રૂપેશ મોહરકર તેમના 20 વર્ષના પુરુષો અને સ્ત્રીઓના સમૂહને ફટાફટ થોડી જુસ્સાભરી વાતો કરવા ભેગા કરે છે માટે એકઠાં કરે છે.
આ યુવાનો તેમના સંક્ષિપ્ત પ્રવચનને ધ્યાનથી સાંભળે છે ત્યારે 31 વર્ષીય કોચ “હવે ધ્યાનથી સાંભળજો” એમ મોટેથી બૂમ પાડે છે. આ આજ આજ ભાઈ અત્યારેની વાત છે. એમને કોઈ કાલના ભરોસે ના રહેવાની એ ચેતવણી આપે છે “આળસને અહિંયા કોઈ સ્થાન નથી!” એવું એ તેમને યાદ અપાવે છે.
સમર્થનમાં માથું ધુણાવતું , ગંભીર ચહેરાવાળું આ ટોળું વિજયનાદ કરે છે. બધા ઉત્સાહિત થઈને, પોતપોતાની દોડ, સ્પ્રિંટ (પૂરજોશની ટૂંકા અંતરની દોડ) અને કસરત તરફ પાછા ફરે છે − આ શારીરિક તાલીમ તેઓ એક મહિનાથી કરી રહ્યા છે.
એપ્રિલની શરૂઆતમાં, સવારે 6 વાગ્યે ભંડારામાં શહેરનું એકમાત્ર જાહેર મેદાન એવું શિવાજી સ્ટેડિયમ ઉત્સાહી યુવાનોથી ભરેલું છે, જેઓ પરસેવો પાડે છે, 100 મીટર સ્પ્રિંટ કરે છે; 1600 મીટર દોડે છે; અને સહનશક્તિ બનાવવા માટે શોર્ટ-પુટ અને અન્ય કવયાતોની પ્રેક્ટિસ કરે છે.
નજીક આવી રહેલી સામાન્ય ચૂંટણીઓ, કે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત જીતવાની આશા રાખી રહ્યા છે તે તેમના દિમાગ પર નથી. ભંડારા-ગોંદિયા સંસદીય મતવિસ્તારમાં 19 એપ્રિલ, 2024ના રોજ પ્રથમ તબક્કામનું મતદાન કરાશે, જે લાંબી, કઠિન અને પરસેવો પાડી દે તેવી ચૂંટણીની મોસમ હશે.
ચૂંટણીની લડાઈઓથી દૂર, આ યુવકો અને યુવતીઓ આગામી રાજ્ય પોલીસ ભરતી અભિયાનની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના માટે અરજીઓ 15 એપ્રિલે બંધ થાય છે. આ પરીક્ષા − જે શારીરિક અને લેખિત પરીક્ષાનું સંયોજન હશે, તે પોલીસ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ ડ્રાઇવર્સ, રાજ્ય રિઝર્વ પોલીસ દળ, પોલીસ બેન્ડમેન અને જેલ કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ ભરવા માટે થોડા મહિનામાં યોજાશે.
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ (IHD) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા 2024 ભારત બેરોજગારી અહેવાલ અનુસાર, બેરોજગાર કાર્યબળનાં ભારતના યુવાનોનો હિસ્સો લગભગ 83 ટકા છે, જ્યારે બેરોજગારોમાં માધ્યમિક અથવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકોનો હિસ્સો 2000માં 54.2 ટકા હતો તેનાથી વધીને 2022માં 65.7 ટકા થયો છે.
જો દેશના ગ્રામીણ યુવાનોમાં બેરોજગારી અને પ્રવર્તમાન ચિંતાને એક ચહેરો હોત, તો તે આ ક્ષણે શિવાજી સ્ટેડિયમ જેવો દેખાત, કે જ્યાં દરેક જણ અન્ય સાથે સ્પર્ધા કરી રહ્યો છે, પરંતુ જાણે છે કે તેમાંથી માત્ર થોડા જ લોકો સફળ થશે. આમાં સફળ થવું મુશ્કેલ છે. લાખો લોકો અમુક જ ખાલી જગ્યાઓ માટે સ્પર્ધા કરે છે.
