલીઓ અને ઝૂલા વેચવા બહાર ગયેલા પુરુષો મહત્ત્વના તહેવારો માટે પાછા આવે છે, અને પછી ફરીથી તેઓ તેમના કામે નીકળી પડે છે.”
લક્ષ્મીની જેમ, ગામની ઘણી સ્ત્રીઓ, ટોપલીઓ, ઝૂલા અને હીંચકા બનાવવા ઉપરાંત, મનરેગા (MGNREGA) યોજનામાં કામ કરે છે, જેનાથી તેમને સમયાંતરે થોડી આવક થાય છે. 56 વર્ષીય માયલપિલ્લી કન્નમ્બા, જેઓ નજીકના ગામડાઓમાં સૂકી માછલીઓ વેચે છે, કહે છે, “મેં ચાર અઠવાડિયા સુધી કામ કર્યું છે, પરંતુ અત્યાર સુધી મને 100 રૂપિયા પ્રતિ દિવસ લેખે માત્ર બે અઠવાડિયાનો પગાર જ મળ્યો છે.” 2018-19ના નાણાકીય વર્ષ માટે આંધ્રપ્રદેશમાં મનરેગા (MGNREGA)નું નિર્ધારિત લઘુતમ વેતન 205 રૂપિયા છે. કન્નમ્બા કહે છે, “અમે વિશાખાપટ્ટનમથી માછલીઓ લાવીએ છીએ, તેને વેચતા પહેલાં બે દિવસ સુધી સૂકવીએ છીએ. એક સમયે અમને આ માછલીઓ મફતમાં મળતી હતી. હવે અમારે 2000 રૂપિયાનો નફો મેળવવા માટે 10,000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે.”
થોડા સમય પછી, આ થોડો ઘણો જે પણ નફો મળે છે એ પણ બંધ થઈ શકે છે. કોવ્વાડા સહિત ત્રણ ગામ અને બે નાનાં પરાંમાં આવેલી 2,073 એકર જમીનમાં પરમાણુ ઊર્જા મથક ગ્રામજનોને સંપૂર્ણપણે વિસ્થાપિત કરી શકે છે, જે ટોપલીઓ અને ઝૂલાના સાધારણ વેપારને ખોરવી શકે છે અને માછીમારીના વ્યવસાયને વધુ નુકસાન પહોંચાડી શકે છે. વાંચો: “ પાવરલેસ ઈન અ પાવર-સરપ્લસ સ્ટેટ ”
અનુવાદક: કનીઝફાતેમા