ભંડારા અને ગોંદિયા જંગલથી સમૃદ્ધ, વધુ વરસાદ ધરાવતા જિલ્લાઓ છે, જ્યાં ડાંગરની ખેતી થાય છે, પરંતુ તેમાં અનુસૂચિત જનજાતિઓ અને અનુસૂચિત જાતિઓની નોંધપાત્ર વસ્તીને નોકરી આપવા માટે કોઈ નોંધપાત્ર ઉદ્યોગો નથી. છેલ્લા બે દાયકામાં આ જિલ્લાઓમાંથી નાના, સીમાંત અને જમીનવિહોણા ખેડૂતોએ અન્ય રાજ્યોમાં ભારે માત્રામાં સ્થળાંતર કર્યું છે.
મહારાષ્ટ્ર ગૃહ વિભાગે જિલ્લાવાર ક્વોટા સાથે 17,130 જગ્યાઓ ભરવા માટે ભરતી અભિયાનની જાહેરાત કરી છે. ભંડારા પોલીસમાં 60 જગ્યાઓ છે, જેમાંથી 24 જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે. ગોંદિયામાં લગભગ 110 જગ્યાઓ છે.
તેમાંથી એક પદ માટે રૂપેશ કોશીશ કરી રહ્યા છે. બાળપણમાં પિતાના અવસાન પછી તેમની માતા દ્વારા ઉછેરવામાં આવેલા રૂપેશના પરિવાર પાસે ભંડારા નજીકના સોનુલી ગામમાં એક એકર જમીન છે. ભરતી અભિયાનને પાર કરવાની અને વર્દી (ગણવેશ) મેળવવાની આ તેમની છેલ્લી તક છે.
“મારા માટે આ સિવાય બીજો કોઈ પ્લાન નથી.”
અને તેઓ તેમના સ્વપ્નને સાકાર કરવા મથામણ કરી રહ્યા છે, એની સાથોસાથ તેઓ પૂર્વીય મહારાષ્ટ્રના આ આર્થિક રીતે પછાત જિલ્લામાં લગભગ 50 યુવકો અને યુવતીઓને સ્વયંસેવક તરીકે માર્ગદર્શન પણ આપે છે.
અનૌપચારિક રીતે, રૂપેશ તેમના પોતાના સંઘર્ષ પછી ‘સંઘર્ષ’ નામથી એક અકાદમી ચલાવે છે. તેમના જૂથના દરેક સભ્ય ભંડારા અને ગોંદિયા જિલ્લાનાં વણચર્ચિત ગામડાઓમાંથી છે − નાના ખેડૂતોના બાળકો, કાયમી નોકરી મેળવવાની, તથા ગણવેશ મેળવવાની આશા રાખે છે, અને તેમના પરિવારોનો બોજ હળવો કરવા માંગે છે. તેમાંના દરેકે ઉચ્ચ માધ્યમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ બહુ ઓછા લોકો પાસે ડિગ્રી છે.
તેમાંથી કેટલાંએ ખેતરોમાં કામ કર્યું છે? બધા હાથ ઊંચા કરે છે.
તેમાંથી કેટલાંએ કામ માટે અન્યત્ર સ્થળાંતર કરેલું છે? તેમાંના કેટલાકે ભૂતકાળમાં આવું કર્યું હતું.
તેમાંના મોટાભાગનાંએ મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) સાઇટ્સ પર કામ કર્યું છે.
આ વિવિધ જૂથોમાંનું ફક્ત એક જ જૂથ છે. આ સ્ટેડિયમ અનેક અનૌપચારિક અકાદમી જૂથોથી ભરેલું છે, જેનું નેતૃત્વ મોટે ભાગે રૂપેશ જેવી વ્યક્તિઓ કરે છે, જેમણે પરીક્ષામાં સફળતા મેળવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા છે.
અહીં શારીરિક કસરતો કરતા ઘણા યુવાનો પ્રથમ કે બીજી વખતના મતદારો છે. તેઓ ગુસ્સે છે, પરંતુ તેમની કારકિર્દી અને ભવિષ્ય વિશે ચિંતિત પણ છે. તેઓ અન્ય ક્ષેત્રોમાં પણ સુરક્ષિત નોકરીઓ, ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ, ગામડાઓમાં વધુ સારું જીવન અને સમાન તકોની ઝંખના રાખે છે તે અંગે તેઓ પારીને જણાવે છે. તેઓ સ્થાનિક રહેવાસીઓ માટે જિલ્લા પોલીસની ખાલી જગ્યાઓમાં અનામતની માંગ કરે છે.
ગુરદીપ સિંહ બચ્ચિલ કહે છે, “આ ભરતી ત્રણ વર્ષ પછી થઈ રહી છે.” ગુરુદીપ સિંહ બચ્ચિલ એક મહત્વાકાંક્ષી ઉમેદવાર છે, જેઓ 32 વર્ષની ઉંમરે, રૂપેશની જેમ જ, તે માટે એક અંતિમ પ્રયાસ કરી લેવા માંગે છે. નિવૃત્ત પોલીસકર્મીના પુત્ર રૂપેશ એક દાયકાથી પોલીસમાં નોકરી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઉમેદવારોથી ભરાયેલા સ્ટેડિયમમાં ચાલતાં તેઓ કહે છે, “હું શારીરિક પરીક્ષણો પાસ કરું છું, પરંતુ લેખિત ભાગમાં અટવાઈ જાઉં છું.”
જો કે આમાં એક સમસ્યા છે: મહારાષ્ટ્રના પછાત ન હોય તેવા વિસ્તારોમાંથી ઘણા વધુ સાધનસંપન્ન ઉમેદવારો ભંડારા અને ગોંદિયા જેવા પછાત વિસ્તારોમાં રહેલી ખાલી જગ્યાઓ માટે અરજી કરે છે, જે સ્થાનિક લોકોને પાછળ છોડી દે છે, અને મોટાભાગના ઉમેદવારો દુઃખી થાય છે. ડાબેરી ઉગ્રવાદ (LWE) થી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી એક ગઢચિરોલી એક અપવાદ છે, જ્યાં માત્ર સ્થાનિક રહેવાસીઓ જ અરજી કરી શકે છે અને પોલીસની નોકરી મેળવી શકે છે. રૂપેશ અને અન્યો માટે, આ કારણે, આમાં સફળ થવું વધારે મુશ્કેલ બની જાય છે.
તેથી, તેઓ બધાં સખત પ્રેક્ટિસ કરે છે.
સ્ટેડિયમની હવા સો એક પગની જોશભેર દોડથી ઉડેલી લાલ ધૂળથી ભરેલી છે. ઉમેદવારોએ સામાન્ય ટ્રેક-સૂટ અથવા પેન્ટ પહેર્યાં છે; તેમાંના કેટલાક પગરખાં પહેરેલા છે, તો કેટલાક ઉઘાડે પગે તેમની પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ પણ વસ્તુ તેમને વિચલિત કરી શકે તેમ નથી, અને એમાંય ચૂંટણીઓ તો જરાય નહીં, જે અહીં વધુ મહત્ત્વ ધરાવતા નથી.
ભંડારામાં તેમનાં કાકીની દુકાનમાં, રૂપેશ કસાઈ તરીકે કામ કરે છે, જો કે તેઓ કસાઈ જાતિના નથી. તેમનાં કાકી પ્રભા શેન્દ્રેના પરિવારમાં આ તેમનું યોગદાન છે. એપ્રન પહેરીને, તેઓ એક નિષ્ણાતની જેમ ચિકન પર વાર કરે છે અને ગ્રાહકોના સતત પ્રવાહને પહોંચી વળે છે. તેઓ સાત વર્ષથી આ કામ કરી રહ્યા છે, અને એક દિવસ ખાખી ગણવેશ મેળવવાનું સપનું જોઈ રહ્યા છે.
મોટાભાગના ઉમેદવારોએ સીધા ચઢાણનો સામનો કરવો પડે છે, તે પાછળ તેમની ગરીબી કારણભૂત છે.
રૂપેશ કહે છે કે, કઠિન શારીરિક કવાયતોને સહન કરવા માટે તમારે સારા આહારની જરૂર છે, જેવો કે ચિકન, ઇંડા, મટન, દૂધ, ફળો, વગેરે. તેઓ કહે છે, “અમારામાંના મોટાભાગના લોકોને સારું ભોજન પરવડી શકે તેમ નથી”
*****
ભંડારા એ અત્યંત ગરીબ ગ્રામીણ યુવકો અને યુવતીઓ મહિલાઓ માટે એક કેન્દ્ર સમાન છે, જ્યાં તેઓ આવે છે, રહે છે અને પોલીસ માટેના ભરતી અભિયાનની તૈયારી કરે છે − જ્યારે પણ તેની જાહેરાત કરવામાં આવે ત્યારે.
શિવાજી સ્ટેડિયમમાં અબજો સપનાં એકબીજા સાથે ટકરાય છે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ જિલ્લામાંથી વધુ યુવાનો મેદાનમાં આવશે. જે રીતે અમે ગઢચિરોલીની સરહદે આવેલા ગોંદિયાના અર્જુની મોરગાંવ તાલુકામાં અરકતોંડી ગામમાં મનરેગાના કાર્યસ્થળ પર મળીએ છીએ. અહીં 24 વર્ષીય સ્નાતક મેઘા મેશરામ તેમનાં માતા સરિતા અને અન્ય 300 જેટલા ગ્રામજનો, યુવાનો અને વૃદ્ધો સાથે રેતી અને પથ્થરો લઈ જઈ રહ્યાં છે. 23 વર્ષની મેઘા આડેનું કામ પણ એવું જ છે. મેઘા મેશરામ દલિત (અનુસૂચિત જાતિ) છે અને મેઘા આડે આદિવાસી (અનુસૂચિત જનજાતિ) છે.
મેઘા મેશરામ દૃઢ અવાજે અમને કહે છે, “અમે સવારે અને સાંજે ગામમાં દોડીએ છીએ અને અમારી કવાયત કરીએ છીએ.” તેઓ ગાઢ જંગલમાં રહે છે અને દિવસ દરમિયાન તેમનાં માતાપિતાને મદદ કરીને દૈનિક વેતન કમાય છે. બંને મેઘાઓએ ભંડારાની અકાદમીઓ વિશે સાંભળ્યું છે અને પોલીસ દળમાં જોડાવાની ઇચ્છા ધરાવતા સેંકડો લોકો સાથે જોડાવા માટે મે મહિનામાં ત્યાં જવાનું વિચારી રહ્યાં છે. તેઓ તેમના ખર્ચની ચૂકવણી કરવા માટે તેમના વેતનમાંથી બચત કરી રહ્યાં છે.
એક વાર ત્યાં પહોંચ્યા પછી, તેઓ એક ઓરડો ભાડે લેશે અને સાથે રહેશે, સાથે મળીને રસોઈ કરશે અને પરીક્ષાની તૈયારી કરશે. જ્યારે કોઈ પરીક્ષા પાસ કરે છે, ત્યારે તે બધાં ઉજવણી કરે છે. અન્ય લોકો આગલી ભરતીની જાહેરાતની રાહ જોતા બીજા દિવસે સવારે ટ્રેક પર પાછા ફરે છે.
યુવતીઓ તેમના પુરુષ સમકક્ષોથી પાછળ નથી, મુશ્કેલીઓની વાત ન કરીએ તોય.
21 વર્ષીય વૈશાલી મેશરામ તેમની મજબૂરીને ઢાંકતાં સ્મિત સાથે કહે છે, “હું મારી ઊંચાઈના કારણે હારનો સામનો કરું છું.” તેઓ ઉમેરે છે કે, તે બાબત તેમના હાથમાં નથી. તેથી, તેમણે ‘બેન્ડમેન’ શ્રેણીમાં અરજી કરી છે, જેમાં તેમની ઊંચાઈ અવરોધ નહીં બને.
વૈશાલી તેમની નાની બહેન ગાયત્રી અને બીજા ગામની 21 વર્ષીય પોલીસ દળની ઉમેદવાર મયૂરી ઘરડે સાથે શહેરમાં એક ઓરડો શેર કરી રહ્યાં છે. તેમના સુઘડ અને વ્યવસ્થિત રૂમમાં, તેઓ વારાફરતી ભોજન રાંધે છે. તેમનો ઓછામાં ઓછો માસિક ખર્ચ 3,000 રૂપિયા છે. અને તેઓ પ્રોટીન માટે મુખ્યત્વે ચણા અને કઠોળ ખાય છે.
વૈશાલી કહે છે કે આકાશને આંબી રહેલી કિંમતો તેમના બજેટને અસર કરી રહી છે. “બધું બહુ મોંઘુ છે.”
તેમનું દૈનિક સમયપત્રક વ્યસ્ત હોય છેઃ તેઓ સવારે 5 વાગ્યે ઊઠે છે, શારીરિક તાલીમ માટે મેદાન સુધી સાયકલ ચલાવીને જાય છે. સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી તેઓ નજીકના પુસ્તકાલયમાં અભ્યાસ કરે છે. રૂપેશ માંસની દુકાનમાં તેમના કામમાંથી વિરામ લઈને આવે છે અને મોક ટેસ્ટ પેપર ડ્રીલમાં તેમને માર્ગદર્શન આપે છે. સાંજે, તેઓ શારીરિક કવાયત માટે મેદાન પર પાછાં આવે છે; અને પરીક્ષણની તૈયારી સાથે તેઓ દિવસને સમાપ્ત કરે છે.
રૂપેશ અથવા વૈશાલી જેવા લોકો વાસ્તવમાં ખેતીમાંથી છૂટવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જેમાં તેમને ઉજ્જવળ ભવિષ્ય નથી દેખાતું − તેમાંના મોટાભાગના લોકો તેમના માતાપિતાને કોઈ વળતર વિના ખેતરોમાં સખત મહેનત કરતાં જુએ છે. તેઓ પગપાળા મજૂરી તરીકે દૂરસુદૂર સુધી સ્થળાંતર કરવા માંગતાં નથી.
જેમ જેમ તેઓ મોટાં થાય છે, તેમ તેમ તેઓ સુરક્ષિત નોકરીઓ મેળવવા માટે આતુર બને છે, જેને તેઓ પ્રતિષ્ઠિત આજીવિકા માને છે. પરંતુ ખાનગી ક્ષેત્ર અને સરકારમાં નોકરીઓ ખૂબ ઓછી છે. 2024ની ચૂંટણીઓ શરૂ થવાને આરે છે, ત્યારે તેઓ નિરાશ છે કે વર્તમાન સરકાર તેમના ભવિષ્ય વિશે વાત જ નથી કરી રહ્યું. આ પોલીસ ભરતી અભિયાન એ લોકો માટે એકમાત્ર તક છે, જેમણે ધોરણ 12 પાસ કર્યું છે પરંતુ તેમની પાસે વધુ લાયકાત નથી.
આગામી ચૂંટણીમાં તેઓ કોને મત આપશે?
આ પ્રશ્ન પછી એક લાંબુ મૌન તોળાય છે. આ પ્રશ્ન તેમના અભ્યાસક્રમની બહારનો છે!
અનુવાદક: ફૈઝ મોહંમદ